પ્રધાનમંત્રીનું કાર્યાલય
કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
प्रविष्टि तिथि:
11 JAN 2026 6:00PM by PIB Ahmedabad
ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત સરકારના અન્ય મંત્રીગણ, સાસંદો અને ધારાસભ્યગણ, Excellencies, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.
2026ના પ્રારંભ પછી આ મારો ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે. અને સુખદ એટલા માટે પણ છે કારણ કે 2026 ની મારી યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને થઈ છે. અને હવે હું રાજકોટમાં આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું. એટલે કે વિકાસ પણ, વિરાસત પણ, આ મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે. હું દેશ અને દુનિયાભરમાંથી અહીં પધારેલા આપ સૌ સાથીઓનું વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં સ્વાગત કરું છું, અભિનંદન કરું છું.
સાથીઓ,
જ્યારે પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું મંચ તૈયાર છે, ત્યારે મને માત્ર એક સમિટ નથી દેખાતી, મને 21મી સદીના આધુનિક ભારતની એ યાત્રા દેખાય છે, જે એક સપનાથી શરૂ થઈ અને આજે એક અતૂટ વિશ્વાસ સુધી પહોંચી ગઈ છે. બે દાયકામાં વાઈબ્રન્ટ ગુજરાતની આ યાત્રા એક ગ્લોબલ બેન્ચમાર્ક બની ગઈ છે. અત્યાર સુધી આની 10 એડિશન થઈ ચૂકી છે, અને દરેક એડિશન સાથે આ સમિટની ઓળખ અને ભૂમિકા બંને મજબૂત થતી રહી છે.
સાથીઓ,
હું વાઈબ્રન્ટ ગુજરાત સમિટના વિઝન સાથે પ્રથમ દિવસથી જોડાયેલો રહ્યો છું. શરૂઆતના તબક્કામાં અમારો મકસદ હતો કે ગુજરાતના સામર્થ્યથી દુનિયા પરિચિત થાય, લોકો અહીં આવે અને અહીં રોકાણ કરે, અને આનાથી ભારતને ફાયદો થાય, દુનિયાભરના રોકાણકારોને પણ ફાયદો થાય. પરંતુ આજે આ સમિટ ઇન્વેસ્ટમેન્ટથી પણ આગળ વધીને ગ્લોબલ ગ્રોથ, ઇન્ટરનેશનલ કોર્પોરેશન અને પાર્ટનરશિપનું એક મજબૂત પ્લેટફોર્મ બની ગઈ છે. વીતેલા વર્ષોમાં ગ્લોબલ પાર્ટનર્સની સંખ્યા સતત વધતી ગઈ છે, અને સમયની સાથે આ સમિટ ઇન્ક્લુઝનનું પણ ઘણું મોટું ઉદાહરણ બની ગઈ છે. અહીં કોર્પોરેટ ગ્રુપ્સની સાથે-સાથે, કો-ઓપરેટિવ્સ, MSMEs, સ્ટાર્ટ-અપ્સ, મલ્ટિલેટરલ અને બાય-લેટરલ સંગઠનો, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, બધા જ એકસાથે સંવાદ કરે છે, ચર્ચા કરે છે, ગુજરાતના વિકાસ સાથે ખભેખભા મિલાવીને ચાલે છે.
સાથીઓ,
વીતેલા બે દાયકામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટે સતત કંઈક નવું, કંઈક વિશેષ કર્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતની આ રિજનલ સમિટ પણ આનું એક ઉદાહરણ બની ગઈ છે. જેનું ફોકસ ગુજરાતના અલગ-અલગ ભાગોના વણસ્પર્શી સંભાવનાને પરફોર્મન્સમાં બદલવાનો છે. જેવી રીતે કોઈ ક્ષેત્રમાં દરિયાઈ પટ્ટીનું સામર્થ્ય છે, તો ક્યાંક એક લાંબી Tribal Belt છે, ક્યાંક ઈન્ડસ્ટ્રીઅલ ક્લસ્ટર્સની એક મોટી ઇકોસિસ્ટમ છે, તો ક્યાંક, ખેતી અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા છે. એટલે કે ગુજરાતના અલગ-અલગ રીઝન્સની પોતાની તાકાત છે. વાઈબ્રન્ટ ગુજરાતની રિજનલ સમિટ, ગુજરાતની આ જ રિજનલ શક્યતાઓ પર ફોકસ કરતા આગળ વધી રહી છે.
