પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ અને ભારતમાં 5G સર્વિસના લોન્ચિંગ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 01 OCT 2022 5:30PM by PIB Ahmedabad

આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગીગણ, દેશના ઉદ્યોગજગતના પ્રતિનિધિગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.
આ સમિટ તો વૈશ્વિક છે પરંતુ અવાજ સ્થાનિક છે. એટલું જ નહીં પરંતુ આગાઝ પણ સ્થાનિક છે. આજે 21મી સદીના વિકસીત થઈ રહેલા ભારતના સામર્થ્યનો, એ સામર્થ્યને નિહાળવાનો તથા તેના પ્રદર્શનનો એક વિશેષ દિવસ છે. આઝાદીના અમૃત મહોત્સવના આ ઐતિહાસિક કાળખંડમાં પહેલી ઓક્ટોબર 2022, આ તારીખ ઇતિહાસમાં નોંધાઈ જનારી છે. બીજું આ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. શક્તિ ઉપાસનાનું પર્વ હોય છે અને 21મી સદીની જે સૌથી મોટી શક્તિ છે તે શક્તિને નવી ઉંચાઈ પર લઈ જવાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે દેશ તરફથી, દેશની ટેલિકોમ ઇન્ડસ્ટ્રી તરફથી, 130 કરોડ ભારતવાસીઓને 5
Gના રૂપમાં એક શાનદાર ભેટ મળી રહી છે. 5G દેશના દ્વારે એક નવા યુગનો પ્રારંભ લઈને આવ્યું છે. 5G, અવસરોના અનંત આકાશનો પ્રારંભ છે. હું પ્રત્યેક ભારતવાસીને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

હું ગૌરવ ભરેલી આ ક્ષણની સાથે જ મને આનંદ એ વાતનો છે કે 5Gના પ્રારંભમાં ગ્રામીણ શાળાઓના બાળકો પણ આપણી સાથે સહભાગી છે. મજૂર ગરીબ પણ સહભાગી છે. હમણાં જ હું ઉત્તર પ્રદેશની એક ગ્રામીણ સ્કૂલની દિકરી સાથે 5G હોલોગ્રામ ટેકનોલોજી મારફતે રૂબરૂ થઈ રહ્યો હતો. જ્યારે હું 2012ની ચૂંટણીમાં હોલોગ્રામ લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો તો દુનિયા માટે એક અજાયબી હતી. આજે તે ઘરે ઘરે પહોંચી રહ્યું છે. મેં અનુભવ્યું કે નવી ટેકનિક તેમના માટે કેવી રીતે અભ્યાસના વલણ બદલી રહી છે. આ જ રીતે ગુજરાત, મહારાષ્ટ્ર તથા ઓડિશાના ગામડાઓમાં દૂર દૂર શાળાઓ સુધી 5G મારફતે બાળકો મોટા મોટા નિષ્ણાતોની સાથે ક્લાસમાં નવી નવી ચીજો શીખી રહ્યા છે. તેમની સાથે નવા યુગના ક્લાસનો હિસ્સો બનવો તે ખરેખર ખૂબ રોમાંચિત કરનારો અનુભવ છે.

સાથીઓ,
5
Gને લઈને ભારતના પ્રયાસોનો અન્ય એક સંદેશ છે. નવું ભારત, ટેકનોલોજીનું માત્ર ગ્રાહક બનીને રહેશે નહીં પરંત ભારત એ ટેકનોલોજીના વિકાસમાં, તેના અમલીકરણમાં ઘણી મોટી સક્રિય ભૂમિકા નિભાવશે. ભવિષ્યની વાયરલેસ ટેકનોલોજીને ડિઝાઇન કરવામાં, તેની સાથે સંકળાયેલા ઉત્પાદનમાં ભારતની ભૂમિકા ઘણી મહત્વની હશે. 2G, 3G, 4Gનો સમયે ભારત ટેકનોલોજી માટે અન્ય દેશો પર આધારિત રહ્યો. પરંતુ 5Gની સાથે ભારતે નવો ઇતિહાસ રચી દીધો છે. 5Gની સાથે ભારત પહેલી વાર ટેલિકોમ ટેકનોલોજીમાં વૈશ્વિક ધોરણો સુનિશ્ચિત કરી રહ્યું છે. ભારત આગેવાની લઈ રહ્યું છે. આજે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારી દરેક વ્યક્તિએ સમજી રહી છે કે 5G, ઇન્ટરનેટનું સંપૂર્ણ આર્કિટેક્ચર બદલીને મૂકી દેશે. તેથી જ ભારતના યુવાનો માટે આજે 5G ઘણી મોટી તક લઈને આવ્યું છે. મને આનંદ છે કે વિકસીત ભારતનો સંકલ્પ લઈને આગળ ધપી રહેલો આપણો દેશ, દુનિયાની સાથે કેવી રીતે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યો છે. આ ભારતની ઘણી મોટી સફળતા છે, ડિજિટલ ઇન્ડિયા અભિયાનની ઘણી મોટી સફળતા છે.

