પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં રૂ. 75,000 કરોડના મૂલ્યની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી

મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગનું ઉદ્ઘાટન કર્યું

"આજે મહારાષ્ટ્રના વિકાસ માટે અગિયાર નવા તારલાઓના નક્ષત્રનો ઉદય થઇ રહ્યો છે"

"ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફક્ત નિર્જીવ માર્ગો અને ફ્લાયઓવરને નથી આવરી લેતું, પરંતુ તેની વ્યાપકતા ખૂબ જ મોટી છે"

"પહેલાંના સમયમાં જેઓ વંચિત હતા તેઓ હવે સરકારની પ્રાથમિકતા બની ગયા છે"

"શોર્ટકટની રાજનીતિ એ એક પ્રકારની વ્યાધિ છે"

"શોર્ટકટ અપનાવનારા રાજકીય પક્ષો દેશના કરદાતાઓના સૌથી મોટા શત્રુ છે"

"કોઇપણ દેશ શોર્ટકટથી નથી ચાલી શકતો, દેશની પ્રગતિ માટે લાંબા ગાળાની દૂરંદેશી સાથે કાયમી ઉકેલ આપવો ખૂબ જ જરૂરી છે"

"ગુજરાતની ચૂંટણીના પરિણામો કાયમી વિકાસ અને કાયમી ઉકેલની આર્થિક નીતિનું પરિણામ છે"

Posted On: 11 DEC 2022 2:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં રૂપિયા 75,000 કરોડથી વધુના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને કામ પૂરું થયેલી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમાં 1500 કરોડથી વધુના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટ્સ, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વન હેલ્થ (NIO), નાગપુર અને નાગ નદી પ્રદૂષણ નિવારણ પ્રોજેક્ટ, નાગપુરનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (CIPET), ચંદ્રપુરરાષ્ટ્રને સમર્પિત પણ કર્યું અને સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ હિમોગ્લોબિનોપેથીઝ, ચંદ્રપુરનું ઉદ્ઘાટન કર્યું હતું.

દિવસની શરૂઆતમાં અગાઉ, પ્રધાનમંત્રીએ નાગપુરથી બિલાસપુર સુધી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી, 'નાગપુર મેટ્રો ફેઝ I'નું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું અને 'નાગપુર મેટ્રો ફેઝ-2'નો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ હિંદુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું જે 520 કિલોમીટરનું અંતર આવરી લે છે અને નાગપુરથી શિરડીને જોડે છે.

