પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગોવાના મોપામાં ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું


"આ આધુનિક એરપોર્ટ ટર્મિનલ ગોવાનાં લોકોનાં સ્નેહ અને આશીર્વાદને પાછાં વાળવાનો પ્રયાસ છે"

"મનોહર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનાં માધ્યમથી પર્રિકરજી તમામ મુસાફરોની સ્મૃતિમાં રહેશે"

"અગાઉ, જે સ્થળોએ માળખાગત વિકાસની તાતી જરૂર હતી તે સ્થળોની અવગણના કરવામાં આવી હતી"

"અગાઉનાં 70 વર્ષોમાં 70 એરપોર્ટ્સની સરખામણીએ છેલ્લાં 8 વર્ષમાં 72 નવાં એરપોર્ટ્સ આવ્યાં"

"ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે"

"21મી સદીનું ભારત નવું ભારત છે, જે વૈશ્વિક મંચ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે અને તેનાં પરિણામે વિશ્વનો દ્રષ્ટિકોણ ઝડપથી બદલાઈ રહ્યો છે"

"મુસાફરીની સરળતા- ઈઝ ઑફ ટ્રાવેલમાં સુધારો કરવા અને દેશની પર્યટન રૂપરેખાને વધારવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે"
"આજે, ગોવા 100% સંતૃપ્તિ મૉડલનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે”

Posted On: 11 DEC 2022 7:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાનાં મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ નવેમ્બર ૨૦૧૬માં આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આશરે રૂ.૨,૮૭૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલાં આ એરપોર્ટનું નિર્માણ સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની થીમ પર કરવામાં આવ્યું છે અને તેમાં સોલર પાવર પ્લાન્ટ, ગ્રીન બિલ્ડિંગ્સ, રન-વે પર એલઇડી લાઇટ્સ, વરસાદી પાણીનો સંગ્રહ, રિસાયક્લિંગ સુવિધાઓ સાથેનો અત્યાધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે જેવી અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ એરપોર્ટનો પ્રથમ તબક્કો દર વર્ષે આશરે 4.4 મિલિયન મુસાફરો (એમપીપીએ)ને સેવા પૂરી પાડશે, જેને 33 એમપીપીએની સંતૃપ્તિ ક્ષમતા સુધી વિસ્તૃત કરી શકાશે.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગોવા અને દેશના તમામ નાગરિકોને મોપામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્‌ઘાટન થવાં બદલ અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લાં આઠ વર્ષમાં ગોવાની પોતાની મુલાકાતોને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગોવાનાં લોકોએ તેમનાં પ્રત્યે જે પ્રેમ અને સ્નેહ દર્શાવ્યો છે, તેને વિકાસ સ્વરૂપે વ્યાજ સાથે પાછો વાળવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, "આ અદ્યતન એરપોર્ટ ટર્મિનલ એ કૃપાને પાછી વાળવાનો પ્રયાસ છે." તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, એરપોર્ટનું નામ સ્વર્ગીય મનોહર પર્રિકરનાં નામ પરથી રાખવામાં આવ્યું છે.

