રેલવે મંત્રાલય
હરિયાળી અને ઊર્જા કાર્યસક્ષમ; પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન દોડવા માટે સંપૂર્ણપણે સજ્જ
જીંદ-સોનીપત સેક્શન પર 75 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડાવવા માટે ભારતીય રેલવે દ્વારા 1200 KW એન્જિન ધરાવતી 10-કારની ટ્રેનને મંજૂરી આપવામાં આવી
આ સાથે, ભારત સ્વચ્છ અને ટકાઉ રેલવે કામગીરી માટે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરતા દેશોના ભદ્ર ક્લબમાં જોડાયું
પોસ્ટેડ ઓન:
27 MAY 2026 2:20PM by PIB Ahmedabad
હરિયાળા અને ટકાઉ પરિવહન તરફ એક મોટું કદમ ઉઠાવતા, ભારતીય રેલવેએ ઉત્તર રેલવેના સમર્પિત જીંદ-સોનીપત સેક્શન પર 10-કારના હાઇડ્રોજન ફ્યુઅલ સેલ-આધારિત ટ્રેનસેટની રજૂઆતને મંજૂરી આપી છે. આ ટ્રેનસેટ ટૂંક સમયમાં શરૂ થવા માટે સંપૂર્ણપણે સજ્જ છે અને તે 1200 KW ની હાઇડ્રોજન ફ્યુઅલ સેલ પ્રોપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત થઈને 75 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડશે.

હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી હાઇડ્રોજનનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે, જેમાં ઉત્સર્જન તરીકે માત્ર પાણીની વરાળ જ નીકળે છે, જે તેને પરંપરાગત અશ્મિભૂત બળતણ (ફોસિલ ફ્યુઅલ) આધારિત ટ્રેક્શન સિસ્ટમ્સનો એક સ્વચ્છ વિકલ્પ બનાવે છે. હાઇડ્રોજન-આધારિત રેલવે પ્રણાલીઓને વૈશ્વિક સ્તરે ટકાઉ ગતિશીલતા (મોબિલિટી) માટે આશાસ્પદ ઉકેલ તરીકે વધુને વધુ સ્વીકારવામાં આવી રહી છે. આ પહેલ સાથે, ભારત જર્મની, જાપાન, ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોના એક પસંદગીના જૂથમાં જોડાયું છે જે સ્વચ્છ રેલવે પરિવહન માટે હાઇડ્રોજનના ઉપયોગની સંભાવનાઓ શોધી રહ્યા છે. આ ટેકનોલોજી હજી તેના પ્રારંભિક તબક્કામાં હોવાથી, હાલમાં માત્ર મર્યાદિત સંખ્યામાં દેશો જ આવી પ્રણાલીઓનું સંચાલન અથવા પરીક્ષણ કરી રહ્યા છે.
હરિયાણામાં આવેલા જીંદ-સોનીપત સેક્શનને આ કામગીરી માટે પાયલોટ રૂટ તરીકે ઓળખવામાં આવ્યો છે. ટ્રેન-સેટ માટે જીંદ ખાતે એક સ્વદેશી હાઇડ્રોજન સ્ટોરેજ (સંગ્રહ) અને રિફ્યુઅલિંગ (બળતણ ભરવાની) સુવિધા ઊભી કરવામાં આવી છે. પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન (PESO) એ આ સ્થળ પર સંકુચિત (કમ્પ્રેસ્ડ) હાઇડ્રોજન ગેસના સંગ્રહ અને વિતરણ માટે જરૂરી લાઇસન્સ મંજૂર કર્યું છે.
રિફ્યુઅલિંગની કામગીરી માટે એક હાઇડ્રોજન કમ્પ્રેશન સિસ્ટમ પૂરી પાડવામાં આવી છે, સાથે જ ભરોસાપાત્ર અને ખામીરહિત કાર્યપ્રણાલી સુનિશ્ચિત કરવા માટે જરૂરી તકનીકી સહાય અને મહત્વપૂર્ણ સ્પેરપાર્ટ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સ્ટેન્ડબાય કમ્પ્રેસર યુનિટની જોગવાઈ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. હાઇડ્રોજન ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ સુવિધા ખાતે સ્થાપિત કરવામાં આવેલા હાઇડ્રોજન લીક ડિટેક્ટર્સ અને ફ્લેમ ડિટેક્ટર્સ સહિતના વિવિધ સુરક્ષા સેન્સર્સનું નિયમિતપણે નિરીક્ષણ અને સફાઈ કરવામાં આવશે જેથી ધૂળ જમા થતી અટકાવી શકાય અને સુરક્ષિત કામગીરી સુનિશ્ચિત કરી શકાય.
આરડીએસઓ (RDSO) દ્વારા યોગ્ય રીતે મંજૂર કરાયેલ હાઇડ્રોજન ટ્રેન-સેટ અને હાઇડ્રોજન પ્લાન્ટ માટેના ઓપરેશન અને મેન્ટેનન્સ (સંચાલન અને જાળવણી) મેન્યુઅલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. શકુરબસ્તી ખાતે સૂચિત જાળવણી સુવિધા માટે જરૂરી સુરક્ષા જોગવાઈઓ, નિયમિત ઓડિટ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયાઓ) સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
આ મંજૂરી વ્યાપક સુરક્ષા અને ઓપરેશનલ પ્રોટોકોલ્સને પણ ફરજિયાત બનાવે છે, જેમાં હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સિસ્ટમનું 24x7 મોનિટરિંગ (દેખરેખ), મહત્વપૂર્ણ કામગીરીઓ માટે તાલીમબદ્ધ અને પ્રમાણિત કર્મચારીઓની નિયુક્તિ, અને નિયમિત નિરીક્ષણ તેમજ જાળવણીના સમયપત્રકનો સમાવેશ થાય છે. કામગીરીના પ્રારંભિક તબક્કા દરમિયાન, ટ્રેનની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે તાલીમબદ્ધ તકનીકી સ્ટાફ ટ્રેનની સાથે રહેશે.
આ પ્રોજેક્ટ ભારતીય રેલવેની નવીનતા, ઊર્જા સક્ષમતા અને પર્યાવરણીય રીતે ટકાઉ પર પરિવહન પ્રત્યેની વ્યાપક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને ભારતના રાષ્ટ્રીય સ્વચ્છ ઊર્જા તેમજ નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યોને સમર્થન આપે છે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2265870)
મુલાકાતી સંખ્યા : 22