પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા અંતર્ગત કેન્દ્ર સરકારના વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત 71,000થી વધુ કર્મચારીઓને નિમણૂંક પત્રો વિતરિત કર્યાં
રોજગાર મેળાઓ યુવાનોને સશક્ત બનાવી રહ્યા છે અને તેમની ક્ષમતાને નિખારી રહ્યા છે, નવનિયુક્ત લોકોને શુભકામનાઓ: પ્રધાનમંત્રી
આજે ભારતના યુવાનો નવા આત્મવિશ્વાસથી ભરપૂર છે, દરેક ક્ષેત્રમાં સફળ થઈ રહ્યા છે: પ્રધાનમંત્રી
નવા ભારતના નિર્માણ માટે દેશને દશકાઓથી આધુનિક શિક્ષણ વ્યવસ્થાની જરૂરિયાત અનુભવાતી હતી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ થકી દેશ હવે તે દિશામાં આગળ વધ્યો છેઃ પ્રધાનમંત્રી
આજે અમારી સરકારની નીતિઓ અને નિર્ણયોના કારણે ગ્રામીણ ભારતમાં પણ રોજગાર અને સ્વરોજગારની નવી તકોનું નિર્માણ થઈ રહ્યું છે, કૃષિ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં યુવાનોને રોજગાર મળ્યો છે, તેમને તેમની પસંદનું કામ કરવાની તક મળી છે: પ્રધાનમંત્રી
અમારો પ્રયાસ દરેક ક્ષેત્રમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે: પ્રધાનમંત્રી
Posted On:
23 DEC 2024 12:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 71,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે. તે યુવાનોને રાષ્ટ્રનિર્માણ અને સ્વ-સશક્તિકરણમાં પ્રદાન કરવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને સશક્ત બનાવશે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ ગઈકાલે મોડી રાત્રે કુવૈતથી પરત ફર્યા હતા, જ્યાં તેમણે ભારતીય યુવાનો અને વ્યાવસાયિકો સાથે વિસ્તૃત ચર્ચાવિચારણા કરી હતી. અને આ એક ખૂબ જ સુખદ સંયોગ છે કે પાછા ફર્યા પછી, તેમનો પહેલો કાર્યક્રમ દેશના યુવાનો સાથે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે દેશના હજારો યુવાનો માટે એક નવી શરૂઆત છે. તમારાં વર્ષોનાં સપનાં સાકાર થયાં છે, વર્ષોની મહેનતનું ફળ મળ્યું છે. 2024નું આ વિદાય થઈ રહેલું વર્ષ તમારા માટે નવી ખુશીઓ લઈને આવી રહ્યું છે. હું તમને બધાને અને તમારા પરિવારોને મારા હાર્દિક અભિનંદન આપું છું."
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર રોજગાર મેળાઓ જેવી પહેલો મારફતે ભારતની યુવા પ્રતિભાઓનાં સંપૂર્ણ ઉપયોગને પ્રાથમિકતા આપી રહી છે. છેલ્લા 10 વર્ષમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સરકારી નોકરીઓ પૂરી પાડવા માટે એક નક્કર પ્રયાસ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે 71,000થી વધારે યુવાનોને તેમનાં નિમણૂકપત્રો સુપરત કરવામાં આવ્યાં છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં દોઢ વર્ષમાં આશરે 10 લાખ કાયમી સરકારી નોકરીઓ ઓફર થઈ છે, જેણે નોંધપાત્ર વિક્રમ સ્થાપિત કર્યો છે. આ નોકરીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે પ્રદાન કરવામાં આવી રહી છે, અને નવી ભરતીઓ સમર્પણ અને પ્રામાણિકતા સાથે રાષ્ટ્રની સેવા કરી રહી છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ દેશનો વિકાસ એનાં યુવાનોનાં સખત પરિશ્રમ, ક્ષમતા અને નેતૃત્વ પર નિર્ભર કરે છે. ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે પ્રતિબદ્ધ છે કારણ કે દેશની નીતિઓ અને નિર્ણયો તેના પ્રતિભાશાળી યુવાનોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં મેક ઇન ઇન્ડિયા, ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી પહેલોએ યુવાનોને મોખરે રાખ્યા છે.
