ડૉક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મોમાં શ્રેષ્ઠતાની ઉજવણી સાથે 19મા મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF 2026)નું સમાપન
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડૉક્યુમેન્ટરી ફિલ્મ માટેનો 'ગોલ્ડન કોન્ચ' એવોર્ડ પોલિશ ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘સિલ્વર’ને મળ્યો
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મક ફિલ્મો માટેનો 'સિલ્વર કોન્ચ' એવોર્ડ ‘અંડર ધ સ્નો’ (શોર્ટ ફિક્શન) અને ‘માયાસ સોંગ’ (એનિમેશન) ને આપવામાં આવ્યો
રાષ્ટ્રીય સ્પર્ધા હેઠળ ‘આર્મસ્ટ્રોંગ ફ્રોમ અગાલામ્મન ટેમ્પલ સ્ટ્રીટ’ (એનિમેશન), ‘સ્મોલ ક્લાઉડ્સ’ (શોર્ટ-ફિક્શન) અને ‘વાઈ’ (ડૉક્યુમેન્ટરી) એ સિલ્વર કોન્ચ મેળવ્યા
મિફ (MIFF) સર્જનાત્મક શ્રેષ્ઠતાની ઉજવણી કરતા વૈશ્વિક આંદોલન તરીકે વિકસિત થયું છે, “ક્રિએટ ઇન ઇન્ડિયા, ક્રિએટ ફોર ધ વર્લ્ડ” ભારતની સર્જનાત્મક અર્થવ્યવસ્થાને આગળ ધપાવે છે: મહારાષ્ટ્રના રાજ્યપાલ જીષ્ણુ દેવ વર્મા
મહારાષ્ટ્રના રાજ્યપાલે મિફના સમાપન સમારોહમાં AIના જવાબદાર ઉપયોગ અને ફિલ્મ નિર્માતાઓની બૌદ્ધિક સંપત્તિના રક્ષણ માટે આગ્રહ કર્યો
સિનેમા, વાર્તા કહેવા (સ્ટોરીટેલિંગ), કલાત્મક પ્રવૃત્તિઓ અને સર્જનાત્મકતા પ્રત્યેના તેમના જુસ્સાથી એકજૂથ થયેલા ફિલ્મ નિર્માતાઓ, ફિલ્મ પ્રેમીઓ, ઉદ્યોગના વ્યાવસાયિકો અને યુવા સર્જનાત્મક માનસોની ઉત્સાહી ઉપસ્થિતિ વચ્ચે મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 19મી આવૃત્તિ (MIFF 2026)નું આજે સમાપન થયું હતું.
સમાપન સમારોહ દરમિયાન ડૉક્યુમેન્ટરી, એનિમેશન અને શોર્ટ ફિક્શન ફિલ્મ નિર્માણમાં શ્રેષ્ઠતાની માન્યતા આપતા કુલ 17 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડૉક્યુમેન્ટરી ફિલ્મ માટેનો 'ગોલ્ડન કોન્ચ' અને રૂ. 10 લાખનું રોકડ ઇનામ (જે ફિલ્મની નિર્દેશક અને નિર્માતા વચ્ચે સમાન ભાગે વહેંચવામાં આવશે) પોલિશ ડૉક્યુમેન્ટરી ફિલ્મ 'સિલ્વર' (Silver) ને મળ્યો હતો. પોલિશ ઇન્સ્ટિટ્યૂટના મિનિસ્ટર પ્લેનિપોટેંશિયરી અને ડિરેક્ટર સુશ્રી માલ્ગોરઝાતા વેજસિસ-ગોલેબિયાકે ફિલ્મની નિર્દેશક સુશ્રી નતાલિયા કોનિયાર્ઝ અને નિર્માતા શ્રી મેસીજ કુબિકી વતી આ સર્વોચ્ચ એવોર્ડ સ્વીકાર્યો હતો.
