પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ કેરળનાં તિરુવનંતપુરમ્‌નાં સેન્ટ્રલ સ્ટેડિયમમાં રૂ. 3200 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી


કોચી વૉટર મેટ્રોનું લોકાર્પણ કર્યું

તિરુવનંતપુરમ્‌માં વિવિધ રેલ પ્રોજેક્ટ્સ અને ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ કર્યો

"કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ, કોચીમાં વૉટર મેટ્રો અને અન્ય વિવિધ પહેલનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે, જે રાજ્યની વિકાસયાત્રાને આગળ વધારશે"

"કેરળના લોકોની સખત મહેનત અને નમ્રતા તેમને એક અનોખી ઓળખ આપે છે"

"વૈશ્વિક નકશામાં ભારત એક ઉજ્જવળ સ્થળ છે"

"સરકાર સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને રાજ્યોના વિકાસને દેશના વિકાસનો સ્ત્રોત માને છે"

"ભારત એવી ઝડપ અને વ્યાપથી પ્રગતિ કરી રહ્યું છે, જે અભૂતપૂર્વ છે"

"કનેક્ટિવિટી માટે કરવામાં આવેલું રોકાણ માત્ર સેવાઓના અવકાશને વિસ્તૃત કરતું નથી, પરંતુ જાતિ અને પંથ અને ધનિક અને ગરીબ વચ્ચે ભેદભાવ રાખ્યા વિના વિવિધ સંસ્કૃતિઓને જોડે છે અને અંતર પણ ઘટાડે છે"

"જી-20 બેઠકો અને ઇવેન્ટ્સ કેરળને વધુ વૈશ્વિક પ્રદર્શન આપી રહી છે"

"કેરળમાં સંસ્કૃતિ, ખાણીપીણી અને આબોહવા છે, જે સમૃદ્ધિ ધરાવે છે"

'મન કી બાત'ની સદી રાષ્ટ્રનિર્

Posted On: 25 APR 2023 1:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળનાં તિરુવનંતપુરમ્‌ સ્થિત સેન્ટ્રલ સ્ટેડિયમમાં 3200 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં કોચી વૉટર મેટ્રોનું રાષ્ટ્રને લોકાર્પણ, વિવિધ રેલ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને તિરુવનંતપુરમ્‌માં ડિજિટલ સાયન્સ પાર્ક સામેલ છે. દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ તિરુવનંતપુરમ્‌ અને કાસરગોડ વચ્ચે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ વિશુ માટે લોકોને શુભેચ્છા પાઠવી હતી. આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેરળના વિકાસ અને કનેક્ટિવિટી સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ, કોચીની પ્રથમ વૉટર મેટ્રો અને રેલવેની ઘણી વિકાસ પરિયોજનાઓ સામેલ છે. તેમણે કેરળના નાગરિકોને આ વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન આપ્યાં હતાં.

કેરળનાં શિક્ષણ અને જાગૃતિનાં સ્તર પર ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેરળનાં લોકોની આકરી મહેનત અને નમ્રતાએ તેમને એક વિશિષ્ટ ઓળખ આપી છે. તેમણે કહ્યું હતું કે, કેરળનાં લોકો વૈશ્વિક પરિદ્રશ્યને સમજવા સક્ષમ છે અને તેઓ એ વાતની પ્રશંસા કરી શકે છે કે કેવી રીતે ભારતને મુશ્કેલ સમયમાં પણ વિકાસનું વાયબ્રન્ટ સ્થળ ગણવામાં આવી રહ્યું છે અને ભારતના વિકાસનાં વચનોને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ ભારત પ્રત્યે દુનિયાએ દર્શાવેલા વિશ્વાસનો શ્રેય કેન્દ્રની એક નિર્ણાયક સરકારને આપ્યો હતો, જે દેશનાં કલ્યાણ માટે ત્વરિત અને દ્રઢ નિર્ણયો લે છે, ભારતનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને આધુનિક બનાવવામાં અભૂતપૂર્વ રોકાણ કરે છે, યુવાનોનાં કૌશલ્યને વધારવાં માટે કરવામાં આવેલાં રોકાણો અને છેલ્લે ઇઝ ઑફ લિવિંગ અને ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ પ્રત્યે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર સહકારી સંઘવાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને રાજ્યોના વિકાસને દેશનો વિકાસ માને છે. "અમે સેવાલક્ષી અભિગમ સાથે કામ કરી રહ્યા છીએ. જો કેરળ પ્રગતિ કરશે તો જ દેશ ઝડપથી પ્રગતિ કરી શકશે," એમ પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી.  

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશનું કદ વધવાનું એક કારણ કેન્દ્ર સરકારના આઉટરીચ પ્રયાસો છે, જેનાથી વિદેશમાં રહેતાં કેરળવાસીઓને લાભ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની વધતી તાકાતથી ભારતીય ડાયસ્પોરાને મોટી મદદ મળી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ અભૂતપૂર્વ ઝડપે અને મોટા પાયે હાથ ધરવામાં આવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, ચાલુ વર્ષનાં બજેટમાં પણ માળખાગત સુવિધા પાછળ 10 લાખ કરોડથી વધુનો ખર્ચ કરવાની દરખાસ્ત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દેશમાં જાહેર પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની સંપૂર્ણ કાયાપલટ થઈ રહી છે. આપણે ભારતીય રેલવેના સુવર્ણયુગ તરફ આગેકૂચ કરી રહ્યા છીએ." તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014 અગાઉ રેલવેનું સરેરાશ બજેટ હવે પાંચ ગણું વધી ગયું છે.

કેરળમાં છેલ્લાં 9 વર્ષમાં રેલવેમાં થયેલા વિકાસ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ગેજ કન્વર્ઝન, ડબલિંગ અને રેલવે ટ્રેકનાં ઇલેક્ટ્રિફિકેશનનાં સંબંધમાં થયેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કેરળનાં ત્રણ મુખ્ય રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે કામ આજે શરૂ કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ મલ્ટિમોડલ પરિવહન કેન્દ્ર બનાવવાનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વંદે ભારત એક્સપ્રેસ મહત્ત્વાકાંક્ષી ભારતની ઓળખ છે." તેમણે ભારતમાં રેલવે નેટવર્કમાં પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો, જેનાથી આ પ્રકારની સેમી-હાઈ સ્પીડ ટ્રેનોને સરળતાપૂર્વક દોડાવવાનું શક્ય બન્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યાર સુધી તમામ વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી છે તે સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને પર્યટનનું મહત્ત્વ ધરાવતાં સ્થળોને જોડે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેન ઉત્તર કેરળને દક્ષિણ કેરળ સાથે જોડશે. આ ટ્રેન કોલ્લમ, કોટ્ટાયમ, એર્નાકુલમ, થ્રિસુર અને કન્નુર જેવાં યાત્રાધામોની મુસાફરીને સરળ બનાવશે." તેમણે આ આધુનિક ટ્રેનના પર્યાવરણીય લાભો વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આજે તિરુવનંતપુરમ્‌-શોરાનુર સેક્શનને સેમી-હાઈ સ્પીડ ટ્રેનો માટે તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કામ પૂર્ણ થયા પછી તિરુવનંતપુરમ્‌થી મેંગલુરુ સુધીની સેમી-હાઈ સ્પીડ ટ્રેનો દોડાવવાનું શક્ય બનશે.

પ્રધાનમંત્રીએ વિસ્તૃતપણે જણાવ્યું હતું કે, માળખાગત સુવિધાના સંબંધમાં સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ મેડ ઇન ઇન્ડિયા સોલ્યુશન્સ પ્રદાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સેમી-હાઇબ્રિડ ટ્રેન, રીજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, રો-રો ફેરી અને રોપ-વે જેવા ઉકેલોની યાદી આપી હતી, જેથી કનેક્ટિવિટી માટે પરિસ્થિતિ-વિશિષ્ટ ઉપાયો સમજાવી શકાય. તેમણે મેડ ઇન ઇન્ડિયા વંદે ભારત અને મેટ્રો કોચનાં સ્વદેશી મૂળ પર પણ ભાર મૂક્યો. તેમણે નાનાં શહેરોમાં મેટ્રો-લાઇટ અને શહેરી રોપ-વે જેવા પ્રોજેક્ટ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોચી વૉટર મેટ્રો મેઇડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે અને આ માટે બંદરોના વિકાસ માટે કોચી શિપયાર્ડને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોચી વૉટર મેટ્રો કોચીના નજીકના ટાપુઓમાં રહેતાં લોકો માટે પરિવહનનાં આધુનિક અને સસ્તાં માધ્યમોને સુલભ બનાવશે, ત્યારે બસ ટર્મિનલ અને મેટ્રો નેટવર્ક વચ્ચે ઇન્ટરમોડલ કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, તેનાથી રાજ્યમાં બેકવૉટર ટૂરિઝમને લાભ થશે તેમજ શહેરમાં ટ્રાફિકની ગીચતા હળવી થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોચી વૉટર મેટ્રો દેશનાં અન્ય રાજ્યો માટે આદર્શ બની રહેશે.

શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભૌતિક જોડાણની સાથે-સાથે ડિજિટલ કનેક્ટિવિટી પણ દેશની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું હતું કે, તિરુવનંતપુરમ્‌માં ડિજિટલ સાયન્સ પાર્ક જેવા વિવિધ પ્રોજેક્ટ્સ ડિજિટલ ઇન્ડિયાને વેગ આપશે. તેમણે ભારતની ડિજિટલ વ્યવસ્થા માટે વૈશ્વિક સ્તરે પ્રશંસા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "સ્વદેશી રીતે વિકસિત 5જી આ ક્ષેત્રમાં નવી તકોનું સર્જન કરશે."

