ગૃહ મંત્રાલય
ભારત સરકાર દ્વારા 'વસ્તી વિષયક ફેરફારો પર ઉચ્ચ સ્તરીય સમિતિ' ની રચના કરવામાં આવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2025ના રોજ ‘ઉચ્ચ સત્તાધારી વસ્તીવિષયક મિશન’ ની જાહેરાત કરી હતી
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું કે ગેરકાયદેસર ઘૂસણખોરી અને અસ્વાભાવિક વસ્તી વિષયક ફેરફારો તરફ દોરી જતા અન્ય કારણો કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે બહુ મોટો પડકાર છે
જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર (નિવૃત્ત) ના અધ્યક્ષપદ હેઠળ રચાયેલી આ સમિતિમાં સેન્સસ કમિશનર (વસ્તી ગણતરી કમિશનર) ની સાથે શ્રી દુર્ગા શંકર મિશ્રા (નિવૃત્ત IAS), શ્રી બાલાજી શ્રીવાસ્તવ (નિવૃત્ત IPS) અને ડૉ. શમિકા રવિ સભ્યો તરીકે રહેશે
વસ્તી વિષયક ફેરફાર એ માત્ર આપણી સાર્વભૌમત્વ સાથે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, સામાજિક માળખામાં મોટા ફેરફારો અને આદિવાસી સમાજોના રક્ષણ સાથે જોડાયેલી એક ગંભીર સમસ્યા છે
આ સમિતિ ગેરકાયદેસર ઇમિગ્રેશન (સ્થળાંતર) અને અન્ય અસામાન્ય કારણોસર સમગ્ર ભારતમાં થઈ રહેલા વસ્તીવિષયક ફેરફારોનું વ્યાપક મૂલ્યાંકન કરશે
સમિતિ ધાર્મિક અને સામાજિક સમુદાયોના સ્તરે અસામાન્ય વસ્તી ફેરફારોની પેટર્ન (વલણો) નું વિશ્લેષણ કરશે અને આ મુદ્દાને ઉકેલવા માટે એક સુઆયોજિત અને સમયબદ્ધ ઉકેલ રજૂ કરશે
સમિતિ તેનો અહેવાલ એક વર્ષની અંદર સુપરત કરશે, જો જરૂરી જણાશે તો સમિતિનો કાર્યકાળ છ મહિના સુધી લંબાવી શકાશે
પોસ્ટેડ ઓન:
26 MAY 2026 5:30PM by PIB Ahmedabad
ભારત સરકારે ગેરકાયદેસર ઇમિગ્રેશન અને અન્ય અસામાન્ય કારણોસર ઉદ્ભવતા વસ્તી વિષયક ફેરફારોનો અભ્યાસ કરવા અને આ વસ્તી વિષયક ફેરફારોનો સામનો કરવા માટેના પગલાં સૂચવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2025ના રોજ “ઉચ્ચ સત્તાધારી વસ્તી વિષયક મિશન” ની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટે 11 સપ્ટેમ્બર 2025ના રોજ આ પ્રસ્તાવને પોતાની મંજૂરી આપી હતી.
જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર (નિવૃત્ત) આ સમિતિના અધ્યક્ષ રહેશે. સેન્સસ કમિશનર ઉપરાંત, ત્રણ પ્રતિષ્ઠિત નિષ્ણાતો — શ્રી દુર્ગા શંકર મિશ્રા (નિવૃત્ત IAS), શ્રી બાલાજી શ્રીવાસ્તવ (નિવૃત્ત IPS) અને ડૉ. શમિકા રવિ — આ સમિતિના સભ્યો રહેશે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ (ફોરેનર્સ-I) આ સમિતિના સભ્ય સચિવ રહેશે. આ સમિતિ પોતાનો અહેવાલ એક વર્ષની અંદર સુપરત કરશે. જો જરૂરી હોય તો, ગૃહ મંત્રાલય સમિતિનો કાર્યકાળ છ મહિના સુધી લંબાવી શકે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે: “ગેરકાયદેસર ઘૂસણખોરી અને અસ્વાભાવિક વસ્તી વિષયક ફેરફારો તરફ દોરી જતા અન્ય કારણો કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે બહુ મોટો પડકાર છે. આ પડકારનો સામનો કરવા માટે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2025ના રોજ ‘વસ્તી વિષયક ફેરફાર પર ઉચ્ચ સ્તરીય સમિતિ’ ની જાહેરાત કરી હતી. મને