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય શોર્ટ ફિક્શન ફિલ્મ માટેનો 'સિલ્વર કોન્ચ' અને રૂ. 5 લાખનું રોકડ ઇનામ ઇરાની ફિલ્મ 'અંડર ધ સ્નો' (Under The Snow) ને મળ્યું હતું. આ ફિલ્મના સહ-નિર્માતા શ્રી દીપંકર પ્રકાશે ફિલ્મની નિર્દેશક સુશ્રી નફીસેહ ઝારે અને અન્ય નિર્માતા સુશ્રી કોટ્ટુકાથીરા પ્રકાશ વતી એવોર્ડ સ્વીકાર્યો હતો.
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય એનિમેશન ફિલ્મ માટેનો 'સિલ્વર કોન્ચ' અને રૂ. 5 લાખનું રોકડ ઇનામ (ફિલ્મના નિર્દેશક અને નિર્માતા વચ્ચે સમાન ભાગે વહેંચાશે) જર્મન એનિમેશન ફિલ્મ 'માયાસ સોંગ' (Maya’s Song) ને મળ્યું હતું. આ એવોર્ડ લીડ એનિમેટર અને સ્ટુડિયો પ્રતિનિધિ સુશ્રી સનિકા કુલકર્ણીએ ફિલ્મના નિર્દેશકો અને નિર્માતા સુશ્રી ફ્રાંઝિસ્કા શૂનેનબર્ગર અને શ્રી જયકૃષ્ણન સુબ્રમણ્યન વતી સ્વીકાર્યો હતો.
રાષ્ટ્રીય સ્પર્ધા હેઠળ શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ માટેનો 'સિલ્વર કોન્ચ' અને રૂ. 3 લાખનું રોકડ ઇનામ તમિલ ભાષાની એનિમેશન ફિલ્મ 'આર્મસ્ટ્રોંગ ફ્રોમ અગાલામ્મન ટેમ્પલ સ્ટ્રીટ' (Armstrong from Angaalamman Temple Street) એ મેળવ્યું હતું. નિર્દેશક અને નિર્માતા શ્રી ભુવનેશ એમ. કુમારે સિલ્વર કોન્ચ એવોર્ડ અને રોકડ ઇનામ સ્વીકાર્યા હતા.
શ્રેષ્ઠ ભારતીય શોર્ટ ફિક્શન ફિલ્મનો એવોર્ડ અને રૂ. 3 લાખનું રોકડ ઇનામ 'સ્મોલ ક્લાઉડ્સ' (Small Clouds) ફિલ્મને મળ્યો હતો. એફટીઆઈઆઈ (FTII) દ્વારા નિર્મિત આ ફિલ્મ માટેનો એવોર્ડ FTIIના વાઇસ ચાન્સેલર શ્રી ધીરજ સિંહ અને નિર્દેશક શ્રી શુભમ સુમિતે સ્વીકાર્યો હતો.
શ્રેષ્ઠ ભારતીય ડૉક્યુમેન્ટરી ફિલ્મ માટેનો 'સિલ્વર કોન્ચ' એવોર્ડ અને રૂ. 5 લાખનું રોકડ ઇનામ (નિર્દેશક અને નિર્માતા વચ્ચે સમાન ભાગે વહેંચાશે) ડૉક્યુમેન્ટરી 'વાઈ' (Waai) ને મળ્યું હતું. નિર્દેશક શ્રી સાઈનાથ એસ. ઉસ્કાઈકર અને નિર્માતા શ્રી ભરતબાલા ગણપતિ વતી શ્રી જવાહર શર્માએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધા શ્રેણી હેઠળ શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફરનો એવોર્ડ ભારતીય ડૉક્યુમેન્ટરી 'ટર્ટલ વોકર' (Turtle Walker) માટે શ્રી ક્રિશ મખીજાને મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હેઠળ શ્રેષ્ઠ એડિટિંગનો એવોર્ડ રશિયાની શોર્ટ ફિક્શન ફિલ્મ 'અબાઉટ ધ કાઉ' (About the Cow) માટે સુશ્રી એવજેની સ્મિર્નોવ અને શ્રી મક્સિમ સ્મિર્નોવને આપવામાં આવ્યો હતો. નિર્દેશક શ્રી એન્ટોન સિમુખિને એડિટર જોડી વતી એવોર્ડ સ્વીકાર્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હેઠળ શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇનરનો એવોર્ડ 'દેવા આજ પણ વ્હાય' (Deva Aaj Pan Vhay) ફિલ્મ માટે શ્રી અભય રુમડે (પર્પલ હેઝ સ્ટુડિયો) ને મળ્યો હતો.