સાથીઓ,
21મી સદીનો એક ચોથો ભાગ વીતી ચૂક્યો છે. વીતેલા વર્ષોમાં ભારતે ઘણી ઝડપી પ્રગતિ પણ કરી છે. અને આમાં ગુજરાતની, આપ સૌની ઘણી મોટી ભૂમિકા રહી છે. ભારત દુનિયાની ત્રીજી મોટી ઇકોનોમી બનવા તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. અને જે આંકડા આવી રહ્યા છે, તેનાથી આ સ્પષ્ટ છે કે ભારત પાસેથી દુનિયાની અપેક્ષાઓ સતત વધી રહી છે. ભારત દુનિયાની ઝડપથી વિકસતી વિશાળ ઈકોનોમી છે, ઇન્ફ્લેશન (મોંઘવારી) કાબૂમાં છે, એગ્રીકલ્ચર પ્રોડક્શનમાં ભારત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે, ભારત મિલ્ક પ્રોડક્શનમાં નંબર વન છે, જેનેરિક મેડિસિન પ્રોડક્શનના મામલે ભારત નંબર વન છે, દુનિયામાં જે દેશ સૌથી વધુ વેક્સિન્સ બનાવે છે, તે દેશનું નામ ભારત છે.
સાથીઓ,
ભારતના ગ્રોથ સાથે જોડાયેલી ફેક્ટ શીટ, રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રની સક્સેસ સ્ટોરી છે. વીતેલા 11 વર્ષોમાં ભારત, દુનિયાનો સૌથી મોટો મોબાઈલ ડેટા કન્ઝ્યુમર બન્યું છે, આપણું યુપીઆઈ, દુનિયાનું નંબર વન રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ બન્યું છે. ક્યારેક આપણે 10 માંથી 9 મોબાઈલ બહારથી મંગાવતા હતા. આજે ભારત દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચરર છે. આજે ભારતમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ છે. સોલર પાવર જનરેશનના મામલે પણ ટોપ ત્રણ દેશોમાંથી ભારત એક છે. આપણે ત્રીજા મોટા એવિએશન માર્કેટ છીએ, અને મેટ્રોના મામલે પણ આપણે દુનિયામાં ટોપ થ્રી નેટવર્કમાં સામેલ થઈ ગયા છીએ.
સાથીઓ,
આજે દરેક ગ્લોબલ એક્સપર્ટ, ગ્લોબલ સંસ્થાઓ, ભારતને લઈને બુલિશ છે. IMF, ભારતને ગ્લોબલ ગ્રોથનું એન્જિન ગણાવે છે. S&P, અઢાર વર્ષ પછી, ભારતનું રેટિંગ અપગ્રેડ કરે છે. ફિચ રેટિંગ્સ ભારતની મેક્રો સ્ટેબિલિટી અને ફિસ્કલ ક્રેડિબિલિટીની પ્રશંસા કરે છે. ભારત પર દુનિયાનો આ ભરોસો એટલા માટે છે, કારણ કે ગ્રેટ ગ્લોબલ અન-સર્ટિનિટી વચ્ચે, ભારતમાં આપણે એક અભૂતપૂર્વ સર્ટિનિટીનો દોર જોઈ રહ્યા છીએ. આજે ભારતમાં પોલિટિકલ સ્ટેબિલિટી છે, પોલિસીમાં કંટીન્યુટી છે. ભારતમાં નિઓ-મિડલ ક્લાસનો દાયરો વધી રહ્યો છે, તેની ખરીદ શક્તિ વધી રહી છે, અને આ ફેક્ટર્સે ભારતને અસીમ શક્યતાઓનો દેશ બનાવી દીધો છે. મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું - આ જ સમય છે, સાચો સમય છે. દેશ અને દુનિયાના દરેક રોકાણકાર પાસે આ શક્યતાઓનો લાભ ઉઠાવવાનો આ જ સમય છે, સાચો સમય છે. અને વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પણ, આપ સૌ ઇન્વેસ્ટર્સને આ જ સંદેશ આપી રહી છે- સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણનો- આ જ સમય છે, સાચો સમય છે.