સાથીઓ,
જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ ચીએ તો કેટલાક લોકો સમજે છે કે માત્ર એક સરકારી યોજના છે. પરંતુ ડિજિટલ ઇન્ડિયા માત્ર એક નામ નથી તે દેશના વિકાસનું એક મોટું વિઝન છે. આ વિઝનનો લક્ષ્યાંક છે તે ટેકનોલોજીને સામાન્ય લોકો સુધી પહોંચાડવી જે લોકો માટે કામ કરે અને લોકોની સાથે જોડાઈને કામ કરે. મને યાદ છે જ્યારે મોબાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલા આ વિઝન માટે યોજના બનાવવામાં આવી રહી હતી તો મેં કહ્યું હતું કે આપણો અભિગમ ટુકડા ટુકડામાં હોવો જોઇએ નહીં પરંતુ સાર્વત્રિક અભિગમ હોવો જોઇએ. ડિજિટલ ઇન્ડિયાની સફળતા માટે એ જરૂરી હતું કે તે આ ક્ષેત્રના તમામ પાસાઓને એક સાથે કવર કરી લે.  તેથી જ અમે ચાર પિલ્લર પર અને ચાર દિશાઓમાં એક સાથે ધ્યાન કેન્દ્રીત કર્યું. પ્રથમ – ડિવાઇસની કિંમત, બીજું – ડિજિટલ કનેક્ટિવિટી, ત્રીજું – ડેટાનું મૂલ્ય, ચોથું અને જે સૌથી જરૂરી છે તે ડિજિટલ ફર્સ્ટનો વિચાર.

સાથીઓ,

જ્યારે આપણે પ્રથમ પિલ્લરની વાત કરીએ છીએ તો ડિવાઇસની કિંમતની વાત કરીએ છીએ. તો એક વાત અત્યંત સ્પષ્ટ છે. ડિવાઇસની કિંમત ત્યારે જ ઓછી થઈ શકે છે જ્યારે આપણે આત્મનિર્ભર હોઈએ અને તમને યાદ હશે કે ઘણા લોકોએ આત્મનિર્ભરની મારી વાતની મજાક ઉડાવી હતી. 2014 સુધી આપણે લગભગ 100 ટકા મોબાઈલ ફોન આયાત કરતા હતા, વિદેશથી આયાત કરતા હતા અને તેથી જ અમે નક્કી કર્યું કે અમે આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનીશું. અમે મોબાઇલ મેન્યુફેક્ચર એકમનો વ્યાપ કર્યો. 2014માં જ્યાં દેશમાં માત્ર  બે મોબાઇલ મેન્યેક્ચરિંગ યુનિટ હતા, એટલે કે આઠ વર્ષ અગાઉ માત્ર બે અને આજે તેની સંખ્યા 200 ઉપર છે. અમે ભારતમાં મોબાઇલ ફોનના ઉત્પાદનને વધારવા માટે પ્રોત્સાહન આપ્યું, ખાનગી ક્ષેત્રોને પ્રોત્સાહિત કર્યા. આજે આ જ યોજનાનો વિસ્તાર તમે પીએલઆઈ યોજનામાં જોઈ રહ્યા છો. આ પ્રયાસોનું પરિણામ ઘણું હકારાત્મક રહ્યું. આજે ભારત મોબાઇલ ઉત્પાદન કરવામાં દુનિયામાં બીજા ક્રમે છે. એટલું જ નહીં આપણે મોબાઇલની આયાત કરતા હતા. આજે આપણે મોબાઇલની નિકાસ કરીએ છીએ. દુનિયાને મોકલી રહ્યા છીએ. જરા વિચારો. 2014માં ઝીરો ફોનની નિકાસથી લઈને આજે આપણે હજારો કરોડના મોબાઈલ ફોનની નિકાસ કરનારો દેશ બની ગયા છીએ. એક્સપોર્ટ કરનારો દેશ બની ગયા છીએ. સ્વભાવિક છે કે આ તમામ પ્રયાસોનો પ્રભાવ ડિવાઇસની કિંમત પર પડ્યો છે. હવે કિંમત પર આપણને વધુને વધુ ફિચર્સ પણ મળી રહ્યા છે.

સાથીઓ,
ડિવાઇસની કિંમત બાદ જે બીજા પિલ્લર પર અમે કામ કર્યું છે તે છે ડિજિટલ કનેક્ટિવિટીનું. આપ જાણો છો કે કમ્યુનિકેશન સેક્ટરની ખરી તાકાત કનેક્ટિવિટીમાં છે. જેટલા વધારે લોકો કનેક્ટ થશે, આ સેક્ટર માટે એટલી જ સારી બાબત છે. જો આપણે બ્રોડ બેન્ડ કનેક્ટિવિટીની વાત કરીએ તો 2014માં છ કરોડ ઉપભોક્તા હતા. આજે તેની સંખ્યા વધીને 80 કરોડથી વધી ગઈ છે. જો આપણે ઇન્ટરનેટ કનેક્શનની સંખ્યાની વાત કરીએ તો 2014માં જયાં 25 કરોડ ઇન્ટરનેટ કનેક્શન હતા ત્યાં આજે તેની સંખ્યા લગભગ લગભગ 85 કરોડ સુધી પહોંચી રહી છે. એ બાબત પણ નોંધ કરવા લાયક છે કે આજે શહેરોમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યાની સરખામણીએ ગ્રામીણ ક્ષેત્રોમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ઝડપથી આગળ વધી રહી છે. અને તેનું એક ખાસ કારણ છે. 2014માં જ્યાં દેશમાં 100થી ઓછી પંચાયતો સુધી ઓપ્ટિકલ ફાઈબર પહોંચ્યા હતા આજે એક લાખ 70 હજારથી પણ વધારે પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડી દેવામાં આવ્યા છે. હવે ક્યાં 100 અને ક્યાં એક લાખ 70 હજાર. જેવી રીતે સરકારે ઘર ઘર વિજળી પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું હતું, જેવી રીતે હર ઘર જલ અભિયાન મારફતે દરેક વ્યક્તિ સુધી સ્વચ્છ પાણી પહોંચાડવાના મિશન પર કામ કર્યું હતું, જેવી રીતે ઉજ્જવલા યોજના દ્વારા ગરીબમાં ગરીબ વ્યક્તિના ઘરમાં પણ ગેસ સિલિન્ડર પહોંચાડ્યો, જેવી રીતે અમે કરોડોની સંખ્યામાં લોકો બેંક એકાઉન્ટથી વંચિત હતા. કરોડો લોકો બેંક સાથે જોડાયા ન હતા. આઝાદીના આટલા વર્ષો બાદ જનધન એકાઉન્ટ દ્વારા હિન્દુસ્તાનના નાગરિકોને બેંક સાથે જોડી દીધા. તેવી જ રીતે અમારી સરકાર, ઇન્ટરનેટ ફોર ઓલ (તમામ માટે ઇન્ટરનેટ)ના લક્ષ્યાંક પર કામ કરી રહી છે.

સાથીઓ,
ડિજિટલ કનેક્ટિવિટી વધવાની સાથે જ ડેટાની કિંમત પણ એટલી જ મહત્વની બની જાય છે. આ ડિજિટલ ઇન્ડિયાનું ત્રીજું પિલ્લર હતું. જેની ઉપર અમે સંપૂર્ણ તાકાત સાથે કામ કર્યું. અમે ટેલિકોમ સેક્ટરના માર્ગમાં આવનારી તમામ અડચણોને દૂર કરી દીધી. અગાઉ વિઝન અને પારદર્શિતાના અભાવમાં ટેલિકોમ ક્ષેત્રને તમામ સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. તમે સુપરિચિત છો કે કેવી રીતે અમે 4
G ટેકનિકના વ્યાપ માટે નીતિવિષયક સપોર્ટ આપ્યો. તેનાથી ડેટાની કિંમતમાં ધરખમ ઘટાડો થયો અને દેશમાં ડેટા ક્રાંતિનો જન્મ થયો.


જોતજોતામાં આ ત્રણેય પાસા, ડિવાઇસની કિંમત, ડિજિટલ કનેક્ટિવિટી અને ડેટાની કિંમત – આ આ ત્રણેય ગુણાત્મક અસરો દરેક સ્થળે સામે આવવા લાગી.

