પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના શિરડી ખાતે આશરે 7500 કરોડ રૂપિયાના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું


વિકાસ પરિયોજનાઓમાં આરોગ્ય, રેલવે, માર્ગ, તેલ અને ગેસ જેવા ક્ષેત્રો સામેલ છે

શ્રી સાંઇબાબા સમાધિ મંદિર ખાતે નવા દર્શન કતાર સંકુલનું લોકાર્પણ કર્યું

નીલવંડે ડેમના ડાબા કાંઠાના નહેર નેટવર્કનું લોકાર્પણ કર્યું

'નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના'નો પ્રારંભ કર્યો

લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને સ્વામિત્વ કાર્ડનું વિતરણ કર્યું

"સામાજિક ન્યાયનો સાચો અર્થ એ છે કે, જ્યારે રાષ્ટ્ર ગરીબીથી મુક્ત હોય અને ગરીબોને પૂરતી તકો મળતી હોય"

"ગરીબ કલ્યાણ એ ડબલ એન્જિન સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે"

"ખેડૂતોના સશક્તીકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે"

"અમારી સરકાર સહકારિતાની ચળવળને મજબૂત કરવા માટે કામ કરી રહી છે"

"મહારાષ્ટ્ર અપાર સામર્થ્ય અને સંભાવનાઓનું કેન્દ્ર રહ્યું છે"

"મહારાષ્ટ્રના વિકાસની જેમ જ ભારત ઝડપી ગતિએ વિકાસ કરશે"

Posted On: 26 OCT 2023 5:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના અહેમદનગરમાં શિરડી ખાતે આરોગ્ય, રેલવે, માર્ગ, તેલ અને ગેસ જેવા વિવિધ ક્ષેત્રોમાં આશરે રૂપિયા 7500 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું હતું, લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓમાં અહેમદનગર સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ હોસ્પિટલનું નિર્માણ; કુર્દુવાડી-લાતુર માર્ગ રેલવે વિભાગનું વિદ્યુતીકરણ (186 કિમી); જલગાંવથી ભુસાવળને જોડતી ત્રીજી અને ચોથી રેલવે લાઇન (24.46 કિમી); રાષ્ટ્રીય ધોરીમાર્ગ-166 (પેકેજ-1)ના સાંગલીથી બોરગાંવ વિભાગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી; અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના મનમાડ ટર્મિનલ ખાતે વધારાની સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમણે અહેમદનગર સિવિલ હોસ્પિટલ ખાતે માતૃ અને બાળ આરોગ્ય પ્રશાખાનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને સ્વામિત્વ કાર્ડનું વિતરણ પણ કર્યું હતું.

અન્ય પરિયોજનાઓમાં, શ્રી મોદીએ શિરડી ખાતે નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું, નીલવંડે ડેમના ડાબા કાંઠાના (85 કિમી) નહેર નેટવર્કનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું અને 86 લાખથી વધુ ખેડૂત તેમજ લાભાર્થીઓને લાભ આપનારી 'નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના' શરૂ કરી હતી.

અગાઉ દિવસે, શિરડીમાં આવેલા શ્રી સાંઇબાબા સમાધિ મંદિર ખાતે શ્રી મોદીએ પૂજા અને દર્શન કર્યા હતા અને નીલવંડે ડેમનું જળપૂજન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સાઇ બાબાના આશીર્વાદથી 7500 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. 5 દાયકાઓથી વિલંબમાં પડી રહેલા નીલવંડે ડેમના કામનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોવાનું પણ ખાસ ટાંક્યું હતું. તેમણે સ્થળ પર જળપૂજન કરવાની તક મળી તે બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. શ્રી સાંઇબાબા સમાધિ મંદિર ખાતે દર્શન કતાર સંકુલ વિશે બોલતા, શ્રી મોદીએ ઓક્ટોબર 2018માં તેમના દ્વારા જ તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તે વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે આના નિર્માણથી ભારતીય અને વિદેશથી આવતા યાત્રાળુઓની સુવિધામાં વધુ વધારો કરશે.

પ્રધાનમંત્રીએ આજે સવારે વારકરી સમુદાયના બાબા મહારાજ સાતારકરના દુઃખદ અવસાનનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ બાબા મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કીર્તન તેમજ પ્રવચન દ્વારા તેમના સામાજિક જાગૃતિના કાર્યોને યાદ કર્યા જે આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.

પ્રધાનમંત્રીએ સરકારે અપનાવેલા 'સબકા સાથ સબકા વિકાસ'ના મંત્રનો પુનરોચ્ચાર કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સામાજિક ન્યાયનો સાચો અર્થ એ છે કે જ્યારે રાષ્ટ્ર ગરીબીથી મુક્ત હોય અને ગરીબોને પર્યાપ્ત તકો મળતી હોય". તેમણે એ પણ રેખાંકિત કર્યું હતું કે, ગરીબોનું કલ્યાણ કરવું એ ડબલ એન્જિન સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને દેશની અર્થવ્યવસ્થા વિસ્તરણ પામી રહી હોવાથી તેના માટે અંદાજપત્રમાં કરવામાં આવતી જોગવાઇમાં વધારો કરવા વિશે માહિતી આપી હતી. તેમણે મહારાષ્ટ્રમાં એવા લાભાર્થીઓને 1 કરોડ 10 લાખ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવા અંગેનો ઉલ્લેખ કર્યો હતો કે, જેઓ રૂપિયા 5 લાખ સુધીનો આરોગ્ય વીમો મેળવશે, જ્યાં સરકાર રૂપિયા 70,000 કરોડનો ખર્ચ કરી રહી છે. તેમણે ગરીબોને મફત રાશન આપવા અને તેમના માટે પાકા મકાનો બાંધવા માટે પ્રત્યેક કાર્ય માટે સરકાર દ્વારા કરવામાં આવતા 4 લાખ કરોડ રૂપિયાથી વધુના ખર્ચ વિશે પણ માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે, ઉપરોક્ત ખર્ચ 2014 પહેલાંના દાયકામાં કરવામાં આવ્યો હતો તેના કરતાં છ ગણો વધારે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબોના ઘરોમાં નળના પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે સરકારે રૂપિયા 2 લાખ કરોડથી વધુ ખર્ચ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ શેરી વિક્રેતાઓને હજારો રૂપિયા સુધીની સહાય આપવામાં આવી રહી છે. શ્રી મોદીએ નવી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને પણ સ્પર્શ કર્યો હતો, જેમાં 13,000 કરોડ રૂપિયાથી વધુના સરકારી ખર્ચ દ્વારા સુથાર, સોની, કુંભારો અને શિલ્પકારોના લાખો પરિવારોને સહાય કરવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ નાના ખેડૂતો વિશે વાત કરતી વખતે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજના હેઠળ નાના ખેડૂતોને 2 લાખ 60 હજાર કરોડ રૂપિયા મળ્યા છે જેમાં મહારાષ્ટ્રના નાના ખેડૂતો માટે 26 હજાર કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. તેમણે એ વાતની ખુશી વ્યક્ત કરી હતી કે, મહારાષ્ટ્ર સરકારે 'નમો શેતકરી મહાસન્માન નિધિ યોજના'ની શરૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ મહારાષ્ટ્રના શેતકરી પરિવારોને વધારાના 6000 રૂપિયા આપવામાં આવશે, એટલે કે સ્થાનિક નાના ખેડૂતોને 12,000 રૂપિયા સન્માનનિધિ તરીકે મળશે.

પ્રધાનમંત્રીએ 1970માં મંજૂર કરવામાં આવેલી અને છેલ્લા 5 દાયકાથી વિલંબમાં પડી રહેલી નીલવંડે પરિયોજના પર પ્રકાશ પાડતા ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, વર્તમાન સરકાર સત્તામાં આવ્યા પછી જ તેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, "ખેડૂતોના નામે મતની રાજનીતિ રમનારા લોકોએ તમને પાણીના એક એક ટીપાં માટે તરસાવ્યા છે" અને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "આજે અહીં જળપૂજન કરવામાં આવ્યું હતું". તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, જમણા કાંઠાની કેનાલ ટૂંક સમયમાં કાર્યરત થશે. તેમણે બલિરાજા જળસંજીવની યોજનાનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો જે રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે વરદાનરૂપ પણ સાબિત થઇ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં વધુ એવી 26 સિંચાઇ પરિયોજનાઓને પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે જેનું કામ દાયકાઓથી વિલંબમાં પડ્યું છે અને આ યોજનાઓ આ પ્રદેશના ખેડૂતો માટે ઘણી ફાયદારૂપ બનવાની છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતોના સશક્તિકરણ માટે સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ એવી માહિતી આપી હતી કે, છેલ્લાં 7 વર્ષમાં લઘુતમ ટેકાના ભાવ હેઠળ 13.5 લાખ કરોડ રૂપિયાના અનાજની ખરીદી કરવામાં આવી હતી, જ્યારે અગાઉની સરકારમાં વરિષ્ઠ નેતાના કાર્યકાળ દરમિયાન આ આંકડો માત્ર 3.5 લાખ કરોડ હતો. અગાઉ લઘુતમ ટેકાના ભાવે માંડ 500 થી 600 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવતી હતી તેની સરખામણીએ 2014 પછી 1 લાખ 15 હજાર કરોડના તેલીબિયાં અને કઠોળની ખરીદી કરવામાં આવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણના કારણે ભ્રષ્ટાચાર અને પ્રણાલીમાં રહેલી ઉણપોને દૂર કરી શકાયા છે.

તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારો કરવા અંગે લેવામાં આવેલા નિર્ણયો વિશે બોલતા, શ્રી મોદીએ માહિતી આપી હતી કે, ચણાના લઘુતમ ટેકાના ભાવમાં રૂપિયા 105 અને ઘઉં તેમજ કુસુમના લઘુતમ ટેકાના ભાવમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, શેરડીના લઘુતમ ટેકના ભાવ વધારીને રૂપિયા 315 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં લગભગ 70,000 કરોડ રૂપિયાના ઇથેનોલની ખરીદી કરવામાં આવી છે અને શેરડીના ખેડૂતો પૈસા સુધી પહોંચી ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે, "શેરડીના ખેડૂતોને સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવા માટે, ખાંડ મિલો અને સહકારી મંડળીઓને હજારો કરોડ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી છે".

પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, “અમારી સરકાર સહકારિતાની ચળવળને મજબૂત કરવા માટે કામ કરી રહી છે. સમગ્ર દેશમાં 2 લાખ કરતાં વધુ સહકારી મંડળીઓની રચના કરવામાં આવી રહી છે. સારા સંગ્રહો અને જૂની સંગ્રહ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે PAC અને સહકારી સંસ્થાઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. 7500 કરતાં વધુ ખેડૂત ઉત્પાદન સંઘ (FPO) પહેલાંથી જ કાર્યરત હોવાથી FPO દ્વારા નાના ખેડૂતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અપાર સામર્થ્ય અને સંભાવનાઓનું કેન્દ્ર રહ્યું છે. જેટલી ઝડપથી મહારાષ્ટ્રનો વિકાસ થશે તેટલી જ ઝડપથી ભારતનો વિકાસ થશે. પ્રધાનમંત્રી મોદીએ મુંબઇ અને શિરડીને જોડતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી તે પણ યાદ કર્યું હતું અને મહારાષ્ટ્રમાં રેલવેનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે તે વાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, જલગાંવ અને ભુસાવળ વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઇન શરૂ થવાથી મુંબઇ-હાવડા રેલવે માર્ગ પરની અવરજવર વધુ સરળ બનશે. એવી જ રીતે, સોલાપુરથી બોરગાંવ સુધીના ચાર માર્ગીય રસ્તાના નિર્માણથી સમગ્ર કોંકણ પ્રદેશના જોડાણમાં સુધારો થશે અને આ ક્ષેત્રના શેરડી, દ્રાક્ષ તેમજ હળદરના ખેડુતો તેમજ ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. તેમણે અંતે કહ્યું હતું કે, "આ જોડાણ માત્ર પરિવહન પૂરતું જ નહીં પરંતુ પ્રગતિ અને આર્થિક વિકાસ માટે પણ એક નવો માર્ગ બનાવશે".

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીઓ શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને શ્રી અજિત પવાર તેમજ અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રી દ્વારા શિરડી ખાતે નવી દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે અત્યાધુનિક સુવિધાઓ વાળી એક વિશાળ ઇમારત છે. ભક્તો માટે આરામદાયક પ્રતીક્ષા ક્ષેત્ર પૂરું કરવા માટે આ ભવનની પરિકલ્પના કરવામાં આવી છે. તે એક સાથે દસ હજાર કરતાં વધુ ભક્તો બેસી શકે તેવી ક્ષમતા સાથેના ઘણા પ્રતિક્ષા હોલથી સજ્જ છે. તેમાં ક્લોકરૂમ, શૌચાલય, બુકિંગ કાઉન્ટર, પ્રસાદ કાઉન્ટર, માહિતી કેન્દ્ર વગેરે જેવી વાતાનુકૂલિત જાહેર સુવિધાઓ પૂરી પાડે છે. આ નવા નિર્માણ પામેલા દર્શન કતાર સંકુલનો શિલાન્યાસ ઓક્ટોબર 2018માં પ્રધાનમંત્રી દ્વારા જ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ નીલવંડે ડેમના ડાબા કાંઠાના (85 કિમી) કેનાલ નેટવર્કનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. તેનાથી પાણીના પાઇપ વિતરણ નેટવર્કની સુવિધા દ્વારા 7 તાલુકાઓ (અહેમદનગર જિલ્લામાં 6 તાલુકા અને નાસિક જિલ્લામાં 1 તાલુકો)ના 182 ગામોને લાભ કરશે. નીલવંડે ડેમનો વિચાર સૌથી પહેલા 1970માં આવ્યો હતો. તે લગભગ રૂપિયા 5177 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાશરૂ કરી હતી. આ યોજના મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 86 લાખ કરતાં વધુ લાભાર્થીઓને દર વર્ષે 6000 રૂપિયાની વધારાની રકમ આપીને લાભ પહોંચાડશે.

પ્રધાનમંત્રીએ અહેમદનગર સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ હોસ્પિટલ; કુર્દુવાડી-લાતુર માર્ગ રેલવે વિભાગનું વિદ્યુતીકરણ (186 કિમી); જલગાંવથી ભુસાવળને જોડતી ત્રીજી અને ચોથી રેલવે લાઇન (24.46 કિમી); રાષ્ટ્રીય ધોરીમાર્ગ-166 (પેકેજ-1)ના સાંગલીથી બોરગાંવ વિભાગને ચાર માર્ગીય કરવાનું કામ; અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના મનમાડ ટર્મિનલ ખાતે વધારાની સુવિધાઓ સહિત અનેક વિકાસલક્ષી પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. તેમણે અહેમદનગર સિવિલ હોસ્પિટલમાં માતૃ અને બાળ આરોગ્ય પ્રશાખાનો શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને સ્વામિત્વ કાર્ડનું વિતરણ પણ કર્યું હતું.

CB/GP/JD



(Release ID: 1971636) Visitor Counter : 94