પ્રધાનમંત્રીનું કાર્યાલય
અયોધ્યામાં શ્રી રામ કથા પાર્ક ખાતે ભગવાન શ્રી રામના રાજ્યાભિષેક દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
23 OCT 2022 7:50PM by PIB Ahmedabad
જય સિયા રામ,
જય સિયા રામ.
કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ જી, અહીંના લોકપ્રિય, કર્મયોગી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, તમામ પૂજ્ય સંત ગણ, ઉપસ્થિત અન્ય તમામ પ્રબુદ્ધ જન, શ્રદ્ધાળુગણ, દેવીઓ તથા સજ્જનો.
શ્રી રામલલ્લાના દર્શન અને ત્યાર બાદ રાજા રામનો અભિષેક, આ સૌભાગ્ય રામજીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. જ્યારે શ્રી રામનો અભિષેક થાય છે તો આપણી ભીતર ભગવાન રામના આદર્શ તથા મૂલ્ય વધુ દૃઢ બની જાય છે. રામના અભિષેકની સાથે જ તેમણે ચીંધેલો પથ વધારે પ્રદિપ્ત થઈ જાય છે. અયોધ્યાની તો રજ રજમાં, કણ કણમાં તેમના દર્શન સમાહિત છે. આજે અયોધ્યાની રામલીલીઓના માઘ્યમથી, સરયુ આરતીના માધ્યમથી, દિપોત્સવના માધ્યમથી અને રામાયણ પર શોધ અને સંશોધનના માઘ્યમથી આ દર્શન સમગ્ર વિશ્વમાં પ્રસારિત થઈ રહ્યા છે. મને આનંદ છે કે અયોધ્યાના લોકો, સમગ્ર ઉત્તર પ્રદેશ તથા દેશના લોકો આ પ્રવાહનો હિસ્સો બની રહ્યા છે, દેશના જનકલ્યાણની ધારાને ગતિ આપી રહ્યા છે. હું આ પ્રસંગે આપને, દેશવાસીઓને તથા વિશ્વભરમાં ફેલાયેલા રામ ભક્તોને પણ અભિનંદન પાઠવું છું. હું પ્રભુ શ્રી રામની પાવન જન્મભુમિથી તમામ દેશવાસીઓને આજે નાની દિવાળીના પર્વ પર આવતીકાલની દિવાળીની પણ હાર્દિક શુભકામના પાઠવું છું.
સાથીઓ,
આ વખતે દિવાળી એવા સમયે આવી છે જ્યારે આપણે થોડા સમય અગાઉ જ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યાછે, આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે. આઝાદીના આ અમૃતકાળમાં ભગવાન રામ જેવી સંકલ્પશક્તિ, દેશને નવી ઉંચાઈ પર લઈ જશે. ભગવાન રામે પોતાના વચનમા, પોતાના વિચારોમાં, પોતાના શાસનમાં, પોતાના પ્રશાસનમાં જે મૂલ્યો ઘડ્યા, તે સૌના સાથ, સૌના વિકાસની પ્રેરણા છે અને સૌનો વિશ્વાસ સૌના પ્રયાસનો આધાર પણ છે. આગામા 25 વર્ષમાં વિકસીત ભારતની આકાંક્ષા લઈને આગળ ધપી રહેલા આપણે હિન્દુસ્તાનીઓ માટે શ્રીરામના આદર્શ, એ પ્રકાશ સ્તંભની માફક છે જે આપણને કપરામાં કપરાં લક્ષ્યાંકને હાંસલ કરવાનો ઉત્સાહ આપશે, જુસ્સો આપશે.
