પ્રધાનમંત્રીનું કાર્યાલય
મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવા પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
Posted On:
10 FEB 2023 6:04PM by PIB Ahmedabad
ભારત માતા કી- જય
ભારત માતા કી- જય
ભારત માતા કી- જય
રેલ્વેચ્યા ક્ષેત્રાત, મોઠી ક્રાંતી હોતે. દેશાલા આજ, નવવી આણિ દહાવી વંદે ભારત ટ્રેન, સમર્પિત કરતાના, મલા અત્યંત આનંદ હોતો આહે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રીમાન એકનાથજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્રજી, મારા મંત્રીમંડળના સાથીદારો, મહારાષ્ટ્રના મંત્રીઓ, તમામ સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો,
આજનો દિવસ ભારતીય રેલવે માટે ખાસ કરીને મુંબઈ અને મહારાષ્ટ્રની આધુનિક કનેક્ટિવિટી માટે એક મોટો દિવસ છે. આજે પહેલી વાર એક સાથે બે વંદે ભારત ટ્રેનો શરૂ થઈ છે. આ વંદે ભારત ટ્રેનો દેશનાં આર્થિક કેન્દ્રો જેમ કે મુંબઈ અને પૂણેને આપણા આસ્થાનાં મોટાં કેન્દ્રો સાથે જોડશે. આનાથી કૉલેજ જનારાઓ, ઑફિસ અને બિઝનેસ માટે જનારા, ખેડૂતો અને શ્રદ્ધાળુઓ તમામને સુવિધા મળશે.
આનાથી મહારાષ્ટ્રમાં પ્રવાસન અને તીર્થયાત્રાને મોટો વેગ મળશે. શિરડીમાં સાઈ બાબાનાં દર્શન હોય, નાશિકમાં રામ કુંડની મુલાકાત લેવી હોય, ત્ર્યંબકેશ્વર અને પંચવટી ક્ષેત્રનાં દર્શન કરવાં હોય, આ બધું નવી વંદે ભારત ટ્રેનથી ખૂબ જ સરળ થઈ જશે.
તેવી જ રીતે, મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન દ્વારા, પંઢરપુરના વિઠ્ઠલ-રઘુમાઈ, સોલાપુરનાં સિદ્ધેશ્વર મંદિર, અક્કલકોટના સ્વામી સમર્થ અથવા પછી આઈ તુલજાભવાનીનાં દર્શન હવે દરેક માટે વધુ સુલભ બનશે. અને હું જાણું છું કે જ્યારે વંદે ભારત ટ્રેન સહ્યાદ્રી ઘાટ પરથી પસાર થશે ત્યારે લોકોને કુદરતી સૌંદર્યનો કેવો દિવ્ય અનુભવ થવાનો છે. હું મુંબઈ અને મહારાષ્ટ્રના લોકોને આ નવી વંદે ભારત ટ્રેનો માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
વંદે ભારત ટ્રેન એ આજના આધુનિક બની રહેલા ભારતની શાનદાર તસવીર છે. તે ભારતની ગતિ અને ભારતના વ્યાપ બંનેનું પ્રતિબિંબ છે. તમે જોઈ રહ્યા છો કે દેશ કેટલી ઝડપથી વંદે ભારત ટ્રેનો શરૂ કરી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશભરમાં આવી 10 ટ્રેનો દોડવા લાગી છે. આજે વંદે ભારત એક્સપ્રેસ દ્વારા દેશનાં 17 રાજ્યોના 108 જિલ્લાઓને જોડવામાં આવ્યા છે.
મને યાદ છે, એક સમય હતો જ્યારે સાંસદો પત્રો લખતા હતા કે અમારા વિસ્તારનાં સ્ટેશનો પર ટ્રેન ઊભી રહે એની કોઇ વ્યવસ્થા કરો, એક કે બે મિનિટનું સ્ટોપેજ આપો. હવે જ્યારે પણ દેશભરના સાંસદો મળે છે, ત્યારે તેઓ એ જ દબાણ કરે છે, તેઓ એ જ માગ કરે છે કે અમારે ત્યાં પણ વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવે. આ ક્રેઝ છે આજે વંદે ભારત ટ્રેનનો.
સાથીઓ,
મને ખુશી છે કે આજે મુંબઈના લોકોનું જીવન સરળ બનાવનારા પ્રોજેક્ટ્સ પણ અહીં શરૂ થયા છે. આજે જે એલિવેટેડ કૉરિડોરનું લોકાર્પણ કરવામાં આવ્યું તે મુંબઈમાં પૂર્વ પશ્ચિમ કનેક્ટિવિટીની જરૂરિયાતને પૂર્ણ કરશે. મુંબઈના લોકો લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા. આ કૉરિડોર પરથી દરરોજ 2 લાખથી વધુ વાહનો પસાર થઈ શકશે અને લોકોનો સમય પણ બચશે.
