પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં શિવમોગામાં રૂ. 3,600 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યો


શિવમોગા એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું

બે રેલવે પ્રોજેક્ટ્સ અને બહુવિધ માર્ગ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

બહુવિધ-ગ્રામ યોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યો

44 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન કર્યું

"આ માત્ર એક એરપોર્ટ જ નહીં પરંતુ એક અભિયાન છે જ્યાં યુવા પેઢીનાં સપના ઉડી શકે છે"

"કર્ણાટકની પ્રગતિનો પથ રેલવે, રોડવેઝ, એરવેઝ અને આઇવેઝમાં થયેલી પ્રગતિથી મોકળો થયો છે"

"શિવમોગામાં એરપોર્ટનું ઉદ્‌ઘાટન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારતમાં હવાઈ મુસાફરીનો ઉત્સાહ અત્યાર સુધીનો સૌથી ઊંચો છે"
"આજની એર ઇન્ડિયાને નવા ભારતની સંભવિતતા તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં તે સફળતાની ટોચ સર કરે છે"

"સારી કનેક્ટિવિટી સાથેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર પ્રદેશમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે"

"ડબલ એન્જિનવાળી સરકાર ગામડાંની છે, ગરીબોની છે, આપણી માતાઓ અને બહેનોની છે"

Posted On: 27 FEB 2023 1:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં શિવમોગામાં રૂ. 3,600 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમણે શિવમોગા એરપોર્ટનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું અને ત્યાં લટાર મારીને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ શિવમોગામાં બે રેલવે પ્રોજેક્ટ્સ માટે પણ શિલાન્યાસ કર્યો હતો, જેમાં શિવમોગા – શિકારીપુરા– રાણેબેન્નુર નવી રેલવે લાઇન અને કોટેગંગુરુ રેલવે કોચિંગ ડેપો સામેલ છે. તેમણે રૂ. 215 કરોડથી વધુના સંચિત ખર્ચે વિકસિત થનારા બહુવિધ માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તેમણે જલ જીવન મિશન અંતર્ગત 950 કરોડ રૂપિયાથી વધુની બહુ-ગ્રામ યોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે શિવમોગા શહેરમાં રૂ. 895 કરોડથી વધારેનાં મૂલ્યનાં 44 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય કવિ કુવેમ્પુની ભૂમિ પર માથું ટેકવ્યું હતું, જેમની એક ભારત, શ્રેષ્ઠ ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાની ભાવનાને આજે પણ જીવંત રાખવામાં આવી છે. શિવમોગામાં નવાં ઉદ્‌ઘાટન થયેલાં એરપોર્ટનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લાંબા સમય પછી આજે નાગરિકોની જરૂરિયાતો પૂર્ણ થઈ છે. એરપોર્ટની ભવ્ય સુંદરતા અને નિર્માણ પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કર્ણાટકની પરંપરાઓ અને ટેકનોલોજીનાં મિશ્રણ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે, આ માત્ર એરપોર્ટ જ નહીં, પણ એક અભિયાન છે, જ્યાં યુવા પેઢીનાં સપનાંઓ ઉડાન ભરી શકે છે. તેમણે 'હર ઘર નલ સે જલ' પરિયોજનાઓની સાથે-સાથે માર્ગ અને રેલ પરિયોજનાઓ પર પણ વાત કરી હતી, જેનો આજે શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે અને આ જિલ્લાઓના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ આજે શ્રી બી એસ યેદિયુરપ્પાને તેમના જન્મદિને શુભેચ્છા પાઠવી હતી અને જાહેર જીવનમાં તેમનાં યોગદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે, વિધાનસભામાં તેમનું તાજેતરનું ભાષણ જાહેર જીવનમાં દરેક માટે પ્રેરણારૂપ છે. પ્રધાનમંત્રીએ મોબાઇલની ફ્લેશલાઇટ ઊંચી કરીને શ્રી બીએસ યેદિયુરપ્પાનું સન્માન કરવાની વિનંતી કરી હતી, જેને પગલે ઉપસ્થિત મેદનીએ ભારે પ્રતિસાદ આપ્યો હતો અને લોકોએ આ વરિષ્ઠ નેતા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કર્ણાટકનો વિકાસ ગતિમાન છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રગતિનો આ પથ રોડવેઝ, એરવેઝ અને આઈવેઝ (ડિજિટલ કનેક્ટિવિટી)માં હરણફાળ ભરીને મોકળો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કર્ણાટકની ડબલ એન્જિન ધરાવતી સરકાર કર્ણાટકની પ્રગતિના રથને શક્તિ આપી રહી છે. પ્રધાનમંત્રીએ અગાઉનાં સમયમાં મોટા શહેર-કેન્દ્રિત વિકાસની વિરુદ્ધ કર્ણાટકમાં ડબલ એન્જિન ધરાવતી સરકાર હેઠળ ગામડાંઓ અને ટાયર 2-3 શહેરોમાં વિકાસના વિસ્તૃત પ્રસાર પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "શિવમોગાનો વિકાસ આ વિચારપ્રક્રિયાનું પરિણામ છે."

પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, જ્યારે ભારતમાં હવાઈ મુસાફરીનો ઉત્સાહ અત્યાર સુધીની ટોચ પર છે, એવા સમયે શિવમોગામાં એરપોર્ટનું ઉદ્‌ઘાટન થઈ રહ્યું છે. તેમણે માહિતી આપી હતી કે, તાજેતરમાં જ એર ઇન્ડિયાએ વિશ્વના સૌથી મોટા પેસેન્જર એરક્રાફ્ટ ખરીદવાનો સોદો પૂર્ણ કર્યો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે કોંગ્રેસનાં શાસન દરમિયાન 2014 પહેલા, એર ઇન્ડિયાની સામાન્ય રીતે નકારાત્મક રીતે ચર્ચા કરવામાં આવતી હતી અને તેની ઓળખ હંમેશા કૌભાંડો સાથે સંકળાયેલી હતી જ્યાં તેને ખોટમાં ચાલતું બિઝનેસ મૉડલ માનવામાં આવતું હતું. પ્રધાનમંત્રીએ આજની એર ઇન્ડિયાનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે, તેને નવા ભારતની સંભવિતતા તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં તે સફળતાની ટોચ સર કરે છે. તેમણે ભારતનાં વિસ્તરતાં ઉડ્ડયન બજારની નોંધ લીધી હતી અને માહિતી આપી હતી કે, દેશને નજીકનાં ભવિષ્યમાં હજારો વિમાનોની જરૂર પડશે, જ્યાં કાર્યબળ તરીકે હજારો યુવા નાગરિકોની જરૂર પડશે. આજે આપણે આ વિમાનોની આયાત કરી રહ્યા છીએ, તેમ છતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એ દિવસ દૂર નથી, જ્યારે ભારતના નાગરિકો મેડ ઇન ઇન્ડિયા પેસેન્જર એરોપ્લેન્સમાં ઉડાન ભરશે.

પ્રધાનમંત્રીએ સરકારની નીતિઓની વિસ્તૃત છણાવટ કરી હતી, જેનાં કારણે ઉડ્ડયન ક્ષેત્રનું અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે. તેમણે માહિતી આપી હતી કે, અગાઉની સરકારોના અભિગમથી વિપરીત, વર્તમાન સરકારે નાનાં શહેરોમાં હવાઈમથકો માટે ભાર મૂક્યો. તેમણે માહિતી આપી હતી કે, વર્ષ 2014 સુધી દેશમાં આઝાદીના પ્રથમ 7 દાયકામાં 74 એરપોર્ટ્સ હતાં, ત્યારે છેલ્લાં 9 વર્ષમાં વધુ 74 એરપોર્ટનો ઉમેરો થયો છે, જે ઘણાં નાનાં શહેરોને જોડે છે. પ્રધાનમંત્રીએ હવાઈ ચપ્પલ પહેરેલા સામાન્ય નાગરિકો હવાઈ જહાજમાં મુસાફરી કરી શકે તેવાં તેમનાં સ્વપ્નને સાકાર કરવા પરવડે એવી હવાઈ મુસાફરી માટે ઉડાન યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "નવું એરપોર્ટ પ્રકૃતિ, સંસ્કૃતિ અને ખેતીની ભૂમિ શિવમોગા માટે વિકાસના દ્વાર ખોલશે." તેમણે માહિતી આપી હતી કે શિવમોગા માલેનાડુ ક્ષેત્રનું પ્રવેશદ્વાર છે જે પશ્ચિમ ઘાટ માટે પ્રખ્યાત છે અને હરિયાળી, વન્યપ્રાણી અભયારણ્યો, નદીઓ, પ્રખ્યાત જોગ ધોધ અને એલિફન્ટ કૅમ્પ, સિંહા ધામમાં લાયન સફારી અને અગુમ્બેની પર્વતમાળાઓનું ઘર છે. આ કહેવતને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જેમણે ગંગામાં ડૂબકી ન લગાવી અને તુંગભદ્રા નદીનું પાણી પીધું નથી, તેમનું જીવન અધૂરું રહે છે.

