પ્રધાનમંત્રીનું કાર્યાલય
નવી દિલ્હીમાં નારી શક્તિ વંદન સંમેલન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
13 APR 2026 2:40PM by PIB Ahmedabad
મંચ પર બિરાજમાન દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાજી, કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીજી, શ્રીમતી સાવિત્રી ઠાકુરજી, રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી વિજયા રાહતકરજી, અહીં આપ સૌની વચ્ચે પણ અનેક વરિષ્ઠ લોકો બેઠા છે, સાંસદો છે, ધારાસભ્યો છે, આપણી લોકસભાના પૂર્વ સ્પીકર આદરણીય મીરા કુમાર જી પણ આપણી વચ્ચે છે. અહીં ઉપસ્થિત મારી તમામ સન્માનિત બહેનો, આ સમયે દેશમાં બૈસાખીના પર્વનો ઉમંગ છે. કાલે દેશના અલગ-અલગ ભાગોમાં નવું વર્ષ પણ ઉજવવામાં આવશે. હું આજે જલિયાવાલા બાગ હત્યાકાંડના વીર બલિદાનીઓને પણ શ્રદ્ધાંજલિ અર્પું છું.
સાથીઓ,
દેશની વિકાસ યાત્રાના આ મહત્વના પડાવો વચ્ચે ભારત 21મી સદીના સૌથી મોટા નિર્ણયોમાંનો એક નિર્ણય લેવા જઈ રહ્યું છે. હું ખૂબ જ જવાબદારી સાથે કહી રહ્યો છું કે, 21મી સદીના મહત્વના નિર્ણયોમાં એક મહત્વનો નિર્ણય આ છે. આ નિર્ણય નારીશક્તિને સમર્પિત છે, નારીશક્તિ વંદનને સમર્પિત છે. આપણા દેશની સંસદ એક નવો ઈતિહાસ રચવાની નજીક છે. એક એવો નવો ઈતિહાસ જે ભૂતકાળની સંકલ્પનાઓને સાકાર કરશે, જે ભવિષ્યના સંકલ્પોને પૂરા કરશે. એક એવા ભારતનો સંકલ્પ જે સમતામૂલક હોય, જ્યાં સામાજિક ન્યાય માત્ર એક સૂત્ર ન હોય, પરંતુ આપણી કાર્ય સંસ્કૃતિનો, આપણા work culture નો, આપણી નિર્ણય પ્રક્રિયાનો, સ્વાભાવિક હિસ્સો હોય.
સાથીઓ,
રાજ્યોની વિધાનસભાઓથી લઈને દેશની સંસદ સુધી, દાયકાઓની પ્રતિક્ષાના અંતનો સમય 16-17-18 છે. 2023માં નવી સંસદમાં જે નવા ભવનનું નિર્માણ થયું, તેમાં અમે નારી શક્તિ વંદન અધિનિયમ તરીકે પ્રથમ કદમ ઉઠાવ્યું હતું. તે સમયસર લાગુ થઈ શકે, મહિલાઓની ભાગીદારી આપણી લોકશાહીને મજબૂતી આપે, તે માટે 16 એપ્રિલથી સંસદના બજેટ સત્રની વિશેષ બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે. અને તેની પહેલા આજે નારી શક્તિ વંદનનો આ કાર્યક્રમ, હું આ માટે, આ કાર્યક્રમ દ્વારા આપણને દેશની કોટિ-કોટિ માતાઓ-બહેનોના આશીર્વાદ મળી રહ્યા છે. અને હું આ કાર્યક્રમમાં તમને કોઈ ઉપદેશ આપવા નથી આવ્યો, કે નથી હું તમને જગાડવા આવ્યો. હું આજે આવ્યો છું આપ સૌના, દેશની કોટિ-કોટિ માતાઓ-બહેનોના આશીર્વાદ લેવા માટે. આપ સૌ દેશના ખૂણે-ખૂણેથી આવ્યા છો. હું આપની આ ઉપસ્થિતિ માટે, આ મહત્વના કામ માટે આપે જે સમય કાઢ્યો છે, તે માટે આપનું હૃદયથી અભિનંદન કરું છું. સાથે જ ભારતની તમામ મહિલાઓને, એક નવા યુગના આગમનની શુભેરછા પાઠવું છું.