"વિકસિત ભારત/ વંદે માતરમના 150 વર્ષ/ ભારત@2026" પરનો શ્રેષ્ઠ ટૂંકી ફિલ્મનો એવોર્ડ 'ધ લાસ્ટ શેલ્ટર' (The Last Shelter) એ જીત્યો હતો. આ એવોર્ડ શ્રી ભરત અરોરા અને શ્રી રાજેશ ભાટિયાએ સ્વીકાર્યા હતા.
સૌથી નવીન/પ્રાયોગિક ફિલ્મ માટેનો 'પ્રમોદ પતિ સ્પેશિયલ જ્યુરી એવોર્ડ' તાઇવાનીઝ ફિલ્મ 'ધ હોર્ડર્સ' (The Hoarders) ને મળ્યો હતો, જે નિર્દેશક સુશ્રી ચુઆન-યિંગ લિયાઓએ સ્વીકાર્યો હતો.
રાષ્ટ્રીય સ્પર્ધા શ્રેણી હેઠળ શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇનનો એવોર્ડ 'કોવાર્ટી' (Kovarty) ફિલ્મ માટે શ્રી બિજ્ઞા દહાલને મળ્યો હતો.
રાષ્ટ્રીય સ્પર્ધા શ્રેણી હેઠળ શ્રેષ્ઠ એડિટિંગનો એવોર્ડ 'મેડે' (MAYDAY) ફિલ્મ માટે શ્રી અખિલ ક્રિષ્નનને મળ્યો હતો. નિર્દેશક શ્રી શરત અંબત્તે એડિટર શ્રી અખિલ ક્રિષ્નન વતી એવોર્ડ સ્વીકાર્યો હતો.
રાષ્ટ્રીય સ્પર્ધા હેઠળ શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફરનો એવોર્ડ 'સ્મોલ ક્લાઉડ્સ' ફિલ્મ માટે શ્રી રણધીર બિસ્વાસે મેળવ્યો હતો.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ ક્રિટિક્સ દ્વારા સ્થાપિત 'ફિપ્રેસ્કી આંતરરાષ્ટ્રીય વિવેચક પુરસ્કાર' (FIPRESCI Prize) શ્રી પ્રદીપ કેંચનુરુને તેમની ફિલ્મ 'ધ હગ ઓફ એમ્પટીનેસ' (The Hug of Emptiness) માટે આપવામાં આવ્યો હતો.
શ્રેષ્ઠ વિદ્યાર્થી ફિલ્મ માટેનો 'આઈડીપીએ એવોર્ડ' (IDPA Award) 'ધ ઓલ્ડ બુલ નોઝ, ઓર વન્સ ન્યૂ' (The Old Bull knows, or Once Knew) ફિલ્મ માટે શ્રી મિલન કુમારને મળ્યો હતો.
શ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટર માટેનો 'દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી એવોર્ડ' સુશ્રી પૂજા તોલાનીને તેમની ફિલ્મ 'રાઝા' (Raaza) માટે મળ્યો હતો.

