માહિતી અને પ્રસારણ મંત્રાલય

છેલ્લાં નવ વર્ષની સરકારી નીતિઓએ નાગરિકોના વિશ્વાસ અને સર્વસમાવેશી વૃદ્ધિમાં કેવી રીતે વધારો કર્યો તે અંગે રાષ્ટ્રીય પરિસંવાદમાં ચર્ચા થઇ

Posted On: 27 MAY 2023 5:44PM by PIB Ahmedabad

સમાજના વિવિધ વર્ગોના પ્રતિનિધિઓ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે "જન જન કા વિશ્વાસ" શીર્ષક હેઠળ યોજવામાં આવેલા સત્રમાં એકત્રિત થયા હતા અને છેલ્લાં નવ વર્ષો દરમિયાન સરકારની નીતિઓ તેમજ કાર્યક્રમોએ સર્વસમાવેશી વિકાસમાં કેવી રીતે યોગદાન આપ્યું છે તે અંગે ચર્ચા કરી હતી. આ સત્ર પ્રસાર ભારતી દ્વારા આયોજિત રાષ્ટ્રીય પરિસંવાદ: 9 વર્ષ - સેવા, સુશાસન, ગરીબ કલ્યાણપરિષદમાં યોજવામાં આવ્યું હતું. ચર્ચાની પેનલમાં બોક્સર નિખત ઝરીન; અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી; ભારતમાં યુનિસેફના પ્રતિનિધિ સિન્થિયા મેકકેફ્રે; નર્સ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શાંતિ ટેરેસા લાકરા; પર્યાવરણવિદ અનિલ પ્રકાશ જોશી અને સીખો (Seekho)ના સહ-સ્થાપક દિવ્યા જૈને ભાગ લીધો હતો. આ સત્રનું સંચાલન પત્રકાર રિચા અનિરુદ્ધે કર્યું હતું.

 

ખેલો ઇન્ડિયાએ ભારતીય રમત પ્રતિભાને વિશ્વ મંચ પર ઉત્કૃષ્ટ દેખાવ કરવા સક્ષમ બનાવ્યું છે: નિખત ઝરીન

ભારતીય બોક્સર અને 2 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી નિખત ઝરીને ઉપસ્થિત પ્રેક્ષકોને જણાવ્યું હતું કે, સરકારની મુખ્ય યોજના એવી ખેલો ઇન્ડિયાએ ભારતીય રમત પ્રતિભાને પાંખો આપી છે અને વધુ યુવાનો તેમજ પ્રતિભાશાળી ભારતીયોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર રમતગમતમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે સમર્થ બનાવ્યા છે. તેણે બેટી બચાવો બેટી પઢાવોના કારણ પોતાના જેવી છોકરીઓ અને મહિલાઓના સશક્તિકરણમાં જે પરિવર્તનકારી અસર જોવા મળી છે તેના વિશે પણ વાત કરી.

બેટી બચાવો બેટી પઢાવોના કારણે છોકરીઓ પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ હવે બદલાઇ ગયો છે: નવાઝુદ્દીન સિદ્દીકી

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલા પરિવર્તનોના કારણે પરિવહન ઘણું સરળ બન્યું છે તે વાતને યાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે કોઇપણ યુવાન કે જે કંઇક મોટું કરવા માંગે છે તેની પાસે આજે પોતાનાં સપનાંને સાકાર કરવા માટે ઘણી બધી સહાયક વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. બેટી બચાવો બેટી પઢાવો વિશે બોલતા, અભિનેતાએ જણાવ્યું હતું કે, હવે છોકરીઓ પ્રત્યેનો લોકોનો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલાઇ ગઇ ગયા છે, જે માતા-પિતાઓના છોકરીઓ પ્રત્યેના બદલાયેલા વલણ અને મહિલાઓની સિદ્ધિઓમાં પ્રતિબિંબિત થાય છે. તેમણે જણાવ્યું હતું કે, આત્મસાક્ષાત્કાર માટે મહિલાઓનો દબાયેલો અવાજ હવે બહાર આવ્યો છે અને સમાજ પણ તેને સ્વીકૃતી આપી રહ્યો છે.