સાથીઓ,
લોકશાહી માળખામાં મહિલાઓને અનામત આપવાની જરૂરિયાત દાયકાઓથી દરેક વ્યક્તિ અનુભવી રહી હતી, ચર્ચા પણ થતી હતી. આ વિમર્શને આશરે 4 દાયકા વીતી ગયા, 40 વર્ષ વીતી ગયા. આમાં તમામ પાર્ટીઓના અને કેટલીય પેઢીઓના પ્રયાસો સામેલ છે. દરેક પક્ષે આ વિચારને પોતપોતાની રીતે આગળ વધાર્યો છે. 2023માં જ્યારે નારી શક્તિ વંદન અધિનિયમ આવ્યો હતો, ત્યારે પણ તમામ પક્ષોએ સર્વસંમતિથી તેને પસાર કરાવ્યો હતો. અને ત્યારે એક સુરે આ વાત પણ ઉઠી હતી કે તેને ગમે તે સંજોગોમાં 2029 સુધીમાં લાગુ કરી દેવો જોઈએ. આ વાત બધાએ કહી હતી, કાયદો પસાર થાય પરંતુ લાગુ ન થાય, તે ગૃહમાં કોઈને મંજૂર નહોતું, અને ખાસ કરીને આપણા વિપક્ષના તમામ સાથીઓએ મુખર થઈને આ વાત પર ભાર મૂક્યો હતો કે 2029માં આ લાગુ થવો જોઈએ. 2029ની સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા, સરકારે, કારણ કે વિપક્ષે જે વાત રાખી હતી, આપણા માટે તે વાત પણ ગંભીર હોય છે અને તેથી અમે સતત વિચાર-વિમર્શ કરતા રહ્યા, મંથન કરતા રહ્યા, નવા-નવા રસ્તાઓ શોધતા રહ્યા, બંધારણના જેમને વધુ અભ્યાસ છે, તેવા લોકોની પણ સલાહ લીધી. અને 16 એપ્રિલથી સંસદમાં આના પર વ્યાપક ચર્ચા પણ થવા જઈ રહી છે.
સાથીઓ,
આપણો પ્રયાસ છે, અને આપણી પ્રાથમિકતા પણ છે, આ વખતે પણ, આ કામ સંવાદ, સહયોગ અને સહભાગિતાથી થાય. અને મને પૂરો વિશ્વાસ છે કે જે પ્રકારે આ અધિનિયમને પસાર કરવામાં આવ્યો હતો અને સંસદનું, ગૃહનું ગૌરવ વધ્યું હતું, આ વખતે પણ સૌના સામૂહિક પ્રયાસથી સંસદની ગરિમા નવી ઊંચાઈઓને સ્પર્શશે. દેશની દરેક નારીને પણ સારું લાગશે કે દરેક પક્ષે રાજનીતિથી ઉપર ઉઠીને તેમના હિતમાં આ મહત્વનો નિર્ણય લીધો છે, કામ કર્યું છે. જોકે હું જોઈ રહ્યો છું, છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં મહિલાઓ મુખર થઈને આ વિષય પર વાત કરી રહી છે. વ્યાપક રીતે ડિબેટ ચાલી રહી છે અને લોકશાહીની એક ખૂબ મોટી તાકાત છે. વિધાનસભા અને લોકસભા પહોંચવાના તેમના સપનાઓને, આપ સૌના સપનાઓને નવી પાંખો મળવા જઈ રહી છે. હું અનુભવી રહ્યો છું, દેશમાં એક સકારાત્મક વાતાવરણ બન્યું છે.
સાથીઓ,
આઝાદીની લડાઈથી લઈને બંધારણ સભાના નિર્ણયો સુધી, સ્વતંત્ર ભારતનો પાયો રાખવામાં ભારતની નારીશક્તિએ અસીમ યોગદાન આપ્યું છે, ઈતિહાસ સાક્ષી છે. અને આઝાદી પછી પણ જે મહિલાઓને પ્રતિનિધિત્વની તક મળી, તેમણે દેશ માટે ખૂબ શાનદાર કામ કર્યું છે. આપણા દેશમાં રાષ્ટ્રપતિથી લઈને પ્રધાનમંત્રી સુધી, મહિલાઓ જ્યાં પણ રહી છે, તેમણે પોતાની અલગ લેગસી બનાવી છે. આ સમયે પણ આપણા દેશમાં રાષ્ટ્રપતિ જી થી લઈને નાણામંત્રી સુધી, એવા મહત્વના પદ મહિલાઓ જ સંભાળી રહી છે. તેમણે દેશની ગરિમા અને ગૌરવ, બંનેને વધાર્યા છે.
સાથીઓ,
આપણા દેશમાં મહિલા નેતૃત્વનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પંચાયતી રાજ સંસ્થાઓ પણ છે. આજે ભારતમાં 14 લાખથી વધુ મહિલાઓ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં સફળતાપૂર્વક કામ કરી રહી છે. લગભગ 21 રાજ્યોમાં તો પંચાયતોમાં તેમની ભાગીદારી આશરે 50 ટકા સુધી પહોંચી ગઈ છે. અને હું જ્યારે વિદેશના મહેમાનો સાથે ક્યારેક આ વિષય પર વાત કરું છું, આ આંકડો સાંભળીને તેમનું મોઢું ખુલ્લું રહી જાય છે, તેમને આશ્ચર્ય થાય છે.
