પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના રાજકોટમાં આશરે રૂ. 5860 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું


લાઇટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ નિર્માણ પામેલાં 1100થી વધુ મકાનોનું લોકાર્પણ કર્યું

ઇન્ડિયા અર્બન હાઉસિંગ કૉન્ક્લેવ 2022નું ઉદ્ઘાટન કર્યું

“વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના મંત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ”

"રાજકોટ મને શીખવતું રહ્યું અને હું શીખતો રહ્યો. રાજકોટ મારી પ્રથમ શાળા હતી"

"મૂળભૂત સુવિધાઓ અને ગરિમાપૂર્ણ જીવન વિના, ગરીબીમાંથી બહાર આવવું અશક્ય છે"

"દાયકાઓ પહેલા અપાયેલા 'ગરીબી હટાવો, રોટી-કપડાં-મકાન'ના નારા માત્ર નારા જ રહ્યા હતા"

અગાઉની સરકારોએ ગરીબો માટે એક જવાબદારી તરીકે નહીં પરંતુ એક મહેરબાની તરીકે મકાનો બાંધ્યાં હતાં. ગરીબોનાં ઘરને વધુ સારું બનાવવાનો અમારો સતત પ્રયાસ છે"

"છેલ્લા બે દાયકામાં રાજકોટમાંથી એન્જિનિયરિંગ સંબંધિત વસ્તુઓની નિકાસ 5 હજાર કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે"

"વિશ્વના 13 ટકાથી વધુ સિરામિકનું ઉત્પાદન એકલાં મોરબીમાં જ થાય છે"

Posted On: 19 OCT 2022 8:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના રાજકોટમાં આશરે રૂ. 5860 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઇન્ડિયા અર્બન હાઉસિંગ કૉન્ક્લેવ 2022નું ઉદઘાટન પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામેલાં 1100થી વધારે મકાનોનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જે અન્ય પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું તેમાં પાણી પુરવઠા યોજનાઃ બ્રાહ્મણી-2 ડેમથી નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશન સુધી મોરબી-બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ, રિજનલ સાયન્સ સેન્ટર, ફ્લાયઓવર બ્રિજ્સ અને રોડ કનેક્ટિવિટી સાથે સંબંધિત અન્ય પ્રોજેક્ટ્સ સામેલ છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ-27ના રાજકોટ-ગોંડલ-જેતપુર સેક્શનના હાલના ફોર-લેનને છ માર્ગીય બનાવવાનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર અને કચ્છમાં વિવિધ સ્થળોએ આશરે રૂ.૨૯૫૦ કરોડની જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતોનો શિલાન્યાસ કર્યો હતો. જે અન્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે તેમાં ગઢકા ખાતે અમૂલ ફેડ ડેરી પ્લાન્ટ, રાજકોટમાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, પાણી પુરવઠાના બે પ્રોજેક્ટ્સ અને માર્ગ અને રેલવે ક્ષેત્રના અન્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વર્ષનો એવો સમય છે, જ્યારે નવા સંકલ્પો લેવામાં આવે છે અને નવી શરૂઆત થાય છે. આ સમયે રાજકોટ સહિત કાઠિયાવાડના વિકાસને લગતા કેટલાક પ્રોજેકટો આજે પૂર્ણ થયા છે અને કેટલાક નવા પ્રોજેકટ શરૂ થયા છે. કનેક્ટિવિટી, ઉદ્યોગ, પાણી અને જાહેર સુવિધાઓ સાથે સંબંધિત આ પ્રોજેક્ટ્સ અહીંનું જીવન સરળ બનાવશે.

તેમણે જણાવ્યું હતું કે, દેશમાં 6 સ્થળો પૈકી રાજકોટ લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટેનું એક સ્થળ છે અને અદ્યતન ટેકનોલોજીથી નિર્માણ પામેલાં 1144 આવાસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટના સેંકડો ગરીબ પરિવારોને દિવાળી પહેલા આધુનિક ટેકનોલોજીથી બનેલાં શ્રેષ્ઠ ઘરોને સોંપવાનો આનંદ કંઈક અલગ જ છે. "હું ખાસ કરીને તે બહેનોને અભિનંદન આપું છું કે જેઓ આ ઘરોની માલિક બની છે અને ઇચ્છું છું કે આ દિવાળી, તમારા આ નવાં ઘરમાં લક્ષ્મીનો વાસ રહે."

છેલ્લાં 21 વર્ષમાં, પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, આપણે સંયુક્તપણે સ્વપ્નો જોયાં છે, ઘણાં પગલાં લીધાં છે અને ઘણી સફળતાઓ પણ મેળવી છે. "રાજકોટ મને શીખવતું રહ્યું અને હું શીખતો રહ્યો. રાજકોટ મારી પ્રથમ શાળા હતી." તેમણે યાદ અપાવ્યું કે રાજકોટ એક એવું સ્થળ પણ છે જ્યાં મહાત્મા ગાંધી પણ શીખવા માટે આવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હું ક્યારેય તમારું ઋણ ચૂકવી શકું તેમ નથી. એક વિદ્યાર્થી તરીકેની આપણી સફળતાનો સૌથી મોટો પુરાવો એ છે કે જેઓ આજની શાળા-કૉલેજમાં અભ્યાસ કરી રહ્યા છે, અથવા જેઓ તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં છે.

પ્રધાનમંત્રીએ રાજકોટ અને સમગ્ર રાજ્યમાં સુધરેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરી હતી. "જ્યારે હું યુવાન મિત્રોને મોડી રાત સુધી ડર્યા વિના બહાર ફરતા જોઉં છું, તેમનાં જીવનનું મહત્વપૂર્ણ કાર્ય કરતા જોઉં, ત્યારે તે મને ખૂબ જ સંતોષ આપે છે. સંતોષ એ હકીકતથી મળે છે કે અમે ગુનેગારો, માફિયાઓ, તોફાનીઓ, આતંકવાદીઓ અને કબજો જમાવતી ટોળકીઓથી છૂટકારો મેળવવામાં દિવસ-રાત ગાળ્યા હતા અને અમારા પ્રયત્નો વ્યર્થ ગયા ન હતા. દરેક માતાપિતા અહીં તેમનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જે શાંતિ અને સંવાદિતા સાથે સખત મહેનત કરી રહ્યા છે તે જોઈને આનંદ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે, છેલ્લા દાયકાઓમાં દરેક ગુજરાતી શક્ય હોય તેટલો સક્ષમ અને સમર્થ બને તેવો અમારો સતત પ્રયાસ રહ્યો છે. આ માટે જે પણ વાતાવરણની જરૂર છે, જ્યાં તેને પ્રોત્સાહન આપવાનું છે, તે સરકાર કરી રહી છે. 'વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ના મંત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, એક તરફ અમે વાઇબ્રન્ટ ગુજરાત અભિયાન મારફતે ઉદ્યોગો અને રોકાણને વેગ આપ્યો છે, તો બીજી તરફ કૃષિ મહોત્સવ અને ગરીબ કલ્યાણ મેળાઓ મારફતે ગામ અને ગરીબોને સશક્ત બનાવવાની પહેલ કરી છે. અને આપણે જોયું છે કે, જ્યારે ગરીબોનું સશક્તીકરણ થાય છે, ત્યારે તેઓ ગરીબીમાંથી બહાર નીકળવાનો માર્ગ ઝડપથી બનાવવાનું શરૂ કરી દે છે."

પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, મૂળભૂત સુવિધાઓ અને ગરિમાયુક્ત જીવન વિના ગરીબીમાંથી બહાર આવવું અશક્ય છે. તેમણે કહ્યું હતું કે, શૌચાલયો, વીજળી, પાઇપ દ્વારા પાણી, રાંધણ ગેસ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી સજ્જ ઘર એ ગરીબો માટે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. એ જ રીતે, રોગનો એક ફટકો પરિવારોને દરિદ્રતામાં ધકેલવા માટે પૂરતો છે. એટલે જ આયુષ્માન ભારત અને પીએમજેએવાય-એમએ જેવી યોજનાઓ ગરીબ પરિવારો માટે નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત સારવાર સુનિશ્ચિત કરવા માટે લાવવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અગાઉની સરકારો ગરીબોની આ સ્થિતિ, ગરીબોની લાગણીઓને સમજી નહોતી. આ જ કારણ છે કે દાયકાઓ પહેલા આપવામાં આવેલા ગરીબી હટાઓ, રોટી-કપડાં-મકાનનો નારો માત્ર એક નારો જ રહ્યો. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મત મેળવવામાં આવ્યા હતા અને સ્વાર્થી હિતો સાધવામાં આવ્યાં હતાં," એમ તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, છેલ્લાં 8 વર્ષમાં દેશનાં ગામડાંઓ અને શહેરોમાં 3 કરોડથી વધારે પાકાં મકાનો ગરીબોને આપવામાં આવ્યાં છે. આ દરમિયાન ગુજરાતનાં શહેરોમાં ગરીબો માટે 10 લાખ પાકાં મકાનોને મંજૂરી આપવામાં આવી છે અને 7 લાખનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભૂપેન્દ્રભાઈ અને તેમની ટીમ ગરીબો માટે ઘરનું નિર્માણ કરવા માટે પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. માત્ર ગરીબ જ નહીં, પરંતુ અમે મધ્યમ વર્ગનું આપણું પોતાનું ઘરનું સપનું સાકાર કરવા માટે પ્રથમ પગલું પણ ભર્યું છે."

કેન્દ્ર સરકારે ગુજરાતના લાખો મધ્યમવર્ગીય પરિવારોને પોતાનાં ઘર માટે લગભગ 11 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. એટલું જ નહીં, સાથી શહેરોમાં કામ માટે આવતા કામદારોને પણ ઓછાં ભાડાં સાથે વધુ સારાં મકાનો મળવાં જોઈએ. આ યોજના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, " એમ તેમણે માહિતી આપી હતી.

અગાઉની સરકારોએ ગરીબો માટે એક જવાબદારી તરીકે નહીં પરંતુ એક મહેરબાની તરીકે મકાનો બાંધ્યાં હતાં. અમે માર્ગો બદલ્યા છે,"એમ શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, મકાનોમાં રહેનારાઓને પોતાનું ઘર બનાવવા તથા તેઓ ઇચ્છે તે રીતે તેને સજાવવા માટે સંપૂર્ણ નિયંત્રણ અને સ્વતંત્રતા આપવામાં આવી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "ગરીબોનાં ઘરને શ્રેષ્ઠ બનાવવાનો અમારો સતત પ્રયાસ છે." તેમણે રાજકોટનો લાઇટ હાઉસ પ્રોજેક્ટ આ પ્રકારનો જ એક પ્રયાસ હોવાનું જણાવ્યું હતું. તેની સફળતા પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં વિવિધ ભાગોમાંથી ઘણાં લોકો રાજકોટમાં આ મોડલ જોવા આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે ગુજરાતે આધુનિક ટેકનોલોજીથી 1100થી વધારે મકાનો બનાવ્યાં છે, એટલું જ નહીં, પણ ભવિષ્યમાં પાકાં મકાનો મેળવવા જઈ રહેલા લાખો ગરીબ પરિવારો માટે પણ આ એક સારા સમાચાર છે." પ્રધાનમંત્રીએ લાભો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, રાજકોટમાં આ આધુનિક ઘરો દેશમાં ઝડપથી અફોર્ડેબલ હોમ્સ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે ઉમેર્યું હતું કે, "તેનાથી હાઉસિંગ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે." પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે દેશમાં હજારો યુવાનોને તાલીમ આપીને અને નવાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપીને આ પ્રકારની ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા માટે આપણા પોતાના યુવાનોને તૈયાર કરવાની પહેલ પણ કરી છે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, માર્ગો, બજારો, મૉલ્સ અને પ્લાઝા ઉપરાંત શહેરી જીવનની અન્ય એક જવાબદારી પણ છે. તેમણે કહ્યું હતું કે, "અમારી સરકારે પહેલી વાર શેરી વિક્રેતાઓની જવાબદારી સમજી છે. પહેલી વાર અમે તેમને બૅન્ક સાથે જોડ્યા છે. આજે આ સાથીઓને સ્વનિધિ યોજના દ્વારા સરળ લોન પણ મળી રહી છે અને તેઓ તેમના વ્યવસાયને વિસ્તૃત કરવાનું વિચારી શકે છે. આજે તમે જુઓ, આ વિક્રેતાઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા ડિજિટલ ઇન્ડિયાને તાકાત આપી રહ્યા છે.