"સરકારે વૈશ્વિક મંચ પર ભારતને સાંદર્ભિક બનાવવા માટે અદ્ભુત કામ કર્યું છે"

સીખોના સહ-સ્થાપક દિવ્યા જૈને પ્રેક્ષકોને જણાવ્યું હતું કે, મહિલાઓના નેતૃત્વમાં થઇ રહેલો વિકાસ એ એક મોટું પરિવર્તન છે જે સાર્થક થયું છે. તેમણે સૌનું ધ્યાન દોર્યું હતું કે, છેલ્લા નવ વર્ષ દરમિયાન 7 કરોડ મહિલાઓ સ્વ-સહાય જૂથોમાં જોડાઇ હોવાનું જાણવા મળ્યું છે. સરકારી યોજનાઓ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જેના કારણે મહિલાઓ આગળ આવવા માટે સમર્થ બની શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, એક એવો સમય હતો જ્યારે મહિલાઓ આગળ આવવામાં સંકોચ અનુભવતી હતી, પરંતુ હવે મહિલાઓ આગળ આવી રહી હોવાથી આખો સમાજ આગળ આવે છે અને સમગ્ર સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે. આ પરિવર્તન ગામડાઓમાં પાયાના સ્તરે જોવા મળી રહ્યું છે.

સ્ટાર્ટઅપ એન્ટરપ્રેન્યોર તરીકે બોલતા દિવ્યા જૈને જણાવ્યું હતું કે, ભારતમાં વિતેલા કેટલાક વર્ષમાં સૌથી વધુ FDIનો પ્રવાહ જોવા મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, આજે, ભારત વૈશ્વિક મંચ પર સાંદર્ભિક છે. સરકારે આપણને સાંદર્ભિક બનાવવા માટે અદ્ભુત કામ કર્યું છે, આપણી સમક્ષ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આપણે આપણા ઉદ્યોગસાહસિકો અને આપણા યુવાનોની નોંધ લેવાની જરૂર છે, આપણે જ ભવિષ્યને નિર્ધારિત કરીશું.

"આયુષ્માન ભારતે અંતરિયાળ વિસ્તારોમાં પણ નાગરિકોને સશક્ત કર્યા છે"

આંદામાન અને નિકોબાર ટાપુઓમાંથી મેડિકલ નર્સ, આરોગ્ય સંભાળ પ્રોફેશનલ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શાંતિ ટેરેસા લાકરાએ જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ સ્થાપવામાં આવેલા સુખાકારી કેન્દ્રો લોકોના સશક્તિકરણમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયા છે. તેમણે કહ્યું હતું કે, આ યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય જે ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં અને ગાઢ જંગલોમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકો માટે ખૂબ જ મદદરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે આવા લોકો સુધી પહોંચવાનું ઘણું મુશ્કેલ હોય, ત્યારે ડિજિટલ ઇન્ડિયા હેઠળ પ્રગતિ અને લોક સંપર્કની પહેલોએ આ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવામં પણ મદદ કરી છે. ઉદાહરણ તરીકે જોઇએ તો, સંસ્થાકીય પ્રસૂતિની સંખ્યામાં જે રીતે વધારો થયો છે તેમાં આ બાબત પ્રતિબિંબિત થાય છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સમુદ્ર પર પુલનું નિર્માણ કરવાથી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં રોડ કનેક્ટિવિટીમાં સુધારો થયો છે.

"સરકાર, ગામડાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, ઇન્ડિયા નહીં પરંતુ, ભારત આગળ વધી રહ્યું છે"

પર્યાવરણવિદ અનિલ પ્રકાશ જોશીએ જણાવ્યું હતું કે, દેશ હવે સર્વસમાવેશી અને પર્યાવરણીય રીતે સભાન સમૃદ્ધિ લાવવાના સંદર્ભમાં વિચાર કરી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવેલા બજેટમાં ગામડાના વિકાસને સમાવવાની શરૂઆત કરવામાં આવી છે અને વિકસિત અર્થવ્યવસ્થાને આગળ વધારવા માટે ઇકોલોજીકલ માળખાકીય સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે કેચ ધ રેઇન’ અને ‘સોઇલ હેલ્થ’ જેવી પહેલોની પ્રશંસા કરી હતી અને ઉમેર્યું હતું કે, શાસન માત્ર ત્યારે જ ટકાઉ હોઇ શકે છે, જો તે સહભાગી હોય. તેમણે જણાવ્યું હતું કે, ગામડાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને હવે ઇન્ડિયા નહીં, પરંતુ ભારત આગળ વધી રહ્યું છે.