સાથીઓ,
આ કોઈ સામાન્ય વાત નથી. લાખો મહિલાઓની રાજનીતિ અને સામાજિક જીવનમાં આ સક્રિયતા, દુનિયાના મોટા-મોટા નેતાઓ અને રાજકીય નિષ્ણાતોને પણ ખૂબ જ હેરાન કરી દેનારી વાત હોય છે. અને આનાથી આખા ભારતનું ગૌરવ ખૂબ વધે છે.
સાથીઓ,
અનેક અભ્યાસોમાં એ સામે આવ્યું છે કે જ્યારે નિર્ણય પ્રક્રિયાઓમાં મહિલાઓની સહભાગિતા વધી, તો તેનાથી વ્યવસ્થાઓમાં પણ સંવેદનશીલતા આવી છે. અને આ ખૂબ મોટી તાકાત હોય છે, અને તેનું પરિણામ છે પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય, પોષણ, એવા અનેક વિષયો પર વધુ સમર્પણ ભાવથી, વધુ સંવેદનશીલતાથી, પરિણામકારી કામો થયા છે. જલ જીવન મિશન, હું સમજું છું કે તેની સૌથી મોટી સફળતાનું ઉદાહરણ છે, આમાં પંચાયત સ્તરે મહિલાઓની ભાગીદારીની જ ખૂબ મોટી ભૂમિકા છે.
સાથીઓ,
આપણી લોકલ બોડીઝ અને સંસ્થાઓમાં આટલા વર્ષોથી જે લાખો મહિલાઓ કામ કરી રહી છે, નેતૃત્વ કરી રહી છે, તેમની પાસે ગ્રાસરૂટ લેવલનો ખૂબ સમૃદ્ધ અને લાંબો અનુભવ છે. તેઓ હવે વધુ મોટી ભૂમિકા માટે તૈયાર છે અને તત્પર પણ છે. હું મારો એક અંગત અનુભવ જણાવું છું. આ સામર્થ્ય શું હોય છે, હું 2001માં નવો-નવો મુખ્યમંત્રી બન્યો, મને કોઈ ખાસ અનુભવ નહોતો, સરકાર ચલાવવાનો, શાસન વ્યવસ્થાનો, એક પ્રકારે હું નવો વ્યક્તિ હતો. કદાચ 2002 કે 2003ની ઘટના હશે, અમારા એક ધારાસભ્ય મારી પાસે આવ્યા, બોલ્યા મારા વિસ્તારમાં એક ગામની પંચાયતની બહેનો તમને મળવા માંગે છે. આ ખેડા ડિસ્ટ્રિક્ટ, આણંદ ડિસ્ટ્રિક્ટનો વિસ્તાર હતો, જ્યાં સરદાર સાહેબનો જન્મ થયો હતો, તો મેં કહ્યું ભાઈ તેમને પંચાયતનું કોઈ કામ હોય તો પંચાયત મંત્રીને મેળવી આપો તેમને, નહીં સાહેબ તેઓ તમને જ મળવા માંગે છે. મેં કહ્યું કેમ? તો બોલ્યા પંચાયતમાં તમામ સભ્યો મહિલાઓ જ છે, એક પણ પુરુષ સભ્ય જ નથી અમારી પંચાયતમાં. મેં કહ્યું એવું કેવી રીતે? બોલ્યા ગામ લોકોએ નક્કી કર્યું કે આ વખતે પ્રમુખ મહિલા છે તો સભ્યો પણ તમામ મહિલા, તો કોઈ પુરુષ ચૂંટણી જ લડ્યો નહોતો. તો મારું ધ્યાન સ્વાભાવિક રીતે ગયું, મેં કહ્યું ભાઈ જરૂર હું મળીશ. નાનું અમસ્તું ગામ હતું, કોઈ કદાચ 13 સભ્યોની પંચાયત હતી, તો મેં તેમને સમય આપ્યો, તેઓ બધા મળવા આવ્યા. 13 બહેનો હતી, તેમાં જે ગામના પ્રમુખ બન્યા હતા તેઓ કદાચ 8મા ધોરણ સુધી ભણેલા હતા. બાકી જે બહેનો હતી, એક બે બહેનોને તો ઘૂમટો પણ તાણેલો હતો. તેઓ કદાચ તેમાંથી કેટલાક તો એવા હશે જેમણે શાળા પણ જોઈ નહીં હોય, તો બધા આવ્યા, મને લાગે છે કે આ બધા મોટા-મોટા લોકોએ તેમને કોઈ મેમ્બરોએ પકડાવી દીધું હશે, કોઈ માંગ લઈને આવ્યા હશે, કે મારા ગામમાં આ કરો, મારા ગામમાં પેલું કરો. હું હેરાન હતો તેમના હાથમાં કોઈ કાગળ નહોતો, તો બેઠા મેં પરિચય આપવા કહ્યું. મેં કહ્યું તમે સમય માંગ્યો હતો શું કામ હતું? નહીં બોલ્યા