પ્રધાનમંત્રીનું કાર્યાલય
વચગાળાના બજેટ 2024 પર પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
Posted On:
01 FEB 2024 1:52PM by PIB Ahmedabad
મારા વ્હાલા દેશવાસીઓ,
આજનું બજેટ વચગાળાનું બજેટ છે, પરંતુ આ બજેટ સર્વસમાવેશક અને નવીન બજેટ છે. આ બજેટમાં સાતત્યનો ભરોસો છે. આ બજેટ વિકસિત ભારતના તમામ 4 આધારસ્તંભો - યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે. નિર્મલાજીનું આ બજેટ દેશના ભવિષ્યના નિર્માણનું બજેટ છે. આ બજેટ 2047ના વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ખાતરી આપે છે. હું નિર્મલાજી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
મિત્રો,
આ બજેટમાં ભારતના યુવાનોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. બજેટમાં બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સંશોધન અને નવીનતા માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં સ્ટાર્ટઅપ માટે ઉપલબ્ધ કર મુક્તિના વિસ્તરણની પણ જાહેરાત કરવામાં આવી છે.
મિત્રો,
આ બજેટમાં રાજકોષીય ખાધને અંકુશમાં રાખીને મૂડી ખર્ચને 11 લાખ 11 હજાર 111 કરોડ રૂપિયાની ઐતિહાસિક ઉચ્ચતમ સપાટી આપવામાં આવી છે. અર્થશાસ્ત્રીઓની ભાષામાં, આ એક પ્રકારનો સ્વીટ સ્પોટ છે. આનાથી ભારતમાં 21મી સદીના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની સાથે યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થશે. બજેટમાં વંદે ભારત સ્ટાન્ડર્ડની 40 હજાર આધુનિક બોગી બનાવવા અને તેને સામાન્ય પેસેન્જર ટ્રેનોમાં લગાવવાની જાહેરાત કરવામાં આવી છે. આનાથી દેશના વિવિધ રેલ માર્ગો પર કરોડો મુસાફરોના આરામદાયક મુસાફરીના અનુભવમાં વધારો થશે.
મિત્રો,
આપણે એક મોટું ધ્યેય નક્કી કરીએ છીએ, તેને હાંસલ કરીએ છીએ અને પછી આપણા માટે પણ એક મોટું લક્ષ્ય નક્કી કરીએ છીએ. અમે ગામડાઓ અને શહેરોમાં ગરીબો માટે 4 કરોડથી વધુ ઘર બનાવ્યા છે. હવે અમે 2 કરોડ વધુ નવા મકાનો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે 2 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. હવે આ ટાર્ગેટ વધારીને 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો કરવામાં આવ્યો છે. આયુષ્માન ભારત યોજનાએ ગરીબોને ઘણી મદદ કરી છે. હવે આંગણવાડી અને આશા વર્કર, તે તમામને આ યોજનાનો લાભ મળશે.
મિત્રો,
આ બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગના સશક્તિકરણ અને તેમના માટે આવકની નવી તકો ઊભી કરવા પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. રૂફટોપ સોલાર અભિયાન હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર રૂફ ટોપ દ્વારા મફત વીજળી મળશે. એટલું જ નહીં, સરકારને વધારાની વીજળી વેચવાથી લોકોને દર વર્ષે 15 થી 20 હજાર રૂપિયાની આવક પણ થશે અને આ દરેક પરિવારને મળશે.
મિત્રો,
આજે જાહેર કરાયેલ આવકવેરા માફી યોજના મધ્યમ વર્ગના લગભગ એક કરોડ લોકોને મોટી રાહત આપશે. અગાઉની સરકારોએ દાયકાઓ સુધી સામાન્ય માણસના માથા પર આ વિશાળ તલવાર લટકાવી રાખી હતી. આજે આ બજેટમાં ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. નેનો ડીએપીનો ઉપયોગ હોય, પ્રાણીઓ માટે નવી યોજના હોય, પીએમ મત્સ્ય સંપદા યોજનાનું વિસ્તરણ હોય અને સ્વનિર્ભર તેલ બીજ અભિયાન હોય, તેનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને ખર્ચમાં ઘટાડો થશે. હું ફરી એકવાર તમામ દેશવાસીઓને આ ઐતિહાસિક બજેટ માટે શુભેચ્છા પાઠવું છું. ખુબ ખુબ આભાર.
GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2001273)
Visitor Counter : 206
Read this release in:
Kannada
,
Bengali
,
Assamese
,
Telugu
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil