રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો 78મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ

Posted On: 14 AUG 2024 7:37PM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ,

હું આપ સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવું છું.

સૌ દેશવાસીઓ 78મા સ્વાતંત્ર્ય દિવસનો ઉત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે, આ જોઈને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. સ્વાતંત્ર્ય દિવસના અવસરે ફરકતો તિરંગો જોવો – ભલે તે લાલ કિલ્લા પર હોય, રાજ્યોનાં પાટનગરોમાં હોય કે પછી આપણી આસ-પાસમાં હોય, 140 કરોડ કરતાં વધારે દેશવાસીઓ સાથે આપણા આ મહાન દેશનો હિસ્સો હોવાની આપણી ખુશીને અભિવ્યક્ત કરે છે. જેવી રીતે આપણે આપણા પરિવાર સાથે વિવિધ તહેવારોની ઉજવણી કરીએ છીએ, એવી જ રીતે આપણે આપણા સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ આપણા પરિવાર સાથે જ કરીએ છીએ, જેના સભ્યો આપણા તમામ દેશવાસીઓ છે.

પંદર ઑગસ્ટના દિવસે, દેશ-વિદેશમાં તમામ ભારતીયો, ધ્વજારોહણ સમારંભોમાં ભાગ લે છે, દેશભક્તિનાં ગીતો ગાય છે અને મીઠાઈઓ વહેંચે છે. બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે. જ્યારે આપણે બાળકોને આપણા મહાન રાષ્ટ્ર તથા ભારતીય હોવાના ગૌરવ વિશેની વાતો કહી સંભળાવીએ છીએ ત્યારે તેમના ઉદ્ગારોમાં આપણને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની ભાવનાઓના પડઘા સાંભળવા મળે છે. આપણને એ વાતની અનુભૂતિ થાય છે કે આપણે એવી પરંપરાનો હિસ્સો છીએ જે સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સપનાઓ અને એવી ભાવિ પેઢીઓની આકાંક્ષાઓને એક કડીમાં પરોવે છે જે આવનારાં વર્ષોમાં આપણા રાષ્ટ્રને પોતાનું સંપૂર્ણ ગૌરવ ફરીથી પ્રાપ્ત કરતા જોશે.

ઇતિહાસની આ સાંકળની એક કડી હોવાની અનુભૂતિ આપણામાં વિનમ્રતાનો સંચાર કરે છે. આ અનુભૂતિ આપણને એ દિવસોની યાદ અપાવે છે જ્યારે આપણો દેશ, વિદેશી શાસનને આધીન હતો. દેશભક્તિ અને વીરતાથી ઓતપ્રોત દેશભક્તોએ અનેક જોખમો ઉઠાવ્યાં અને સર્વોચ્ચ બલિદાન આપ્યાં. આપણે તેમની પવિત્ર સ્મૃતિને વંદન કરીએ છીએ. તેમના અથાક પ્રયાસોના બળ પર ભારતનો આત્મા સદીઓની ઊંઘમાંથી જાગી ગયો. અંતરધારા તરીકે સદાય અસ્તિત્વમાં રહેલી આપણી વિવિધ પરંપરાઓ અને મૂલ્યોને આપણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ પેઢી દર પેઢી નવી અભિવ્યક્તિ આપી. માર્ગદર્શક તારાની જેમ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા સંગ્રામની વિવિધ પરંપરાઓ અને તેમની વિવિધ અભિવ્યક્તિઓને એકજૂથ કરી હતી.