પરંતુ સાથીઓ,
આ તમામની સાથે એક અન્ય મહત્વપૂર્ણ કાર્ય થયું. દેશમાં ડિજિટલ ફર્સ્ટનો વિચાર વિકસીત થયો. એક સમય હતો જ્યારે મોટા મોટા વિદ્વાનો, એલાઇટ ક્લાસ, તેના કેટલાક મુઠ્ઠીભર લોકો, ગૃહમાં કેટલાક ભાષણ જોઇ લેવા, કેવા કેવા ભાષણો આપણા નેતાઓ કરતા હતા. તેઓ મજાક ઉડાવતા હતા. તેમન લાગતું હતું કે ગરીબ લોકોની ક્ષમતા જ નથી, તેઓ ડિજિટલ સમજી જ શકે તેમ નથી, શંકા કરતા હતા. તેમને શંકા હતી કે ગરીબ લોકો ડિજિટલનો અર્થ જ સમજી શકશે નહીં. પરંતુ મને દેશના સામાન્ય માનવીની સમજ ઉપર, તેમના વિવેક પર, તેમના જિજ્ઞાસુ મન પર હંમેશાં ભરોસો રહ્યો છે. મે જોયું છે કે ભારતનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ નવી ટેકનિકોને અપનાવવામાં આગળ રહે છે અને હું એક નાનકડો અનુભવ કહી રહ્યો છું. કદાચ તે 2007-08નો સમયગાળો હશે અથવા તો 2009-10નો મને યાદ નથી. હું ગુજરાતમાં મુખ્યમત્રી હતો પણ એક ક્ષેત્ર એવું રહ્યું જ્યાં હું ક્યારેય ગયો  ન હતો અને અત્યંત આદિવાસી વિસ્તારમાં, ઘણા પછાત, મેં મારા સરકારના અધિકારીને કહ્યું કે મારે એક વાર ત્યાં કાર્યક્રમ કરવો જ કરવો છે, મારે જવું છે. તો એ વિસ્તાર એવો હતો જ્યાં કોઈ મોટા પ્રોજેક્ટની સંભાવના જ ન હતી. જંગલની જમીન હતી, કોઈ સંભાવના ન હતી. તો આખરે એક ચિલિંગ સેન્ટર, દૂધનું ચિલિંગ સેન્ટર અને એ પણ 25 લાખ રૂપિયાનું. મેં કહ્યું ભલે તે 25 લાખનું હશે, 25 હજારનું હશે પણ હું જાતે જ ઉદઘાટન કરીશ. હવે લોકોને લાગે છે ને ભાઈ કે મુખ્યમંત્રીએ આથી નીચેનું તો કરવું જ જોઇએ નહીં. પણ મને આવું કાંઈ હોતું નથી. તો હું એ ગામમાં ગયો અને જ્યાં એક જાહેર બેઠક કરવા માટે પણ જગ્યા ન હતી તો ત્યાંથી ચાર કિલોમીટર દૂર સ્કૂલના એક નાનકડું મેદાન હતું. ત્યાં જાહેર સભા આયોજિત કરવામાં આવી. પણ જ્યારે હું તે ચિલિંગ સેન્ટર પર ગયો તો આદિવાસી માતાઓ, બહેનો દૂધ ભરવા માટે લાઇનમાં ઉભી હતી. તો દૂધનું પોતાનું વાસણ નીચે રાખીને જ્યારે અમે લોકો ત્યાં ગયા તો તેની ઉદઘાટનની વિધી કરી રહ્યા હતા તો મોબાઇલથી ફોટો લઈ રહી હતી. હું આશ્ચર્યચકિત હતો કે આટલા અંતરિયાળ ક્ષેત્રમાં મોબાઇલથી ફોટો લઈ રહી છે તો હું તેમની પાસે ગયો. મેં કહ્યું આ ફોટો લઈને શું કરશો
? તો કહે કે ડાઉનલોડ કરીશું. આ શબ્દો સાંભળીને હું ખરેખર આશ્ચર્યચકિત રહી ગયો. કે આ તાકાત છે આપણા દેશના ગામડામાં. આદિવાસી ક્ષેત્રની ગરીબ માતાઓ, બહેનો જે દૂધ ભરવા માટે આવી હતી તે મોબાઇલ ફોનથી પોતાના ફોટો લઈ રહી હતી અને તેમને એ ખબર હતી કે આમાંથી હવે ડાઉનલોડ કરી દઇશું અને ડાઉનલોડ શબ્દ તેમના મૂખમાંથી નીકળવો તે તેમની સમજ શક્તિ અને નવી ચીજોને સ્વિકારવાનો સ્વભાવનો પરિચય આપે છે. હું કાલે ગુજરાતમાં હતો તો હું માતા અંબાના તીર્થ ક્ષેત્રમાં જઈ રહ્યો હતો તો રસ્તામાં નાના નાના ગામડાં હતા. અડધાથી વધારે લોકો એવા હશે જે મોબાઇલથી વીડિયો ઉતારી રહ્યા હતા. અડધાથી વધારે એટલે કે આપણા દેશમાં આ જે તાકાત છે આ તાકાતને આપણે નજરઅંદાજ કરી શકીએ નહીં અને માત્ર દેશના એલાઇટ ક્લાસના કેટલાક લોકોને જ આપણા ગરીબ ભાઈઓ, બહેનો પર ભરોસો ન હતો. આખેર આપણે ડિજિટલ ફર્સ્ટના વલણની સાથે આગળ વધવામાં સફળ રહ્યા છીએ. સરકારે જાતે જ આગળ વધીને ડિજિટલ પેમેન્ટનો માર્ગ સરળ બનાવ્યો. સરકારે ખુદે જ એપ મારફતે સિટિઝન સેન્ટ્રીક ડિલિવરી સર્વિસને પ્રોત્સાહન આપ્યું છે. વાત પછી ખેડૂતોની હોય, કે નાના નાના દુકાનદારોની, અમે તેને એપ મારફતે રોજિંદી જરૂરિયાત પૂરી કરવાનો માર્ગ આપ્યો. તેનું પરિણામ આજે આપ જોઈ રહ્યા છો. આજે ટેકનોલોજી ખરા અર્થમાં લોકશાહી બની ગઈ છે, લોકતાંત્રિક બની ગઈ છે. આપે પણ જોયું કે ડિજિટલ ફર્સ્ટના અમારા વલણે કોરોનાની વૈશ્વિક મહામારીના આ સમયમાં દેશના લોકોની કેટલી મદદ કરી હતી. દુનિયાના મોટા મોટા વિકસિત દેશ જ્યારે પોતાના નાગરિકોની મદદ કરવામાં સંઘર્ષ કરી રહ્યા હતા. ખજાનામાં રૂપિયા પડ્યા હતા, ડોલર હતા, પાઉન્ડ હતા, બધું જ હતું, યુરો હતા અને આપવાનો નિર્ણય પણ કર્યો હતો પરંતુ પહોંચાડવાનો માર્ગ ન હતો. ભારત એક ક્લિક પર હજારો કરોડ રૂપિયા મારા દેશના નાગરિકોના ખાતમાં ટ્રાન્સફર કરી રહ્યું હતું. આ ડિજિટલ ઇન્ડિયાની જ તાકાત હતી કે જ્યારે દુનિયા થંભી ગઈ હતી તો પણ આપણા બાળકો ઓનલાઇન ક્લાસ ભરી રહ્યા હતા, અભ્યાસ કરી રહ્યા હતા. હોસ્પિટલો સામે અસામાન્ય પડકારો હતા પરંતુ ડૉક્ટર્સ પોતાની દર્દીઓની સારવાર ટેલિમેડિસીન દ્વારા કરી રહ્યા હતા. ઓફિસો બંધ હતી પરંતુ વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હતું. આજે આપણા નાના વેપારી હોય, નાના ઉદ્યમી હોય, સ્થાનિક કલાકાર હોય, કારીગર હોય ડિજિટલ ઇન્ડિયાએ સૌને મંચ આપ્યું છે, બજાર આપ્યું છે. આજે આપ કોઈ સ્થાનિક માર્કેટમાં આપ શાક માર્કેટમાં જઇને જૂઓ, લારી ગલ્લાવાળો નાનો દુકાનદાર પણ આપને કહેશે, રોકડ નથી તો યુપીઆઈ કરી દો.  મેં વચ્ચે એક વિડિયો જોયો તો કોઈ ભિક્ષુક પણ ડિજિટલ પેમેન્ટ લઈ રહ્યો છે. પારદર્શિત જૂઓ આ પરિવર્તન દર્શાવે છે કે જ્રે સવલત સુલભ હોય છે તો વિચાર કેવી રીતે મજબૂત બની જાય છે.