સાથીઓ,
આપ સૌ જાણો છો, સૌરાષ્ટ્ર અને કચ્છ, આ ગુજરાતના એ ક્ષેત્રો છે, જે આપણને શીખવે છે કે પડકાર ભલે ગમે તેટલો મોટો કેમ ના હોય, જો ઈમાનદારીથી, મહેનતથી અડગ રહેવામાં આવે, તો સફળતા જરૂર મળે છે. આ એ જ કચ્છ છે, જેણે આ સદીની શરૂઆતમાં ભીષણ ભૂકંપ સહન કર્યો હતો, આ એ જ સૌરાષ્ટ્ર છે જ્યાં વર્ષો સુધી દુષ્કાળ પડતો હતો. પીવાના પાણી માટે માતાઓ-બહેનોએ કેટલાય કિલોમીટર ચાલીને જવું પડતું હતું. વીજળીનું કોઈ ઠેકાણું નહોતું, ચારે બાજુ મુશ્કેલીઓ જ હતી.
સાથીઓ,
આજે જે 20-25 વર્ષના નવયુવાનો છે, તેમણે તે સમયની માત્ર વાર્તાઓ સાંભળી છે. સચ્ચાઈ એ હતી કે લોકો કચ્છમાં, સૌરાષ્ટ્રમાં લાંબા સમય સુધી રહેવા માટે તૈયાર નહોતા થતા. તે કાળખંડમાં લાગતું હતું કે આ સ્થિતિઓ ક્યારેય પણ નહીં બદલાય. પરંતુ ઇતિહાસ સાક્ષી છે, સમય બદલાય છે અને જરૂર બદલાય છે. સૌરાષ્ટ્ર-કચ્છના લોકોએ પોતાના પરિશ્રમથી પોતાનું ભાગ્ય બદલી નાખ્યું છે.
સાથીઓ,
આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, માત્ર અવસરોનું જ ક્ષેત્ર નથી, પરંતુ આ ક્ષેત્ર ભારતના ગ્રોથનું ‘એન્કર રીજન’ બની ચૂક્યું છે. આ રીજન આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપનારું ઘણું મોટું સેન્ટર બની રહ્યું છે. ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં, સૌરાષ્ટ્ર અને કચ્છની ઘણી મોટી ભૂમિકા છે અને આ ભૂમિકા માર્કેટ સંચાલિત છે. અને આ જ વાત રોકાણકારો માટે સૌથી મોટો ભરોસો બને છે. અહીં રાજકોટમાં જ, અઢી લાખથી વધુ MSME’s છે, અહીં અલગ-અલગ ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર્સમાં, સ્ક્રુ ડ્રાઈવરથી લઈને ઓટો પાર્ટ્સ, મશીન ટુલ્સ, લક્ઝરી કારના લાઈનર્સ, એરોપ્લેન, ફાઈટર પ્લેન અને રોકેટ સુધીના પાર્ટ્સ, આ આપણા રાજકોટમાં બને છે. એટલે કે આ પ્રદેશ ઓછા ખર્ચાળ ઉત્પાદનથી લઈને હાઈ પ્રિસિઝન, હાઈ ટેકનોલોજી મેન્યુફેક્ચરીંગ સુધી, આખી મૂલ્ય શ્રૃંખલાને સપોર્ટ કરે છે. અને અહીંનો જ્વેલરી ઉદ્યોગ તો પોતાનામાં વિશ્વ પ્રસિદ્ધ છે. આ સેક્ટર, સ્કેલ, સ્કીલ અને ગ્લોબલ લિન્કેજ ત્રણેયનું ઉદાહરણ છે.
સાથીઓ, અલંગ, દુનિયાનું સૌથી મોટું શિપ-બ્રેકિંગ યાર્ડ છે, દુનિયાના ત્રીજા ભાગના જહાજો અહીં જ રિસાયકલ થાય છે. આ ચક્રીય અર્થતંત્રમાં ભારતની અગ્રણી ભૂમિકાનું પણ પ્રમાણ છે. ભારત ટાઇલ્સના મોટા ઉત્પાદકોમાંનું એક છે, આમાં પણ મોરબી જિલ્લાનું યોગદાન ઘણું મોટું છે. અહીં ઉત્પાદન ખર્ચ સ્પર્ધાત્મક પણ છે અને આ વૈશ્વિક માપદંડો મુજબનું પણ છે. અને મને યાદ છે, સૌરાષ્ટ્રના અખબારના લોકો અહીં હાજર હશે, તેઓ મારા વાળ ખેંચી લેતા હતા, એકવાર મેં અહીં સૌરાષ્ટ્રમાં ભાષણમાં કહ્યું હતું. મેં એવું કહ્યું હતું કે હું જોઈ શકું છું કે એક સમય એવો આવશે કે મોરબી, જામનગર અને રાજકોટ, આ ત્રિકોણ મિની જાપાન બનશે. ત્યારે મારી ઘણી મજાક ઉડાવવામાં આવી હતી, આજે હું મારી આંખોની સામે હકીકત જોઈ રહ્યો છું. અમને ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર પર પણ ઘણો ગર્વ છે. આજે આ શહેર આધુનિક ઉત્પાદનનું ઘણું મોટું કેન્દ્ર બની રહ્યું છે. ધોલેરામાં ભારતની પહેલી સેમીકન્ડક્ટર ઉત્પાદન સુવિધા તૈયાર થઈ રહી છે. આ ક્ષેત્ર ભાવિ તકનીકો માટે પ્રથમ આવનારના લાભ (અગ્રતાનો લાભ) આપી રહ્યું છે. એટલે કે તમારું રોકાણ વધારવા માટે આ ક્ષેત્રમાં જમીન સંપૂર્ણ તૈયાર છે. આંતરમાળખાકીય સુવિધાઓ સજ્જ છે, નીતિઓ પૂર્વાનુમાનિત છે અને દ્રષ્ટિકોણ દીર્ઘકાલીન છે.
સાથીઓ,
સૌરાષ્ટ્ર અને કચ્છ, ભારતની ગ્રીન ગ્રોથનું, ગ્રીન મોબિલિટી નું અને ઊર્જા સુરક્ષાનું (Energy Security) પણ એક મોટું Hub બની રહ્યું છે. કચ્છમાં 30 Gigawatt Capacity નો Renewable Energy Park બની રહ્યો છે, આ દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ એનર્જી પાર્ક હશે. આપ કલ્પના કરી શકો છો, આ પાર્ક પેરિસ સિટીથી પણ પાંચ ગણો મોટો છે. એટલે કે આ ક્ષેત્રમાં Clean Energy, એક પ્રતિબદ્ધતાની સાથે સાથે, કમર્શિયલ સ્કેલ રિયાલિટી પણ છે. આપ સૌ ગ્રીન હાઈડ્રોજનની સંભાવનાથી પરિચિત છો, ભારતમાં આ દિશામાં અભૂતપૂર્વ ઝડપ અને Scale પર કામ ચાલી રહ્યું છે. અહીં કચ્છ અને જામનગર ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શનના મોટા કેન્દ્રો બની રહ્યા છે. કચ્છમાં એક વિશાળ Battery Energy Storage System (BESS) પણ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. એટલે કે રિન્યુએબલ એનર્જીની સાથે ગ્રીડ સ્ટેબિલિટી અને રિલાયેબિલિટી પણ એન્સ્યોર કરવામાં આવી રહી છે.
