સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

9 વર્ષમાં 332% વેચાણ વૃદ્ધિ નોંધાવવા સાથે કેવીઆઈસી દ્વારા મહત્વપૂર્ણ છલાંગ

Posted On: 08 JUN 2023 7:29PM by PIB Ahmedabad

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં 'આત્મનિર્ભર ભારત અભિયાન'ને નવી ઊંચાઈઓ પર લઈ જઈને વિશ્વની સામે એક મજબૂત ભારતની સંતોષકારક છબી પ્રસ્તુત કરી છે. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગનાં ઉત્પાદનોનું ટર્નઓવર રૂ.1.34 લાખ કરોડના આંકડાને વટાવી ગયું છે. છેલ્લાં 9 નાણાકીય વર્ષોમાં ગ્રામીણ વિસ્તારોમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલાં ખાદીનાં સ્વદેશી ઉત્પાદનોનાં વેચાણમાં 332 ટકાની અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. જ્યારે ખાદી અને ગ્રામોદ્યોગનાં ઉત્પાદનોનું ટર્નઓવર નાણાકીય વર્ષ 2013-14માં રૂ.31,154 કરોડ હતું, પરંતુ નાણાકીય વર્ષ 2022-23માં તે વધીને રૂ.1,34,630 કરોડનાં ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે, જે અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ છે. એ જ રીતે કેવીઆઇસીએ ગ્રામીણ વિસ્તારોમાં 9,54,899 નવી રોજગારીનું સર્જન કરીને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017Z1K.jpg

કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે આ સિદ્ધિનો શ્રેય મહાત્મા ગાંધીની સાચી પ્રેરણા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની 'બ્રાન્ડ શક્તિ'ને અને દેશનાં દૂર-સુદૂરનાં ગામડાંમાં કામ કરતા કારીગરોના અથાક પરિશ્રમને આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશ અને વિદેશમાં દરેક મંચ પર ખાદીને પ્રોત્સાહન આપ્યું છે, જેના કારણે ખાદીએ લોકપ્રિયતાની નવી ટોચ હાંસલ કરી છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે ખાદીનાં ઉત્પાદનોની ગણતરી દુનિયામાં સૌથી વધુ વિશ્વસનીય બ્રાન્ડ્સમાં થાય છે. નાણાકીય વર્ષ 2013-14થી 2022-23માં જ્યાં કેવીઆઈ પ્રોડક્ટ્સનાં ઉત્પાદનમાં 268 ટકાનો વધારો થયો હતો, ત્યાં વેચાણ તમામ રેકોર્ડ્સ તોડીને 332 ટકાના આંકડાને સ્પર્શી ગયું હતું. 'મેક ઇન ઇન્ડિયા', 'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી પ્રોડક્ટ્સ' માટે પણ દેશના લોકોનો વિશ્વાસ વધ્યો છે તેનો આ પુરાવો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002KR1S.jpg

કેન્દ્રની 'મોદી સરકાર'નાં 9 વર્ષના કાર્યકાળ દરમિયાન ખાદીને એક નવું જીવન આપનારા કેવીઆઈસીના પ્રયાસોથી 'આત્મનિર્ભરતાથી સમૃદ્ધિ'ના આવા 9 રેકોર્ડ્સ સ્થપાયા છે.

  1. કેવીઆઈ વસ્તુઓનાં ઉત્પાદનમાં અસાધારણ વૃદ્ધિ– નાણાકીય વર્ષ 2013-14માં કેવીઆઈ વસ્તુઓનું ઉત્પાદન રૂ.26,109 કરોડ હતું, ત્યારે નાણાકીય વર્ષ 2022-23માં 268 ટકાની નોંધપાત્ર છલાંગ સાથે તે રૂ.95957 કરોડ સુધી પહોંચી ગયું છે. ઉત્પાદનનો આ આંકડો એ વાતનો મજબૂત પુરાવો છે કે કેવીઆઈસીએ ગ્રામીણ વિસ્તારોમાં મહત્વપૂર્ણ કામ કર્યું છે.
  2. કેવીઆઈ પ્રોડક્ટ્સનાં વેચાણમાં મોટી તેજી - છેલ્લાં 9 નાણાકીય વર્ષોમાં વેચાણની દ્રષ્ટિએ કેવીઆઈ પ્રોડક્ટ્સે દર વર્ષે નવા રેકોર્ડ બનાવ્યા છે. નાણાકીય વર્ષ 2013-14માં વેચાણ રૂ.31,154 કરોડનું હતું, જેમાં 332 ટકાની અભૂતપૂર્વ વૃદ્ધિ સાથે નાણાકીય વર્ષ 2022-23માં તે રૂ.1,34,630 કરોડે પહોંચ્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ રહ્યું છે.
  3. ખાદી કાપડનાં ઉત્પાદનનો નવો રેકોર્ડ – છેલ્લાં 9 વર્ષોમાં ખાદીનાં કાપડનાં ઉત્પાદનમાં પણ અજોડ વૃદ્ધિ થઈ છે. નાણાકીય વર્ષ 2013-14માં જ્યાં ખાદીનાં વસ્ત્રોનું ઉત્પાદન 811 કરોડ રૂપિયા હતું, તેમાં 260 ટકાના ઉછાળા સાથે તે નાણાકીય વર્ષ 2022-23માં 2916 કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી ગયું છે, જે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
  4. ખાદી ફેબ્રિકનાં વેચાણે પણ એક નવો ઇતિહાસ રચ્યો – છેલ્લાં 9 નાણાકીય વર્ષમાં ખાદીનાં કાપડની માગમાં પણ ઝડપથી વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14માં જ્યાં તેનું વેચાણ માત્ર રૂ.1081 કરોડ હતું, ત્યાં નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન તે 450 ટકા વધીને રૂ.5943 કરોડના આંકડાને સ્પર્શે છે. કોવિડ-19 બાદ સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક કપડાંની માગ વધી છે. આ કારણે ખાદીનાં વસ્ત્રોની માગમાં ઝડપથી વધારો થયો છે. આ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દરેક મંચ પર ખાદીને પ્રોત્સાહન આપવાથી ખાદીનાં કાપડનાં વેચાણને વધારવા પર પણ ઘણી મોટી અસર પડી છે.
  5. રોજગારીનાં સર્જન અને સંચિત રોજગારીનાં સર્જનનો નવો વિક્રમ – કેવીઆઇસીનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં વધુમાં વધુ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે. કેવીઆઈસીએ આ ક્ષેત્રોમાં પણ છેલ્લાં ૯ વર્ષમાં એક રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2013-14માં કુલ રોજગારી 1,30,38,444 હતી, જ્યારે 36 ટકાનો વધારો નોંધાવીને તે 2022-23માં 177,16,288 પર પહોંચી ગઈ છે. એ જ રીતે નાણાકીય વર્ષ 2013-14માં 5,62,521 નવી રોજગારીની તકોનું સર્જન થયું હતું તેની સરખામણીમાં નાણાકીય વર્ષ 2022-23માં 70 ટકાના વધારા સાથે કુલ 9,54,899 રોજગારીની તકો ઊભી થઈ છે.
  6. ખાદીના કારીગરોનાં વેતનમાં રેકોર્ડ વધારો – ખાદી ક્ષેત્ર સાથે સંકળાયેલા ખાદીના કારીગરોને ખાદીનાં કાપડનાં ઉત્પાદનમાં વધારા અને વેચાણમાં વધારાનો લાભ પણ મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2013-14થી તેમના મહેનતાણામાં 150 ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ 1 એપ્રિલ, 2023થી ખાદી કારીગરોનાં વેતનમાં 33 ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે.
  7. કનોટ પ્લેસ, નવી દિલ્હી ખાતે સ્થિત 'ખાદી ભવન'નો નવો રેકોર્ડ - 2 ઑક્ટોબર 2022ના રોજ, નવી દિલ્હીના કનોટ પ્લેસ ખાતે કેવીઆઈસીના ફ્લેગશિપ 'ખાદી ભવન'નાં વેચાણે ઓલ-ટાઇમ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રધાનમંત્રીની અપીલ પર ખાદી પ્રેમીઓએ એક જ દિવસમાં રૂ.1.34 કરોડની કિંમતની કેવીઆઈ પ્રોડક્ટ્સ ખરીદીને પ્રથમ વખત નવો રેકોર્ડ બનાવ્યો હતો.
  8. પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ (પીએમઈજીપી)માંથી 'આત્મનિર્ભર ભારત'નું નિર્માણ – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સ્વદેશી અભિયાન સાથે દેશના યુવાનોને જોડવામાં પીએમઈજીપીએ એક નવો વિક્રમ સ્થાપ્યો છે. આ યોજના પીએમ મોદીનું 'નોકરી શોધનારને બદલે જૉબ પ્રોવાઇડર બનવાનું' સપનું પૂરું કરે છે. આ નાણાકીય વર્ષ દરમિયાન 8.69 લાખ નવા પ્રોજેક્ટ્સ સ્થાપીને કુલ 73.67 લાખ લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે, જેમાં વર્ષ 2008-09થી 2022-23 સુધીમાં કુલ માર્જિન મની સબસિડી વિતરણ 21870.18 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં, 80 ટકાથી વધુ એકમો ગ્રામીણ વિસ્તારોમાં સ્થાપવામાં આવે છે, જેમાંથી 50 ટકાથી વધુ એકમો એસસી, એસટી અને મહિલા ઉદ્યમીઓની માલિકીનાં છે. તેમજ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 14 ટકાથી વધુ એકમો સ્થાપવામાં આવ્યાં છે. વર્ષ 2022-23 દરમિયાન આ સિદ્ધિ 85167 એકમની હતી જેમાં 9.37 લાખ રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી.
  9.  'ગ્રામોદ્યોગ વિકાસ યોજના'નો નવો રેકોર્ડ – કેવીઆઇસી વંચિતોનાં કલ્યાણ માટે અને સમાજનાં તળિયે કામ કરતા કારીગરો માટે 'ગ્રામ વિકાસ યોજના' હેઠળ અનેક મુખ્ય કાર્યક્રમો હાથ ધરી રહ્યું છે. વર્ષ 2017-18થી અત્યાર સુધીમાં મહત્વાકાંક્ષી "હની મિશન" કાર્યક્રમ હેઠળ કુલ 19118 લાભાર્થીઓને 1,89,989 લાખ મધમાખીનાં બૉક્સ અને મધમાખી-વસાહતોનું વિતરણ કરવામાં આવ્યું છે. એ જ રીતે 'કુંભાર સશક્તીકરણ' કાર્યક્રમ દ્વારા અત્યાર સુધીમાં 25 હજારથી વધુ કુંભારોને આધુનિક ઇલેક્ટ્રિક કુંભારનાં પૈડાંનું વિતરણ કરવામાં આવ્યું છે.

YP/GP/JD



(Release ID: 1930889) Visitor Counter : 226