"સ્ટાર્ટઅપ ઇન્ડિયાએ આપણા યુવાન અને ગતિશીલ ઉદ્યોગ સાહસિકોને ખીલવામાં મદદ કરી છે"

બાયોકોન લિમિટેડ અને બાયોકોન બાયોલોજિક્સ લિમિટેડના એક્ઝિક્યુટીવ ચેરપર્સન અને સ્થાપક કિરણ મઝુમદાર શૉએ રેકોર્ડ કરવામાં આવેલા વીડિયો સંદેશ દ્વારા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઘણી પરિવર્તનકારી પહેલ હાથ ધરવામાં આવી છે, જેના કારણે લોકોના જીવન પર સકારાત્મક અસર જોવા મળી છે. તેમણે આગળ કહ્યું હતું કે, આરોગ્યસેતુ અને COWIN એપ્લિકેશન આ બંને પાથ-બ્રેકિંગ ટેક્નોલોજીઓ છે જેણે આપણને કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે સમર્થ બનાવ્યા છે અને તેનાથી ડિજિટલ પ્લેટફોર્મ પર સામૂહિક રસીકરણના વિશાળ અમલીકરણને શક્ય કરી શકાયું છે. આયુષ્માન ભારત વિશે બોલતા તેમણે જણાવ્યું હતું કે, જન ઔષધિ કેન્દ્રોએ ઘણા લોકો સુધી જીવનરક્ષક દવાની પહોંચમાં સુધારો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સરકાર દ્વારા તેમને આપવામાં આવેલા સમર્થનને કારણે આજે આપણી પાસે સંખ્યાબંધ યુવા અને ગતિશીલ ઉદ્યોગસાહસિકો છે.

"રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સર્વગ્રાહી શિક્ષણમાં મદદ કરે છે"

ભારતમાં યુનિસેફના પ્રતિનિધિ સિન્થિયા મેક કેફ્રેએ જણાવ્યું હતું કે, ભારત સરકારે નેશનલ અચિવમેન્ટ સર્વે હાથ ધર્યો હતો, જેમાં બાળકો શું શીખી રહ્યાં છે અને ભારતીય વિદ્યાર્થીઓ ખરેખર શું જાણે છે તે સમજવા માટે વ્યવસ્થા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "તેના આધારે, સરકારે વ્યક્તિગત વિદ્યાર્થીઓ સુધી પહોંચવા અને શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે નીતિઓ ઘડી છે. આના કારણે આપણે બાળકોને શાળાઓમાં સલામત માહોલમાં રાખીએ તેવું સુનિશ્ચિત કરીને ભારતે પાયાના શિક્ષણમાં રોકાણ કર્યું છે. સ્વચ્છ ભારત મિશન, આયુષ્માન ભારત આ બધા જ અભિયાનો બાળકોના જીવનના મહત્વપૂર્ણ ભાગો બનવા અને શીખવામાં સંકલન લાવવા માટે એકજૂથ થયા છે. તમારી પાસે સ્વચ્છતા અને પોષણ હોય તેની ખાતરી કરવા માટે યોજનાઓ એકસાથે આવી છે. સરકારે બહુવિધ માર્ગો દ્વારા કૌશલ્ય આપવું, બાળકોને સ્વસ્થ રીતે મોટા થવા માટે સમર્થ બનાવવા અને તેમને 21મી સદીના કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરવા સક્ષમ બનાવવા વગેરે સાથે નવતર અભિગમ અપનાવીને પાયાના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પાયાના શિક્ષણ, વ્યવસાયિક શિક્ષણ અને ઉદ્યોગસાહસિક શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હોવાથી બાળકો સમર્થ બની શક્યા છે, જે તેમને સર્વગ્રાહી શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે.

YP/GP/JD



(Release ID: 1927755) Visitor Counter : 205