સાથે જ, સરદાર પટેલ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને બાબાસાહેબ આંબેડકર તથા ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા અનેક મહાન લોકનાયકો પણ સક્રિય હતા. આ એક દેશવ્યાપી આંદોલન હતું, જેમાં તમામ સમુદાયોએ ભાગ લીધો હતો. આદિવાસીઓમાં તિલકા માંઝી, બિરસા મુંડા, લક્ષ્મણ નાયક અને ફૂલો-ઝાનો જેવા અન્ય કેટલાય લોકો હતા, જેમનાં બલિદાનોને હવે બિરદાવવામાં આવી રહ્યા છે. આપણે ભગવાન બિરસા મુંડાની જયંતીને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે. આવતા વર્ષે તેમની 150મી જયંતીનો ઉત્સવ રાષ્ટ્રીય પુનર્જાગરણમાં તેમણે આપેલા યોગદાનને હજુ પણ વધુ ઊંડાણપૂર્વક સન્માન આપવાનો અવસર હશે.

મારા પ્રિય દેશવાસીઓ,

આજે, 14 ઑગસ્ટને, આપણો દેશ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવે છે. આ વિભાજનની ભયાનકતાને યાદ કરવાનો દિવસ છે. જ્યારે આપણા મહાન રાષ્ટ્રના ભાગલા પડ્યા, ત્યારે લાખો લોકોએ મજબૂરીમાં સ્થળાંતરણ કરવું પડ્યું હતું. લાખો લોકોએ તેમનો જીવ ગુમાવવો પડ્યો હતો. સ્વતંત્રતા દિવસની ઉજવણીના એક દિવસ પહેલાં, આપણે તે અભૂતપૂર્વ માનવીય ત્રાસદીને યાદ કરીએ છીએ અને એવા પરિવારો સાથે એકજૂથ થઈને ઉભા રહીએ છીએ જેમને વેર-વિખેર કરી દેવામાં આવ્યા હતા.

આપણે આપણા બંધારણની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ. આપણા નવા સ્વતંત્ર થયેલા દેશની યાત્રામાં ગંભીર અવરોધો આવ્યા છે. ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાના બંધારણીય આદર્શો પર મક્કમ રહીને, આપણે આ અભિયાન સાથે આગળ વધી રહ્યા છીએ કે ભારત, વૈશ્વિક-ફલક પર પોતાનું ગૌરવશાળી સ્થાન ફરી પ્રાપ્ત કરે.

આ વર્ષે, આપણા દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. કુલ મતદારોની સંખ્યા લગભગ સત્તાણું (97) કરોડ હતી, જે એક ઐતિહાસિક કિર્તીમાન છે. માનવ સમુદાય, ઇતિહાસની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયાનો સાક્ષી બન્યો. આવા વિરાટ આયોજનનું સૂપેરે અને કોઈપણ ખામી વગર સંચાલન કરવા બદલ ભારતનું ચૂંટણી પંચ પ્રશંસા પાત્ર છે. હું એ તમામ કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓનો આભાર વ્યક્ત કરું છું જેમણે ભીષણ ગરમીનો સામનો કરીને, મતદારોની મદદ કરી. આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવો એ ખરેખરમાં લોકશાહીની વિચારધારાને પ્રબળ સમર્થન છે. ભારત દ્વારા સફળતાપૂર્વક ચૂંટણીનું આયોજન કરવાથી આખા વિશ્વમાં લોકશાહી શક્તિઓને તાકાત મળે છે.

મારા પ્રિય દેશવાસીઓ,

વર્ષ 2021થી વર્ષ 2024 સુધીમાં 8 ટકાનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર હાંસલ કરીને, ભારત સૌથી ઝડપી ગતિએ વિકસી રહેલાં અર્થતંત્રોમાં સામેલ થયું છે. આનાથી દેશવાસીઓના હાથમાં વધુ પૈસા તો આવ્યા જ છે, સાથે-સાથે ગરીબી રેખાની નીચે રહેતા લોકોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો થયો છે. જે લોકો એક સમયે ગરીબીથી પીડાતા હતા, તેમની સહાય કરવાની સાથે-સાથે તેમને ગરીબીમાંથી બહાર કાઢવાના પણ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, કોવિડ-19ના પ્રારંભિક ચરણમાં શરૂ કરવામાં આવેલી પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 80 કરોડ લોકોને વિનામૂલ્યે રાશન આપવામાં આવી રહ્યું છે, જેનાથી એ પણ સુનિશ્ચિત થાય છે કે જે લોકો તાજેતરમાં જ ગરીબીમાંથી બહાર આવ્યા છે, તેમને ફરીથી ગરીબીમાં ધકેલાતા રોકી શકાય.

આ આપણા સૌના માટે ગૌરવની વાત છે કે, ભારત સમગ્ર દુનિયામાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને આપણે બહુ જલદી વિશ્વનાં ટોચનાં ત્રણ અર્થતંત્રોમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે તૈયાર છીએ. આ સફળતા ખેડૂતો અને શ્રમિકોની અથાક મહેનત, નીતિ ઘડનારાઓ અને ઉદ્યમીઓની દૂરંદેશી વિચારધારા અને દેશના દીર્ઘદૃષ્ટા નેતૃત્ત્વના બળથી જ શક્ય બની છે.

આપણા અન્નદાતા ખેડૂતોએ અપેક્ષા કરતાં વધુ સારું કૃષિ ઉત્પાદન સુનિશ્ચિત કર્યું છે. આ રીતે, તેમણે ભારતને કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવામાં અને આપણા દેશવાસીઓને ભોજન ઉપલબ્ધ કરાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તાજેતરનાં વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખૂબ જ વેગ મળ્યો છે. ખૂબ જ સારા આયોજન સાથે તૈયાર કરેલી યોજનાઓ અને અસરકારક અમલીકરણથી રસ્તાઓ અને ધોરીમાર્ગો, રેલવે અને બંદરોનું માળખું તૈયાર કરવામાં મદદ મળી છે. ભાવિ ટેકનોલોજીની અદ્ભુત ક્ષમતાને ધ્યાનમાં રાખીને સરકારે સેમી-કંડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા અનેક ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂક્યો છે, સાથે જ સ્ટાર્ટ-અપ માટે એક આદર્શ ઇકો-સિસ્ટમ પણ તૈયાર કરી છે જેનાથી તેના વિકાસને વેગ મળશે. આનાથી, રોકાણકારોમાં ભારત પ્રત્યેના આકર્ષણમાં પણ વધારો થયો છે. વધતી પારદર્શિતા સાથે, બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રોની કાર્ય-કુશળતામાં વધારો થયો છે. આ તમામ પરિવર્તનોએ આગામી તબક્કાના આર્થિક સુધારા અને આર્થિક વિકાસ માટે મંચ તૈયાર કર્યો છે, જ્યાંથી ભારત વિકસિત દેશોની શ્રેણીમાં સામેલ થશે.

ઝડપી ગતિએ થઈ રહેલી ન્યાયપૂર્ણ પ્રગતિના બળે વૈશ્વિક પરિદૃશ્યમાં ભારતનું કદ ઊંચું થયું છે. જી-20ની પોતાની અધ્યક્ષતા સફળતાપૂર્વક પૂરી કર્યા પછી, ભારતે ગ્લોબલ સાઉથમાં અગ્રેસર અભિવ્યક્તિ કરનારા દેશ તરીકે પોતાની ભૂમિકાને વધુ મજબૂત બનાવી છે. ભારત પોતાની પ્રભાવશાળી સ્થિતિનો ઉપયોગ વિશ્વ શાંતિ અને સમૃદ્ધિના વિસ્તરણ માટે કરવા માંગે છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બી. આર. આંબેડકરના શબ્દોને પણ સદાય યાદ રાખવા જોઈએ. તેમણે યોગ્ય જ કહ્યું હતું, અને હું તેમના શબ્દો ટાંકુ છું, ‘આપણે આપણી રાજકીય લોકશાહીને સામાજિક લોકશાહી પણ બનાવવી જોઈએ. રાજકીય લોકશાહી ત્યાં સુધી ન ટકી શકે, જ્યાં સુધી તેના આધારમાં સામાજિક લોકશાહી ન હોય.

રાજકીય લોકશાહીની નિરંતર પ્રગતિથી સામાજિક લોકશાહીને મજબૂત કરવાની દિશામાં કરવામાં આવેલી પ્રગતિની પુષ્ટિ થાય છે. સમાવેશી ભાવના, આપણા સામાજિક જીવનમાં દરેક પાસાઓમાં જોવા મળે છે. આપણી વિવિધતાઓ અને બહુમતીઓ સાથે, આપણે એક રાષ્ટ્ર તરીકે એકજૂથ થઈને, એક સાથે, આગળ વધી રહ્યાં છીએ. સમાવેશના સાધન તરીકે સકારાત્મક પગલાંઓને મજબૂત કરવા જોઈએ. હું દૃઢપણે માનું છુ કે, ભારત જેવા વિશાળ દેશમાં, કથિત સામાજિક સ્તરોના આધારે કલેશને પ્રોત્સાહન આપનારી પ્રવૃત્તિઓને નકારી કાઢવી પડશે.

સામાજિક ન્યાય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સરકારે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સમાજના અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોના કલ્યાણ માટે અનેક અભૂતપૂર્વ પગલાં ભર્યાં છે. ઉદાહરણ તરીકે, પ્રધાનમંત્રી સામાજિક ઉત્કર્ષ અને રોજગાર આધારિત જનકલ્યાણ, એટલે કે પીએમ-સૂરજનો ઉદ્દેશ્ય હાંસિયામાં રહેલા લોકોને પ્રત્યક્ષરૂપે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા-અભિયાન એટલે કે પીએમ- જનમન યોજનાએ એક જન અભિયાનનું સ્વરૂપ લીધું છે. તે અંતર્ગત, વિશેષ રૂપે નબળા જનજાતિય સમૂહો, એટલે કે PVTGની સામાજિક-આર્થિક સ્થિતિઓમાં સુધારો લાવવા માટે નિર્ણાયક પગલાં લેવામાં આવી રહ્યાં છે. નેશનલ એક્શન ફોર મશીનાઇઝ્ડ સેનિટેશન ઇકો-સિસ્ટમ એટલે કે નમસ્તે યોજના અંતર્ગત સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈપણ સફાઇ કર્મચારીને સીવર અને સેપ્ટિક ટેન્કની સફાઇનાં જોખમી કામ હાથ વડે નહીં કરવા પડે.

‘ન્યાય’ શબ્દના સૌથી વ્યાપક અર્થમાં અનેક સામાજિક પરિમાણો સમાયેલા છે. તેમાંથી બે પરિમાણો પર હું વિશેષરૂપે ભાર આપવા માંગું છું. આ પરિમાણ છે, સ્ત્રી–પુરુષ વચ્ચે ન્યાયપૂર્ણ સમાનતા તથા ક્લાઇમેટ જસ્ટિસ.

આપણા સમાજમાં મહિલાઓને માત્ર સમાનતા જ નહીં પરંતુ સમાનતા કરતાં પણ ઉપરનો દરજ્જો આપવામાં આવે છે. જોકે, તેમણે પરંપરાગત પૂર્વગ્રહોના કષ્ટનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ, મને એ જાણીને ખુશી થાય છે કે સરકારે મહિલા કલ્યાણ અને નારી સશક્તીકરણને સમાન મહત્ત્વ આપ્યું છે. વિતેલા દાયકામાં આ ઉદ્દેશ્ય માટે બજેટ જોગવાઈમાં ત્રણ ગણાં કરતાં વધારે વૃદ્ધિ થઈ છે. શ્રમ બળમાં તેમની ભાગીદારી વધી છે. આ સંદર્ભમાં, જન્મ સમયે દીકરીઓની સપ્રમાણતામાં થયેલા નોંધનીય સુધારાને સૌથી ઉત્સાહજનક વિકાસ કહી શકાય. મહિલાઓને કેન્દ્રમાં રાખીને સરકાર દ્વારા અનેક વિશેષ યોજનાઓ પણ લાગુ કરવામાં આવી છે. નારી શક્તિ વંદન અધિનિયમનો ઉદ્દેશ્ય મહિલાઓનું વાસ્તવિક સશક્તીકરણ સુનિશ્ચિત કરવાનો છે.

જળવાયુ પરિવર્તન એક યથાર્થનું સ્વરૂપ લઈ ચુક્યું છે. વિકાસશીલ દેશો માટે પોતાની આર્થિક રૂપરેખાઓમાં ફેરફાર કરવો વધુ પડકારજનક છે. છતાં પણ, આપણે તે દિશામાં આશા કરતાં વધુ પ્રગતિ કરી છે. ગ્લોબલ વોર્મિંગના સૌથી ગંભીર દુષ્પ્રભાવોથી પૃથ્વીને બચાવવા માટે માનવ સમુદાય દ્વારા કરવામાં આવી રહેલા સંઘર્ષમાં અગ્રણી ભૂમિકા નિભાવવા બદલ ભારતને ગૌરવ છે. હું આપ સૌને વિનંતી કરું છું કે, તમે તમારી જીવનશૈલીમાં નાના-નાના, છતાં અસરકારક ફેરફારો કરો અને જળવાયુ પરિવર્તનના પડકારનો સામનો કરવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન આપો.

ન્યાયના સંદર્ભમાં, હું એ પણ ઉલ્લેખ કરવા માંગું છું કે આ વર્ષે જુલાઈથી ભારતીય ન્યાય સંહિતાને લાગુ કરવામાં, આપણે વસાહતી યુગના વધુ એક અવશેષને દૂર કરી દીધો છે. નવી સંહિતાનો ઉદ્દેશ્ય, માત્ર સજા કરવાના બદલે, ગુના-પીડિતો માટે ન્યાય સુનિશ્ચિત કરવાનો છે. હું આ પરિવર્તનને સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે શ્રદ્ધાંજલી તરીકે જોઉં છું.

મારા પ્રિય દેશવાસીઓ,

આજના યુવાનો આપણી સ્વતંત્રતાની શતાબ્દી સુધીના ‘અમૃતકાળને એટલે કે આજથી લગભગ એક ચતુર્થાંશ સદીના કાળખંડને આકાર આપશે. તેમની ઊર્જા અને ઉત્સાહના બળે જ આપણો દેશ નવી ઊંચાઈઓ સુધી પહોંચશે. યુવાનોના મન-મસ્તિષ્કનો વિકાસ કરવો તથા પરંપરા અને સમકાલીન જ્ઞાનનાં સર્વશ્રેષ્ઠ પરિમાણોને ગ્રહણ કરનારી નવી માનસિકતાનું નિર્માણ કરવું અમારી પ્રાથમિકતા છે. આ સંદર્ભમાં, વર્ષ 2020થી અમલમાં મૂકવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં પરિણામો સામે આવી રહ્યાં છે.

યુવા પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે, સરકારે કૌશલ્ય, રોજગાર અને અન્ય તકોને સુલભ બનાવવાની પહેલ કરી છે. રોજગાર અને કૌશલ્ય માટે પ્રધાનમંત્રીની પાંચ યોજનાઓના માધ્યમથી પાંચ વર્ષમાં ચાર કરોડ દસ લાખ યુવાનોને લાભ મળશે. સરકારની એક નવી પહેલથી પાંચ વર્ષમાં એક કરોડ યુવાનો અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરશે. આ તમામ પગલાં, વિકસિત ભારતના નિર્માણમાં આધારભૂત યોગદાન આપશે.