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી જીષ્ણુ દેવ વર્માએ મુખ્ય અતિથિ તરીકે 19મા મિફ (MIFF) ના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ શ્રી ધીરેન્દ્ર ઓઝા; માહિતી અને પ્રસારણ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી શ્રી પ્રભાત; જાણીતા ફિલ્મ નિર્માતા શ્રી આશુતોષ ગોવારીકર; ફેસ્ટિવલ ડિરેક્ટર અને NFDCના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ મગદૂમ; મહારાષ્ટ્ર સરકારના મરાઠી ભાષા અને સાંસ્કૃતિક બાબતોના સચિવ શ્રી કિરણ કુલકર્ણી; મહારાષ્ટ્રના રાજ્યપાલના સંયુક્ત સચિવ શ્રી એસ. રામમૂર્તિ સામેલ હતા.
MIFF 2026 ના સમાપન સમારોહને સંબોધતા, મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી જીષ્ણુ દેવ વર્માએ ડૉક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મોને સમર્પિત વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ્સમાંના એક તરીકે ફેસ્ટિવલની અદ્ભુત સફર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે ત્રણ દાયકાથી વધુ સમયથી, મિફ એ સર્જનાત્મક મન, વાર્તાકારો અને સ્વપ્નદ્રષ્ટાઓ માટે એક ગતિશીલ મંચ તરીકે સેવા આપી રહ્યું છે, જે રાષ્ટ્રીય ઇવેન્ટમાંથી કલાત્મક શ્રેષ્ઠતા, સાંસ્કૃતિક વિવિધતા અને અર્થપૂર્ણ વાર્તા કહેવાની ઉજવણી કરતા વૈશ્વિક આંદોલનમાં વિકસિત થયું છે. તેમણે જણાવ્યું કે, પાછલી પાંચ આવૃત્તિઓમાં જોવા મળેલો નોંધપાત્ર વિકાસ મિફની વધતી જતી સુસંગતતા અને આંતરરાષ્ટ્રીય કદને પ્રતિબિંબિત કરે છે.

રાજ્યપાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 1 મે 2025 ના રોજ મુંબઈમાં શરૂ કરાયેલી પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ (WAVES) નો પણ ઉલ્લેખ કર્યો હતો. મીડિયા, મનોરંજન, એનિમેશન, ગેમિંગ, ડિજિટલ કન્ટેન્ટ aaઅને ઉભરતી ટેક્નોલોજી માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે કલ્પના કરાયેલ આ સમિટ “કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ” ની થીમ હેઠળ 90થી વધુ દેશોના સર્જકો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગ જગતના નેતાઓને એક મંચ પર લાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે WAVES એ સર્જનાત્મક અર્થવ્યવસ્થા અને ડિજિટલ સ્ટોરીટેલિંગ માટે વૈશ્વિક હબ બનવાની ભારતની મહાત્વાકાંક્ષાને વધુ મજબૂત બનાવી છે અને સાથે જ “ક્રિએટ ઇન ઇન્ડિયા, ક્રિએટ ફોર ધ વર્લ્ડ” ના વિઝનને આગળ ધપાવ્યું છે.
સર્જનાત્મક અથવા “ઓરેન્જ ઇકોનોમી” ના મહત્વ પર પ્રકાશ પાડતા, શ્રી જીષ્ણુ દેવ વર્માએ ફિલ્મ ઉદ્યોગને તેના સૌથી મજબૂત સ્તંભોમાંના એક તરીકે વર્ણવ્યો હતો. રોજગારીનું સર્જન કરવા અને નવીનતા લાવવા ઉપરાંત, ફિલ્મો સોફ્ટ પાવરના શક્તિશાળી સાધનો તરીકે કામ કરે છે, જે રાષ્ટ્રોને તેમના મૂલ્યો, પરંપરાઓ અને આકાંક્ષાઓ વૈશ્વિક પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે સક્ષમ બનાવે છે. તેમણે વાસ્તવિકતાને ઝીલવા, ઇતિહાસને સાચવવા, ધારણાઓને પડકારવા અને સામાજિક પરિવર્તનને પ્રેરિત કરવાની તેમની ક્ષમતા માટે ખાસ કરીને ડૉક્યુમેન્ટરીઝની પ્રશંસા કરી હતી.

મહારાષ્ટ્રના રાજ્યપાલે શોર્ટ ફિલ્મો અને એનિમેશનના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. શોર્ટ ફિલ્મો પ્રયોગો અને ઉભરતી પ્રતિભાઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે, જ્યારે એનિમેશન શિક્ષણ, સંચાર, સાંસ્કૃતિક સંરક્ષણ અને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે વિકસિત થયું છે. ટેક્નોલોજી અને કલ્પનાશક્તિ દ્વારા, એનિમેશન જટિલ વિચારોને રસપ્રદ અને સાર્વત્રિક રીતે સુલભ રીતે પહોંચાડવામાં મદદ કરે છે.
મુંબઈ આ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમનું યજમાન પદ ચાલુ રાખી રહ્યું છે તે બદલ ગૌરવ વ્યક્ત કરતા, તેમણે સિનેમા, કળા અને સર્જનાત્મકતા માટેના અગ્રણી કેન્દ્ર તરીકે મહારાષ્ટ્રના સ્થાનને પુનઃપુષ્ટ કર્યું હતું. તેમણે યુવાનો, ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી સમુદાયો અને મહિલા ફિલ્મ નિર્માતાઓને તેમની અનોખી વાર્તાઓ શેર કરવા માટે વધુ પ્રોત્સાહન આપવા હાકલ કરી હતી. ટેક્નોલોજીને એક મુખ્ય સક્ષમકર્તા તરીકે સ્વીકારવાની સાથે, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના જવાબદાર ઉપયોગ માટે વિનંતી કરી અને ફિલ્મ નિર્માતાઓની બૌદ્ધિક સંપત્તિના રક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો. તમામ એવોર્ડ વિજેતાઓ અને સહભાગીઓને અભિનંદન આપતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અર્થપૂર્ણ વાર્તા કહેવી એ સંવાદ, સહાનુભૂતિ અને સકારાત્મક સામાજિક પરિવર્તન માટે એક શક્તિશાળી બળ બની રહે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી શ્રી પ્રભાતે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ સપ્તાહે તમામ સ્થળો પર પ્રેક્ષકો તરફથી મળેલો પ્રતિસાદ ડૉક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન સહિતના નોન-ફીચર સિનેમાની કાયમી સુસંગતતાને પુનઃપુષ્ટ કરે છે અને તે જ ફિલ્મ ફેસ્ટિવલની સફળતાનું વાસ્તવિક માપદંડ છે.
નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ મગદૂમ દ્વારા મિફ (MIFF) અહેવાલ પણ ઔપચારિક રીતે બહાર પાડવામાં આવ્યો હતો. શ્રી મગદૂમે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સૌથી શક્તિશાળી સત્યો સૌથી મોટી સ્ક્રીન પર નહીં, પરંતુ સૌથી નાની, સૌથી પ્રામાણિક ફ્રેમ્સ પર કહેવામાં આવે છે. ડૉક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન એવા સ્વરૂપો છે જે વિશ્વની વાસ્તવિકતાઓથી મોં નથી ફેરવતા, તેના બદલે તેઓ પ્રેક્ષકો પર તેની અસરનું પ્રતિબિંબ પાડે છે. તેમણે માહિતી આપી હતી કે MIFF 2026 ને વિશ્વભરમાંથી 1459 ફિલ્મ એન્ટ્રીઓ સાથે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. કોમ્પિટિશન સેક્શનમાં 13 દેશોના ફિલ્મ નિર્માતાઓનું પ્રતિનિધિત્વ કરતી 52 આંતરરાષ્ટ્રીય અને 92 રાષ્ટ્રીય એન્ટ્રીઓ સહિત 144 ફિલ્મોનો સમાવેશ થાય છે. નોન-કોમ્પિટિશન સેક્શનમાં 46 સહભાગી દેશોની 106 આંતરરાષ્ટ્રીય અને 96 રાષ્ટ્રીય ફિલ્મો સહિત કુલ 202 ફિલ્મો દર્શાવવામાં આવી હતી, જેણે સામૂહિક રીતે 83 કલાકથી વધુનું સ્ક્રીનિંગ રજૂ કર્યું હતું. આ સેક્શન્સનું આયોજન 24 ક્યુરેટેડ સેગમેન્ટ્સમાં કરવામાં આવ્યું હતું, જેમાં મોઝેક, બેસ્ટ ઓફ ફેસ્ટ, બુસાન નેક્સ્ટ વેવ, ઓસ્કાર વિનર્સ, રેમન્ડ ક્રુમે રેટ્રોસ્પેક્ટિવ, NFDC શોકેસ, ઇકોઝ ફ્રોમ નોર્થ ઇસ્ટ અને મરાઠી ફિલ્મ્સ, IFFI CMOT વગેરેનો સમાવેશ થાય છે, જે પ્રશંસનીય કૃતિઓ, ઉભરતા અવાજો અને પ્રાદેશિક સ્તરે જોડાયેલી વાર્તાઓને એક જ પ્લેટફોર્મ પર લાવે છે. માસ્ટર ફિલ્મ નિર્માતા ડેવિડ એટનબરોને તેમની બે ફિલ્મોના ‘સેન્ટેનરી ટ્રિબ્યુટ’ હેઠળ સ્ક્રીનિંગ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. 'હોમેજ' સેક્શનમાં માસ્ટરમાઇન્ડ શ્યામ બેનેગલ, ફોટોગ્રાફર રઘુ રાય અને ડૉક્યુમેન્ટરી માસ્ટર ફ્રેડરિક વાઇઝમેનની ફિલ્મો દર્શાવવામાં આવી હતી, જેમના કાર્યોએ પ્રેક્ષકોને યાદ અપાવ્યું કે શા માટે નોન-ફીચર સિનેમા ટકી રહે છે, તેમ MD, NFDC એ જણાવ્યું હતું. મિફની આ આવૃત્તિમાં બે નવા ક્યુરેટેડ સેક્શન પણ રજૂ કરવામાં આવ્યા હતા, ‘ઇકોઝ ફ્રોમ નોર્થ ઇસ્ટ’, જેમાં આ પ્રદેશની 7 ફિલ્મો દર્શાવવામાં આવી હતી, અને ‘મરાઠી ફિલ્મ્સ’, જેમાં ફિલ્મ સિટી મહારાષ્ટ્રના સહયોગથી 19 ફિલ્મો દર્શાવવામાં આવી હતી - જે ભારતીય સિનેમામાં વિવિધ પ્રાદેશિક અવાજોની ઉજવણી કરવા માટે મિફની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 19મી આવૃત્તિના સમાપનની સાથે જ, વાર્તા કહેવાની, સર્જનાત્મકતાની અને સિનેમેટિક શ્રેષ્ઠતાની ભાવના ફિલ્મ નિર્માતાઓ અને પ્રેક્ષકો બંનેને પ્રેરણા આપતી રહેશે. જો ફિલ્મો આત્મા માટે ખોરાક છે, તો મિફ એ ફરી એકવાર શક્તિશાળી કથાઓ, વિવિધ દ્રષ્ટિકોણ અને પરિવર્તનશીલ વિચારોથી મનને તૃપ્ત કર્યું છે. ભલે આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે, પરંતુ અર્થપૂર્ણ સિનેમાની ઉજવણીની સફર ચાલુ રહેશે. ફિલ્મ પ્રેમીઓ હવે ભારતના 57મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) અને 2028 માં યોજાનારી મિફની આગામી આવૃત્તિની આતુરતાથી રાહ જોશે, જ્યારે વિશ્વભરના વાર્તાકારોનું સ્વાગત કરવા અને જોડવા, પ્રેરણા આપવા તથા કાયમી પ્રભાવ ઊભો કરવા માટે ફિલ્મોની શાશ્વત શક્તિને પુનઃપુષ્ટ કરવા ફરી એકવાર પડદો ખુલશે.
SM/BS/JD
रिलीज़ आईडी:
2276331
| Visitor Counter:
9