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, કનેક્ટિવિટી માટે કરવામાં આવેલાં રોકાણોથી સેવાઓનો વ્યાપ વધવાની સાથે-સાથે અંતર પણ ઘટે છે તથા જ્ઞાતિ અને પંથ તથા શ્રીમંત અને ગરીબ વચ્ચે ભેદભાવ રાખ્યા વિના વિવિધ સંસ્કૃતિઓને જોડવામાં આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિકાસનું સાચું મૉડલ છે, જે સમગ્ર ભારતમાં અનુભવી શકાય છે અને તે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને મજબૂત કરે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેરળ પાસે દેશ અને દુનિયાને આપવા માટે ઘણું બધું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "કેરળમાં સંસ્કૃતિ, ખાણીપીણી અને આબોહવા છે, જેમાં સમૃદ્ધિનો સ્ત્રોત સમાયેલો છે." તાજેતરમાં કુમારકોમમાં યોજાયેલી જી-20 બેઠકનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારનાં આયોજનો કેરળને વૈશ્વિક સ્તરે વધારે મહત્ત્વપૂર્ણ પ્રદર્શન પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રીએ રાગી પટ્ટુ જેવા કેરળના પ્રસિદ્ધ શ્રી અન્ન (બાજરી)નો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ દરેકને સ્થાનિક ઉત્પાદન અને ઉત્પાદનો વિશે અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "જ્યારે આપણાં ઉત્પાદનો વૈશ્વિક બજારો સુધી પહોંચશે, ત્યારે વિકસિત ભારતનો માર્ગ વધુ મજબૂત બનશે."

મન કી બાત કાર્યક્રમમાં નાગરિકોની સિદ્ધિઓ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે કેરળનાં સ્વ-સહાય જૂથો દ્વારા બનાવવામાં આવેલાં ઉત્પાદનોનો અવારનવાર ઉલ્લેખ કરે છે. તેમણે માહિતી આપી હતી કે, 'મન કી બાત' આ રવિવારે ઍપિસોડ્સની એક સદી પૂર્ણ કરી રહી છે અને તે એ તમામ નાગરિકોને સમર્પિત છે, જેમણે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે તેમજ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ અંતમાં કહ્યું હતું કે, વિકસિત ભારતનાં નિર્માણ માટે દરેકે પોતાની જાતને સમર્પિત કરવી પડશે.

આ પ્રસંગે કેરળના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાન, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાઈ વિજયન, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી વી. મુરલીધરન, તિરુવનંતપુરમના સાંસદ ડૉ. શશી થરૂર અને કેરળ સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીએ આજે રૂ. 3200 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કોચી વૉટર મેટ્રો દેશને સમર્પિત કરી હતી. આ પ્રકારનો આ પ્રોજેક્ટ કોચી શહેર સાથે અવિરત જોડાણ માટે બેટરી-સંચાલિત ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ મારફતે કોચીની આસપાસના 10 ટાપુઓને જોડે છે.

પ્રધાનમંત્રીએ કોચી વૉટર મેટ્રો ઉપરાંત ડિંડીગુલ-પલાની-પલક્કડ સેક્શનનાં રેલવે ઇલેક્ટ્રિફિકેશનનું પણ લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ તિરુવનંતપુરમ્‌, કોઝિકોડ અને વર્કલા સિવગિરી રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ; નેમોન અને કોચુવેલી સહિત તિરુવનંતપુરમ વિસ્તારનો વિસ્તૃત વિકાસ તથા તિરુવનંતપુરમ-શોરેનુર સેક્શનની વિભાગીય ઝડપમાં વધારો કરવો સહિત વિવિધ રેલ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો.

આ ઉપરાંત પ્રધાનમંત્રીએ તિરુવનંતપુરમ્‌માં ડિજિટલ સાયન્સ પાર્કનો શિલાન્યાસ પણ કર્યો હતો. ડિજિટલ સાયન્સ પાર્કની કલ્પના શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી ઉદ્યોગ અને વ્યવસાયિક એકમો દ્વારા ડિજિટલ ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવા માટેની મુખ્ય સંશોધન સુવિધા તરીકે કરવામાં આવી છે. ત્રીજી પેઢીનાં વિજ્ઞાન પાર્ક સ્વરૂપે ડિજિટલ સાયન્સ પાર્ક એઆઇ, ડેટા એનાલિટિક્સ, સાયબર સુરક્ષા, સ્માર્ટ મટિરિયલ્સ વગેરે જેવી ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ઉત્પાદનોના વિકાસ માટે સામાન્ય સુવિધાઓ પ્રદાન કરશે. અત્યાધુનિક મૂળભૂત માળખું ઉદ્યોગો દ્વારા ઉચ્ચ સ્તરીય એપ્લાઇડ સંશોધન અને યુનિવર્સિટીઓ સાથે જોડાણમાં ઉત્પાદનોના સહ-વિકાસને ટેકો આપશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે પ્રારંભિક રોકાણ આશરે રૂ. 200 કરોડ છે, જ્યારે પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે રૂ. 1515 કરોડ આંકવામાં આવ્યો છે.

*****

DS/TS

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1919483) Visitor Counter : 179