નાણા મંત્રાલય
સ્વસ્થ વસ્તી એ સ્થિતિસ્થાપક ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટેનો મુખ્ય સ્તંભ: આર્થિક સર્વેક્ષણ 2025-26
ભારતે માતૃત્વ મરણ દર (MMR), પાંચ વર્ષથી ઓછા બાળકોમાં મરણ દર (U5MR) અને નવજાત શિશુ મરણ દર (NMR)માં સફળ ઘટાડો હાંસલ કર્યો છે, જે 1990થી વૈશ્વિક ઘટાડા વલણથી પણ આગળ છે.
છેલ્લા દાયકામાં શિશુ મૃત્યુ દર (IMR) માં 37 ટકાથી વધુનો ઘટાડો થયો છે
આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અને ઈ-સંજીવની જેવી ICT નવીનતાઓ સાર્વત્રિક આરોગ્ય પ્રણાલીના સુધારાઓને ટેકો આપે છે
સ્થૂળતાની સમસ્યાને ઉકેલવા માટે બહુપક્ષીય વ્યૂહરચના જરૂરી છે, તેમ આર્થિક સર્વેક્ષણ જણાવે છે
સર્વે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સની સમસ્યાને ઉકેલવા માટે આહાર અને નીતિગત હસ્તક્ષેપો પર ભાર મૂકે છે
બાળકોમાં ડિજિટલ વ્યસનને દૂર કરવા માટે પ્રજ્ઞાતા (PRAGYATAH) ફ્રેમવર્ક અને ઓનલાઇન ગેમિંગ (રેગ્યુલેશન) એક્ટ, 2025 જેવી પહેલો રજૂ કરવામાં આવી
ટેલી-માનસ (Tele-MANAS) અને નિમહાન્સ (NIMHANS), બેંગલુરુ ખાતેની SHUT ક્લિનિક દ્વારા માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ ઉકેલવામાં આવ્યા
સર્વે ‘હેલ્થ હોટસ્પોટ્સ’ ઓળખવા માટે AI અને ટેકનોલોજી સંચાલિત સર્વેક્ષણોની ભૂમિકા પર ભાર મૂકે છે
प्रविष्टि तिथि:
29 JAN 2026 1:48PM by PIB Ahmedabad
દેશમાં આરોગ્ય પરના જાહેર રોકાણ દ્વારા વધુ સારી અને સસ્તી સુવિધાઓ પૂરી પાડીને આરોગ્ય સંભાળની પહોંચ વધારવામાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે, જેમાં નિવારક અને ઉપચારાત્મક સંભાળ, પોષણ અને આરોગ્ય વીમાની પહોંચનો સમાવેશ થાય છે. શિશુ અને માતા મૃત્યુ દરમાં ઘટાડો થયો છે, રસીકરણ કવરેજ વિસ્તર્યું છે અને પ્રાથમિક આરોગ્ય સંભાળ સેવાઓની પહોંચમાં સુધારો થયો છે. નેશનલ હેલ્થ મિશન, આયુષ્માન ભારત અને વિવિધ રોગ નિયંત્રણ કાર્યક્રમો જેવી પહેલોએ આ પ્રગતિમાં ફાળો આપ્યો છે.
આજે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલ આર્થિક સર્વેક્ષણ 2025-26, માનવ મૂડી અને આર્થિક ઉત્પાદકતાને મજબૂત કરવા માટે જાહેર આરોગ્યમાં સુધારાના મહત્વ તરફ ધ્યાન દોરે છે.
સુધારેલા આરોગ્ય પરિમાણો: સર્વેએ દસ્તાવેજીકરણ કર્યું છે કે 1990 થી, ભારતે તેના માતા મૃત્યુ દર (MMR) માં 86 ટકાનો ઘટાડો કર્યો છે, જે 48 ટકાની વૈશ્વિક સરેરાશ કરતા ઘણો વધારે છે. તેવી જ રીતે, પાંચ વર્ષથી ઓછી ઉંમરના મૃત્યુ દરમાં (U5MR) 78 ટકાનો ઘટાડો થયો છે, જે 61 ટકાના વૈશ્વિક ઘટાડા કરતા વધુ છે અને નવજાત મૃત્યુ દરમાં (NMR) 70 ટકાનો ઘટાડો થયો છે, જેની સરખામણીમાં 1990-2023 દરમિયાન વૈશ્વિક સ્તરે 54 ટકા ઘટાડો થયો હતો.