શ્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે, અત્યારે ભારત દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે અને ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. આજે ભારતીય યુવાનોમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થઈ રહ્યો છે. તેઓ દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે. આજે સ્ટાર્ટઅપ્સ શરૂ કરતા યુવા ઉદ્યોગસાહસિકોને એક મજબૂત સપોર્ટ સિસ્ટમથી ફાયદો થાય છે. તેવી જ રીતે રમતગમતમાં કારકિર્દી બનાવતા યુવાનોને વિશ્વાસ છે કે, તેઓ નિષ્ફળ નહીં જાય કારણ કે હવે તેમને આધુનિક તાલીમ સુવિધાઓ અને ટુર્નામેન્ટનો ટેકો મળ્યો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દેશ વિવિધ ક્ષેત્રોમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે અને મોબાઇલ ઉત્પાદનમાં બીજા ક્રમનો સૌથી મોટો દેશ બની રહ્યો છે. ભારત અક્ષય ઊર્જા, જૈવિક ખેતી, અંતરિક્ષ, સંરક્ષણ, પ્રવાસન અને સુખાકારીમાં પણ હરણફાળ ભરી રહ્યું છે, નવી તકોનું સર્જન કરી રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશની પ્રગતિને વેગ આપવા અને નવા ભારતનું નિર્માણ કરવા યુવા પ્રતિભાઓને પોષવી મહત્ત્વપૂર્ણ છે અને આ જવાબદારી શિક્ષણ વ્યવસ્થાની છે. રાષ્ટ્રીય કેળવણી નીતિ (એનઇપી) ભારતને એક એવી આધુનિક કેળવણી તંત્ર ભણી દોરી રહી છે કે જે વિદ્યાર્થીઓને નવી તકો પૂરી પાડે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, અગાઉ આ વ્યવસ્થા પ્રતિબંધિત હતી, પણ હવે તે અટલ ટિંકરિંગ લેબ્સ અને પીએમ-શ્રી શાળાઓ જેવી પહેલો મારફતે નવીનતાને પ્રોત્સાહન આપે છે. "સરકારે માતૃભાષામાં શિક્ષણ અને પરીક્ષાની મંજૂરી આપીને અને 13 ભાષાઓમાં ભરતી પરીક્ષાઓ પ્રદાન કરીને ગ્રામીણ યુવાનો અને હાંસિયામાં ધકેલાયેલા સમુદાયો માટે ભાષાના અવરોધોને પણ દૂર કર્યા છે. આ ઉપરાંત સરહદી વિસ્તારોના યુવાનો માટેના ક્વોટામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં કાયમી સરકારી નોકરીઓ માટે ખાસ ભરતી રેલીઓ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આજે 50,000થી વધારે યુવાનોને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો માટે નિમણૂકપત્રો મળ્યાં છે, જે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે."
ચૌધરી ચરણસિંહજીની આજે જન્મજયંતિ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે સરકાર તેમને ભારતરત્નથી સન્માનિત કરવાનું ગૌરવ અનુભવે છે. "અમે આ દિવસને ખેડૂત દિવસ તરીકે પણ ઉજવીએ છીએ, જે ખેડૂતો આપણને ભોજન પૂરું પાડે છે તેમને વંદન કરીએ છીએ. ચૌધરી સાહેબ માનતા હતા કે ભારતની પ્રગતિ ગ્રામીણ ભારતની પ્રગતિ પર આધારિત છે. અમારી સરકારની નીતિઓએ ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને કૃષિમાં યુવાનો માટે, રોજગારની નવી તકોનું સર્જન કર્યું છે અને સ્વ-રોજગારની નવી તકોનું સર્જન કર્યું છે."
શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગોબર-ધન યોજના જેવી પહેલો કે જેણે બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરી હતી, તેનાથી ઊર્જાનું ઉત્પાદન કરવાની સાથે સાથે રોજગારીનું સર્જન થયું છે. કૃષિ બજારોને જોડતી ઇ-નામ યોજનાએ રોજગારીના નવા માર્ગો ખોલ્યા છે અને ઇથેનોલના મિશ્રણમાં વધારાથી ખેડૂતોને લાભ થયો છે અને ખાંડ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન થયું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આશરે 9,000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ની સ્થાપનાથી બજારની સુલભતામાં કેવી રીતે સુધારો થયો છે અને ગ્રામીણ રોજગારીનું સર્જન થયું છે. ઉપરાંત, સરકાર હજારો અનાજ સંગ્રહ ગોડાઉન બનાવવા માટે એક વિશાળ યોજના અમલમાં મૂકી રહી છે, જે નોંધપાત્ર રોજગાર અને સ્વ-રોજગારની તકો પૂરી પાડશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે દરેક નાગરિકને વીમા કવચ પ્રદાન કરવા માટે વીમા સખી યોજના શરૂ કરી છે, જેથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની અસંખ્ય તકો ઊભી થઈ છે. ડ્રોન દીદી, લખપતિ દીદી અને બેંક સખી યોજના જેવી પહેલથી કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રોમાં પણ રોજગારીનું સર્જન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે, હજારો મહિલાઓને નિમણૂક પત્રો મળ્યા છે, અને તેમની સફળતા અન્ય લોકોને પ્રેરણા આપશે. સરકાર દરેક ક્ષેત્રમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. 26 અઠવાડિયાની મેટરનિટી લીવ શરૂ થવાથી લાખો મહિલાઓની કારકિર્દી સુરક્ષિત થઈ છે."
પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, સ્વચ્છ ભારત અભિયાને કેવી રીતે મહિલાઓની પ્રગતિમાં અવરોધો દૂર કર્યા છે, કારણ કે ઘણી વિદ્યાર્થિનીઓને અલગ શૌચાલયોના અભાવે શાળા છોડવી પડી હતી. તેમણે કહ્યું હતું કે, સુકન્યા સમૃદ્ધિ યોજનાએ કન્યા કેળવણી માટે નાણાકીય સહાય સુનિશ્ચિત કરી છે. આ ઉપરાંત મહિલાઓ માટે 30 કરોડ જનધન ખાતાઓએ સરકારી યોજનાઓનો સીધો લાભ આપ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મુદ્રા યોજના મારફતે મહિલાઓ હવે કોલેટરલ-ફ્રી લોન મેળવી શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સુનિશ્ચિત કર્યું છે કે ફાળવવામાં આવેલા મોટાભાગના મકાનો મહિલાઓના નામે છે. પોષણ અભિયાન, સુરક્ષિત માતૃત્વ અભિયાન અને આયુષ્માન ભારત જેવી પહેલો મહિલાઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પૂરી પાડે છે."
પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નારી શક્તિ વંદન અધિનિયમે વિધાનસભાઓ અને લોકસભામાં મહિલાઓ માટે અનામતની ખાતરી આપી છે, જે દેશમાં મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસને વેગ આપશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે નિમણૂકનાં પત્રો મેળવનાર યુવાન વ્યક્તિઓ નવી પરિવર્તિત સરકારી વ્યવસ્થામાં સામેલ થઈ રહ્યાં છે. છેલ્લા એક દાયકામાં, સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓની સમર્પણ અને સખત મહેનતને કારણે કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવા હોદ્દેદારો તેમની શીખવાની અને આગળ વધવાની પોતાની ઉત્સુકતાને કારણે આ લક્ષ્યાંક સુધી પહોંચ્યાં છે અને તેમના સમગ્ર જીવન દરમિયાન આ અભિગમ જાળવવો મહત્ત્વપૂર્ણ છે. તેમણે આઇજીઓટી કર્મયોગી પ્લેટફોર્મ પર સરકારી કર્મચારીઓ માટે વિવિધ અભ્યાસક્રમોની ઉપલબ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો અને તેમને તેમની અનુકૂળતાએ આ ડિજિટલ તાલીમ મોડ્યુલનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "ફરી એક વખત, હું આજે ઉમેદવારોને તેમના નિમણૂક પત્રો પ્રાપ્ત થવા બદલ અભિનંદન આપું છું."
પાશ્વભાગ
રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની કટિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. તે રાષ્ટ્રનિર્માણ અને સ્વ-સશક્તિકરણમાં યુવાનોને તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.
દેશભરમાં 45 સ્થળોએ રોજગાર મેળો યોજાશે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે ભરતીઓ થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સામેલ થશે, જેમાં ગૃહ મંત્રાલય, ટપાલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓનો વિભાગ સામેલ છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2087220)
Visitor Counter : 56
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Bengali-TR
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam