ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઓપરેશન રેજપિલ (Operation RAGEPILL): NCB એ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેરના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો; મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાતા સાયકોટ્રોપિક પદાર્થ, કેપ્ટાગોન (Captagon)નો ભારતમાં અત્યાર સુધીમાં સૌથી પહેલો જથ્થો જપ્ત કર્યો


કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 'ઓપરેશન રેજપિલ' ને સફળતાપૂર્વક પાર પાડવા બદલ NCBના બહાદુર અને સજાગ યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા

‘ઓપરેશન રેજપિલ’ દ્વારા, આપણી એજન્સીઓએ કહેવાતા “જેહાદી ડ્રગ” કેપ્ટાગોનની અત્યાર સુધીની પ્રથમ જપ્તી હાંસલ કરી છે

મધ્ય પૂર્વ તરફ મોકલવામાં આવનાર ડ્રગના કન્સાઇનમેન્ટનો પર્દાફાશ એ ડ્રગ્સ સામે મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે

આપણા પ્રદેશનો ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ કરીને ભારતમાં પ્રવેશતા અથવા દેશ છોડીને જતા ડ્રગ્સના એક-એક ગ્રામ પર આપણે કડક કાર્યવાહી કરીશું

NCB એ પ્રાપ્તિ સ્ત્રોત (procurement source), હવાલા લિંક્સ, લોજિસ્ટિક્સ ચેઇન, આંતરરાષ્ટ્રીય મેળવનારાઓ (receivers) અને વ્યાપક આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક અંગે વ્યાપક તપાસ શરૂ કરી

₹182 કરોડની કિંમતની 227.7 કિલો કેપ્ટાગોન ટેબ્લેટ્સ/પાવડર જપ્ત; સિન્ડિકેટ સાથે જોડાયેલા સીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી

પોસ્ટેડ ઓન: 16 MAY 2026 2:06PM by PIB Ahmedabad

આંતરરાષ્ટ્રીય સિન્થેટિક ડ્રગ હેરફેર નેટવર્ક સામે એક મોટી સફળતા મેળવીને, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB), ઓપરેશન રેજપિલ (Operation RAGEPILL) હેઠળ, કેપ્ટાગોનની હેરફેરમાં સામેલ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે, જે અંતર્ગત અંદાજે 227.7 કિલોગ્રામ કેપ્ટાગોન ટેબ્લેટ્સ/પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને વિઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે રહેતા એક સીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે, જે આ સિન્ડિકેટનો સભ્ય છે. કેપ્ટાગોનમાં મુખ્યત્વે ફેનેટીલાઇન (Fenetylline) અને એમ્ફેટામાઇન (Amphetamine) હોય છે જે NDPS એક્ટ હેઠળ સાયકોટ્રોપિક પદાર્થો (Psychotropic Substances) છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે 'ઓપરેશન રેજપિલ' ને સફળતાપૂર્વક પાર પાડવા બદલ NCBના બહાદુર અને સજાગ યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે ‘ઓપરેશન રેજપિલ’ દ્વારા આપણી એજન્સીઓએ સો-કોલ્ડ “જેહાદી ડ્રગ”, કેપ્ટાગોનની અત્યાર સુધીની પ્રથમ જપ્તી હાંસલ કરી છે.

શ્રી અમિત શાહે X પર પોસ્ટ કર્યું, “મોદી સરકાર ‘ડ્રગ મુક્ત ભારત’ માટે સંકલ્પબદ્ધ છે. એ શેર કરતા આનંદ થાય છે કે ‘ઓપરેશન રેજપિલ’ દ્વારા, આપણી એજન્સીઓએ ₹182 કરોડની કિંમતના કહેવાતા “જેહાદી ડ્રગ”, કેપ્ટાગોનની અત્યાર સુધીની પ્રથમ જપ્તી હાંસલ કરી છે. મધ્ય પૂર્વ તરફ મોકલવામાં આવનાર ડ્રગના કન્સાઇનમેન્ટનો પર્દાફાશ અને વિદેશી નાગરિકની ધરપકડ એ ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. હું પુનરાવર્તન કરું છું કે આપણા પ્રદેશનો ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ કરીને ભારતમાં પ્રવેશતા અથવા દેશમાંથી જતા ડ્રગ્સના એક-એક ગ્રામ પર આપણે કડક કાર્યવાહી કરીશું. NCB ના બહાદુર અને સજાગ યોદ્ધાઓને ખૂબ ખૂબ અભિનંદન.”

એક વિદેશી ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી પાસેથી મળેલી માહિતી કે કેપ્ટાગોનની હેરફેર માટે ભારતનો ટ્રાન્ઝિટ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેને વિકસિત કરીને નેબસરાઈ, નવી દિલ્હીમાં એક ઘરની ઓળખ કરવામાં આવી હતી અને 11 મે, 2026 ના રોજ તે ઘરની તલાશી લેતા આશરે 31.5 કિલો કેપ્ટાગોન ટેબ્લેટ્સ મળી આવી હતી, જેને કમર્શિયલ ચપાતી કટીંગ મશીનમાં કાળજીપૂર્વક છુપાવવામાં આવી હતી, જે પ્રાથમિક તપાસ મુજબ જેદ્દાહ, સાઉદી અરેબિયા ખાતે નિકાસ કરવા માટે રાખવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ સીરિયન નાગરિક 15.11.2024 ના રોજ ટૂરિસ્ટ વિઝા પર ભારતમાં પ્રવેશ્યો હતો, પરંતુ તેના વિઝાની મુદત 12.01.2025 ના રોજ પૂરી થઈ ગઈ હતી અને તે ભારતમાં ગેરકાયદેસર રીતે વધુ સમય રોકાયો હતો અને નેબસરાઈમાં ઉક્ત ઘર ભાડે રાખ્યું હતું.