પ્રધાનમંત્રીએ નાગપુર ખાતે નવનિર્મિત AIIMS પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું જેનું નિર્માણ રૂ. 1575 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. તે અત્યાધુનિક સુવિધાઓ સાથેની હોસ્પિટલ છે, જેમાં OPD, IPD, નિદાનાત્મક સેવાઓ, ઓપરેશન થિયેટર અને 38 વિભાગો છે જેમાં મેડિકલ સાયન્સના તમામ મુખ્ય સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ હોસ્પિટલ મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં આધુનિક આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડે છે અને ગઢચિરોલી, ગોંદિયા તેમજ મેલઘાટની આસપાસના આદિવાસી વિસ્તારો માટે વરદાન સમાન છે.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ સંકષ્ટી ચતુર્થીના શુભ અવસર પર શુભેચ્છા પાઠવી અને ભગવાન ગણપતિની સ્તુતિ કરી હતી. પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે આ ખૂબ જ ખાસ દિવસ છે જ્યારે મહારાષ્ટ્રના નાગપુરથી વિકાસ કાર્યોના આખા ઝુમખાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે, આ કાર્યો લોકોના જીવનમાં પરિવર્તન આવશે. તેમણે કહ્યું હતુ કે, "આજે મહારાષ્ટ્રના વિકાસ માટે અગિયાર નવા સીતારાઓનું નક્ષત્ર ઉદયમાન થઇ રહ્યું છે જે નવી ઊંચાઇ પ્રાપ્ત કરવામાં અને નવી દિશા પ્રદાન કરવામાં મદદ કરશે". તમામ 11 પ્રોજેક્ટ્સની યાદી આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે , “હવે નાગપુરથી શિરડી સુધી હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ તૈયાર થઇ ગયો છે, AIIMS વિદર્ભના લોકોને ફાયદો કરશે, ચંદ્રપુરમાં ICMRના સંશોધન કેન્દ્ર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વન હેલ્થની સ્થાપના, CIPT ચંદ્રપુરની સ્થાપના, નાગ નદીના પ્રદૂષણને ઘટાડવા માટે નાગપુરમાં વિવિધ પરિયોજનાઓ, મેટ્રો તબક્કા Iનું ઉદ્ઘાટન અને બીજા તબક્કાનો શિલાન્યાસ, નાગપુરથી બિલાસપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, 'નાગપુર અને 'અજની' રેલવે સ્ટેશનના ફરી વિકાસ માટેની પરિયોજના, અજની ખાતે 42 હજાર હોર્સપાવર રેલ એન્જિનના જાળવણી ડેપોનું ઉદ્ઘાટન અને નાગપુર-ઇટારસી લાઇનના કોહલી-નારખેડ રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના લોકોને આ પૂરા કરવામાં આવેલા અને આગામી પ્રોજેક્ટ્સ માટે અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આજની પરિયોજનાઓ મહારાષ્ટ્રની ડબલ એન્જિન સરકાર દ્વારા કામ કરવાની ગતિનો પુરાવો આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમૃદ્ધિ મહામાર્ગ માત્ર નાગપુર અને મુંબઇ વચ્ચેનું અંતર નથી ઘટાડતો પરંતુ મહારાષ્ટ્રના 24 જિલ્લાઓને આધુનિક કનેક્ટિવિટીથી જોડવાનું કામ પણ કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેના કારણે રોજગારીની તકોમાં વધારો કરવા ઉપરાંત, આ કનેક્ટિવિટી પરિયોજનાઓથી ખેડૂતો, યાત્રાળુઓ અને આ પ્રદેશમાં આવેલા ઉદ્યોગોને ફાયદો થશે.

આ પરિયોજનાના આંતરિક આયોજન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જે પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટની સર્વગ્રાહી દૃષ્ટિનું ચિત્ર રજૂ કરે છે. તેણે કહ્યું હતું કે, "એઇમ્સ નાગપુર હોય કે પછી સમૃદ્ધિ મહામાર્ગ હોય, વંદે ભારત એક્સપ્રેસ હોય કે નાગપુર મેટ્રો હોય, આ તમામ પ્રોજેક્ટ તેમની વિશેષતાઓમાં અલગ અલગ હોઇ શકે છે, પરંતુ જ્યારે તેમને એક ઝુમખાના રૂપમાં એકસાથે મૂકવામાં આવે છે, ત્યારે સંપૂર્ણ વિકાસનો સાર દરેક નાગરિક સુધી પહોંચશે". ડબલ એન્જિન સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોર્યું હતું કે, ભલે સામાન્ય માણસ માટે આરોગ્ય સંભાળની વાત હોય કે પછી સંપત્તિ સર્જનની વાત હોય, ખેડૂતને સશક્ત બનાવવાની વાત હોય કે પછી જળ સંરક્ષણનો મુદ્દો હોય, આ સૌથી પહેલી વખત એવું બન્યું છે કે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માનવીય સ્વરૂપ આપ્યું છે જ્યાં માનવીય સ્પર્શ દરેક વ્યક્તિના જીવન પર પ્રભાવ પાડે છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસના સર્વગ્રાહી વિઝનનું દૃષ્ટાંત આપતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આયુષ્માન ભારત યોજના અંતર્ગત દરેક ગરીબને રૂ. 5 લાખ સુધીની સારવાર મફતમાં પૂરી પાડવામાં આવે છે તે યોજના આપણા સામાજિક ઇન્ફ્રાસ્ટ્ર્કચરનું ઉદાહરણ છે, કાશીથી માંડીને કેદારનાથ, ઉજ્જૈનથી માંડીને પંઢરપુર સુધીના આપણા આસ્થાના સ્થળોનો વિકાસ એ આપણા સાંસ્કૃતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ છે, 45 કરોડ કરતાં વધુ ગરીબ લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડી રહેલી જન ધન યોજના આપણા નાણાકીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાગપુર AIIMS જેવી આધુનિક હોસ્પિટલો અને મેડિકલ કોલેજો ખોલવાનું અભિયાન મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, "ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ માત્ર નિર્જીવ માર્ગો અને ફ્લાયઓવરને નથી આવરી લેતું, પરંતુ તેની વ્યાપકતા ખૂબ જ મોટી છે".