ભૂતકાળમાં સરકારો દ્વારા માળખાગત વિકાસ માટેના અભિગમ વિશે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નાગરિકોની જરૂરિયાતો અને આવશ્યકતાઓને બદલે વોટ બૅન્ક પ્રથમ પ્રાથમિકતા રહી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેની જરૂર પણ નહોતી એવી પરિયોજનાઓ પર હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરિણામે, જે સ્થળોને માળખાગત વિકાસની તાતી જરૂર હતી તે સ્થળો ઉપેક્ષિત જ રહ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, "ગોવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એનું સ્પષ્ટ ઉદાહરણ છે." અટલ બિહારી વાજપેયીની સરકારે શરૂઆતમાં આ એરપોર્ટનું આયોજન કર્યું હતું તેને યાદ કરીને પ્રધાનમંત્રીએ તેમની સરકાર સત્તામાંથી બહાર થઈ ગયા પછી પ્રયત્નોના અભાવ પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ પ્રોજેક્ટ ઘણાં વર્ષો સુધી પડતો મૂકવામાં આવ્યો હતો. વર્ષ 2014માં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક વખત ડબલ એન્જિનની સરકાર તખ્તા પર આવી એટલે એરપોર્ટ પર કામને નવી ગતિ મળી હતી અને તેમણે 6 વર્ષ અગાઉ કાયદાકીય અવરોધો અને મહામારી છતાં શિલાન્યાસ કર્યો હતો, આ એરપોર્ટ આજે કામ કરવા માટે તૈયાર છે. આ એરપોર્ટમાં દર વર્ષે આશરે ૪૦ લાખ મુસાફરોને સંચાલિત કરવાની સુવિધા છે જે ભવિષ્યમાં ૩.૫ કરોડ સુધી વધારી શકાય છે. પર્યટનના લાભો ઉપરાંત, બે એરપોર્ટ્સની હાજરીએ ગોવા માટે કાર્ગો હબ તરીકે નવી તકો ઊભી કરી છે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, મનોહર આંતરરાષ્ટ્રીય હવાઈમથક એ બદલાયેલી કાર્યશૈલી અને શાસન તરફના અભિગમનો પુરાવો છે. તેમણે કહ્યું હતું કે 2014 પહેલાં, સમૃદ્ધ લોકો માટે હવાઈ મુસાફરી એ એક ચુનંદા બાબત હતી. સામાન્ય નાગરિકની હવાઈ મુસાફરી માટેની ઇચ્છાની આ ઉપેક્ષાને કારણે હવાઈ મુસાફરીને લગતાં હવાઈ મથકો અને અન્ય માળખાગત સુવિધાઓમાં ઓછું રોકાણ થયું અને વિશાળ સંભાવનાઓ હોવા છતાં ભારત હવાઈ મુસાફરીમાં પાછળ રહ્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદીનાં પ્રથમ 70 વર્ષમાં દેશમાં એરપોર્ટ્સની સંખ્યા માત્ર 70 હતી અને હવાઈ મુસાફરી મોટાં શહેરો સુધી જ મર્યાદિત હતી. સરકારે 2 સ્તર પર કામ કર્યું, પ્રધાનમંત્રીએ આગળ કહ્યું, પ્રથમ, સમગ્ર દેશમાં એરપોર્ટ નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવ્યું. બીજું, ઉડાન યોજના દ્વારા સામાન્ય નાગરિકોને હવાઈ મુસાફરીની તક મળી., અગાઉનાં 70 વર્ષમાં 70 એરપોર્ટનું નિર્માણ થયું હતું એની સરખામણીએ છેલ્લાં 8 વર્ષમાં 72 એરપોર્ટ્સનું નિર્માણ થયું છે. એટલે કે દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે. તદુપરાંત, વર્ષ 2000માં માત્ર 6 કરોડ મુસાફરો હતા એની સરખામણીએ 2020માં (મહામારીના થોડા સમય પહેલા) હવાઈ મુસાફરોની સંખ્યા વધીને 14 કરોડથી વધુ થઈ ગઈ હતી. ઉડાન યોજના હેઠળ 1 કરોડથી વધુ મુસાફરોએ ઉડાન ભરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આ પગલાંને કારણે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે."

ઉડાન યોજનાની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ યોજના શૈક્ષણિક જગત માટે કેસ સ્ટડી બનવાની ક્ષમતા ધરાવે છે. પ્રધાનમંત્રીએ ટૂંકાં અંતર માટે પણ રેલવેને બદલે મધ્યમ વર્ગની હવાઈ ટિકિટો લેવાનાં બદલાતાં વલણ પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, જેમ-જેમ દેશમાં હવાઈ જોડાણનું નેટવર્ક વિસ્તરી રહ્યું છે, તેમ-તેમ હવાઈ માર્ગે પ્રવાસ ઝડપથી પરિવહનનું માધ્યમ બની રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "એ વાત સાચી છે કે પ્રવાસન કોઈ પણ રાષ્ટ્રની મૃદુ શક્તિને વધારવામાં મદદ કરે છે, જ્યારે એક રાષ્ટ્ર વધુ મજબૂત બને છે, ત્યારે વિશ્વ તે રાષ્ટ્ર વિશે વધુ જાણવા ઇચ્છે છે અને તેની તરફ આકર્ષાય છે." પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો કોઈ ભારતના સમૃદ્ધ ઇતિહાસ પર નજર નાખે, તો તે સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં વિદ્વાનો, મુસાફરો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓ આ ધરતી વિશે વધુ જાણકારી મેળવવા ભારત આવતા. પ્રધાનમંત્રીએ ભારત દ્વારા સામનો કરવામાં આવેલા ગુલામીના અંધકારમય સમય પર પણ સંતાપ વ્યક્ત કર્યો હતો, જેણે સંસ્કૃતિ અને પરંપરાઓ સમાન રહી હોવા છતાં દેશ પ્રત્યેની છબી અને દ્રષ્ટિકોણને બદલી નાખ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "21મી સદીનું ભારત નવું ભારત છે, જે વૈશ્વિક મંચ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે અને તેનાં પરિણામે વિશ્વનો દ્રષ્ટિકોણ ઝડપથી બદલાઈ રહ્યો છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજની દુનિયા ભારતને જાણવા અને તેની રીતો સમજવા ઇચ્છે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ઘણા બધા વિદેશીઓ ડિજિટલ પ્લેટફોર્મ પર ભારતની ગાથાનું વૃત્તાંત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ છેલ્લાં 8 વર્ષમાં પ્રવાસની સરળતા-ઈઝ ઑફ ટ્રાવેલ સુનિશ્ચિત કરવા અને દેશની પ્રવાસન ક્ષેત્રની રૂપરેખા સુધારવા માટે લેવામાં આવેલા પગલાંની યાદી આપી હતી. તેમણે વિઝા પ્રક્રિયાને સરળ બનાવવા, વિઝા-ઓન-અરાઇવલ સુવિધાઓમાં સુધારો કરવા, આધુનિક માળખાગત સુવિધા અને લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી તથા તેની સાથે ડિજિટલ, મોબાઇલ અને રેલવે કનેક્ટિવિટી વિશે વાત કરી હતી. આ પગલાંનાં પરિણામો મળ્યાં છે. વર્ષ 2015માં ભારતમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 14 કરોડ હતી. તેમણે કહ્યું હતું કે, ગયાં વર્ષે આ સંખ્યા વધીને આશરે 70 કરોડ થઈ હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રવાસન રોજગારી અને સ્વરોજગારી માટે સૌથી મોટી સંભવિતતા ધરાવે છે તથા ગોવામાં પ્રવાસન માળખાને સુધારવા માટેનાં વિવિધ પગલાં વિશે વિસ્તૃત વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "વર્ષ 2014થી અત્યાર સુધીમાં રાજ્યમાં હાઇવે પ્રોજેક્ટ્સમાં 10,000 કરોડથી વધારેનું રોકાણ કરવામાં આવ્યું છે. ગોવામાં ટ્રાફિકની સમસ્યાને પણ દૂર કરવામાં આવી રહી છે. કોંકણ રેલવેનું વિદ્યુતીકરણ પણ રાજ્યને લાભદાયક બની રહ્યું છે," એમ તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કનેક્ટિવિટી વધારવા ઉપરાંત સરકારનું ધ્યાન સ્મારકોની જાળવણી, કનેક્ટિવિટી અને સંબંધિત સુવિધાઓમાં સુધારો કરીને હેરિટેજ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા પર પણ કેન્દ્રિત છે. શ્રી મોદીએ આ પ્રયાસનાં ઉદાહરણ તરીકે અગોડા જેલ સંકુલ સંગ્રહાલયના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સ્મારકોને વધારે આકર્ષક બનાવવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે તથા યાત્રાધામો અને સ્મારકો સુધીની યાત્રાને વિશેષ ટ્રેનો મારફતે સુલભ કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ ભૌતિક માળખાગત સુવિધાઓ જેટલું જ સામાજિક માળખાગત સુવિધાઓ પર સમાન મહત્વ આપવાં બદલ ગોવા સરકારના પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી. પ્રધાનમંત્રીએ સ્વયંપૂર્ણ ગોવા અભિયાનની સફળતાની પ્રશંસા કરી હતી, જે ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતાને પ્રોત્સાહન આપવા અને કોઈ પણ નાગરિક સરકારી યોજનાઓથી વંચિત ન રહે એ સુનિશ્ચિત કરવાની ચાવી છે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "આજે ગોવા 100 ટકા સંતૃપ્તિ મૉડલનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયું છે." તેમણે રાજ્યમાં થઈ રહેલાં વિકાસ કાર્યોને આગળ વધારવાં માટે દરેકને પ્રોત્સાહિત કર્યા હતા.  