રાજકોટમાં એમએસએમઇની સંખ્યાની નોંધ લેતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ શહેર એક ઔદ્યોગિક શહેર તરીકે અને એમએસએમઇનાં કેન્દ્ર તરીકે ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દેશનો ભાગ્યે જ કોઈ એવો ભાગ હશે કે જે રાજકોટમાં બનતા પંપ, મશીન અને સાધનો જેવી કોઈ સામગ્રીનો ઉપયોગ ન કરે. ફાલ્કન પમ્પ, ફિલ્ડમાર્શલ, એન્જલ પમ્પ, ફ્લોટેક એન્જિનિયરિંગ, જલગંગા પમ્પ, સિલ્વર પપ, રોટેક પમ્પ, સિદ્ધિ એન્જિનિયર્સ, ગુજરાત ફોર્જિંગ અને ટોપલેન્ડ જેવાં ઉદાહરણો ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટની આ પ્રોડક્ટ્સ દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે, "છેલ્લા બે દાયકામાં રાજકોટમાંથી એન્જિનિયરિંગને લગતી ચીજવસ્તુઓની નિકાસ રૂ. 5,000 કરોડથી વધારે થઈ ગઈ છે." તેમણે નોંધ્યું હતું કે, ફેક્ટરીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે અને કામદારોની સંખ્યામાં પણ અનેક ગણો વધારો થયો છે. સમગ્ર ઇકોસિસ્ટમનાં કારણે અન્ય હજારો લોકોને પણ અહીં રોજગારી મળી છે. તેવી જ રીતે મોરબીએ પણ અદ્દભૂત કામગીરી કરી છે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, મોરબીની સિરામિક ટાઇલ્સ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેમણે જણાવ્યું હતું કે, "વિશ્વના 13 ટકાથી વધુ સિરામિકનું ઉત્પાદન એકલા મોરબીમાં જ થાય છે." પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, મોરબીને ટાઉન ઑફ એક્સપોર્ટ એક્સેલન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાલો હોય, ફ્લોર હોય, બાથરૂમ હોય, શૌચાલય હોય, તે મોરબી વિના અધૂરાં છે." મોરબીમાં 15 હજાર કરોડનાં રોકાણથી સિરામિક પાર્ક બનાવવામાં આવી રહ્યો હોવાની માહિતી તેમણે આપી હતી. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને તેની પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિ માટે અભિનંદન આપીને સમાપન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજયમંત્રી શ્રી કૌશલ કિશોર, પૂર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તથા સંસદ સભ્યો શ્રી મોહનભાઇ કુંડારીયા અને શ્રી રામાભાઇ મોકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીએ ગુજરાતના રાજકોટમાં આશરે રૂ. 5860 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. તેમણે ઇન્ડિયા અર્બન હાઉસિંગ કૉન્ક્લેવ 2022નું ઉદઘાટન પણ કર્યું હતું, જેમાં આયોજન, ડિઝાઇન, નીતિ, નિયમનો, અમલીકરણ, વધુ ટકાઉપણું અને સર્વસમાવેશકતા લાવવા સહિત ભારતમાં આવાસ સાથે સંબંધિત વિવિધ પાસાંઓને આવરી લેતી ચર્ચા-વિચારણા થશે. આ જાહેર કાર્યક્રમ પછી પ્રધાનમંત્રીએ નિર્માણની નવીન પદ્ધતિઓ પરનાં પ્રદર્શનનું ઉદઘાટન પણ કર્યું હતું.

જાહેર કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામેલાં 1100થી વધારે મકાનોનું લોકાર્પણ કર્યું હતું. આ મકાનોની ચાવી પણ લાભાર્થીઓને સોંપવામાં આવી. તેમણે બ્રાહ્મણી-2 ડેમથી નર્મદા કેનાલ પમ્પિંગ સ્ટેશન સુધી પાણી પુરવઠા યોજના મોરબી-બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમના દ્વારા સમર્પિત કરવામાં આવેલા અન્ય પ્રોજેક્ટ્સમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, ફ્લાયઓવર બ્રિજ અને માર્ગ ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં રાષ્ટ્રીય રાજમાર્ગ-27ના રાજકોટ-ગોંડલ-જેતપુર સેક્શનના હાલના ફોર-લેનને છ માર્ગીય બનાવવાનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે મોરબી, રાજકોટ, બોટાદ, જામનગર અને કચ્છમાં વિવિધ સ્થળોએ આશરે રૂ.૨૯૫૦ કરોડની જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતોનો શિલાન્યાસ કર્યો હતો. જે અન્ય પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેમાં ગઢકા ખાતે અમૂલ ફેડ ડેરી પ્લાન્ટ, રાજકોટમાં ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, પાણી પુરવઠાના બે પ્રોજેક્ટ્સ અને માર્ગ અને રેલવે ક્ષેત્રના અન્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

YP/GP/JD


(Release ID: 1869351) Visitor Counter : 248