પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

સંયુક્ત રાષ્ટ્રનાં 'સમિટ ઓફ ધ ફ્યૂચર' શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

Posted On: 23 SEP 2024 10:12PM by PIB Ahmedabad

મહામહિમ,

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારત તરફથી અને 1.4 અબજ ભારતીયો તરફથી આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ. તાજેતરમાં જ જૂનમાં યોજાયેલી માનવ ઇતિહાસની સૌથી મોટી ચૂંટણીઓમાં ભારતના લોકોએ મને સતત ત્રીજી મુદત માટે તેમની સેવા કરવાની તક આપી છે. અને આજે હું તમારી સમક્ષ આ છઠ્ઠા ભાગની માનવતાનો અવાજ લઈને આવ્યો છું.

મિત્રો,

જ્યારે આપણે વૈશ્વિક ભવિષ્યની ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે આપણે માનવ કેન્દ્રિત અભિગમને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. સાતત્યપૂર્ણ વિકાસને પ્રાથમિકતા આપતી વખતે આપણે માનવ કલ્યાણ, ખાદ્ય અને સ્વાસ્થ્ય સુરક્ષાને પણ સુનિશ્ચિત કરવી પડશે. ભારતમાં 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને અમે દર્શાવ્યું છે કે સ્થાયી વિકાસ સફળ થઈ શકે છે. અને અમે અમારી સફળતાના આ અનુભવને સમગ્ર ગ્લોબલ સાઉથ સાથે વહેંચવા માટે તૈયાર છીએ.

મિત્રો,

માનવતાની સફળતા આપણી સામૂહિક શક્તિમાં રહેલી છે, યુદ્ધના મેદાનમાં નહીં. અને વૈશ્વિક શાંતિ અને વિકાસ માટે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા આવશ્યક છે. સુધારણા એ પ્રાસંગિકતાની ચાવી છે! નવી દિલ્હી સમિટમાં આફ્રિકન યુનિયનમાં જી-20નું કાયમી સભ્યપદ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. એક તરફ આતંકવાદ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહ્યો છે, તો બીજી તરફ સાયબર, દરિયાઈ અને અંતરિક્ષ જેવા ક્ષેત્રો સંઘર્ષના નવા નવા મેદાન તરીકે ઉભરી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર, હું ભારપૂર્વક કહીશ કે, ગ્લોબલ એક્શન વૈશ્વિક મહત્વાકાંક્ષાને અનુરૂપ હોવી જોઈએ!

મિત્રો,

તકનીકીના સલામત અને જવાબદાર ઉપયોગ માટે સંતુલિત નિયમનની જરૂર છે. આપણને વૈશ્વિક ડિજિટલ શાસનની જરૂર છે, જે સુનિશ્ચિત કરે છે કે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને અખંડિતતા જળવાઈ રહે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બેરિયર નહીં પણ બ્રિજ હોવો જોઈએ! ગ્લોબલ ગુડ માટે ભારત તેના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સમગ્ર વિશ્વ સાથે વહેંચવા માટે તૈયાર છે.

મિત્રો,

ભારત માટે, "વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર" એ એક પ્રતિબદ્ધતા છે. આ પ્રતિબદ્ધતા "એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય" અને "એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રિડ" જેવી અમારી પહેલોમાં પણ પ્રતિબિંબિત થાય છે. ભારત તમામ માનવતાના અધિકારોનું રક્ષણ કરવા અને વૈશ્વિક સમૃદ્ધિ માટે વિચાર, શબ્દો અને કાર્યોથી કામ કરવાનું ચાલુ રાખશે.

તમારો ખૂબ ખૂબ આભાર.

ડિસ્કલેમર - આ પ્રધાનમંત્રીના ભાષણનો અંદાજીત અનુવાદ છે. મૂળ વક્તવ્ય હિન્દીમાં આપ્યું હતું.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2058119) Visitor Counter : 39