સાથીઓ,
આજે ટેલિકોમ સેક્ટરમાં પણ જે ક્રાંતિ દેશ નિહાળી રહ્યો છે તે એ વાતનો પુરાવો છે કે જો સરકાર સારી દાનતથી કામ કરે તો નાગરિકોની દાનત બદલાતા વાર લાગતી નથી. 2
Gની દાનત અને 5Gની દાનતમાં આ જ ફરક છે. મોડેથી આવ્યા પણ સારી રીતે આવ્યા. ભારત આજે દુનિયાના એ દેશોમાં છે જ્યાં ડેટા એટલો સસ્તો છે. અગાઉ 1G ડેટાની કિંમત જ્યાં 300 રૂપિયા જેટલી રહેતી હતી ત્યાં આજે 1G ડેટાનો ખર્ચ માત્ર દસ રૂપિયા આવે છે. આજે ભારતમાં મહિનામાં એક વ્યક્તિ મોબાઇલ પર લગભગ લગભગ 14 GB ડેટાનો ઉપયોગ કરી રહ્યો છે. 2014માં આ 14 જીબી ડેટાની કિંમત હતી લગભગ લગભગ 4200 રૂપિયા પ્રતિ માસ. આજે એટલો જ ડેટા તે 100 રૂપિયા અથવા તો વધુમાં વધુ 150 રૂપિયા, સવા સો દોઢસો રૂપિયામાં મળી જાય છે. એટલે કે આજે ગરીબના, મધ્યમ વર્ગના મોબાઇલ ડેટાના લગભગ લગભગ ચાર હજાર રૂપિયા દર મહિને બચાવી રહ્યો છે તેના ખિસ્સામાંથી. અમારી સરકારના આટલા તમામ પ્રયાસોથી ભારતમાં ડેટાની કિંમત ઘણી ઘટી ગઈ છે. એ વાત અલગ છે કે 4000 રૂપિયા બચાવવા કોઈ નાની વાત નથી દર મહિને પણ જ્યારે હું કહી રહ્યો છું ત્યારે આપને ધ્યાનમાં આવ્યું હશે કેમ કે અમે તેના વિશે હો-હા મચાવી નથી, જાહેરાતો કરી નથી, ખોટા ખોટા ગપ્પાં હાંક્યા નથી, અમે દેશના લોકોની સવલત વધારવા માટે ધ્યાન કેન્દ્રીત કર્યું, જીવનશૈલી સરળ બને અને વધે.

સાથીઓ,
અવારનવાર એમ કહેવામાં આવે છે કે ભારત પ્રથમ ત્રણ ઓદ્યોગિક ક્રાંતિઓનો લાભ ઉઠાવી શક્યું ન હતું. પરંતુ મારો વિશ્વાસ છે કે ભારત માત્ર ચોથી ઓદ્યોગિક ક્રાંતિનો માત્ર લાભ જ ઉઠાવશે નહીં પરંતુ તેનું નેતૃત્વ પણ કરશે અને વિદ્વાન લોકો તો કહેવા પણ લાગ્યા છે કે ભારતનો દાયકો નથી આ ભારતની શતાબ્દિ છે. આ દાયકો નહીં સદી છે. ભારતે કેવી રીતે 4
G આવ્યા બાદ ટેકનોલોજીની દુનિયામાં ઉંચાઈ તરફ છલાંગ લગાવી છે તેના આપણે સૌ સાક્ષી છીએ. ભારતના નાગરિકોને જ્યારે ટેકનોલોજીના સમાન અવસર મળી જાય છે તો દુનિયામાં તેને કોઈ પરાસ્ત કરી શકતો નથી. તેથી આજે જ્યારે ભારતમાં 5G લોન્ચ થઈ રહ્યું છે તો હું ખૂબ આશાથી ભરેલો છું દોસ્તો, હું દૂરનું જોઈ શકું છું અને જે સપના આપણા દિલો દિમાગમાં ચાલી રહ્યા છે તેને આપણી નજર સમક્ષ સાકાર થતા જોઇશું. આપણા પછીની પેઢી એ જોશે આવું કામ થનારું નથી આપણે પણ આપણી નજર  સમક્ષ નિહાળનારા છીએ. આ એક સુખદ સંયોગ છે કે થોડા સપ્તાહ અગાઉ જ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. અને તેથી જ આ અવસર છે આપણા યુવાનો માટે, જેઓ 5G ટેકનોલોજીની મદદથી દુનિયાભરનું ધ્યાન આકર્ષિત કરનારા ઇનોવેશન કરી રહ્યા છે. આ અવસર છે આપણા આંતરપ્રિન્યોર માટે જે 5 જી ટેકનોલોજીનો ઉપયોગ કરતાં પોતાનો વ્યાપ વધારી રહ્યા છે. આ અવસર છે ભારતના સામાન્ય માનવી માટે જે આ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં કરતાં પોતાની સ્કીલને સુધારી શકે છે, અપ સ્કીલ કરી શકે છે, રિ-સ્કીલ કરી શકે છે અને પોતાના આઇડિયાને હકીકતમાં બદલી શકે છે.

સાથીઓ,
આજનો આ ઐતિહાસિક અવસર એક રાષ્ટ્ર તરીકે, ભારતના એક નાગરિક તરીકે આપણા માટે એક નવી પ્રેરણા લઈને આવ્યો છે. શા માટે આપણે આ 5 જી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતના વિકાસને અભૂતપૂર્વ ગતિ ના આપીએ
? શા માટે આપણે આ 5 જી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણી અર્થવ્યવસ્થાનો અત્યંત ઝડપથી વિસ્તાર ના કરીએ ? શા માટે આપણે આ 5 જી ટેકનોલોજીના ઉપયોગ કરીને પોતાની ઉત્પાદકતામાં વિક્રમી વધારો ના કરીએ ?

સાથીઓ,
આ સવાલોમાં દરેક ભારતીય માટે એક અવસર છે. એક પડકાર છે, એક સ્વપ્ન છે અને એક સંકલ્પ પણ છે. મને ખબર છે આજે 5 જીના આ લોન્ચિંગને  જે વર્ગ સૌથી વધારે ઉત્સાહથી જોઇ રહ્યો છે તે મારા યુવાન સાથીઓ છે, મારા દેશની યુવાન પેઢી છે. આપણી ટેલિકોમ ઇન્ડસ્ટ્રી માટે પણ, ઘણા મોટા અવસરની રાહ જોઇ રહી છે, રોજગારના ઘણા નવા અવસરો બનવા જઈ રહ્યા છે. મને વિશ્વાસ છે  આપણા ઉદ્યોગો, આપણા સંસ્થાનો અને આપણા યુવાનો સાથે મળીને આ દિશામાં સતત કામ કરશે અને હમણા જ્યારે હું ઘણો સમય આ જે પ્રદર્શન લાગેલું છે તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું કોઈ ટેકનોલોજીનો વિદ્યાર્થી નથી. પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ જોઈને મને લાગ્યું કે હું સરકારમાં તો સૂચના આપનારો માનવી છું. કે અમારી સરકારના તમામ વિભાગ, તેના તમામ અધિકારી જરા જૂએ ક્યાં ક્યાં તેનો ઉપયોગ થઈ શકે છે જેથી સરકારની નીતિઓમાં પણ તેની અસર નજર પડવી જોઇએ. હું દેશના વિદ્યાર્થીઓ પાસેથી પણ ઇચ્છીશ કે આ પ્રદર્શન પાંચ દિવસ ચાલનારું છે.  હું ખાસ કરીને ટેકનોલોજી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને આગ્રહ કરીશ કે આપ આવો, તેને જૂઓ, સમજો અને કેવી રીતે દુનિયા બદલાઈ રહી છે અને આપ એક વાર જોશો તો અનેક નવી ચીજો આપના ધ્યાનમાં આવશે. આપ તેમાં ઉમેરો કરી શકો છો અને હું આ ટેલિકોમ સેક્ટરના લોકોને પણ કહેવા માગીશ કે મને આનંદ થતો હતો, જે જે સ્ટોલ પર હું ગયો દરેક લોકો કહેતા હતા કે આ સ્વદેશી છે, આત્મનિર્ભર, આ અમે બનાવ્યું છે.  બધા ખૂબ જ ગર્વથી કહેતા હતા. મને આનંદ થયો પરંતુ મારા દિમાગમાં કાંઈ બીજું જ ચાલી રહ્યું હતું.  હું વિચારી રહ્યો હતો જેવી રીતે ઘણા પ્રકારની કાર આવે છે. દરેકની પોતપોતાની બ્રાન્ડ હોય છે. દરેકની પોતાની વિશેષતા હોય છે. પરંતુ તેમાં જે સ્પેરપાર્ટ્રસ પહોંચાડવાના હોય છે. તે એમએસએમઈ ક્ષેત્રના હોય છે અને એક જ એમએસએમઈના ફેક્ટરી વાળા છ પ્રકારની ગાડીઓના સ્પેરપાર્ટ્સ બનાવતા હોય છે, નાના મોટા જે પણ સુધારા તે કરી આપે છે. હું ઇચ્છું છું કે આજે હાર્ડવેર પણ આપ લગાવી રહ્યા છો એમ લાગ્યું કે મને તમારી વાતોથી. શું એમએસએમઈ ક્ષેત્રને આ માટે જે હાર્ડવેરની જરૂરિયાત છે તેને નાના નાના સાધનો બનાવવા માટે તેને કામ તેમને આપવામાં આવે. ઘણી મોટી ઇકોસિસ્ટમ બનાવવામાં આવે. એક રીતે હું વેપારી તો નથી. મને રૂપિયા પૈસાથી લેવા દેવા નથી પરંતુ એટલું તો સમજું છું કે પડતર એકદમ ઘટી જશે. એકદમ ઘટી જશે. આપણા એમએસએમઈ સેક્ટરની આ તાકાત છે અને તે સપ્લાય આપને માત્ર પોતાના યુનિકનેસની સાથે તેમાં સોફ્ટવેર વગેરે જોડીને સર્વિસ આપવાની છે અને તેથી જ હું માનું છું કે આપ સૌ સાથે મળીને એક નવું અને સાથે મળીને કામ કરવું પડશે અને ત્યારે જ તેની પડતર નીચે આવી શકશે. એવા ઘણા કામો છે જે આપણે સાથે મળીને કરી શકીએ છીએ. તો હું આ ક્ષેત્રના લોકોને ચોક્કસ કહીશ. મેં એ પણ જોયું છે કે સ્ટાર્ટ અપમાં જે બાળકોએ કામ કર્યું છે, જે યુવાનોએ કામ કર્યું છે. મોટા ભાગે આ ક્ષેત્રમાં એ જ સ્ટાર્ટ અપની માલિકી લઈને તેને સ્કીલઅપ કરવામાં આવ્યું છે. હું સ્ટાર્ટ અપના સાથીઓને પણ કહું છું કે આપના માટે પણ આ ક્ષેત્રમાં જેટલી સેવાઓ આપ મહત્તમ આપી શકો છો. કેટલી યુઝર ફ્રેન્ડલી વ્યવસ્થાઓને વિકસિત કરી શકો છો. આખરે તેનો આ જ તો ફાયદો છે. પરંતુ બીજી એક વાત કહીશ. આ જે આપનું એસોસિયેશન છે તે સાથે મળીને એક ઝુંબેશ ચલાવી શકે છે શું
? કમસે કમ ભારતના તમામ જિલ્લા વડામથકોમાં આ 5 જી જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. તેના લોકોને શિક્ષિત કરનારા પ્રદર્શનની આવી વ્યવસ્થા થઈ શકે છે ?  મારો અનુભવ છે કે નાનું ઉહરણ આપું છું. આપણા દેશમાં 24 કલાક વિજળીનું સ્વપ્ન હતું. હું જ્યારે ગુજરાતમાં હતો તો મેં એક યોજના બનાવી હતી જ્યોતિગ્રામ યોજના  અને મારું સ્વપ્ન હતું કે હું ગુજરાતમાં ગરેક ઘરમાં 24x7 વિજળી આપીશ. ત્યારે મારા તમામ અધિકારીઓ કહેતા હતા કે કદાચ આ શક્ય જ નથી, આ તો અમે કરી શકીએ તેમ નથી. તો મેં એક સરળ ઉપાય આપ્યો. મેં કહ્યું કે કૃષિ ફીડર અલગ કરીએ છીએ, ડોમેસ્ટિક ફીડર અલગ કરીએ છીએ અને પછી તેની ઉપર કામ કરવામાં આવ્યું અને એક એક જિલ્લાને પકડીના કામ પૂર્ણ કરતા હતા. બાકીની જગ્યાએ ચાલતું હતું પરંતુ એક કામ પૂર્ણ હતું. પછી એ જિલ્લાની મોટી સમિતનું આયોજન થતું હતું. અઢી ત્રણ લાખ લોકો આવતા હતા કેમ કે 24 કલાક વિજળી મળવી તે એક મોટો આનંદનો ઉત્સવનો સમય હતો એ 2003-04-05નો સમયગાળો હતો.  પરંતુ તેમાં મેં જોયું, મેં દેશભરમાં વિજળીથી થતાં કામ, વિજળીથી ચાલતા યંત્ર તેનું એક મોટું પ્રદર્શન યોજ્યું હતું. જ્યારે લોકોને, નહિંતર લોકોને શું લાગતું હતું. વિજળી આવી એટલે કે રાત્રે જમતી વખતે વિજળી મળશે. વિજળી આવી એટલે ટીવી જોવામાં મળશે. તેનો ઘણી રીતે ઉપયોગ થઈ શકતો હતો, તેનું શિક્ષણ પણ જરૂરી હતું. હું આ 2003-04-05ની વાત કરી રહ્યો છું અને જ્યારે તે પ્રદર્શન યોજવામાં આવ્યું તો લોકો વિચારવા લાગ્યા, હું ઇલેક્ટ્રિક મારા સાધનો આવી રીતે લઇશ. કુંભાર પણ વિચારવા લાગ્યા કે આવી રીતે ઇલેક્ટ્રિક વાહન લઇશ. માતાઓ અને બહેનો પણ વિચારવા લાગી કે રસોડામાં ઇલેક્ટ્રિકની આટલી ચીજો આવી શકે છે. એટલે કે એક મોટું માર્કેટ ઉભું થઈ ગયું અને વિજળીની બહુવિધ ઉપયોગીતા સામાન્ય જીવનમાં 5 જી પણ લોકોને એટલું ઝડપથી લાગશે કે હવે તો વીડિયો ખૂબ જ ઝડપથી ડાઉનલોડ થઈ જાય છે. રીલ જોવું છે તો વધારે રાહ જોવાની જરૂર નથી. ફોન કટ થઈ જતો નથી.  સ્પષ્ટ અને સ્વચ્છ વીડિયો કોન્ફરન્સ થઈ શકે છે. ફોન કોલ થઈ શકે છે. આટલેથી જ સિમિત નથી. આ જીવનને બદલનારી વ્યવસ્થાના રૂપમાં આવી રહ્યું છે અને તેથી જ હું આ ઉદ્યોગ જગતના મિત્રોના એસોસિયેશનને કહીશ કે આપ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને હિન્દુસ્તાનના દરેક જિલ્લામાં જઇને તેના કેટલા પાસાં છે અને આપ જૂઓ કે એ લોકો તેમાં ઉમેરો કરશે. તો એક રીતે આપના માટે સેવાનું કામ થઈ જશે ને હું ઇચ્છીશ કે આ ટેકનોલોજી જીવનમાં માત્ર વાતચીત કરવા માટે અખવા તો કોઈ વીડિયો નિહાળવા માટે મર્યાદિત રહેવી જોઇએ નહીં. આ સમગ્ર રીતે એક ક્રાંતિ લાવવાના ઉપયોગમાં આવવી જોઇએ અને આપણે 130 કરોડ દેશવાસીઓ સુધી એક વાર પહોંચવાનું છે પછી હું તો તે પહોંચાડી દઈશ આપ જોજો, આપને સમય નહીં લાગે. હમણા જ મેં ડ્રોન પોલિસી લાવ્યો હતો. આજે ઘણા ક્ષેત્રોમાં હું જોઇ રહ્યો છું તે ડ્રોનથી પોતાની દવાઓનો છંટકાવનું કામ શરૂ કરી દીધું છે. ડ્રોન ચલાવવાનું શીખી લીધું છે અને તેથી જ હું માનું છું કે આપણે આ વ્યવસ્થાઓ તરફ જવું જોઇએ.

અને સાથીઓ,
આવનારા સમયમાં દેશ સતત એવી ટેકનોલોજીઓનું નેતૃત્વ કરશે જે ભારતમાં જન્મેલી હશે, જે ભારતને વૈશ્વિક નેતા બનાવી દેશે. આ જ વિશ્વાસ સાથે, આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ફરી એક વાર તમામ દેશવાસીઓને શક્તિની ઉપાસનાના આ પાવન પર્વ પર શક્તિના એક ઘણા મોટા માધ્યમ
5G લોન્ચ થવા પર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1864388) Visitor Counter : 396