કોઈ કામ નથી, એ તો એમ જ બોલ્યા અમે ચૂંટાઈને આવ્યા છીએ તો મળવા આવ્યા હતા. હવે આ મારા માટે મોટું આશ્ચર્ય હતું, નહીંતર નેતા લોકો આવે છે, તો માત્ર મેમોરેન્ડમ લઈને આવે છે. પછી મેં તેમને પૂછ્યું સારું જણાવો, મેં કહ્યું કે તમને જો 5 વર્ષ આટલું મોટું કામ મળી ગયું, આપ સૌ બહેનો ગામને સંભાળનારી છો, તમારું સપનું શું છે, 5 વર્ષમાં શું કરશો તમે લોકો? ગામમાં કેવું કરશો? સામાન્ય હોત તો શું જવાબ આપત, આ જે આપણા જેવા મોટા-મોટા દેખાય છે ને, તે શું જવાબ આપત, શાળા બનાવી લઈશું, હોસ્પિટલ બનાવી દઈશું, રોડ બનાવી દઈશું, એવા જ જવાબ આપત. તે દિવસે 8મું ધોરણ ભણેલી તે પ્રમુખે અને તેની સાથે આવેલી મહિલા સભ્યોએ મને જે જવાબ આપ્યો, તે કદાચ દુનિયાનો મોટામાં મોટો અર્થશાસ્ત્રી પણ આપી શકતો નથી. અને તે વાત આજે પણ મારા માટે એક લેશનની જેમ છે. હું સીએમ બન્યો, પીએમ બન્યો, પરંતુ તે પંચાયતની મહિલાઓની તે વાત મારા માટે આજે પણ માર્ગદર્શક છે. તમને આશ્ચર્ય થશે, એવો શું જવાબ આપ્યો હશે. જ્યારે મેં તેમને પૂછ્યું, શું કરશો તમે, 5 વર્ષ તમને મળ્યા છે, ગામે તમને ચૂંટવાના જ હતા તો, ત્યારે તેમણે મને જવાબ આપ્યો કે સાહેબ એક જ ઈચ્છા છે, મેં કહ્યું શું? અને તે જવાબ આજે પણ મારા કાનમાં ગુંજ્યા કરે છે જી. તેમણે કહ્યું અમારી ઈચ્છા છે કે અમારા ગામમાં કોઈ ગરીબ ન રહે. મોટામાં મોટા અર્થશાસ્ત્રીઓ માટે પણ આનાથી મોટો કોઈ સંદેશ ન હોઈ શકે. આ પોતાનામાં મારા માટે એક સુખદ અનુભવ હતો અને તે શબ્દો આજે પણ મારા કાનમાં ગુંજ્યા કરે છે. અને તેથી જમીન સાથે જોડાયેલા અનુભવમાંથી જે વાણી નીકળે છે ને તે વેદ વાક્ય બની જાય છે.
અને તેથી સાથીઓ,
નારીશક્તિ વંદન અધિનિયમને લાગુ કરવો, એવી તમામ મહિલાઓના જીવનનો ખૂબ મોટો અવસર બનવા જઈ રહ્યો છે. હવે પંચાયતથી આગળ વધીને પાર્લામેન્ટ પહોંચવાની તેમની સફર વધુ સરળ બનવા જઈ રહી છે.
સાથીઓ,
આજે વિકસિત ભારતની આપણી યાત્રામાં મહિલાઓની ભૂમિકા હજી વધુ મહત્વની બની ગઈ છે. મને સંતોષ છે કે 2014માં, આપ સૌએ દેશવાસીઓએ અમને અહીં સેવા કરવાની તક આપી છે, અને ત્યારથી લઈને અત્યાર સુધી, અમારી સરકારે મહિલાઓના જીવન ચક્રના દરેક પડાવ માટે યોજનાઓ બનાવી, તેમને સફળતાપૂર્વક લાગુ કરી. આજે પ્રથમ શ્વાસથી લઈને છેલ્લા શ્વાસ સુધી અમારી સરકાર કોઈ ને કોઈ યોજના લઈને ભારતની બહેન-દીકરીઓની સેવામાં હાજર છે. ગર્ભમાં દીકરીની હત્યા ન થાય, તે માટે અમે ‘બેટી બચાવો-બેટી પઢાવો’ અભિયાન શરૂ કર્યું. ગર્ભાવસ્થામાં માતાને સાચું પોષણ મળે, તે માટે દરેક ગર્ભવતી માતાને ‘માતૃ વંદના યોજના’ હેઠળ 5 હજાર રૂપિયાની આર્થિક મદદ આપી. જન્મ પછી દીકરીને ભણવામાં મુશ્કેલી ન પડે, તે માટે વધુમાં વધુ વ્યાજ મળે તેવી ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ શરૂ કરી. દીકરીને ગંભીર બીમારીથી બચાવવા માટે બાળપણમાં તેને સાચા સમયે રસી મુકાતી રહે, તે માટે ‘મિશન ઈન્દ્રધનુષ’ શરૂ કર્યું. દીકરીને શાળામાં શૌચાલયની પરેશાની ન પડે, તે માટે ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ દેશમાં કરોડો શૌચાલયો બનાવવામાં આવ્યા. દીકરીને પીરિયડ્સ દરમિયાન પરેશાની ન પડે, તે માટે લગભગ મફતમાં સેનિટરી નેપકિન આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. દીકરી જો સ્પોર્ટ્સમાં આગળ જવા માંગે છે, તો તેને ‘ખેલો ઈન્ડિયા અભિયાન’ હેઠળ વાર્ષિક એક લાખ રૂપિયા સુધીની મદદ મળી રહી છે. દીકરી જો મોટી થઈને ભવિષ્યમાં સેનામાં જવા માંગે તો તેના માટે સરકારે સૈનિક સ્કૂલમાં એડમિશન માટે દરવાજા ખોલી દીધા છે, નેશનલ ડિફેન્સ એકેડમીમાં જવાના રસ્તા ખોલ્યા. જીવનના આગળના પડાવમાં, દીકરીને રસોડામાં ધુમાડાની પરેશાની ન વેઠવી પડે, તે માટે અમે ‘ઉજ્જ્વલા યોજના’ શરૂ કરી, કરોડો ગેસ કનેક્શન મફત આપ્યા. દીકરીને માઈલો સુધી માથા પર પાણી ન ભરી લાવવું પડે, તે માટે અમે ‘હર ઘર નલ સે જલ’ અભિયાન શરૂ કર્યું. દીકરીને પોતાના પરિવાર માટે રાશનની ચિંતા ન કરવી પડે તે માટે મફત રાશનની યોજના શરૂ કરવામાં આવી. પોતાના પારિવારિક જીવનમાં દીકરીઓને ઈલાજની ચિંતા ન હોય, તે માટે તેમને 5 લાખ રૂપિયા સુધીનો મફત ઈલાજ આપનારી આયુષ્માન યોજનાનું પીઠબળ બનાવી દીધું. 80 પર્સન્ટ સુધી ડિસ્કાઉન્ટ પર સસ્તી દવા માટે જન ઔષધિ કેન્દ્રો હોય, આ બધાનો સૌથી વધુ લાભ આપણી બહેનો અને દીકરીઓને થઈ રહ્યો છે.
સાથીઓ,
આપ સૌ આ વાતને સારી રીતે જાણો છો કે ભારતમાં મહિલાઓને સશક્ત કરવા માટે તેમની આર્થિક ભાગીદારી વધારવી આવશ્યક છે. તેથી અમે અમારી સરકારના દરેક નિર્ણયમાં, દરેક યોજનામાં આ પાસાનું ધ્યાન રાખ્યું છે. પહેલા પરિવારની સંપત્તિ મુખ્યત્વે પુરુષોના નામે હતી. ઘર છે તો પુરુષના નામે, ખેતર છે તો પુરુષના નામે, દુકાન છે તો પુરુષના નામે, ગાડી છે તો પુરુષના નામે, સ્કૂટર છે તો તે પણ પુરુષના નામે, અને આ સહજ ચાલતું હતું. અમે ‘પીએમ આવાસ યોજના’ માં ઘરોને પ્રાથમિકતાના આધારે પરિવારની મહિલાઓના નામે રજિસ્ટર કરાવવાનું શરૂ કર્યું. બાળકો શાળાએ જાય છે તો સ્વાભાવિક રીતે પિતાનું નામ લખવામાં આવે છે, અમે આવીને શરૂ કર્યું કે માતાનું નામ પણ લખવામાં આવશે. વિતેલા 11 વર્ષમાં આ નિર્ણયનો લાભ 3 કરોડથી વધુ મહિલાઓને મળ્યો છે જેઓ પોતાના ઘરની માલિક બની છે. આનાથી આજે ઘરોમાં મહિલાઓ પણ આર્થિક રીતે સશક્ત બની રહી છે. સામાન્ય રીતે પિતા અને પુત્ર કોઈ વ્યાપારની વાત કરતા હોય ને, અને જો માતા ચા લઈને આવે અને થોડી વાર ઉભી રહે, અરે તમે જાઓ, કિચનમાં જાઓ, અમે વાત કરી રહ્યા છીએ. હું ગૃહસ્થ નથી, પણ ખબર બહુ છે. પરંતુ હવે જ્યારે તે આર્થિક તાકાત બની છે ને તો પુત્ર પણ કહે છે અરે જરા મમ્મીને બોલાવો ને વાતચીતમાં, તેમને બોલાવો ને.
સાથીઓ,
2014માં આપણા દેશમાં કરોડો મહિલાઓ એવી હતી જેમણે ક્યારેય બેંકનો દરવાજો પણ જોયો નહોતો. મહિલાઓ બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલી જ નહોતી, તો તેમને બેંકિંગનો લાભ કેવી રીતે મળે? અમે જનધન યોજના શરૂ કરી તો દેશની 32 કરોડથી વધુ મહિલાઓના બેંક ખાતા ખૂલ્યા. હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે એક નિર્ણય મને શરૂઆતમાં ખૂબ મુશ્કેલી પડી હતી. ગુજરાતમાં કોપરેટિવ ડેરીનું મોટું સામ્રાજ્ય છે, ખૂબ મોટું કામ થાય છે, અને પશુપાલનનું મોટાભાગનું કામ આપણી માતાઓ-બહેનો કરે છે, તેઓ દૂધ ભરવા માટે જાય છે અને પછી તે પૈસા અઠવાડિયા પછી તે પૈસા આપે છે, તો પુરુષોને આપતા હતા પૈસા. હું જ્યારે મુખ્યમંત્રી બન્યો, મેં કહ્યું કે હું નહીં આપું પુરુષોને, તે સમયે મેં બેંકોમાં જે દૂધ ભરવા આવનારી બહેનો હતી, તેમના બેંક ખાતા ખોલાવ્યા, અને તે સમયે ડેરીમાં દૂધના પૈસા સીધા મહિલાઓના બેંક ખાતામાં જવા લાગ્યા.
સાથીઓ,
આજે આપણી દીકરીઓ નવા-નવા બિઝનેસીસમાં પોતાની ઓળખ બનાવી રહી છે. મુદ્રા યોજનામાં 60% થી વધુ લોન્સ મહિલાઓએ લીધી છે. દેશની સ્ટાર્ટઅપ revolution ને પણ મહિલાઓ લીડ કરી રહી છે. આજે 42% થી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછી એક મહિલા ડાયરેક્ટર છે. મહિલાઓની કારકિર્દી પર અસર ન પડે, તે માટે અમે મેટરનિટી લીવને પણ વધારીને 26 અઠવાડિયા કરી દીધી છે. દુનિયાના સમૃદ્ધ દેશોમાં પણ આ નથી. જ્યારે હું તેમને જણાવું છું ત્યારે તેમની આંખો ફાટી જાય છે.
સાથીઓ,
તમને યાદ હશે, કેટલાક વર્ષો પહેલા દેશે ‘સ્કિલ ઈન્ડિયા મિશન’ launch કર્યું હતું. અમે vocational training programs શરૂ કર્યા હતા. આજે તેનું પરિણામ આપણે હજારો ડ્રોન દીદી દ્વારા થઈ રહેલી કૃષિ ક્રાંતિના રૂપમાં જોઈ રહ્યા છીએ. હું એક વાર આ જે ડ્રોન દીદી છે, તેમની સાથે વીડિયો કોન્ફરન્સ પર વાત કરી રહ્યો હતો. ગામની દીકરીઓ છે, કોઈ વહુ છે તે ડ્રોન ચલાવે છે, તો તેમણે મને કહ્યું કે અત્યાર સુધી તો અમને ગામમાં કોઈ ગમે તેમ બોલતું, હવે તો બોલે પાઈલટ કહીને બોલાવે છે. અમારી ઓળખ બની ગઈ છે, અમે પાઈલટ છીએ. એટલે કે perception કેટલું ઝડપથી બદલાઈ શકે છે એક નાના અમસ્તા નિર્ણયથી. મહિલાઓ ટેકનોલોજી દ્વારા આધુનિક ખેતી કરવાનું શીખી રહી છે. તમને એ જાણીને ખુશી થશે કે છેલ્લા 11 વર્ષમાં આશરે 10 કરોડ મહિલાઓ સ્વ-સહાય જૂથો સાથે જોડાઈ છે. સરકારે ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપી રહેલી એવી 6 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અને તેમાંથી 3 કરોડથી વધુ ગ્રામીણ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે. અને આ જે વીમેન સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, તેમને બેંકોમાંથી પૈસા કામ માટે મળે છે. અને તમે જાણીને ખુશ થઈ જશો, જો તેમને બુધવારે પૈસા જમા કરવાના હોય, તો મંગળવારે જઈને જમા કરી દે છે, એક દિવસ પહેલા. અને મેં જોયું છે, મેં શાસનમાં આવ્યા પછી બેંકોના કારોબારમાં ગરીબોની અમીરી પણ જોઈ છે અને અમીરોની ગરીબી પણ જોઈ છે.