શિવમોગાની સાંસ્કૃતિક સમૃદ્ધિ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રકવિ કુવેમ્પુ અને વિશ્વનું એકમાત્ર જીવંત સંસ્કૃત ગામ મત્તુર તથા શિવમોગામાં આસ્થાનાં ઘણાં કેન્દ્રોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઇસુરુ ગામના સ્વતંત્રતા સંગ્રામનો પણ ઉલ્લેખ કર્યો.

શિવમોગાની કૃષિ વિશિષ્ટતાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વિસ્તાર દેશના સૌથી વધુ ફળદ્રુપ પ્રદેશોમાંનો એક છે. તેમણે આ ક્ષેત્રના પાકની પ્રભાવશાળી વિવિધતાને સ્પર્શી હતી. ડબલ-એન્જિન સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલાં મજબૂત કનેક્ટિવિટી પગલાં દ્વારા આ કૃષિ સંપત્તિને વેગ મળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવું એરપોર્ટ પ્રવાસનને વધારવામાં અને તેનાં પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારીની તકો વધારવામાં મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, રેલવે કનેક્ટિવિટીથી ખેડૂતો માટે નવાં બજારો સુનિશ્ચિત થશે. 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે શિવમોગા - શિકારીપુરા-રાનીબેન્નુર નવી લાઇન પૂર્ણ થશે, ત્યારે હાવેરી અને દાવણગેરે જિલ્લાઓને પણ લાભ થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ લાઇનમાં કોઈ પણ લેવલ ક્રોસિંગ નહીં હોય, જે તેને એક સલામત રેલવે લાઇન બનાવશે, જ્યાં ઝડપી ટ્રેનો સરળતાથી દોડી શકશે. તેમણે જણાવ્યું હતું કે, નવાં કોચિંગ ટર્મિનલનાં નિર્માણ પછી કોટાગંગૌર સ્ટેશનની ક્ષમતાને વેગ મળશે, જે શોર્ટ હોલ્ટ સ્ટેશન તરીકે ઉપયોગમાં આવતું હતું. તેમણે માહિતી આપી હતી કે, હવે તેને 4 રેલવે લાઇન, 3 પ્લેટફોર્મ્સ અને રેલવે કોચિંગ ડેપો સાથે વિકસાવવામાં આવી રહ્યું છે. શિવમોગા આ ક્ષેત્રનું શૈક્ષણિક કેન્દ્ર છે એ વાતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કનેક્ટિવિટીમાં વધારો થવાથી નજીકનાં વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે શિવમોગાની મુલાકાત લેવાનું સરળ બનશે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, તે આ ક્ષેત્રના ધંધા અને ઉદ્યોગો માટે નવા દરવાજા ખોલશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સારી કનેક્ટિવિટી સાથેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર પ્રદેશમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે."

પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં જળ જીવન મિશનને શિવમોગાની મહિલાઓને ઈઝ ઑફ લિવિંગ- જીવન જીવવાની સરળતા પૂરી પાડવા માટેનું મોટું અભિયાન ગણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, શિવમોગામાં જલ જીવન મિશનની શરૂઆત પહેલાં 3 લાખ પરિવારોમાંથી માત્ર 90 હજાર પરિવારો પાસે નળનાં પાણીનાં જોડાણો હતાં. હવે, ડબલ એન્જિન સરકારે 1.5 લાખ પરિવારોને નળનાં પાણીનાં જોડાણો પૂરાં પાડ્યાં છે અને સંતૃપ્તિ સુનિશ્ચિત કરવા માટે કામ ચાલી રહ્યું છે. છેલ્લાં 3.5 વર્ષમાં 40 લાખ પરિવારોને નળનાં પાણીનાં જોડાણો મળ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ડબલ એન્જિનવાળી સરકાર ગામડાંઓ, ગરીબો, આપણી માતાઓ અને બહેનોની છે." શૌચાલયો, ગેસ કનેક્શન અને નળથી પાણીના પુરવઠાનાં ઉદાહરણો ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર માતાઓ અને બહેનો સાથે સંબંધિત તમામ સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, ડબલ એન્જિન ધરાવતી સરકાર સંપૂર્ણ પ્રામાણિકતા સાથે દરેક ઘરમાં પાઇપ દ્વારા પાણી ઉપલબ્ધ કરાવવા આતુર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કર્ણાટકના લોકો સારી રીતે જાણે છે કે આ ભારતનો અમૃત કાલ છે, વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સમય છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના ઇતિહાસમાં આ પ્રકારની કોઈ તક ટકોરા મારતી હોય તેવી આ પહેલી ઘટના છે અને વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ સંભળાય છે. તેમણે નોંધ્યું હતું કે, વિશ્વભરના રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માગે છે અને તેનો લાભ કર્ણાટક અને અહીંના યુવાનોને મળે છે. સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ સૌને ખાતરી આપી હતી કે, કર્ણાટકના વિકાસ માટેનું આ અભિયાન વધુ વેગ પકડશે. "આપણે સાથે ચાલવું પડશે. આપણે સાથે મળીને આગળ વધવાનું છે," એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું.

આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી શ્રી બી એસ યેદિયુરપ્પા, સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને કર્ણાટક સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

પશ્ચાદભૂમિકા

શિવમોગા એરપોર્ટનાં ઉદ્‌ઘાટન સાથે દેશભરમાં હવાઈ જોડાણ સુધારવા પર પ્રધાનમંત્રીના ભારને વધુ એક વેગ મળશે. નવું એરપોર્ટ આશરે ૪૫૦ કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવ્યું છે. એરપોર્ટનું પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ દર કલાકે 300 મુસાફરોનું સંચાલન કરી શકે છે અને તેનાથી માલનાડ વિસ્તારમાં શિવમોગા અને અન્ય પડોશી વિસ્તારોની કનેક્ટિવિટી અને સુલભતામાં સુધારો થશે.

પ્રધાનમંત્રીએ શિવમોગામાં બે રેલવે પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ કર્યું હતું. તેમાં શિવમોગા – શિકારીપુરા – રાણેબેન્નુર નવી રેલવે લાઇન અને કોટેગંગુરુ રેલવે કોચિંગ ડેપોનો સમાવેશ થાય છે. શિવમોગા– શિકારીપુરા– રાણેબેન્નુર નવી રેલવે લાઇન રૂ. 990 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવશે અને તે બેંગલુરુ-મુંબઈ મેઇનલાઇન સાથે માલનાડ વિસ્તારને વધારે સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. શિવમોગા શહેરમાં કોટેગંગુરુ રેલ્વે કોચિંગ ડેપોને ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવશે, જેથી શિવમોગાથી નવી ટ્રેનો શરૂ કરવામાં અને બેંગલુરુ અને મૈસુરુ ખાતે જાળવણી સુવિધાઓમાં ભીડ ઓછી થઈ શકે.

પ્રધાનમંત્રીએ વિવિધ માર્ગ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. રૂ. 215 કરોડથી વધારેના ખર્ચે વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટ્સમાં બાયંદુર-રાનીબેનુરને જોડતા રાષ્ટ્રીય રાજમાર્ગ 766સી પર શિકારીપુરા ટાઉન માટે નવા બાયપાસ રોડનું નિર્માણ;  રાષ્ટ્રીય રાજમાર્ગ – 169એને મેગારાવલ્લીથી અગુમ્બે સુધી પહોળો કરવો; અને એનએચ 169 પર થિર્થહલ્લી તાલુકાના ભારતીપુરા ખાતે નવા પુલનું નિર્માણ સામેલ છે.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન જલ જીવન મિશન અંતર્ગત રૂ. 950 કરોડથી વધારેની વિવિધ ગ્રામીણ યોજનાઓનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. જેમાં ગૌથામાપુરા અને અન્ય 127 ગામો માટે એક મલ્ટી-વિલેજ સ્કીમનું ઉદ્‌ઘાટન અને કુલ રૂ. 860 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનારી અન્ય ત્રણ બહુવિધ-ગામ યોજનાઓનો શિલાન્યાસ કરવાનો સમાવેશ થાય છે. આ ચાર યોજનાઓ કાર્યરત ઘરગથ્થુ પાઇપવાળાં પાણીનાં જોડાણો પ્રદાન કરશે અને કુલ ૪.૪ લાખથી વધુ લોકોને લાભ થવાની અપેક્ષા છે.

પ્રધાનમંત્રીએ શિવમોગા શહેરમાં રૂ. 895 કરોડથી વધારેનાં મૂલ્યનાં 44 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં 110 કિલોમીટરની લંબાઈ ધરાવતાં 8 સ્માર્ટ રોડ પૅકેજીસ;  ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર અને મલ્ટિ-લેવલ કાર પાર્કિંગ; સ્માર્ટ બસ શેલ્ટર પ્રોજેક્ટ્સ; એક ઇન્ટેલિજન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ; શિવપ્પા નાયક પેલેસ જેવા હેરિટેજ પ્રોજેક્ટ્સને ઇન્ટરેક્ટિવ મ્યુઝિયમમાં વિકસાવવા, 90 કન્ઝર્વન્સી લેન્સ, પાર્ક્સનું નિર્માણ અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1902773) Visitor Counter : 196