પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 19મી નવેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે


પૂર્વોત્તરમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટેનાં મહત્ત્વપૂર્ણ પગલાં સ્વરૂપે પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ –'ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર'નું ઉદઘાટન કરશે

એરપોર્ટનું નામ અરૂણાચલ પ્રદેશમાં સૂર્ય ('ડોની' ) અને ચંદ્ર ('પોલો' ) પ્રત્યે સદીઓ જૂનાં સ્વદેશી પૂજ્યભાવને પ્રતિબિંબિત કરે છે

640 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ એરપોર્ટ કનેક્ટિવિટી સુધારશે અને આ વિસ્તારમાં વેપાર અને પ્રવાસનની વૃદ્ધિ માટે ઉત્પ્રેરકનું કામ કરશે

પ્રધાનમંત્રી 600 મેગાવૉટનાં કામેંગ હાયડ્રો પાવર સ્ટેશનનું લોકાર્પણ પણ કરશે – જેને રૂ. 8450 કરોડથી વધારેના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે

આ પરિયોજના અરૂણાચલ પ્રદેશને પાવર સરપ્લસ રાજ્ય બનાવશે

પ્રધાનમંત્રી વારાણસીમાં એક મહિના સુધી ચાલનારા કાર્યક્રમ 'કાશી તમિલ સંગમમ'નું ઉદઘાટન કરશે

આ કાર્યક્રમ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે

તેનો ઉદ્દેશ તમિલનાડુ અને કાશી વચ્ચે સદીઓ જૂનાં જોડાણોની ઉજવણી, પુનઃપુષ્ટિ અને પુનઃશોધ કરવાનો છે

Posted On: 17 NOV 2022 3:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર, 2022ના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:30 વાગ્યે ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદઘાટન કરશે અને 600 મેગાવૉટના કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશનાં વારાણસી પહોંચશે, જ્યાં તેઓ બપોરે લગભગ 2 વાગ્યે 'કાશી તમિલ સંગમમ'નું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશમાં

પૂર્વોત્તરમાં કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટેનાં એક મહત્ત્વપૂર્ણ પગલાં સ્વરૂપે પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશમાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ – 'ડોની પોલો એરપોર્ટ, ઇટાનગર'નું ઉદઘાટન કરશે. એરપોર્ટનું નામ અરૂણાચલ પ્રદેશની પરંપરાઓ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે અને સૂર્ય ('ડોની' ) અને ચંદ્ર ('પોલો' ) પ્રત્યેના તેના સદીઓ જૂના સ્થાનિક પૂજ્યભાવને પ્રતિબિંબિત કરે છે.

અરૂણાચલ પ્રદેશનું આ પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ 640 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 690 એકરથી વધુ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. 2300 મીટરના રનવે સાથે, આ એરપોર્ટ બારેમાસ દિવસની કામગીરી માટે અનુકૂળ છે. એરપોર્ટ ટર્મિનલ આધુનિક ઇમારત છે, જે ઊર્જા દક્ષતા, પુનઃપ્રાપ્ય ઊર્જા અને સંસાધનોનાં રિસાયક્લિંગને પ્રોત્સાહન આપે છે.

ઇટાનગરમાં નવાં એરપોર્ટના વિકાસથી આ વિસ્તારમાં કનેક્ટિવિટી સુધરશે એટલું જ નહીં પરંતુ વેપાર અને પર્યટનની વૃદ્ધિ માટે ઉત્પ્રેરક તરીકે પણ કામ કરશે, જેથી આ ક્ષેત્રના આર્થિક વિકાસને વેગ મળશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી 600 મેગાવૉટનું કામેંગ જળ વિદ્યુત મથક પણ દેશને અર્પણ કરશે. અરૂણાચલ પ્રદેશનાં પશ્ચિમ કામેંગ જિલ્લામાં રૂ. 8450 કરોડથી વધારેના ખર્ચે વિકસાવવામાં આવેલી અને 80 કિલોમીટરથી વધારેના વિસ્તારમાં વિકસાવવામાં આવેલી આ પરિયોજનાથી અરૂણાચલ પ્રદેશ વીજળી સરપ્લસ રાજ્ય બનશે, જેનો લાભ ગ્રિડની સ્થિરતા અને સંકલનની દ્રષ્ટિએ નેશનલ ગ્રિડને પણ થશે. આ પ્રોજેક્ટ ગ્રીન એનર્જીના સ્વીકારને વધારવાની દેશની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવામાં મુખ્ય રીતે યોગદાન આપશે.

પીએમ વારાણસીમાં

પ્રધાનમંત્રીનાં વિઝનથી પ્રેરિત થઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નાં વિચારને પ્રોત્સાહન આપવું એ સરકારનાં મુખ્ય ક્ષેત્રોમાંનું એક રહ્યું છે. આ વિઝનને પ્રતિબિંબિત કરતી વધુ એક પહેલ 'કાશી તમિલ સંગમમ'નું આયોજન કાશી (વારાણસી)માં એક મહિના સુધી ચાલનારો કાર્યક્રમ છે, જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી 19 નવેમ્બરના રોજ કરશે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશની સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રાચીન વિદ્યાપીઠોમાંની બે- તમિલનાડુ અને કાશી વચ્ચે સદીઓ જૂનાં જોડાણોની ઉજવણી કરવાનો, તેની પુન:પુષ્ટિ કરવાનો અને પુનઃશોધ કરવાનો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ બંને પ્રદેશોના વિદ્વાનો, વિદ્યાર્થીઓ, દાર્શનિકો, વેપારીઓ, કારીગરો, કલાકારો વગેરે સહિત જીવનનાં તમામ ક્ષેત્રના લોકોને એક સાથે આવવા, તેમનાં જ્ઞાન, સંસ્કૃતિ અને શ્રેષ્ઠ પ્રથાઓ વહેંચવા અને એકબીજાના અનુભવોમાંથી શીખવાની તક પૂરી પાડવાનો છે. તમિલનાડુથી 2500થી વધુ પ્રતિનિધિઓ કાશીની મુલાકાત લેશે. તેઓ સમાન વેપાર, વ્યવસાય અને રસ ધરાવતા સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા માટે સેમિનાર, સાઇટ વિઝિટ વગેરેમાં ભાગ લેશે. કાશીમાં બંને પ્રદેશોના હાથવણાટ, હસ્તકળા, ઓડીઓપી ઉત્પાદનો, પુસ્તકો, ડોક્યુમેન્ટરીઝ, વાનગીઓ, કળા સ્વરૂપો, ઇતિહાસ, પ્રવાસન સ્થળો વગેરેનું એક મહિના સુધી ચાલનારું પ્રદર્શન પણ યોજાશે.

આ પ્રયાસ એનઇપી ૨૦૨૦ના જ્ઞાનની આધુનિક પ્રણાલીઓ સાથે ભારતીય જ્ઞાન પ્રણાલીઓની સંપત્તિને એકીકૃત કરવા પર ભાર મૂકવાની સાથે સુસંગત છે. આઈઆઈટી મદ્રાસ અને બીએચયુ એ આ કાર્યક્રમ માટેની બે અમલીકરણ એજન્સીઓ છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1876789) Visitor Counter : 243