એ જણાવતા આનંદ થાય છે કે સરકારે આ સમિતિની રચના કરી દીધી છે. જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર (નિવૃત્ત) ના અધ્યક્ષપદ હેઠળ રચાયેલી આ સમિતિમાં સેન્સસ કમિશનરની સાથે શ્રી દુર્ગા શંકર મિશ્રા (નિવૃત્ત IAS), શ્રી બાલાજી શ્રીવાસ્તવ (નિવૃત્ત IPS) અને ડૉ. શમિકા રવિ સભ્યો તરીકે રહેશે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ (ફોરેનર્સ-I) આ સમિતિના સભ્ય સચિવ રહેશે. વસ્તી વિષયક ફેરફાર એ માત્ર આપણી સાર્વભૌમત્વ સાથે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, સામાજિક માળખામાં મોટા ફેરફારો અને આદિવાસી સમાજોના રક્ષણ સાથે જોડાયેલી એક ગંભીર સમસ્યા છે. આ સમિતિ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને અન્ય અસામાન્ય કારણોસર સમગ્ર ભારતમાં થઈ રહેલા વસ્તી વિષયક ફેરફારોનું વ્યાપક મૂલ્યાંકન કરશે. તે ધાર્મિક અને સામાજિક સમુદાયોના સ્તરે અસામાન્ય વસ્તી ફેરફારોની પેટર્નનું વિશ્લેષણ કરશે અને આ મુદ્દાને ઉકેલવા માટે એક સુઆયોજિત અને સમયબદ્ધ ઉકેલ રજૂ કરશે.”
આ ઉચ્ચ સ્તરીય સમિતિ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને અન્ય અસામાન્ય કારણોસર દેશના વિવિધ ભાગોમાં થઈ રહેલા વસ્તી વિષયક ફેરફારોનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરશે, તેમના કારણોનું વિશ્લેષણ કરશે અને યોગ્ય નીતિ વિષયક, કાયદાકીય અને વહીવટી પગલાંની ભલામણ કરશે. સમિતિનું સૂચિત માળખું અને સંદર્ભ શરતો (ટર્મ્સ ઓફ રેફરન્સ) નીચે મુજબ છે:
· ગેરકાયદેસર ઇમિગ્રેશન સહિત વસ્તી વિષયક ફેરફારોથી ઉદ્ભવતા પડકારો પર વ્યાપકપણે ચર્ચા-વિચારણા કરવી.
· આવા વસ્તી વિષયક ફેરફારોના સંભવિત કારણો, જેમ કે સરહદ પારની પ્રવૃત્તિઓ (ગેરકાયદેસર ઇમિગ્રેશન સહિત), આર્થિક તકો અને અન્ય સામાજિક-પર્યાવરણીય પરિબળોનો અભ્યાસ કરવો.
· આ ફેરફારો પાછળના પાયાના પરિબળોને ઓળખવા, જેમાં ગેરકાયદેસર ઇમિગ્રેશન, અસામાન્ય વસાહત પેટર્ન અને આયોજિત સ્થળાંતરનો સમાવેશ થાય છે.
· ધાર્મિક અથવા સામાજિક સમુદાયોના સ્તરે માળખાકીય વસ્તી ફેરફારોનું વિશ્લેષણ કરવું, ખાસ કરીને જ્યાં તેઓ વ્યાપક વલણોથી વિચલિત (અલગ) થતા હોય.
· દેશમાં પહેલેથી જ વસતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની કાનૂની, ન્યાયી અને સમયબદ્ધ ઓળખ, અટકાયત અને દેશનિકાલ માટે સુવ્યવસ્થિત અને કાયમી ઓપરેશનલ મિકેનિઝમ (કાર્યપદ્ધતિ) ની ભલામણ કરવી.
· આવા વલણોના સતત નિરીક્ષણ માટે સરહદ સંચાલન, વસ્તી સ્થિરતા અને ઓળખ પ્રણાલીને મજબૂત કરવા માટે યોગ્ય સંસ્થાકીય મિકેનિઝમની ભલામણ કરવી.
· ગેરકાયદેસર ઇમિગ્રેશન અને તેના પરિણામે સર્જાતી વસ્તી વિષયક અસમાનતાઓ સંબંધિત બાબતો પર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન વધારવા માટે એક વ્યાપક નીતિગત માળખું પ્રસ્તાવિત કરવું.
· સમિતિ ગેરકાયદેસર ઇમિગ્રેશન સહિત વસ્તી વિષયક ફેરફારોથી ઉદ્ભવતા પડકારોનો સામનો કરવા માટે યોગ્ય જણાય તેવા અન્ય કોઈપણ પગલાંની ભલામણ કરી શકે છે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2265538)
મુલાકાતી સંખ્યા : 19