પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 8થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે


પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10મા સંસ્કરણનું ઉદઘાટન કરશે

સમિટની થીમઃ ભવિષ્યનું પ્રવેશદ્વાર

પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન પણ કરશે

પ્રધાનમંત્રી ટોચની વૈશ્વિક કંપનીઓના સીઇઓ સાથે બેઠક યોજશે

પ્રધાનમંત્રી ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી વ્યાવસાયિક અગ્રણીઓ સાથે વાતચીત કરશે

Posted On: 07 JAN 2024 3:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8-10 જાન્યુઆરી, 2023 દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી 9 જાન્યુઆરીનાં રોજ સવારે 9:30 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પહોંચશે, જ્યાં તેઓ વિશ્વનાં નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે અને પછી ટોચની વૈશ્વિક કંપનીઓનાં સીઇઓ સાથે બેઠક યોજશે. બપોરે લગભગ 3 વાગે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રી 10 જાન્યુઆરીનાં રોજ સવારે 9:45 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદઘાટન કરશે. ત્યાર બાદ તેઓ ટોચની વૈશ્વિક કંપનીઓના સીઇઓ સાથે બેઠક યોજશે. પછી પ્રધાનમંત્રી ગિફ્ટ સિટીની મુલાકાત લેશે, જ્યાં સાંજે લગભગ 5:15 વાગ્યે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી વ્યાવસાયિક અગ્રણીઓ સાથે વાતચીત કરશે.

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળ વર્ષ 2003માં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે સર્વસમાવેશક વૃદ્ધિ અને સાતત્યપૂર્ણ વિકાસ માટે વ્યાવસાયિક જોડાણ, જ્ઞાન વહેંચણી અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચોમાંના એક તરીકે વિકસ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું દસમું સંસ્કરણ 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન ગુજરાતનાં ગાંધીનગરમાં યોજાઈ રહ્યું છે. તેની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' છે. સમિટની આ દસમી આવૃત્તિ વાઇબ્રન્ટ ગુજરાતને સફળતાના શિખર સંમેલન તરીકે ઉજવશે.

આ વર્ષની સમિટ માટે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનો છે. ઉપરાંત પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્રોમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે કરશે.

સમિટમાં ઇન્ડસ્ટ્રી 4.0, ટેકનોલોજી અને ઇનોવેશન, સસ્ટેઇનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યૂએબલ એનર્જી તથા સસ્ટેઇનેબિલિટી તરફ ટ્રાન્ઝિશન જેવા વૈશ્વિક સ્તરે પ્રસ્તુત વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીમાંથી બનેલી પ્રોડકટનું પ્રદર્શન કરશે. -મોબિલિટી, સ્ટાર્ટ-અપ્સ, એમએસએમઇ, બ્લૂ ઇકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કેટલાક સેન્ટર્સ સેક્ટર્સ ટ્રેડ શોમાં સામેલ છે.

YP/JD



(Release ID: 1993940) Visitor Counter : 230