ભારતમાં, આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીને જ્ઞાનની શોધની સાથે-સાથે માનવતાપૂર્ણ પ્રગતિના સાધન તરીકે પણ જોઈએ છીએ. ઉદાહરણ તરીકે, ડિજિટલ એપ્લિકેશનના ક્ષેત્રમાં આપણી સિદ્ધિઓનો ઉપયોગ અન્ય દેશોમાં ટેમ્પલેટ તરીકે કરવામાં આવી રહ્યો છે. તાજેતરનાં વર્ષોમાં, ભારતે અવકાશ સંશોધનના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. આપ સૌની સાથે, હું પણ આવતા વર્ષે થનારા ગગનયાન મિશનના શુભારંભની આતુરતાથી રાહ જોઈ રહી છું. આ મિશન અંતર્ગત, ભારતના પ્રથમ માનવ અવકાશયાનમાં, ભારતીય અંતરીક્ષ ટીમને અવકાશમાં લઈ જવામાં આવશે.

રમતજગત પણ એક એવું ક્ષેત્ર છે જેમાં આપણા દેશે વિતેલા દાયકામાં ખૂબ જ પ્રગતિ કરી છે. સરકારે રમતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સંપૂર્ણ પ્રાથમિકતા આપી છે અને તેનાં પરિણામો સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ સંપન્ન થયેલા પેરિસ ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતીય ટૂકડીએ પોતાના ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા. હું ખેલાડીઓની નિષ્ઠા અને પરિશ્રમની પ્રશંસા કરું છું. તેમણે યુવાનોમાં પ્રેરણાનો સંચાર કર્યો છે. ક્રિકેટમાં ભારતે ટી-20 વિશ્વ કપ જીત્યો, જેનાથી મોટી સંખ્યામાં ક્રિકેટ-પ્રેમીઓ આનંદિત થયા છે. શતરંજમાં વિલક્ષણ પ્રતિભા ધરાવતા યુવાન ખેલાડીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે. આને શતરંજમાં ભારતીય યુગનો આરંભ માનવામાં આવે છે. બેડમિંટન, ટેનિસ અને અન્ય રમતોમાં આપણા યુવાન ખેલાડીઓ વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ બનાવી રહ્યા છે. તેમની સિદ્ધિઓએ આગલી પેઢીને પણ પ્રેરણા આપી છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આખો દેશ સ્વાતંત્ર્ય દિવસ ઉજવવા માટે આતુર છે. આ ઉલ્લાસપૂર્ણ અવસર નિમિત્તે હું આપ સૌને ફરી એક વખત શુભેચ્છા પાઠવું છું. હું સૈન્યના એ વીર જવાનોને વિશેષ શુભેચ્છા પાઠવું છું જેઓ પોતાના જીવનું જોખમ લઈને પણ આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. હું પોલીસ અને સુરક્ષાદળના જવાનોને પણ શુભેચ્છા પાઠવું છું જેઓ આખા દેશમાં સતર્કતા જાળવી રાખે છે. હું ન્યાયતંત્ર અને સિવિલ સેવાઓના સભ્યોની સાથે-સાથે વિદેશમાં નિયુક્ત આપણા દૂતાવાસોના કર્મચારીઓને પણ મારી શુભેચ્છા પાઠવું છું. આપણા પ્રવાસી સમુદાયને પણ મારી શુભેચ્છાઓ! આપ સૌ અમારા પરિવારનો હિસ્સો છો, તમે તમારી સિદ્ધિઓથી અમને ગૌરવ અપાવ્યું છે. તમે બધા વિદેશોમાં ભારતની સંસ્કૃતિ અને વારસાનું ગૌરવ સાથે પ્રતિનિધિત્વ કરો છો.

ફરી એકવાર, મારા તરફથી સૌને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ!

આભાર!

જય હિન્દ!

જય ભારત!

 



(Release ID: 2045392) Visitor Counter : 94