હવે આનાં કારણે ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ઉપ-શહેરી વિસ્તારોની કનેક્ટિવિટી પણ વધારે સારી થઈ છે. કુરાર અંડરપાસ પણ પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટ્સ પૂરા થવા બદલ હું મુંબઈવાસીઓને વિશેષ અભિનંદન આપવા માગું છું.
સાથીઓ,
21મી સદીના ભારતે તેની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ખૂબ જ ઝડપથી સુધારો કરવો જ પડશે. આપણી જાહેર પરિવહન વ્યવસ્થા જેટલી ઝડપથી આધુનિક બનશે, તેટલી જ દેશના નાગરિકોનું ઈઝ ઑફ લિવિંગ વધશે અને તેમનાં જીવનની ગુણવત્તામાં સુખદ સુધારો થશે. આ જ વિચાર સાથે આજે દેશમાં આધુનિક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, મેટ્રોનું વિસ્તરણ થઈ રહ્યું છે, નવાં એરપોર્ટ્સ અને બંદરો બનાવવામાં આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા આવેલાં દેશનાં બજેટમાં પણ આ ભાવનાને સશક્ત કરવામાં આવી છે. અને આપણા મુખ્યમંત્રીજી અને નાયબ મુખ્યમંત્રીજીએ તેના ખૂબ વખાણ પણ કર્યા છે.
ભારતના ઈતિહાસમાં પહેલી વાર 10 લાખ કરોડ રૂપિયા માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રાખવામાં આવ્યા છે. આ 9 વર્ષની સરખામણીમાં 5 ગણાં વધારે છે. તેમાં પણ રેલવેનો હિસ્સો લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્ર માટે પણ રેલ બજેટમાં પણ ઐતિહાસિક વધારો કરવામાં આવ્યો છે. મને ખાતરી છે કે ડબલ એન્જિન સરકારના ડબલ પ્રયાસોથી મહારાષ્ટ્રમાં કનેક્ટિવિટી વધુ ઝડપથી આધુનિક બનશે.
સાથીઓ,
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ કરવામાં આવેલ દરેક રૂપિયા રોજગારીની નવી સંભાવનાઓ ઊભી કરે છે. સિમેન્ટ લાગે છે, રેતી લાગે છે, લોખંડ લાગે છે, બાંધકામમાં મશીનો લાગે છે, આને લગતા દરેક ઉદ્યોગને મજબૂતી મળે છે. વેપાર-ધંધો કરતા મધ્યમ વર્ગને પણ આનો ફાયદો થાય છે, ગરીબોને રોજગારી મળે છે. આનાથી એન્જિનિયરોને રોજગાર મળે છે, શ્રમિકોને રોજગાર મળે છે. એટલે કે, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બને છે ત્યારે પણ દરેક કમાય છે અને જ્યારે તે તૈયાર થાય છે, ત્યારે તે નવા ઉદ્યોગો, નવા બિઝનેસ માટે માર્ગ ખોલે છે.
ભાઇઓ અને બહેનો,
હું મુંબઈના લોકોને ખાસ કહેવા માગું છું કે આ વખતનાં બજેટમાં મધ્યમ વર્ગને કેવી રીતે મજબૂત કરવામાં આવ્યો છે. નોકરિયાત વર્ગ હોય કે વેપાર-ધંધામાંથી કમાતો મધ્યમ વર્ગ, આ બજેટે બંનેને ખુશ કરી દીધા છે. તમે જુઓ, 2014 પહેલા સુધી શું સ્થિતિ હતી. એક વર્ષમાં 2 લાખ રૂપિયાથી વધુની કમાણી કરનાર કોઈપણ વ્યક્તિ પર ટેક્સ લાગતો હતો. ભાજપ સરકારે અગાઉ 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સમાં છૂટ આપી હતી અને આ બજેટમાં તેને વધારીને 7 લાખ રૂપિયા કરી દીધી છે.
આજે જે કમાણી પર મિડલ ક્લાસ પરિવારનો ટેક્સ ઝીરો છે એના પર યુપીએ સરકાર 20 ટકા ટેક્સ વસૂલતી હતી. હવે જે યુવા મિત્રોને નવી-નવી નોકરી મળી છે, જેમની માસિક આવક 60-65 હજાર રૂપિયા સુધી છે, તેઓ હવે વધુ રોકાણ કરી શકશે. ગરીબ અને મધ્યમ વર્ગનાં હિતમાં કામ કરતી સરકાર આવા જ નિર્ણયો લે છે.
સાથીઓ,
મને પૂરો વિશ્વાસ છે કે સબકા વિકાસથી સબકા પ્રયાસની ભાવનાને બળ આપતું આ બજેટ દરેક પરિવારને શક્તિ આપશે. વિકસિત ભારતનાં નિર્માણ માટે આપણા બધાને વધુ પ્રોત્સાહિત કરશે. ફરી એકવાર, મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રને બજેટ અને નવી ટ્રેનો માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
આપ સૌનો આભાર!
YP/GP/JD
(Release ID: 1898069)
Visitor Counter : 227
Read this release in:
Bengali
,
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam