પ્રધાનમંત્રીનું કાર્યાલય

બીજી ભારત-ઑસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટના ઉદ્ઘાટનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 21 MAR 2022 1:54PM by PIB Ahmedabad

મારા પ્રિય મિત્ર સ્કોટ, નમસ્કાર!

હોળીના તહેવાર અને ચૂંટણીમાં વિજય માટેની તમારી શુભેચ્છાઓ પાઠવવા બદલ હું તમારો આભારી છું.

ક્વિન્સલેન્ડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં આવા પૂરને કારણે થયેલા જાનમાલના થયેલા નુકસાન બદલ તમામ ભારતીયો વતી, હું શોક વ્યક્ત કરું છું.

આપણી છેલ્લી વર્ચ્યુઅલ સમિટ દરમિયાન, આપણે આપણા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તરફ આગળ વધાર્યા હતા. અને મને ખુશી છે કે, આજે આપણે બંને દેશો વચ્ચે વાર્ષિક શિખર સંમેલનની વ્યવસ્થા સ્થાપિત કરી રહ્યા છીએ. આ આપણા સંબંધોની નિયમિત સમીક્ષા માટે માળખાકીય વ્યવસ્થાતંત્ર તૈયાર કરશે.

મહાનુભાવ,

આપણા સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, શિક્ષણ અને આવિષ્કાર, વિજ્ઞાન અને ટેકનોલોજી આ તમામ ક્ષેત્રોમાં આપણી વચ્ચે ખૂબ નજીકનો પારસ્પરિક સહયોગ રહ્યો છે. આપણો આ સહયોગ અન્ય ઘણા ક્ષેત્રો, જેમ કે નિર્ણાયક ખનિજો, જળ વ્યવસ્થાપન, નવીનીકરણીય ઉર્જા અને કોવિડ-19 સંશોધનમાં પણ ઝડપથી વિકસ્યો છે.

હું બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પોલિસીની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી તેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સાયબર અને ક્રિટિકલ તેમજ ઉભરતી ટેકનોલોજીમાં આપણી વચ્ચે વધુ સારો સહકાર હોય તે જરૂરી છે. આપણા જેવા સમાન મૂલ્યો ધરાવતા દેશોની જવાબદારી છે કે, આપણે આ ઉભરતી ટેકનોલોજીઓમાં યોગ્ય વૈશ્વિક ધોરણો અપનાવીએ.

મહાનુભાવ,

આપણી વચ્ચેનો વ્યાપક આર્થિક સહકાર કરાર - "CECA", આના પર, તમે કહ્યું તેમ, હું એ પણ કહેવા માંગુ છું કે, ખૂબ જ ટૂંકા સમયમાં આ દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મને પૂરો વિશ્વાસ છે કે, બાકીના મુદ્દાઓ પર પણ ટૂંક સમયમાં સહમતિ સાધી શકાશે. આપણા આર્થિક સંબંધો, આર્થિક પુનરુત્કર્ષ અને આર્થિક સુરક્ષા માટે "CECA"ને વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તે નિર્ણાયક બની રહેશે.

ક્વાડમાં પણ આપણી વચ્ચે સારો સહકાર રહ્યો છે. મુક્ત, ખુલ્લા અને સર્વ સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક માટે આપણો આપેલો સહયોગ આપણી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા માટે ક્વાડની સફળતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

મહાનુભાવ,

હું ખાસ કરીને પ્રાચીન ભારતીય કલાકૃતિઓને પરત કરવાની પહેલ કરવા બદલ આપનો આભાર વ્યક્ત કરુ છુ. અને તમે જે કલાકૃતિઓ મોકલી છે તેમાં રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ગુજરાત, હિમાચલ પ્રદેશ તેમજ ભારતના અન્ય કેટલાય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે દાણચોરી કરવામાં આવેલી સેંકડો વર્ષ જૂની મૂર્તિઓ અને ચિત્રોનો સમાવેશ થાય છે. અને આ માટે હું તમામ ભારતીયો વતી આપનો વિશેષરૂપે આભાર વ્યક્ત કરું છું. હવે તમે અમને આપેલી બધી મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ તેમના મૂળ સ્થાને પરત કરવામાં આવશે. તમામ ભારતીય નાગરિકો વતી હું ફરી એકવાર આ પહેલ બદલ તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

ક્રિકેટ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે જે પ્રકારે શાનદાર પ્રદર્શન કર્યું તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. શનિવારની મેચમાં ઑસ્ટ્રેલિયાનો વિજય થયો હતો, પરંતુ ટૂર્નામેન્ટ હજુ પૂરી થઈ નથી. બંને દેશોની ટીમોને મારી શુભેચ્છાઓ.

મહાનુભાવ,

ફરી એકવાર, આજે તમારી સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ હું મારા આનંદની લાગણી વ્યક્ત કરું છું.

હવે, હું મીડિયાના મિત્રોનો આભાર માનીને ઓપન સેશનનું સમાપન કરવા માંગુ છું. આ પછી, થોડી ક્ષણોના વિરામ પછી, હું આગામી એજન્ડાની આઇટમ પર મારા મંતવ્યો રજૂ કરવા માંગુ છું.

 

 



(Release ID: 1870816) Visitor Counter : 101