પ્રધાનમંત્રીએ ગોસેખુર્દ ડેમનું ઉદાહરણ આપ્યું જેનો પાયો આજથી ત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાં નાંખવામાં આવ્યો હતો અને અંદાજે રૂ. 400 કરોડના ખર્ચે તેનું કામ પૂરું કરવાનું હતું પરંતુ તે કામ ક્યારેય પૂર્ણ થયું જ નહોતું. શ્રી મોદીએ સૌનું ધ્યાન દોરતા કહ્યું હતું કે, હવે તે ડેમનો અંદાજિત ખર્ચ વધીને 18 હજાર કરોડ રૂપિયા થઇ ગયો છે. તેમણે કહ્યું હતું કે, "2017માં ડબલ એન્જિનવાળી સરકાર બન્યા પછી, આ ડેમના કામમાં વેગ આવ્યો છે અને દરેક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે." આ વર્ષે આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઇ ગયો છે તે બાબતે પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, “આઝાદીના અમૃતકાળમાં, દેશ વિકસિત ભારતના મહાન સંકલ્પ સાથે આગેકૂચ કરી રહ્યો છે અને તે રાષ્ટ્રની સામૂહિક શક્તિથી આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યનો વિકાસએ વિકસિત ભારતના નિર્માણનો મંત્ર છે. અનુભવમાંથી શીખીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે વિકાસ મર્યાદિત હોય છે ત્યારે તકો પણ સિમિત થઇ જાય છે. પોતાની વાતને આગળ વધારતા, પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે જ્યારે માત્ર પસંદગીના લોકો સુધી જ શિક્ષણ મર્યાદિત હતું, ત્યારે રાષ્ટ્રની પ્રતિભા સામે આવી શકતી ન હતી, જ્યારે થોડા લોકો સુધી જ બેંકોની પહોંચ હતી, ત્યારે વેપાર વ્યવસાય પણ મર્યાદિત હતો અને જ્યારે વધુ સારી કનેક્ટિવિટી મર્યાદિત માત્રામાં જ હતી ત્યારે માત્ર થોડાં શહેરો સુધી વૃદ્ધિ થઇ શકતી હતી અને એ પણ મર્યાદિત હદ સુધી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે પરિણામે, ન તો દેશની મોટી વસ્તી વિકાસનો સંપૂર્ણ લાભ મેળવી રહી છે અને ન તો ભારતની વાસ્તવિક તાકાત સામે આવી રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષમાં આ વિચાર અને અભિગમ બંને સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના સિદ્ધાંતો સાથે બદલાયા છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "જે લોકો પહેલાંના સમયમાં વંચિત હતા તેઓ હવે સરકારની પ્રાથમિકતા બની ગયા છે." ખેડૂતોના નેતૃત્વમાં વિકાસના ઉદાહરણો ટાંકતા શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે વિદર્ભના ખેડૂતોને પણ પીએમ કિસાન સન્માન નિધિનો મોટો લાભ મળ્યો છે અને તે સરકારે જ પશુપાલકોને પ્રાથમિકતા આપીને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા સાથે જોડ્યા છે.

