ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે આયોજિત 'રન ફોર યુનિટી'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2015માં મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં દેશની એકતા અને અખંડિતતા માટે સંકલ્પ અપાવવા માટે 'રન ફોર યુનિટી'નું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો

'રન ફોર યુનિટી' એ માત્ર ભારતની એકતા માટેનો સંકલ્પ નથી, પરંતુ આજે તે એક વિકસિત ભારતનો સંકલ્પ પણ બની ગયો છે

આઝાદી પછી 550થી વધુ રજવાડાઓને એક કરીને હાલના ભારતનું નિર્માણ માત્ર સરદાર સાહેબની દ્રઢ ઇચ્છાશક્તિ અને ઝડપી નિર્ણયશક્તિના કારણે જ શક્ય બન્યું હતું

આજે ભારત દરેક ક્ષેત્રમાં અગ્રણી બનવાના માર્ગે વિશ્વ સમક્ષ મજબૂતીથી ઉભું છે અને તેનો પાયો સરદાર પટેલે નાખ્યો હતો

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કરીને સરદાર પટેલની સ્મૃતિને જીવંત રાખી છે

સરદાર પટેલના વિઝન, વિચારો અને દરેક ક્ષેત્રમાં સંદેશને પ્રધાનમંત્રી મોદીએ નક્કર આકાર આપ્યો છે

કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશવાસીઓને 'રન ફોર યુનિટી'ના માધ્યમથી ભારતની એકતાને મજબૂત કરવા અને 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના સંકલ્પ લેવાનું આહ્વાન કર્યું

Posted On: 29 OCT 2024 11:54AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં આયોજિત 'રન ફોર યુનિટી'ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે એટલે કે 31મી ઓકટોબરે ઉજવવામાં આવનાર રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર, ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાય અને દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી વિનયકુમાર સક્સેના સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતા માટે દેશને સંકલ્પ લેવડાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં 2015માં 'રન ફોર યુનિટી'નું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ત્યારથી સમગ્ર દેશ 'રન ફોર યુનિટી'ના માધ્યમથી સમગ્ર દેશની એકતા અને અખંડિતતા માટે સંકલ્પ લે છે એટલું જ નહીં, પરંતુ ભારત માતાની સેવા માટે પણ પોતાની જાતને પુનઃ સમર્પિત કરે છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું કે, 'રન ફોર યુનિટી' દેશની એકતાની સાથે સાથે વિકસિત ભારતનો સંકલ્પ પણ બની ગયો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ તમામ દેશવાસીઓ સમક્ષ મૂક્યો છે, જે દુનિયામાં દરેક ક્ષેત્રમાં સૌથી ટોચ પર હશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અત્યારે ભારત એક વિકસિત, વિકાસશીલ અને મજબૂત રાષ્ટ્ર તરીકે વિશ્વની સામે ઊભું છે. તેમણે કહ્યું હતું કે, જો ઇતિહાસ પર નજર ફેરવીએ તો આઝાદી પછી 550થી વધુ રજવાડાઓને એક કરીને વર્તમાન ભારતનું નિર્માણ સરદાર સાહેબની દ્રઢ ઇચ્છાશક્તિ અને ઝડપી નિર્ણયશક્તિને કારણે જ શક્ય બન્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલ જ હતાં, જેમની દ્રઢ ઇચ્છાશક્તિને કારણે આજે ભારત વિશ્વ સમક્ષ સંગઠિત અને મજબૂત છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યારે ભારત દરેક ક્ષેત્રમાં અગ્રણી બનવાનાં માર્ગે વિશ્વની સામે મજબૂત છે અને તેનો પાયો સરદાર પટેલે નાંખ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સરદાર પટેલને વર્ષો સુધી ભુલાવી દેવામાં આવ્યા હતા અને તેમને ભારત રત્નના યોગ્ય સન્માનથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરીને સરદાર પટેલની સ્મૃતિને જીવંત રાખી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે સરદાર પટેલનાં વિઝન, વિચારો અને દરેક ક્ષેત્રમાં સંદેશને પ્રધાનમંત્રી મોદીએ નક્કર આકાર આપ્યો છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરદાર પટેલનાં મહાન વિચારો દેશની યુવા પેઢી માટે ચોક્કસ માર્ગદર્શક બનશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ દેશવાસીઓને 'રન ફોર યુનિટી' દ્વારા ભારતની એકતાને મજબૂત કરવા અને 2047 સુધીમાં સંપૂર્ણ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રતિજ્ઞા લેવા હાકલ કરી હતી.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com




(Release ID: 2069123) Visitor Counter : 41