માહિતી અને પ્રસારણ મંત્રાલય
મન કી બાતના 100મા એપિસોડ પહેલાં, IIMના સર્વેમાં જાણવા મળ્યું છે કે, તેના શ્રોતાઓની સંખ્યા 100 કરોડ સુધી પહોંચી ગઇ છે
મન કી બાતના 23 કરોડ નિયમિત શ્રોતાઓ, 96% વસ્તી આ પ્રખ્યાત રેડિયો કાર્યક્રમ વિશે જાણે છે: IIM રોહતકનો અહેવાલ
શ્રોતાઓમાં લોકપ્રિયતાના કારણો તરીકે સમર્થ અને નિર્ણાયક નેતૃત્વ, પ્રેક્ષકો સાથે ભાવનાત્મક જોડાણને ટાંકવામાં આવ્યા
અહેવાલમાં કહ્યું કે, મન કી બાતની અસર વર્તણૂક પર થાય છે, 60% લોકોને રાષ્ટ્ર નિર્માણમાં રસ ધરાવે છે, 73%ને લાગે છે કે દેશ સાચી દિશામાં જઇ રહ્યો છે
Posted On:
24 APR 2023 6:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત વિશે લગભગ 96 ટકા વસ્તી માહિતગાર છે. આ કાર્યક્રમના શ્રોતાઓની સંખ્યા 100 કરોડ લોકો સુધી પહોંચી ગઇ છે, જેઓ આ કાર્યક્રમ વિશે જાણે છે અને ઓછામાં ઓછી એક વખત તેને સાંભળ્યો છે. પ્રસારભારતી દ્વારા સંચાલિત અને ભારતીય પ્રબંધન સંસ્થા, રોહતક દ્વારા હાથ ધરવામાં આવેલા એક સંપૂર્ણ અભ્યાસમાં આ આંકડા બહાર આવ્યા છે. અભ્યાસના તારણો પ્રસારભારતીના CEO શ્રી ગૌરવ દ્વિવેદી અને IIM રોહતકના નિદેશક શ્રી ધીરજ પી. શર્મા દ્વારા એક પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યા હતા.
શ્રી શર્માએ અભ્યાસના તારણો વિશે બોલતા વધુમાં જણાવ્યું હતું કે, 23 કરોડ લોકો નિયમિતપણે કાર્યક્રમમાં જોડાય છે જ્યારે અન્ય 41 કરોડ એવા શ્રોતાઓ છે જેઓ પ્રસંગોપાત જોડાય છે અને તેઓ નિયમિત શ્રોતાઓમાં રૂપાંતરિત થાય તેવી શક્યતાઓ ધરાવે છે.
આ અહેવાલમાં પ્રધાનમંત્રીના રેડિયો કાર્યક્રમના પ્રસારણની લોકપ્રિયતા પાછળના કારણોની તપાસ કરવામાં આવી છે અને લોકોને પ્રસારણ તરફ આકર્ષિત કરતી સૌથી વધુ પસંદ પડેલી લાક્ષણિકતાઓની યાદી આપે છે. શ્રોતાઓ સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા માટે વાત કરી શકે તેવું સમર્થ અને નિર્ણાયક નેતૃત્વ આ કાર્યક્રમની લોકપ્રિયતા માટે જવાબદાર કારણ હોવાનું ટાંકવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીને દેશના લોકો દ્વારા જાણકાર અને સહાનુભૂતિપૂર્ણ અને લાગણીશીલ અભિગમ ધરાવતા નેતા તરીકે શ્રેય આપવામાં આવ્યો છે. નાગરિકો સાથે પ્રત્યક્ષ રીતે જોડાણ અને માર્ગદર્શનને પણ લોકોમાં આ કાર્યક્રમમાં રહેલા ભરોસા માટે જવાબદાર કારણ તરીકે ટાંકવામાં આવ્યું છે.
આ અભ્યાસમાં મન કી બાતના અત્યાર સુધીના 99 એપિસોડની લોકો પર શું અસર પડી છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેના અહેવાલમાં જણાવ્યું છે કે, મોટા ભાગના શ્રોતાઓ સરકારો જે કામ કરે છે તે વિશે જાણે છે અને 73% આશાવાદી છે અને એવું માને છે કે દેશ પ્રગતિ કરી રહ્યો છે. 58% શ્રોતાઓએ પ્રતિભાવ આપ્યો છે કે તેમના જીવનધોરણની સ્થિતિમાં સુધારો થયો છે એટલી જ સંખ્યામાં (59%) લોકોએ સરકારમાં વિશ્વાસ વધ્યો હોવાનું જણાવ્યું છે. સર્વેક્ષણ મુજબ, સરકાર પ્રત્યેની સામાન્ય લાગણીનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 63% લોકોએ કહ્યું છે કે, સરકાર પ્રત્યેનો તેમનો અભિગમ સકારાત્મક બન્યો છે અને 60% લોકોએ રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવામાં રસ દાખવ્યો છે.
આ અભ્યાસમાં પ્રેક્ષકોને 3 પ્લેટફોર્મ પર વિતરિત કરવામાં આવ્યા જેમાં 44.7% લોકો ટીવી પર પ્રોગ્રામમાં ટ્યુનિંગ કરે છે જ્યારે 37.6% તેને મોબાઇલ ઉપકરણ પર ઍક્સેસ કરે છે. પ્રોગ્રામને સાંભળવા કરતાં તેને જોવાનું વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે 19 થી 34 વર્ષની વય વચ્ચેના 62% લોકોએ તેને ટીવી પર જોવાનું વધુ પસંદ હોવાનું સ્વીકાર્યું હતું.
મન કી બાતના શ્રોતાઓનો મોટો હિસ્સો હિન્દી ભાષામાં કાર્યક્રમને પસંદ કરતા શ્રોતાઓનો છે. 65% શ્રોતાઓ અન્ય કોઈપણ ભાષા કરતાં હિન્દી વધુ પસંદ કરે છે જ્યારે 18%ને અંગ્રેજી પસંદ હોવાથી આ ભાષા બીજા ક્રમે આવે છે.
સર્વેમાં જવાબ આપનારાઓની રૂપરેખા વિશે બોલતા, નિદેશક શ્રી ધીરજ શર્માએ માહિતી આપી હતી કે, આ અભ્યાસ માટે કુલ 10003 નમૂના સંખ્યાનો મત મેળવવામં આવ્યો હતો, જેમાં 60% પુરુષો હતા જ્યારે 40% મહિલાઓ હતી. આ વસ્તી 68 વ્યવસાય ક્ષેત્રોમાં ફેલાયેલી હતી જેમાં 64% અનૌપચારિક અને સ્વ-રોજગાર ક્ષેત્રના હતા જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરનારા પ્રેક્ષકોની સંખ્યા 23% હતી.
શ્રી શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, સાયકોમેટ્રિકલી પ્યુરિફાઇડ સર્વેક્ષણ સાધન દ્વારા દરેક ઝોન દીઠ અંદાજે 2500 પ્રતિભાવો સાથે સ્નોબોલ સેમ્પલિંગનો ઉપયોગ કરીને ભારતના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ પ્રદેશોમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.
શ્રી ગૌરવ દ્વિવેદીએ શ્રોતાઓને માહિતી આપી હતી કે, મન કી બાત કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત, અંગ્રેજી સિવાયની 11 વિદેશી ભાષાઓમાં પ્રસારિત થાય છે. આ વિદેશી ભાષાઓમાં ફ્રેન્ચ, ચાઇનીઝ, ઇન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલુચી, અરબી, પશ્તુ, ફારસી, દારી અને સ્વાહિલી છે. તેમણે જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા રેડિયોના 500થી વધુ પ્રસારણ કેન્દ્રો દ્વારા મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
અભ્યાસ શરૂ કરવા પાછળની વિચાર પ્રક્રિયા અંગે વાત કરતા, શ્રી દ્વિવેદીએ જણાવ્યું કે, અવારનવાર એવો વિચાર આવતો કે આપણે માત્ર કોઈ ચોક્કસ એપિસોડ માટે નહીં પરંતુ સમગ્ર કાર્યક્રમના સંદર્ભમાં વધુ સારી રીતે એકંદર પ્રતિસાદ મેળવવો જોઈએ. તેમણે વધુમાં માહિતી આપી હતી કે, મન કી બાત પર ડિજિટલ ભાવના સહેલાઈથી ઉપલબ્ધ છે, પરંતુ અમુક મર્યાદાઓને કારણે પરંપરાગત મીડિયાના કિસ્સામાં એવું નથી. આ પરિપ્રેક્ષ્ય સાથે, IIM રોહતકને 18 એપ્રિલ, 2022ના રોજ સર્વેનું કામ આપવામાં આવ્યું હતું.
મન કી બાત વિશે:
ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત થતો લોકપ્રિય કાર્યક્રમ, પ્રધાનમંત્રીની મન કી બાત 3જી ઓક્ટોબર, 2014ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે સમગ્ર ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) અને દૂરદર્શન (DD) નેટવર્ક પર પ્રસારિત થાય છે. 30 મિનિટનો આ કાર્યક્રમ 30મી એપ્રિલ 2023ના રોજ 100 એપિસોડ પૂરો કરી રહ્યો છે. AIR દ્વારા 22 ભારતીય ભાષાઓ, 29 બોલીઓ અને અંગ્રેજી સિવાયની 11 વિદેશી ભાષાઓમાં મન કી બાતનો અનુવાદ કરવામાં આવે છે. આમાં હિન્દી, સંસ્કૃત, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, ગુજરાતી, મલયાલમ, ઓડિયા, કોંકણી, નેપાળી, કાશ્મીરી, ડોગરી, મણિપુરી, મૈથિલી, બંગાળી, આસામી, બોડો, સંથાલી, ઉર્દૂ, સિંધીનો સમાવેશ થાય છે. બોલીઓમાં છત્તીસગઢી, ગોંડી, હલબી, સરગુજિયા, પહારી, શીના, ગોજરી, બાલ્ટી, લદ્દાખી, કાર્બી, ખાસી, જૈનતિયા, ગારો, નાગામેસી, હમાર, પાઈટે, થડૌ, કબુઈ, માઓ, તંગખુલ, ન્યાશી, આદિ, મોનપા, આઓ, અંગામી, કોકબોરોક, મિઝો, લેપ્ચા, સિક્કિમીઝ (ભુટિયા)નો સમાવેશ થાય છે.
YP/GP/JD
(Release ID: 1919299)
Visitor Counter : 273
Read this release in:
Punjabi
,
Hindi
,
Urdu
,
Marathi
,
Telugu
,
Assamese
,
Manipuri
,
English
,
Bengali
,
Odia
,
Tamil
,
Kannada