નોંધનીય છે કે, શિશુ મૃત્યુ દર (IMR) માં છેલ્લા દાયકામાં 37 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે, જે 2013 માં દર હજાર જીવિત જન્મે 40 મૃત્યુથી ઘટીને 2023 માં 25 થયો છે. આ નવજાત અને માતાની સંભાળની સ્થિતિ તેમજ એકંદર આરોગ્ય સંભાળ અને સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો સૂચવે છે.

વધુ સારી આરોગ્ય સંભાળ માટે ડિજિટલ ટેકનોલોજી: સર્વે એકીકૃત આરોગ્ય સંભાળ અને વીમા પ્રણાલીઓ બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજી અને ICT નવીનતાઓના ઉપયોગ પર ધ્યાન દોરે છે જે પારદર્શિતા વધારે છે, વિભાજન ઘટાડે છે અને પહોંચ વધારે છે. હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM), અને ઈ-સંજીવની જેવી પહેલોએ નાગરિકોની ડિજિટલ આરોગ્ય સેવાઓ સુધીની પહોંચ વધારી છે, ડિજિટલ રોજગારીની તકો ઊભી કરી છે, પુરાવા-આધારિત નીતિ ઘડતર સક્ષમ કર્યું છે અને હોસ્પિટલ વ્યવસ્થાપનમાં સુધારો કર્યો છે.
નવા જમાનાની આરોગ્ય ચિંતાઓ:
સ્થૂળતા: સ્થૂળતા ચિંતાજનક દરે વધી રહી છે અને આજે ભારતમાં જાહેર આરોગ્ય માટે એક મોટો પડકાર છે. બિનઆરોગ્યપ્રદ આહાર, બેઠાડુ જીવનશૈલી સહિત જીવનશૈલીમાં ફેરફારો, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ (UPFs) ના વધતા વપરાશને કારણે તે તમામ વય જૂથના લોકોને અસર કરી રહી છે અને ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઈપરટેન્શન જેવા બિન-ચેપી રોગો (NCDs) નું જોખમ વધારી રહી છે. 2019-21 નો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS) અહેવાલ આપે છે કે 24 ટકા ભારતીય મહિલાઓ અને 23 ટકા ભારતીય પુરુષો વધુ વજન ધરાવતા અથવા સ્થૂળ છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધુ વજનનું પ્રમાણ 2015-16 માં 2.1 ટકાથી વધીને 2019-21 માં 3.4 ટકા થયું છે.
સ્થૂળતાને ગંભીર જાહેર આરોગ્ય ચિંતા તરીકે ઓળખીને, સરકારે આરોગ્ય, પોષણ, શારીરિક પ્રવૃત્તિ, ખાદ્ય સુરક્ષા અને જીવનશૈલીના ફેરફારોને એકીકૃત કરતા સર્વગ્રાહી અભિગમ માટે હસ્તક્ષેપો શરૂ કર્યા છે. કેટલાક ઉદાહરણોમાં પોષણ અભિયાન અને પોષણ 2.0, ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ, ખેલો ઈન્ડિયા, ઈટ રાઈટ ઈન્ડિયા, દેશવ્યાપી જાગૃતિ અભિયાન – ‘આજ સે થોડા કમ’ નો સમાવેશ થાય છે. વધુમાં, FSSAI એ ‘સ્ટોપ ઓબેસિટી એન્ડ ફાઇટ ઓબેસિટી- અવેરનેસ ઇનિશિયેટિવ ટુ સ્ટોપ ઓબેસિટી’ શરૂ કરી છે.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ (UPFs) લાંબા સમયથી સ્થાપિત આહાર પદ્ધતિઓને વિસ્થાપિત કરી રહ્યા છે, આહારની ગુણવત્તા બગાડી રહ્યા છે અને અનેક ક્રોનિક રોગોના વધતા જોખમ સાથે સંકળાયેલા છે. સર્વે હાઇલાઇટ કરે છે કે કેવી રીતે આહાર સુધારણાને જાહેર આરોગ્યની પ્રાથમિકતા તરીકે ગણવી જોઈએ. ભારત UPF વેચાણ માટે સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે. તે 2009 થી 2023 દરમિયાન 150 ટકાથી વધુ વધ્યું છે. આ સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા ખોરાક, પરંપરાગત ખોરાકને લોકપ્રિય બનાવવાની અને અસરકારક વ્યવસ્થાપન માટે આયુષ (AYUSH) જેવી પરંપરાગત પદ્ધતિઓ (જેમ કે યોગનો પ્રચાર) ના ઉપયોગની જરૂરિયાત સૂચવે છે.