સાથીઓ,
કચ્છ અને સૌરાષ્ટ્રનું એક બીજું ઘણું મોટું સામર્થ્ય છે. આ પ્રદેશ ભારતના વિશ્વકક્ષાના બંદરોથી સજ્જ છે. ભારતના Exports નો ઘણો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે. પિપાવાવ અને મુંદ્રા જેવા Ports, ભારતના ઓટોમોબાઈલ નિકાસના મુખ્ય કેન્દ્રો બની ચૂક્યા છે. ગયા વર્ષે ગુજરાતના Ports થી અંદાજે પોણા બે લાખ વાહનોની નિકાસ થઈ છે. લોજિસ્ટિક્સ જ નહીં, અહીં Port-Led Developmentના દરેક પાસામાં રોકાણોની અનંત શક્યતાઓ છે. આની સાથે જ ગુજરાત સરકાર Fisheries Sector ને પણ વિશેષ પ્રાથમિકતા આપી રહી છે. Fisheries Infrastructure પર અહીં મોટા પાયે કામ થયું છે. Sea-Food Processing સાથે જોડાયેલા રોકાણકારો માટે અહીં મજબૂત ઈકોસિસ્ટમ તૈયાર છે.
સાથીઓ,
ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે, Industry-Ready Workforce આજે સૌથી મોટી આવશ્યકતા છે. અને ગુજરાત આ મોરચે રોકાણકારોને પૂરી સુનિશ્ચિતતા આપે છે. અહીં શિક્ષણ અને કૌશલ્ય વિકાસનીં આંતરરાષ્ટ્રીય Ecosystem હાજર છે. ગુજરાત સરકારની કૌશલ્ય Skill University, Future-Ready Skills માં યુવાનોને તૈયાર કરી રહી છે. આ ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની યુનિવર્સિટીઝની સાથે Collaboration માં કામ કરી રહી છે. નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ભારતની પહેલી રાષ્ટ્રીય કક્ષાની ડિફેન્સ યુનિવર્સિટી છે. ગતિશક્તિ યુનિવર્સિટી, રોડ, રેલવે, હવાઈમાર્ગ, જળમાર્ગો અને લોજિસ્ટિક્સ, દરેક ક્ષેત્ર માટે, કૌશલ્યપ્રાપ્ત માનવશ્રમ તૈયાર કરી રહી છે. એટલે કે રોકાણની સાથે-સાથે અહીં Talent Pipeline પણ Assured છે. આજે ઘણી બધી વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં નવા-નવા અવસરો જોઈ રહી છે. અને ગુજરાત તેમના માટે પસંદગીનું સ્થાન બની રહ્યું છે. ગુજરાતમાં ઓસ્ટ્રેલિયાની બે મુખ્ય યુનિવર્સિટીઓ પોતાના કેમ્પસ શરૂ કરી ચૂકી છે. આવનારા સમયમાં આ સંખ્યા હજુ વધવાની છે.
સાથીઓ,
ગુજરાતમાં નેચર પણ છે, એડવેન્ચર પણ છે, કલ્ચર પણ છે અને હેરિટેજ તો છે જ. એટલે કે ટુરિઝમનો જે પણ અનુભવ જોઈએ, તે અહીં મળશે. લોથલ, ભારતની સાડા ચાર હજાર વર્ષ જૂની દરિયાઈ વિરાસતનું પ્રતીક છે. અહીં દુનિયાનું સૌથી પ્રાચીન માનવ નિર્મિત ડોકયાર્ડ મળ્યું છે. અહીં નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યું છે. કચ્છમાં આજકાલ રણ ઉત્સવનું આયોજન પણ થઈ રહ્યું છે. અહીંની ટેન્ટ સિટીમાં રોકાવું એક અલગ અનુભવ હોય છે.