વંચિતોને પ્રાથમિકતા આપવાની થીમ સાથે પોતાની વાતને આગળ વધારીને, પ્રધાનમંત્રીએ વિક્રેતાઓ અને 100 થી વધુ મહત્વાકાંક્ષી જિલ્લાઓ માટે સરળ લોન જેવા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓ સહિત દેશના 100 થી વધુ જિલ્લાઓ વિકાસના ઘણા માપદંડોમાં પાછળ છે. તેમણે કહ્યું હતું કે, "છેલ્લા 8 વર્ષથી, અમે ઝડપી ગતિએ વિકાસ માટે આ વંચિત વિસ્તારોને ઉર્જાનાં નવા કેન્દ્રોમાં પરિવર્તિત કરવા માટે કામ કરી રહ્યા છીએ".

પ્રધાનમંત્રીએ ભારતમાં શોર્ટકટની રાજનીતિના ઉદભવ વિશે પણ દરેક લોકોને ચેતવ્યા હતા. તેમણે સૌને ચેતવતા કહ્યું હતું કે રાજકીય પક્ષો માત્ર પોતાના રાજકીય સ્વાર્થ માટે કરદાતાઓએ મહેનત કરીને કમાયેલા પૈસા લૂંટી રહ્યા છે અને ખોટા વચનો આપીને સરકાર બનાવવાના ઉદ્દેશથી શોર્ટકટ અપનાવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે દેશ જ્યારે આગામી 25 વર્ષમાં વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધવા માટે કામ કરી રહ્યો છે, તેવા સમયે કેટલાક રાજકીય પક્ષો માત્ર પોતાના સ્વાર્થ માટે ભારતની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા માંગે છે. પ્રધાનમંત્રીએ પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિનો લાભ ન ઉઠાવી શકવાની અને બીજી-ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન પાછળ રહી જવાની હાથમાંથી ગુમાવેલી તકો અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, જ્યારે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનો સમય આવ્યો છે ત્યારે ભારત હવે તેને ચૂકી ન શકે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "કોઇ પણ દેશ શોર્ટકટથી ચાલી શકતો નથી, દેશની પ્રગતિ માટે લાંબા ગાળાના વિઝન સાથે કાયમી ઉકેલ આપવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે".

પ્રધાનમંત્રીએ દક્ષિણ કોરિયા અને સિંગાપોર જેવા દેશોના ઉદાહરણો આપ્યા હતા કે જેમને એક સમયે ગરીબ માનવામાં આવતા હતા, પરંતુ તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેજી સાથે પોતાનું ભાગ્ય બદલવામાં સફળ થયા હતા અને હવે અર્થતંત્રના વિશાળ કેન્દ્રો બની ગયા છે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે સમયની જરૂરિયાત એ છે કે સરકારી તિજોરીનો દરેક પૈસો યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે ખર્ચવામાં આવે.

પ્રધાનમંત્રીએ ઓછું કમાવું, વધુ ખર્ચ કરવોની નીતિ અપનાવતા સ્વાર્થી રાજકીય પક્ષોને ઉઘાડા પાડી દેવાની દેશના યુવાનો અને કરદાતાઓને વિનંતી પણ કરી હતી. પ્રધાનમંત્રીએ વિશ્વના એવા ઘણા દેશો પર પ્રકાશ પાડ્યો હતો કે જ્યાં આવી ખરાબ નીતિઓ ઘડવાના કારણે સમગ્ર અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી. બીજી તરફ, પ્રધાનમંત્રીએ દેશમાં દીર્ઘકાલિન વિકાસ અને દીર્ઘકાલિન ઉકેલોના પ્રયાસો પ્રત્યે લોકોના સમર્થન પર આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "ગુજરાતની ચૂંટણીના પરિણામો કાયમી વિકાસ અને કાયમી ઉકેલની આર્થિક નીતિનું પરિણામ છે".

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગત સિંહ કોશ્યારી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

નાગપુર મેટ્રો

શહેરી ગતિશીલતામાં ક્રાંતિ લાવનારા વધુ એક પગલાં તરીકે, પ્રધાનમંત્રીએ નાગપુર મેટ્રો તબક્કો I’ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. તેમણે ખાપરી મેટ્રો સ્ટેશન પર ખાપરીથી ઓટોમોટિવ સ્ક્વેર (ઓરેન્જ લાઇન) અને પ્રજાપતિ નગરથી લોકમાન્ય નગર (એક્વા લાઇન) - બે મેટ્રો ટ્રેનોને પણ રવાના કરાવી હતી. નાગપુર મેટ્રોનો પ્રથમ તબક્કો રૂ. 8650 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ નાગપુર મેટ્રો ફેઝ-2નો પણ શિલાન્યાસ પણ કર્યો હતો. રૂ. 6700 કરોડથી વધુના ખર્ચે આ તબક્કાનો વિકાસ કરવામાં આવશે.

રેલવે પરિયોજનાઓ

નાગપુર રેલવે સ્ટેશન ખાતે, પ્રધાનમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી જે નાગપુર અને બિલાસપુર વચ્ચે દોડશે.

પ્રધાનમંત્રીએ નાગપુર રેલવે સ્ટેશન અને અજની રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે અનુક્રમે રૂ. 590 કરોડ અને રૂ. 360 કરોડના ખર્ચે થનારા કાર્યોનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અજની (નાગપુર) ખાતે સરકારી જાળવણી ડેપો અને નાગપુર-ઇટારસી થર્ડ લાઇન પ્રોજેક્ટનું કોહલી-નરખેર સેક્શન રાષ્ટ્રને લોકાર્પિત કર્યા હતા. આ પ્રોજેક્ટ્સ અનુક્રમે આશરે રૂ. 110 કરોડ અને રૂ. 450 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે.

સમૃદ્ધિ મહામાર્ગ

પ્રધાનમંત્રીએ હિન્દુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તબક્કામાં નાગપુર અને શિરડીને તોડતા 520 કિલોમીટરનો માર્ગ છે.

સમૃદ્ધિ મહામાર્ગ અથવા નાગપુર-મુંબઇ સુપર કોમ્યુનિકેશન એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ એ સમગ્ર દેશમાં કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીને સાકાર કરવાની દિશામાં લેવાયેલું એક મોટું પગલું છે. 701 કિલોમીટરનો એક્સપ્રેસ-વે લગભગ રૂ. 55,000 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે જે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે છે. મહારાષ્ટ્રના 10 જિલ્લાઓ અને અમરાવતી, ઔરંગાબાદ અને નાસિકના જેવા અગ્રણી શહેરી વિસ્તારોમાંથી આ એક્સપ્રેસ-વે પસાર થાય છે. આ એક્સપ્રેસ-વે સંલગ્ન અન્ય 14 જિલ્લાઓ સાથે કનેક્ટિવિટી સુધારવામાં પણ મદદ કરશે, આમ વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના પ્રદેશો સહિત રાજ્યના લગભગ 24 જિલ્લાઓના વિકાસમાં તેનાથી મદદ મળશે.

પીએમ ગતિ શક્તિ હેઠળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી પરિયોજનાઓના એકીકૃત આયોજન અને સંકલિત અમલીકરણની પ્રધાનમંત્રીની દૂરંદેશીને સમર્થન આપતો, સમૃદ્ધિ મહામાર્ગ દિલ્હી મુંબઇ એક્સપ્રેસ-વે, જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ અને અજંતા ઇલોરાની ગુફાઓ, શિરડી, વેરુલ, લોનાર વગેરે જેવા પર્યટનના સ્થળોને જોડશે. સમૃદ્ધિ મહામાર્ગ મહારાષ્ટ્રના આર્થિક વિકાસને મોટો વેગ આપવા માટે ગેમ-ચેન્જર પુરવાર થશે.

એઇમ્સ- નાગપુર

નાગપુરમાં નિર્મિત એઇમ્સનું રાષ્ટ્રને લોકાર્પણ કરવાથી સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે. આ હોસ્પિટલનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી દ્વારા જુલાઇ 2017માં કરવામાં આવ્યો હતો. તેની સ્થાપના કેન્દ્રીય ક્ષેત્રની યોજના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ કરવામાં આવી છે.

એઇમ્સ, નાગપુરનું નિર્માણ રૂ. 1575 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવી રહ્યું છે, જે અત્યાધુનિક સુવિધાઓ સાથેની હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં OPD, IPD, નિદાનાત્મક સેવાઓ, ઓપરેશન થિયેટર અને મેડિકલ સાયન્સના તમામ મુખ્ય સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી વિષયોને આવરી લેતા 38 વિભાગો છે. આ હોસ્પિટલ મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં આધુનિક આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડે છે અને ગઢચિરોલી, ગોંદિયા અને મેલઘાટની આસપાસના આદિવાસી વિસ્તારો માટે વરદાન સમાન છે.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વન હેલ્થ, નાગપુર

પ્રધાનમંત્રી દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વન હેલ્થ (NIO), નાગપુર માટે શિલાન્યાસ કરવામાં આવ્યો છે જે 'એક સ્વાસ્થ્ય' (વન હેલ્થ) અભિગમ હેઠળ દેશમાં ક્ષમતા અને માળખાકીય સુવિધાઓના નિર્માણની દિશામાં લેવાયેલું એક પગલું છે.

'એક સ્વાસ્થ્ય' અભિગમ એ વાતને માન્યતા આપે છે કે મનુષ્યનું સ્વાસ્થ્ય પ્રાણીઓ અને પર્યાવરણના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. આ અભિગમ એ વાતની પ્રશંસા કરે છે કે મનુષ્યોને અસર કરતા મોટાભાગના ચેપી રોગો ઝૂનોટિક (પ્રાણીથી મનુષ્યમાં ફેલાતા) પ્રકૃતિના છે. રૂપિયા 110 કરોડથી વધુના ખર્ચે સ્થાપવામાં આવી રહેલી આ સંસ્થા તમામ હિતધારકો સાથે સહયોગ અને સંકલન કરશે અને સમગ્ર દેશમાં એક સ્વાસ્થ્ય' અભિગમમાં સંશોધન અને ક્ષમતા નિર્માણને સુધારવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે.

અન્ય પરિયોજનાઓ

પ્રધાનમંત્રીએ નાગપુર ખાતે નાગ નદીના પ્રદૂષણમાં ઘટાડો કરવા માટેની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજના નેશનલ રિવર કન્ઝર્વેશન પ્લાન (NRCP) હેઠળ રૂ. 1925 કરોડથી વધુના ખર્ચે કાર્યરત થશે.

વિદર્ભ પ્રદેશમાં અને તેમાં પણ ખાસ કરીને આદિવાસી વસ્તીમાં સિકલ સેલ રોગનો વ્યાપ અન્ય વિસ્તારોની સરખામણીએ વધારે છે. થેલેસેમિયા અને HbE જેવા અન્ય હિમોગ્લોબીનોપેથી સાથે આ રોગ દેશમાં નોંધપાત્ર રીતે રોગના બોજનું કારણ બને છે. આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે, પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરી 2019માં 'સેન્ટર ફોર રિસર્ચ, મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ ઓફ હિમોગ્લોબિનોપેથીઝ, ચંદ્રપુર' નો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ કેન્દ્ર હવે રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. દેશમાં હિમોગ્લોબીનોપેથીના ક્ષેત્રમાં આવિષ્કારી સંશોધન, ટેકનોલોજી વિકાસ અને માનવ સંસાધન વિકાસ માટે શ્રેષ્ઠતા માટે કેન્દ્ર તૈયાર કરવાની કલ્પના સાથે આ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ ચંદ્રપુર ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (COPET) પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ સંસ્થાનો ઉદ્દેશ પોલિમર અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કુશળ માનવ સંસાધન તૈયાર કરવાનો છે.

YP/GP/JD


(Release ID: 1882507) Visitor Counter : 238