ડિજિટલ વ્યસન: સર્વે બાળકોમાં ડિજિટલ વ્યસનની વધતી જતી સમસ્યા પર પ્રકાશ પાડે છે. ડિજિટલ વ્યસન વિક્ષેપો, ‘ઊંઘની અછત’ અને ઓછી એકાગ્રતાને કારણે શૈક્ષણિક પ્રદર્શન અને કાર્યસ્થળની ઉત્પાદકતા પર નકારાત્મક અસર કરે છે. તે સામાજિક મૂડીને પણ નષ્ટ કરે છે. સર્વે આ સમસ્યાને ઉકેલવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની નોંધ લે છે. CBSE એ શાળાઓ અને સ્કૂલ બસોમાં સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. શિક્ષણ મંત્રાલયનું પ્રજ્ઞાતા (Pragyatah) ફ્રેમવર્ક સ્ક્રીન ટાઇમ પર ધ્યાન આપીને ડિજિટલ શિક્ષણ આયોજનનું માર્ગદર્શન કરે છે. તે જ સમયે, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે સ્ક્રીન ટાઇમ મર્યાદા અને ઓનલાઇન સુરક્ષા અંગે માર્ગદર્શિકા જારી કરી છે.
માનસિક સ્વાસ્થ્ય સંકટ: ડિજિટલ વ્યસન સાથે યુવાનોનું બગડતું માનસિક સ્વાસ્થ્ય નજીકથી જોડાયેલું છે. 15-24 વર્ષની વયના લોકોમાં સોશિયલ મીડિયા વ્યસનનું પ્રમાણ વધુ છે અને અનેક ભારતીય અને વૈશ્વિક અભ્યાસો તેની પુષ્ટિ કરે છે. સોશિયલ મીડિયા વ્યસન ચિંતા (anxiety), હતાશા (depression), નીચા આત્મસન્માન અને સાયબરપજવણી(cyberbullying) ના તણાવ સાથે મજબૂત રીતે સંકળાયેલું છે. ભારતીય યુવાનોને સતાવતી અન્ય સમસ્યાઓમાં કમ્પલ્સિવ સ્ક્રોલિંગ, સોશિયલ કમ્પેરિઝન અને ગેમિંગ ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. આ ઊંઘમાં ખલેલ, આક્રમકતા, સામાજિક એકલતા અને હતાશા તરફ દોરી જાય છે, જેમાં કિશોર વયજૂથ ખાસ કરીને સંવેદનશીલ હોય છે.
તેથી, સર્વે નોંધે છે કે સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે કેવી રીતે બહુવિધ પગલાં લીધાં છે. દાખલા તરીકે, ઓક્ટોબર 2022માં MoHFW દ્વારા શરૂ કરાયેલ ટેલી-માનસ (Tele-MANAS), તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 24/7 ટોલ-ફ્રી માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઇન (14416) ઓફર કરે છે, જે કોલ કરનારાઓને કોઈ પણ ખર્ચ વિના તાલીમ પામેલા વ્યાવસાયિકો સાથે જોડે છે. 2024 માં લોન્ચ કરાયેલ ટેલી-માનસ એપએ વધુ પહોંચ વિસ્તારી છે. આ સેવાને તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 32 લાખથી વધુ કોલ મળ્યા છે, જે તેની પ્રાસંગિકતા અને અસરને પ્રતિબિંબિત કરે છે. બેંગલુરુના NIMHANS ખાતેની SHUT (Service for Healthy Use of Technology) ક્લિનિક ટેકનોલોજીના અતિશય અને ફરજિયાત વપરાશ માટે વિશિષ્ટ સંભાળ પૂરી પાડે છે, જે કિશોરો અને યુવાન પુખ્ત વયના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે તંદુરસ્ત સ્ક્રીન-ટાઇમ પ્રેક્ટિસને ટેકો આપવા માટે માતાપિતા માટે મફત ઓનલાઇન સત્રો પણ ચલાવે છે. ઓનલાઇન ગેમિંગ (રેગ્યુલેશન) એક્ટ, 2025, યુવાનોમાં ડિજિટલ વ્યસન અને આર્થિક નુકસાનને દૂર કરવા માટે એક મોટું પગલું રજૂ કરે છે.
ડેટાના મહત્વને સ્વીકારીને, NIMHANS ની આગેવાની હેઠળ અને MoHFW દ્વારા કાર્યરત આગામી બીજો નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે (NMHS), ભારતીય સંદર્ભમાં માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓના વ્યાપ વિશે અનુભવજનક અને કાર્યક્ષમ સમજ પેદા કરશે તેવી અપેક્ષા છે.
આર્થિક સર્વેક્ષણ ડિજિટલ સ્પેસના વિકલ્પ પૂરા પાડવા માટે ખાસ કરીને શહેરી ઝૂંપડપટ્ટીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં ઓફલાઇન યુથ હબ સ્થાપવાનું સૂચન કરે છે. એ વાત સ્વીકારીને કે ડિજિટલ એક્સેસ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી શકાતી નથી, શાળાઓ અથવા સમાન સંસ્થાઓ દ્વારા હોસ્ટ કરાયેલ મોડરેટેડ ઓનલાઇન સુરક્ષિત જગ્યાઓ પણ સૂચવવામાં આવી છે. ડિજિટલ ટેવો ઘડવામાં શાળાઓ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તેથી, તેઓએ સ્ક્રીન ટાઇમ સાક્ષરતા, સાયબર સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિને આવરી લેતો 'ડિજિટલ વેલનેસ કરિક્યુલમ' (ડિજિટલ કલ્યાણ અભ્યાસક્રમ) રજૂ કરવો જોઈએ.
AI અને ટેકનોલોજી સંચાલિત સર્વેક્ષણોનો ઉપયોગ: સર્વેએ UDISE+, AISHE, ABDM જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ટેકનોલોજી-સંચાલિત સર્વેક્ષણોની ભૂમિકા અને શહેરી ઝૂંપડપટ્ટીમાં સ્થૂળતાના વ્યાપ અથવા અર્ધ-શહેરી શાળાઓમાં વધતા ડિજિટલ વ્યસન જેવા 'હેલ્થ હોટસ્પોટ્સ' ને ઓળખવા માટે AI ટૂલ્સના એકીકરણ પર ભાર મૂક્યો છે. જાહેર-ખાનગી ભાગીદારી ભારતમાં ફ્રન્ટલાઇન વર્કર્સની આગેવાની હેઠળની પહેલો વિકસાવવામાં મદદ કરી શકે છે, જેમાં મોબાઈલ એપ્સ, AI ચેટબોટ્સ (ASHABot), અને ડિજિટલ ડેશબોર્ડ્સ (દા.ત., આશા કિરણના M-CAT અને આશા ડિજિટલ હેલ્થ) જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડાયાબિટીસ જેવી લાંબી સ્થિતિઓનું અસરકારક રીતે સંચાલન કરવા, કોવિડ-19 સહિતના ચેપી રોગોનું નિરીક્ષણ કરવા અને માતા અને બાળકના સ્વાસ્થ્યના પરિણામો વધારવા માટે મદદ મળી શકે છે.
રાષ્ટ્રની સાચી ક્ષમતાને અનલોક કરવા માટે ભારતના આરોગ્ય ક્ષેત્રને અવિરત ધ્યાન આપવાની જરૂર છે, ખાસ કરીને ચેપી રોગો (CDs) અને બિન-ચેપી રોગો (NCDs) ના બેવડા બોજ, વધતા ડિજિટલ વ્યસન, માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો, નબળું પોષણ અને વધતી સ્થૂળતા જેવા પરસ્પર જોડાયેલા નવા ઉભરતા મુદ્દાઓને ઉકેલવામાં. સ્થિતિસ્થાપક ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સહિતનો સર્વગ્રાહી અભિગમ આવશ્યક છે.
SM/IJ/GP/DK/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2220248)
आगंतुक पटल : 11