આ પ્રસંગે ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત, ગોવાના રાજ્યપાલ શ્રી પી એસ શ્રીધરન પિલ્લાઈ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી શ્રી શ્રીપદ યેસો નાઈક પણ ઉપસ્થિત રહ્યા હતા.          

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે તેઓ દેશભરમાં વિશ્વ સ્તરીય માળખાગત સુવિધાઓ અને પરિવહન સુવિધાઓ પ્રદાન કરે. આ દિશામાં વધુ એક પગલું ભરતાં પ્રધાનમંત્રીએ ગોવામાં મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ નવેમ્બર ૨૦૧૬માં આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો.

આશરે રૂ.૨,૮૭૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું આ એરપોર્ટ સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની થીમ પર બનાવવામાં આવ્યું છે અને તેમાં સોલર પાવર પ્લાન્ટ, ગ્રીન બિલ્ડિંગ્સ, રનવે પર એલઇડી લાઇટ્સ, રેઇન વૉટર હાર્વેસ્ટિંગ, રિસાયક્લિંગ સુવિધાઓ સાથે અત્યાધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરે છે. તેણે 3-ડી મોનોલિથિક પ્રિકાસ્ટ ઇમારતો, સ્ટેબિલરોડ, રોબોમેટિક હોલો પ્રિકાસ્ટ દિવાલો, 5જી સુસંગત આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કેટલીક બેસ્ટ-ઇન-ક્લાસ ટેકનોલોજીઝને અપનાવી છે. આ એરપોર્ટની કેટલીક વિશેષતાઓમાં વિશ્વનાં સૌથી મોટાં વિમાનોનું સંચાલન કરવામાં સક્ષમ રનવે, એરક્રાફ્ટ્સ માટે નાઇટ પાર્કિંગ સુવિધાની સાથે 14 પાર્કિંગ બેઝ, સેલ્ફ-બૅગેજ ડ્રોપ સુવિધાઓ, અત્યાધુનિક અને સ્વતંત્ર એર નેવિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ થાય છે.

શરૂઆતમાં એરપોર્ટનો પ્રથમ તબક્કો દર વર્ષે આશરે 4.4 મિલિયન મુસાફરો(એમપીપીએ)ને સેવા પૂરી પાડશે, જેને 33 એમપીપીએની સંતૃપ્તિ ક્ષમતા સુધી વિસ્તૃત કરી શકાશે. આ એરપોર્ટથી રાજ્યના સામાજિક-આર્થિક વિકાસને વેગ મળશે અને પ્રવાસન ઉદ્યોગની જરૂરિયાતો પૂર્ણ થશે. તે મુખ્ય લોજિસ્ટિક્સ હબ તરીકે સેવા આપવાની ક્ષમતા ધરાવે છે, જે ઘણાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોને સીધી રીતે જોડે છે. એરપોર્ટમાં મલ્ટી મોડલ કનેક્ટિવિટી મળે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વકક્ષાનું એરપોર્ટ હોવાની સાથે-સાથે આ એરપોર્ટ મુલાકાતીઓને ગોવાનો અનુભવ અને અનુભૂતિ પણ પ્રદાન કરશે. આ એરપોર્ટ પર અઝુલેજોસ ટાઇલ્સનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મૂળ ગોવાની છે. ફૂડ કૉર્ટ પણ ગોવાના લાક્ષણિક કાફેનાં કામણને પુન:સર્જિત કરે છે. તેમાં ક્યુરેટેડ શેરી બજાર માટે એક સમર્પિત ક્ષેત્ર પણ હશે જ્યાં સ્થાનિક કારીગરો અને કલાકારોને તેમનો માલ પ્રદર્શિત કરવા અને તેનું માર્કેટિંગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

YP/GP/JD

 

 


(Release ID: 1882600) Visitor Counter : 221