સાથીઓ,
જે જંગલોનાં, વાઈલ્ડ લાઈફનાં શોખીન છે, તેના માટે ગીર ફોરેસ્ટમાં એશિયાટિક લાયનના દર્શનથી શ્રેષ્ઠ ભલા શું અનુભવ હોઈ શકે? અહીં દર વર્ષે નવ લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. જેને સમંદરનો સાથ સારો લાગે છે, તેમના માટે શિવરાજપુર બીચ છે, જે બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ છે. આ ઉપરાંત માંડવી, સોમનાથ, દ્વારકામાં પણ બીચ ટુરિઝમ માટે અનેક શક્યતાઓ છે. અહીં પાસે જ દીવ પણ છે, દીવ પણ વોટર સ્પોર્ટ્સનું, બીચ ગેમ્સનું શ્રેષ્ઠ ડેસ્ટિનેશન બની રહ્યું છે. એટલે કે આપ ઇન્વેસ્ટર્સ માટે સામર્થ્યથી, શક્યતાઓથી ભરેલું આ આખું ક્ષેત્ર છે. આપ જરૂર આનો પૂરો લાભ ઉઠાવો. અને હું બહુ પહેલાથી કહેતો આવ્યો છું- જો તમે મોડું કરો તો મને દોષ ના દેતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં તમારું દરેક રોકાણ, ગુજરાતના વિકાસને ગતિ આપશે, દેશના વિકાસને ગતિ આપશે. અને સૌરાષ્ટ્રની તાકાત હમણાં રવાન્ડાના હાઈ કમિશનર જણાવી રહ્યા હતા કે જ્યારે હું રવાન્ડા ગયો, તો મેં 200 ગાય ત્યાં ગિફ્ટ કરી હતી. આ 200 ગાય આપણી ગીર ગાય હતી. પરંતુ તેની એક વિશેષતા છે, જ્યારે અમે 200 ગાય આપી ત્યાંની ગ્રામીણ ઇકોનોમી માટે, તો તેમાં એક નિયમ છે, કે ગાય તો તમને આપીશું, પરંતુ તેની જે પહેલી વાછરડી હશે, તે તમારે પાછી આપવી પડશે, અને તે અમે બીજા પરિવારને આપીએ છીએ. એટલે કે આ દિવસોમાં તે 200 ગાયથી શરૂ થયું, હજારો પરિવારો પાસે આજે ગાય પહોંચી ચૂકી છે, Rwanda ગ્રામીણ ઇકોનોમીને ઘણી મોટી તાકાત આપી રહી છે અને દરેક ઘરમાં ગીર ગાય દેખાઈ રહી છે, આ છે મારું સૌરાષ્ટ્ર.
સાથીઓ,
આજનું ભારત, વિકસિત થવાના લક્ષ્ય પર ઝડપથી કામ કરી રહ્યું છે. અને આપણા આ લક્ષ્યની પ્રાપ્તિમાં રિફોર્મ એક્સપ્રેસની ઘણી મોટી ભૂમિકા છે. રિફોર્મ એક્સપ્રેસ એટલે કે દરેક સેક્ટરમાં નેક્સ્ટ જનરેશન રિફોર્મ, જેવી રીતે હવેથી થોડા સમય પહેલા જ દેશે નેક્સ્ટ જનરેશન GST રીફોર્મ લાગુ કર્યા હતા. દરેક સેક્ટર પર આની સારી અસર દેખાઈ, વિશેષ રૂપે આપણા MSMEs ને ઘણો ફાયદો થઈ રહ્યો છે. રિફોર્મ એક્સપ્રેસ પર સવાર ભારતે ઘણો મોટો રિફોર્મ, ઇન્શ્યોરન્સ સેક્ટરમાં કર્યો છે. ભારતે વીમાક્ષેત્રમાં 100 ટકા FDI ને મંજૂરી આપી દીધી છે. આનાથી દેશવાસીઓને શત-પ્રતિશત વીમા કવરેજ આપવાના અભિયાનને ગતિ મળશે. આ જ રીતે, આશરે છ દાયકા પછી ઇનકમ ટેક્સ કાયદાને આધુનિક કરવામાં આવ્યો છે. આનાથી કરોડો ટેક્સ-પેયર્સને ફાયદો થશે. ભારતએ ઐતિહાસિક લેબર રિફોર્મ્સને પણ લાગુ કરી દીધા છે. આનાથી વેતન, સામાજિક સુરક્ષા અને ઉદ્યોગો, ત્રણેયને એક એકીકૃત ફ્રેમવર્ક મળ્યું છે. એટલે કે શ્રમિક હોય કે પછી ઇન્ડસ્ટ્રી, તમામનો આનાથી ફાયદો છે.
સાથીઓ,
આજે ભારત, ડેટા આધારિત ઇનોવેશનનું, AI રિસર્ચનું, સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું, એક ગ્લોબલ હબ બનતું જઈ રહ્યું છે. એટલે કે ભારતની પાવર ડિમાન્ડ સતત વધી રહી છે. ભારતને એશ્યોર્ડ એનર્જીની ઘણી જરૂર છે અને આનું ઘણું મોટું માધ્યમ ન્યુક્લિયર પાવર છે. આને જોતા, અમે ન્યુક્લિયર પાવર સેક્ટરમાં પણ નેક્સ્ટ જનરેશન રિફોર્મ કર્યો છે. ભારતે ગત સંસદના સત્રમાં શાંતિ એક્ટ દ્વારા, civil nuclear energy ને private partnership માટે ઓપન કરી દીધું છે. આ ઇન્વેસ્ટર્સ માટે ઘણો મોટો અવસર છે.
સાથીઓ, અહીં ઉપસ્થિત તમામ રોકાણકારોને હું વિશ્વાસ અપાવું છું, અમારી રિફોર્મ્સ એક્સપ્રેસ, હવે અટકવાની નથી. ભારતની reform journey, institutional transformation ની દિશામાં વધી ચૂકી છે.
સાથીઓ,
આપ સૌ અહીં, માત્ર એક MoU ની સાથે નથી આવ્યા, આપ અહીં સૌરાષ્ટ્ર-કચ્છના વિકાસ અને વિરાસતથી જોડાવા આવ્યા છો. હું તમને વિશ્વાસ અપાવું છું, તમારા રોકાણની પાઈ-પાઈ અહીં શાનદાર રિટર્ન્સ આપીને જશે. એકવાર ફરી આપ સૌને મારી ઘણી-ઘણી શુભેચ્છાઓ છે. હું ગુજરાત સરકારને, ગુજરાતની ટીમને પણ તેમના આ પ્રયાસો માટે, તેમની સરાહના કરું છું, ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. 2027 માં કદાચ તેમનું વાઈબ્રન્ટ સમિટ હશે, તે પહેલા આ રિજનલ સમિટ એક સારો પ્રયોગ થઈ રહ્યો છે, અને મને ખુશી થઈ રહી છે કે જે કામને શરૂ કરતી વખતે મને કામ કરવાનો અવસર મળ્યો હતો, આજે જ્યારે મારા સાથીઓ દ્વારા તેનો વિસ્તાર થઈ રહ્યો છે, તેને નવી ઊર્જા મળી રહી છે, તો આનંદ અનેક ગણો વધી જાય છે. હું તમને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ઘણી-ઘણી શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ!
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2213497)
आगंतुक पटल : 7