આરોપીની પૂછપરછના આધારે આગળ વધતા 14 મે, 2026 ના રોજ મુન્દ્રા, ગુજરાત ખાતે કન્ટેનર ફેસિલિટેશન સ્ટેશન (CFS) માં એક કન્ટેનરમાંથી આશરે 196.2 કિલોગ્રામ કેપ્ટાગોન પાવડર મળી આવ્યો હતો. આ કન્ટેનર સીરિયાથી આયાત કરવામાં આવ્યું હતું, જેમાં ઘેટાંના ઊનને જાહેર કરેલા માલ (consignment) તરીકે દર્શાવવામાં આવ્યું હતું. કન્ટેનરની ઝીણવટભરી તલાશી લેતા 196.2 કિલોગ્રામ કેપ્ટાગોન પાવડર ધરાવતી 3 બેગ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જપ્ત કરાયેલ જથ્થો ગલ્ફ પ્રદેશ, ખાસ કરીને સાઉદી અરેબિયા અને પડોશી મધ્ય પૂર્વીય દેશોમાં ટ્રાન્સશિપમેન્ટ (આગળ મોકલવા) માટે રાખવામાં આવ્યો હતો, જ્યાં કેપ્ટાગોનનો દુરુપયોગ કાયદા અમલીકરણ અને જાહેર આરોગ્યની ગંભીર ચિંતા તરીકે ઉભરી આવ્યો છે.

ઓપરેશન રેજપિલ દરમિયાન થયેલી કુલ જપ્તી આશરે 227.7 કિલોગ્રામ કેપ્ટાગોન ટેબ્લેટ્સ/પાવડર થાય છે, જેની ગલ્ફ અને મધ્ય પૂર્વના લક્ષ્ય બજારોમાં અંદાજિત ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ₹182 કરોડ છે.

આ કામગીરી ભારતમાં કેપ્ટાગોનની અત્યાર સુધીની પ્રથમ જપ્તી દર્શાવે છે અને ભારતને ટ્રાન્ઝિટ હબ તરીકે ઉપયોગ કરવાના આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના પ્રયાસોને ખુલ્લા પાડે છે. તે એ બાબતનું પણ ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે આંતરરાષ્ટ્રીય ગુપ્ત માહિતીની વહેંચણી અને કાયદા અમલીકરણ સહયોગ બહુવિધ અધિકારક્ષેત્રોમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્યોની હેરફેરના નેટવર્કને ઓળખવામાં, અટકાવવામાં અને તેને તોડી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, અને કેવી રીતે વિશ્વભરની ડ્રગ અમલીકરણ એજન્સીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ્સને તોડી પાડવા માટે એકસાથે આવી શકે છે.

ઇક્વાડોરથી નીકળેલા કન્ટેનરમાં છુપાવવામાં આવેલા 349 કિલોગ્રામ કોકેન સાથે સંકળાયેલા મુંબઈમાં તાજેતરના અન્ય એક મોટા NCB ઇન્ટરડિક્શન (અટકાવવાની કામગીરી)માં પણ આ જપ્તી નોંધપાત્ર મહત્વ ધરાવે છે, જે દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ્સ દ્વારા વિવિધ પ્રદેશોમાં માદક પદાર્થોની હેરફેર માટે કમર્શિયલ કાર્ગો અને કન્ટેનરાઇઝ્ડ ટ્રેડ રૂટ્સનો દુરુપયોગ કરવાનું વલણ વધી રહ્યું છે.

NCB એ પ્રાપ્તિના સ્ત્રોત, નાણાકીય અને હવાલા જોડાણો, લોજિસ્ટિક્સ સુવિધા આપનારાઓ, આંતરરાષ્ટ્રીય મેળવનારાઓ અને આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા વ્યાપક આંતરરાષ્ટ્રીય નેટવર્કની ઓળખ કરવા માટે વ્યાપક તપાસ શરૂ કરી છે. ભારત ડ્રગ ટ્રાફિકિંગ અને ડ્રગના દુરુપયોગના વૈશ્વિક મુદ્દા પર સામૂહિક પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે ગુપ્ત માહિતી શેરિંગ, ડ્રગ કિંગપિન્સના પ્રત્યાર્પણ અને નાર્કો-આતંકવાદ તથા ડ્રગ કાર્ટેલ્સ સામે સંકલિત કાર્યવાહી દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, NCB ડ્રગના દુરુપયોગ સામે ઝીરો ટોલરન્સની નીતિ પ્રત્યે તેની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે અને સરહદો પાર કાર્યરત આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ સિન્ડિકેટ્સને તોડી પાડવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે નજીકના સંકલનમાં કામ કરવાનું ચાલુ રાખે છે. NCB નાગરિકોને માનસ (MANAS) હેલ્પલાઇન (ટોલ-ફ્રી: 1933) દ્વારા નાર્કોટિક્સ સંબંધિત માહિતીની જાણ કરવા માટે પણ વિનંતી કરે છે. માહિતી આપનારાઓની ઓળખ સખત રીતે ગુપ્ત રાખવામાં આવે છે.

IJ/JD


(રીલીઝ આઈડી: 2261750) મુલાકાતી સંખ્યા : 71