સાથીઓ,
આ વખતે લાલ કિલ્લા પરથી મેં તમામ દેશવાસીઓને પંચ પ્રાણોને આત્મસાત કરવાનું આહવાન આપ્યું હતું. આ પંચ પ્રાણોની ઉર્જા જે એક તત્વ સાથે જોડાયેલી છે તે છે ભારતના નાગરિકોનું કર્તવ્ય. આજે અયોધ્યાન નગરીમાં, દિપોત્સવના આ પાવન પ્રસંગે આપણે આપણા આ સંકલ્પને દોહરાવવાનો છે, શ્રી રામ પાસેથી જેટલું શીખી શકીએ, શીખવાનું છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાતા હતા. મર્યાદા માન રાખવાનું પણ શીખવે છે અને માન આપવાનું પણ શીખવે છે. અને મર્યાદા જે બોધની આગ્રહી હોય છે તે બોધ કર્તવ્ય જ છે. આપણા ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે “રામો વિગ્રહવાન ધર્મઃ” એટલે કે રામ સાક્ષાત ધર્મના એટલે કે કર્તવ્યના સજીવ સ્વરૂપ છે. ભગવાન રામ જ્યારે જે ભૂમિકામાં રહ્યા તેમણે કર્તવ્યો પર સૌથી વધારે ભાર મૂક્યો. તેઓ જ્યારે રાજકુમાર હતા, તો ઋષિઓની, તેમના આશ્રમની અને ગુરુકુળોના રક્ષણનું કર્તવ્ય નિભાવ્યું. રાજ્યાભિષેકના સમયે શ્રીરામ એક આજ્ઞાકારી પુત્રનું કર્તવ્ય નિભાવ્યું. તેમણે પિતા તથા પરિવારના વચનોને પ્રાથમિકતા આપતા રાજ્યના ત્યાગને, વનમાં જવાને પોતાનું કર્તવ્ય સમજીને તેનો સ્વિકાર કર્યો. તેઓ વનમાં હોય છે તો વનવાસીઓને ગળે વળગાડે છે. આશ્રમોમાં જાય છે તો માતા શબરીના આશીર્વાદ લે છે. તેઓ સૌને સાથે લઈને લંકા પર વિજય પ્રાપ્ત કરે છે. અને જ્યારે સિંહાસન પર બેસે છે તો વનના એ જ તમામ સાથીઓ રામની સાથે ઉભા રહે છે. કેમ કે રામ કોઈને પાછળ રાખતા નથી. રામ કર્તવ્યભાવનાથી મૂખ ફેરવી લેતા નથી. તેથી, રામ, ભારતની એ ભાવનાનું પ્રતિક છે જે માને છે કે આપણા અધિકાર આપણા કર્તવ્યોથી સ્વયં સિદ્ધ થઈ જાય છે. તેથી જ આપણે કર્તવ્યોને પ્રત્યે સમર્પિત થવાની જરૂર છે. અને સંજોગ જૂઓ, આપણા બંધારણમાં જે મૂળપતિ પર ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ જીના ચિત્ર અંકિત છે. બંઘારણનું એ પૃષ્ટ પણ મૌલિક અધિકારોની વાત કરે છે.એટલે કે એક તરફ આપણા બંધારણના અધિકારોની ગેરન્ટી, તો સાથે સાથે પ્રભુ રામના રૂપમાં કર્તવ્યોના શાશ્વત સાંસ્કૃતિક બોધ. તેથી જ આપણે કર્તવ્યોના સંકલ્પોને જેટલા મજબૂત કરીશું રામ જેવા રાજ્યની કલ્પના એટલી જ સાકાર થતી જશે.
સાથીઓ,
આઝાદીના અમૃતકાળમાં દેશે પોતાના વારસા પર ગર્વ તથા ગુલામીની માનસિકતાથી મુક્તિની હાસલ કરી છે. આ પ્રેરણા પણ આપણને પ્રભુ શ્રીરામથી જ મળે છે. તેમણે કહ્યું હતું –જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી. એટલે કે તેઓ સુવર્ણમયી લંકાની સામે પણ હિનભાવનામાં આવ્યા નહીં પરંતુ તેમણે કહ્યું કે મા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ આગળ છે. આ જ આત્મવિશ્વાસની સાથે જ્યારે તેઓ અયોધ્યામાં પરત ફરે છે ત્યારે અયોધ્યા વિશે કહેવામાં આવે છે કે –“નવ ગ્રહ નિકર અનીક બનાઈ. જનુ ઘેરી અમરાવતિ આઇ.” એટલે કે અયોધ્યાની સરખામણી સ્વર્ગ સાથે કરવામાં આવી છે. તેથી જ ભાઈઓ અને બહેનો, જ્યારે રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ થાય છે, નાગરિકોમાં દેશ માટે સેવા ભાવ હોય છે તો પણ અને ત્યારે જ રાષ્ટ્ર વિકાસની અસીમ ઉંચાઈને સ્પર્શે છે. એક સમય હતો જ્યારે રામ વિશે આપણી સંસ્કૃતિ અને સભ્યતા વિશે વાત કરતાં પણ ખચકાટ અનુભવાતો હતો. આ જ દેશમાં રામના અસ્તિત્વ પર પર્શ્નાર્થ લગાવવામાં આવતા હતા. તેનું પરિણામ શું આવ્યું ? આપણા ધાર્મિક, સાંસ્કૃતિક સ્થાન અને નગરો પાછળ ચાલ્યા ગયા. અમે આ જ અયોધ્યાના રામ ઘાટ પર આવતા હતા તો દુર્દશા જોઇને મન દુઃખી થઈ જતું હતું. કાશીની તંગહાલી, એ જીવન અને તે ગલીઓ પરેશાન કરી દેતી હતી. જે સ્થાનો પર આપણે આપણી ઓળખને, આપણા અસ્તિત્વનું પ્રતિક માનતા હતા, જ્યારે તે જ બેહાલ છે તો દેશના ઉત્થાનનું મનોળ આપોઆપ તૂટી જાય છે.