એટલું જ નહીં સાથીઓ, આ આપણી માતાઓ-બહેનો ‘વોકલ ફોર લોકલ’ ની બ્રાન્ડ એમ્બેસેડર બની રહી છે. બહેનો, Women led development ના વિઝનની ખૂબ મોટી સફળતા એ છે કે તેણે મહિલાઓ પ્રત્યેની જૂની વિચારસરણીને પડકાર ફેંક્યો છે. હવે જી-20 સમિટ જ્યારે આપણું ચાલી રહ્યું હતું, અમે ચેર કરી રહ્યા હતા, દુનિયાના દેશોને મારે સમજાવવું પડ્યું હતું કે વીમેન ડેવલપમેન્ટ અને વીમેન લેડ ડેવલપમેન્ટમાં શું તફાવત હોય છે. દુનિયાનો ખૂબ મોટો વર્ગ વીમેન ડેવલપમેન્ટ સુધી સહમત હતો, વીમેન લેડ ડેવલપમેન્ટ માટે મારે તાકાત લગાવવી પડી હતી, અને આપણને સફળતા મળી હતી. આ વિચારનું પરિણામ છે કે, આજે મહિલાઓ તે સેક્ટર્સમાં પણ ઊંચાઈઓને સ્પર્શી રહી છે જ્યાં ક્યારેક પુરુષોનો એકાધિકાર માનવામાં આવતો હતો. આજે આપણી દીકરીઓ ફાઈટર પાઈલટ બનીને આકાશની બુલંદીઓ સ્પર્શી રહી છે. આજે ભારતમાં વિશ્વના કોઈ પણ દેશની તુલનામાં, આ આંકડો પણ તમને ખુશ કરી દેશે, વિશ્વના કોઈ પણ દેશની તુલનામાં મહિલા પાઈલટોની ટકાવારી સૌથી વધુ હિન્દુસ્તાનમાં છે. આજે PhD enrolment માં દીકરીઓની સંખ્યા 2014 ની તુલનામાં ડબલ થઈ ચૂકી છે. હાયર એજ્યુકેશન અને રિસર્ચમાં આશરે અડધી ભાગીદારી આપણી દીકરીઓની છે. મેથ્સ અને સાયન્સના અભ્યાસમાં, STEM Education માં દીકરીઓની સંખ્યા આશરે 43% સુધી પહોંચી ગઈ છે. મને યાદ છે હું દુનિયાના એક સમૃદ્ધ દેશમાં એક વાર ગયો, તો ત્યાંના શિક્ષણ મંત્રી મારી સાથે લિફ્ટમાં અમે જઈ રહ્યા હતા, તેમણે મને પૂછ્યું કે ભારતમાં મહિલા એજ્યુકેશનમાં કેવું છે? મેં કહ્યું ખૂબ સારું છે, વધુ છે, કેટલીક જગ્યાએ તો પુરુષો કરતા પણ વધુ છે. તો પછી તેમણે મોટી જિજ્ઞાસાથી પૂછ્યું, સ્ટેમ એજ્યુકેશનમાં શું મહિલા હિસ્સો, મેં કહ્યું 50% હિસ્સો તેમનો જ છે, તો તેમના માટે આશ્ચર્ય હતું, આ દુનિયાના સમૃદ્ધ દેશના શિક્ષણ મંત્રીની હું વાત કરી રહ્યો છું.
સાથીઓ,
આપણા સમાજમાં એક મોટો પડકાર મહિલા સુરક્ષાને લઈને પણ રહ્યો છે. સદીઓથી મહિલાઓએ પોતાની સુરક્ષા માટે મૌન રહેવું પડ્યું છે. અમારી સરકારે આ દિશામાં પણ મજબૂત પગલાં ઉઠાવ્યા છે. ન્યાય વ્યવસ્થા વધુ સંવેદનશીલ બને, નિર્ણય પ્રક્રિયા ઝડપી બને, તે માટે અમે કાયદાકીય ફેરફારો તો કર્યા જ છે, સાથે જ ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતોની સ્થાપના પણ કરવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતામાં પણ મહિલા સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે, હવે કોઈ પણ સ્થળેથી ઈ-એફઆઈઆર કે ઝીરો-એફઆઈઆર દાખલ કરી શકાય છે. પીડિતાના નિવેદનને ઓડિયો-વીડિયોના માધ્યમથી રેકોર્ડ કરવા જેવી વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવી છે. એવા કેટલાય પગલાં છે, જેના દ્વારા આપણે પ્રગતિશીલ સમાજની અવધારણાને સાકાર કરી રહ્યા છીએ.
સાથીઓ,
જીવનના દરેક પડાવ, દરેક ચિંતા, સુખ-દુઃખ, દરેક અવસર પર, એવી દરેક પરિસ્થિતિમાં ધ્યાન આપતા, અમારી સરકારે અનેક નાના-મોટા પગલાંથી મહિલાઓને સશક્ત કરી છે. આનું જ પરિણામ છે કે દેશ હવે પોતાની લોકશાહીને નવી ઊંચાઈ પર લઈ જવા માટે તૈયાર છે.
સાથીઓ,
દેશની નારીશક્તિએ પોતાના પરિશ્રમ, સાહસ અને આત્મવિશ્વાસથી નવી ઊંચાઈઓને સ્પર્શી છે. હવે આપણે મળીને આ શક્તિને નવી ઊર્જા આપવાની છે, તે માટે અવસરોનો વિસ્તાર કરવાનો છે. હું આજે આ મંચ પરથી દેશની દરેક માતા, બહેનો, દીકરીઓ, સૌને વિશ્વાસ અપાવવા માંગુ છું કે દેશ તેમની આકાંક્ષાઓને સમજે છે, અને તેમના સપનાઓને સાકાર કરવા માટે દરેક આવશ્યક પગલાં ઉઠાવી રહ્યો છે.
સાથીઓ,
હું સંસદમાં થનારી ચર્ચા પહેલા, દેશની નારીશક્તિને પણ આ અપીલ કરું છું કે આપ આ પૂરી પ્રક્રિયામાં પોતાની સક્રિયતા જાળવી રાખો. આપ આપના વિસ્તારના સાંસદોને પણ જરૂર મળો. દેશની મહિલાઓ પોતાના સાંસદો પાસે પોતાનો પક્ષ રાખે, પોતાની અપેક્ષાઓ તેમને જણાવે. અને જે દિવસે તેઓ ગૃહમાં આવવા માટે પોતાના અહીંથી નીકળે, તો જરા ફૂલમાળા આપીને તેમને વિદાય પણ આપજો. જેથી જ્યારે માતાઓ-બહેનોના આશીર્વાદ લઈને સાંસદો નીકળશે ને, તો બીજો નિર્ણય કરી જ શકતા નથી. જેથી આ મારા સાંસદ સાથીઓ સાચો નિર્ણય લે, મહિલાઓના હિતમાં નિર્ણય લે, સહમતીથી નિર્ણય લે.
સાથીઓ,
મારો આપને એક વધુ આગ્રહ છે. નારીશક્તિ વંદન કાર્યક્રમમાં થનારી ચર્ચાઓને આપ સૌ દેશના ગામેગામ સુધી લઈ જાઓ. વ્યક્તિગત મેળાપથી, સોશિયલ મીડિયા દ્વારા, અન્ય પ્રચાર માધ્યમો દ્વારા, આપણે દેશના આ મોટા નિર્ણયને દેશની દરેક મહિલા સુધી પહોંચાડવાનો છે. આપણે તેમને aware કરવાની છે, જેથી તેઓ આ મોટા નિર્ણયની તાકાતને સમજી શકે, જેથી તેઓ પોતાની ભૂમિકાને સમજી શકે, અને ખુલ્લેઆમ આ સપનું જોઈ શકે કે આવનારા સમયમાં રાજ્યોથી લઈને દેશની સંસદ સુધી, તેઓ પોતાની ઉપસ્થિતિ નોંધાવી શકે છે. આવો, આપણે સૌ સાથે મળીને આ સંકલ્પ લઈએ કે નારી શક્તિ પાસે તેમના અધિકારો હશે, અને તેઓ નિર્ણય પ્રક્રિયામાં પૂરી રીતે ભાગીદાર પણ બનશે. આ જ આપણા ઉજ્જવળ ભવિષ્યની સૌથી મોટી ગેરંટી છે. હું તો એ પણ કહીશ કે 16-17-18, હું તે તો સ્પીકર મહોદયના અધિકારનું ક્ષેત્ર છે, પરંતુ હું તો ઈચ્છીશ કે તે સમયે પ્રેક્ષક ગેલેરી મહિલાઓથી જ ભરેલી રહે. એક ઉત્સવનો માહોલ બનશે આખા દેશમાં, અને આ, આ પક્ષ પેલો પક્ષ વાળો વિષય રહેવાનો નથી, કોણ જીત્યું, કોણ હાર્યું, કોણે કર્યું, કોણે નહીં, બધો જ શ્રેય દેશની માતૃશક્તિને છે, બધો જ શ્રેય દેશની સંસદને છે, બધો જ શ્રેય હિન્દુસ્તાનના તમામ રાજકીય પક્ષોને છે, બધો જ શ્રેય છેલ્લા 3-4 દાયકાથી સતત જે કામ કરી રહ્યા છે, બધાને શ્રેય છે. આ સૌનું છે, સૌના સહયોગથી છે અને સૌના ભલાઈ માટે છે. આ જ વિશ્વાસ સાથે આપ સૌએ આટલો સમય કાઢ્યો, આટલા ઉમંગ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં સામેલ થયા, હું હૃદયપૂર્વક આપ સૌનું ખૂબ-ખૂબ અભિનંદન કરું છું, આભાર વ્યક્ત કરું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ.
SM/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2251537)
મુલાકાતી સંખ્યા : 23