સાથીઓ,
છેલ્લા આઠ વર્ષમાં દેશે હિનભાવનાની આ બેડીઓને તોડી છે. અમે ભારતના તીર્થોના વિકાસના એક સમગ્ર વિચારને સામે રાખ્યો છે. અમે રામ મંદીર અને કાશી વિશ્વનાથ ધામથી લઈને કેદારનાથ તથા મહાકાલ મહાલોક સુધી, ઘનઘોર ઉપેક્ષાઓના શિકાર બનેલા આપણી આસ્થાના સ્થાનોના ગૌરવને પુનર્જિવીત કર્યું છે. એક સમગ્ર પ્રયાસ કેવી રીતે સમગ્ર વિકાસનો માર્ગ બની જાય છે આજે દેશ તેનો સાક્ષી છે. આજે અયોધ્યાના વિકાસ માટે હજારો કરોડો રૂપિયાની નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. માર્ગોનો વિકાસ થઈ રહ્યો છે. ચાર રસ્તા તથા ઘાટોનું સૌંદર્યીકરણ થઈ રહ્યું છે. નવા માળખા બની રહ્યા છે. એટલે કે અયોધ્યાનો વિકાસ એક નવા આયામની સ્પર્શી રહ્યો છે. અયોધ્યા રેલવે સ્ટેશનની સાથે સાથે વિશ્વકક્ષાના એરપોર્ટનું નિર્માણ પણ કરવામાં આવશે. એટલે કે કનેક્ટિવિટી અને આંતરરાષ્ટ્રીય પર્યટનનો લાભ આ સમગ્ર ક્ષેત્રને મળશે. અયોધ્યાના વિકાસની સાથે સાથે રામાયણ સરકિટના વિકાસ પર પણ કામ ચાલી રહ્યું છે. એટલે કે અયોધ્યાથી જે વિકાસ અભિયાનનો પ્રારંભ થયો તેનો વિસ્તાર આસપાસના સંપૂર્ણ ક્ષેત્રમાં થશે.
સાથીઓ,
આ સાંસ્કૃતિક વિકાસના ઘણા સામાજિક તથા આંતરરાષ્ટ્રીય પાસા પણ છે. શ્રુંગવેરપુર ધામમાં નિષાદરાજ પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અહીં ભગવાન રામ તથા નિષાદરાજની 51 ફૂટ ઉંચી કાંસ્ય પ્રતિમા બનાવવામાં આવી રહી છે. આ પ્રતિમા રામાયણના તે સર્વસમાવેશી સંદેશને પણ જન જન સુધી પહોંચાડશે જે આપણને સમાનતા તથા સમરસતા માટે સંકલ્પબદ્ધ કરે છે. આ જ રીતે અયોધ્યામાં ક્વિન-હો મેમોરિયલ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પાર્ક ભારત અને દક્ષિણ કોરિયા આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રગાઢ કરવા માટે, બંને દેશના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા માટેનું એક માધ્યમ બનશે. તમે કલ્પના કરી શકો છો આ વિકાસથી પર્યટનની આટલી સંભાવનાઓથી યુવાનો માટે રોજગોરની કેટલી તકો પેદા થશે. સરકારે જે રામાયણ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે તે ધાર્મિક પ્રવાસનની દિશામાં એક શાનદાર પ્રારંભ છે. આજે દેશમાં ચાર ધામ પ્રોજેક્ટ હોય, બુદ્ધ સરકિટ હોય અથવા તો પ્રસાદ યોજના અંતર્ગત ચાલી રહેલા વિકાસ કાર્યો હોય, આપણો આ સાંસ્કૃતિક ઉત્કર્ષ નવા ભારતના સમગ્ર ઉત્થાનના શ્રીગણેશ છે.
સાથીઓ,
આજે અયોધ્યા નગરીથી મારી સમગ્ર દેશના લોકો માટે એક પ્રાર્થના પણ છે, એક નમ્ર નિવેદન પણ છે. અયોધ્યા ભારતના મહાન સંસ્કૃતિના વારસાનું પ્રતિબિંબ છે. રામ, અયોધ્યાના રાજકુમાર હતા પરંતુ આરાધ્ય તો આખા દેશના છે. તેમની પ્રેરણા, તેમના તપ તપસ્યા, તેમણે ચીંધેલો માર્ગ તમામ દેશવાસી માટે છે. ભગવાન રામના આદર્શો પર ચાલવું આપણે તમામ ભારતીયોનું કર્તવ્ય છે. તેમના આદર્શોને આપણે સતત જીવવાના છે. જીવનમાં ઉતારવાના છે. અને આ જ આદર્શ પથ પર ચાલતા ચાલતા અયોધ્યા વાસીઓ પર બેવડી જવાબદારી છે. આપની બમણી જવાબદારી છે મારા અયોધ્યાના ભાઈઓ અને બહેનો. એ દિવસ દૂર નથી જ્યારે વિશ્વભરમાંથી અહીં આવનારાઓની સંખ્યા અનેક ગણી વધી જશે. જ્યાં કણ કણમાં રામ વ્યાપ્ત હોય ત્યાંના જન જન કેવા હોય, ત્યાંના લોકોના મન કેવા હોય તે પણ એટલું જ મહત્વનું છે. જેવી રીતે રામજીએ સૌને અપનાપન આપ્યું, તેવી જ રીતે અયોધ્યા વાસીઓઓએ અહીં આવનારા પ્રત્યેક વ્યક્તિનું સ્વાગત આપણાપણાથી કરવાનું છે. અયોધ્યાની ઓળખ કર્તવ્ય નગરીના રૂપમાં પણ બનવી જોઇએ. અયોધ્યા સૌથી સ્વચ્છ નગરી હોય, અહીંના રસ્તા પહોળા હોય, સુંદરતા અપ્રતિમ હોય, તેના માટે યોગીજીની સરકાર દિવ્ય દૃષ્ટિની સાથે અનેક પ્રકલ્પોને આગળ ધપાવી રહી છે, પ્રયાસ કરી રહી છે. પરંતુ આ પ્રયાસોમાં અયોધ્યાના લોકોનો સાથ વધી જશે તો અયોધ્યા જીની દિવ્યતા પણ નિખરી આવશે. હું ઇચ્છીશ કે જ્યારે પણ નાગરિક મર્યાદાની વાત હોય, નાગરિક શિસ્તની વાત હોય તો અયોધ્યાના લોકોનું નામ સૌથી આગળ આવે. હું અયોધ્યાની પૂણ્ય ભૂમિ પર પ્રભુ શ્રી રામ પાસેથી આ જ કામના કરું છું કે દેશના જન જનની કર્તવ્ય શક્તિથી ભારતનું સામર્થ્ય શિખર સુધી પહોંચે. નવા ભારતનું આપણું સ્વપ્ન માનવતાના કલ્યાણનું માઘ્યમ બને. આ જ મનોકામના સાથે હું મારી વાત પૂર્ણ કરું છું. એક વાર ફરીથી તમામ દેશવાસીઓને દિપાવલીની ખૂબ ખૂભ શુભેચ્છા પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.
બોલો – સિયાવર રામચંદ્ર કી જય.
સિયાવર રામચંદ્ર કી જય
સિયાવર રામચંદ્ર કી જય.
ધન્યવાદ જી.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1870556)
Visitor Counter : 324
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam