પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગુજરાતના અમદાવાદ ખાતે 36મા રાષ્ટ્રીય રમતોત્સવના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
Posted On:
29 SEP 2022 9:58PM by PIB Ahmedabad
ભારત માતાની જય,
ભારત માતાની જય,
આ ભવ્ય આયોજનમાં આપણી સાથે ઉપસ્થિત ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ, સંસદમાં મારા સાથી સી.આર. પાટીલ, ભારત સરકારમાં મંત્રી શ્રી અનુરાગજી, રાજ્યના મંત્રી હર્ષ સંઘવીજી, મેયર કિરિટભાઇ, રમતગમત સંસ્થાઓના પ્રતિનિધિગણ અને દેશભરમાંથી અહીં આવેલા મારા યુવાન ખેલાડીઓ.
આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે, આપ સૌને અભિનંદન છે. આ દૃશ્ય, આ તસવીર, આ માહોલનું વર્ણન શબ્દોની બહાર છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, વિશ્વનો આટલો યુવાન દેશ અને દેશનો સૌથી મોટો રમતોત્સવ! જ્યારે આયોજન જ આટલું અદ્ભુત અને અદ્વિતિય હોય તો પછી, તેની ઉર્જા એટલી જ અસાધારણ હશે. દેશના 36 રાજ્યોના 7 હજારથી વધુ એથ્લેટ્સ, 15 હજારથી વધુ સ્પર્ધકો, 35 હજારથી વધુ કોલેજો, યુનિવર્સિટીઓ અને શાળાઓની સહભાગિતા અને 50 લાખથી વધુ વિદ્યાર્થીઓનું રાષ્ટ્રીય રમતોત્સવ સાથે સીધુ જોડાણ, તે અદભુત છે, અભૂતપૂર્વ છે. રાષ્ટ્રીય રમતોત્સવનું એન્થમ છે 'જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા. હું બોલીશ જુડેગા ઇન્ડિયા, એટલે તમે કહેજો કે જીતેગા ઇન્ડિયા. “જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા, જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા, જુડેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા” આ શબ્દો આજે આકાશમાં ગુંજી રહ્યા છે. તમારો આ ઉત્સાહ તમારા સૌના ચહેરા પર ઝળકી રહ્યો છે. આ ચમક જ, રમતજગતના આગામી સુવર્ણ ભવિષ્યની શરૂઆત બતાવે છે. રાષ્ટ્રીય રમતોત્સવનું આ પ્લેટફોર્મ તમારા બધા માટે નવા લોન્ચિંગ પેડ તરીકે કામ કરશે. હું આ રમતોમાં ભાગ લઇ રહેલા તમામ ખેલાડીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
સાથીઓ,
હું આજે ગુજરાતના લોકોની પણ પ્રશંસા કરું છું, જેમણે ખૂબ જ ઓછા સમયમાં આ ભવ્ય કાર્યક્રમના આયોજન માટે તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી છે. ગુજરાતના સામર્થ્યના કારણે જ, અહીંની જનતાની તાકાતથી જ આ થયું છે. પરંતુ મિત્રો, જો તમને ક્યાં પણ કોઇ પ્રકારની ઉણપ લાગે, કોઇ અગવડતા પડે તો એક ગુજરાતી તરીકે હું આપ સૌની અગાઉથી ક્ષમા માંગુ છું. ગઇકાલે અમદાવાદમાં જે પ્રકારનો અદભૂત, ભવ્ય ડ્રોન શો થયો હતો તે જોઇને દરેક જણ આશ્ચર્યચકિત થઇ ગયા અને ગૌરવ અનુભવે છે. ટેકનોલોજીનો આટલો સાવચેતીભર્યો ઉપયોગ, ડ્રોનની જેમ, ગુજરાતને, ભારતને નવી ઊંચાઇઓ પર લઇ જશે. અહીં યોજવામાં આવેલી પ્રથમ રાષ્ટ્રીય રમતગમત કોન્ક્લેવની સફળતાની પણ ખૂબ ચર્ચા થઇ રહી છે. આ તમામ પ્રયાસો માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને તેમની સમગ્ર ટીમની પણ ખૂબ ખૂબ પ્રશંસા કરું છું. હમણાં, થોડા દિવસ પહેલાં જ રાષ્ટ્રીય રમતોત્સવનો સત્તાવાર માસ્કોટ ‘સાવજ’ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. ગીરના સિંહોને પ્રદર્શિત કરતો, આ માસ્કોટ સાવજ ભારતના યુવાનોના મિજાજને પ્રતિબિંબિત કરે છે, નિર્ભય થઇને મેદાનમાં પ્રવેશવાનો તેમનો જુસ્સો દર્શાવે છે. તે વૈશ્વિક પરિદૃશ્યમાં ઝડપથી ઉભરી રહેલા ભારતના સામર્થ્યનું પણ પ્રતીક છે.
સાથીઓ,
આજે આપ સૌ અહીં જે સ્ટેડિયમમાં હાજર છો, તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉપસ્થિત છો, તેની વિશાળતા અને આધુનિકતા પણ એક અલગ પ્રેરણાનું કારણ છે. આ સ્ટેડિયમ તો દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે જ, સાથે સાથે આ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને કોમ્પ્લેક્સ પણ અહીં ઘણી રીતે સૌથી અનોખા છે. સામાન્ય રીતે આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક કે બે કે ત્રણ રમતો પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે. પરંતુ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લૉન ટેનિસ જેવી અનેક રમતોની સુવિધાઓ એક સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક રીતે તે સમગ્ર દેશ માટે એક મોડેલ છે. કારણ કે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ધોરણનું હોય છે ત્યારે ખેલાડીઓનું મનોબળ પણ નવી ઊંચાઇએ પહોંચે છે. મને ખાતરી છે કે અમારા તમામ ખેલાડીઓ ચોક્કસપણે આ સંકુલમાં તેમના અનુભવોનો આનંદ માણશે.
મારા નવયુવાન સાથીઓ,
સદનસીબે અત્યારે નવરાત્રીનો પાવન અવસર પણ ચાલી રહ્યો છે. ગુજરાતમાં માં દુર્ગાની પૂજાથી લઇને ગરબા સુધી, તેની પોતાની અનોખી ઓળખ છે. જે ખેલાડીઓ અન્ય રાજ્યોમાંથી આવ્યા છે તેમને હું કહીશ કે રમતગમતની સાથે અહીં નવરાત્રીના કાર્યક્રમનો ચોક્કસ આનંદ માણજો. ગુજરાતના લોકો તમારા આતિથ્યમાં તમારું સ્વાગત કરવામાં કોઇ કસર નહીં છોડે. આમ તો, મેં જોયું છે કે ગઇકાલે આપણા નીરજ ચોપરા કેવી રીતે ગરબાનો આનંદ માણી રહ્યા હતા. ઉત્સવનો આ જ તો આનંદ છે, આપણને સૌ ભારતીયોને એક તાતણે બાંધે છે, આપણને એકબીજાને સહકાર આપવા માટે પ્રેરણા આપે છે. આ અવસર પર હું ફરી એકવાર આપ સૌને, ગુજરાતની તમામ જનતાને અને દેશવાસીઓને ફરી એકવાર નવરાત્રીની ખૂબ જ શુભેચ્છા પાઠવું છું.
મારા યુવાન મિત્રો,
કોઇપણ દેશની પ્રગતિ અને દુનિયામાં તેના સન્માનનો સીધો સંબંધ રમતગમતમાં તેની સફળતા સાથે જોડાયેલો છે. દેશના યુવાનો દ્વારા રાષ્ટ્રને નેતૃત્વ આપવામાં આવે છે અને રમતગમત એ યુવાનોની ઉર્જાનો મુખ્ય સ્રોત હોય છે, તેમના જીવનનું ઘડતર કરવાનો મુખ્ય સ્રોત હોય છે. આજે પણ તમે જોશો કે, દુનિયામાં વિકાસ અને અર્થવ્યવસ્થામાં જે દેશો ટોચ પર રહેલા છે તેમાંથી મોટાભાગના દેશો મેડલના લિસ્ટમાં પણ ટોચ પર છે. આથી, રમતના મેદાનમાં ખેલાડીઓની જીત, તેમનું દમદાર પ્રદર્શન અન્ય ક્ષેત્રોમાં પણ દેશની જીતનો માર્ગ મોકળો કરે છે. રમતગમતનો સોફ્ટ પાવર, દેશની ઓળખ, દેશની છબીને અનેક ગણી વધુ સારી બનાવે છે.
સાથીઓ,
હું ઘણીવાર રમતગમતના સાથીઓને કહું છું કે - Success starts with action (સફળતાની શરૂઆત પગલાં લેવાથી થાય છે)! એટલે કે, તમે જે ક્ષણે શરૂઆત કરી દો, તે જ ક્ષણે સમજો કે સફળતાની પણ શરૂઆત થઇ છે. તમારે લડવું પડી શકે છે, તમારે ઝઝૂમવું પડી શકે છે. તમે ક્યારેક ડગી શકો છો, તમે પડી પણ શકો છો. પરંતુ, જો તમે દોડવાનો જુસ્સો છોડશો નહીં અને તમે એકધારા આગળ વધતા જ રહેશો, તો માની લો કે વિજય સામે ચાલીને તમારી તરફ એક એક ડગલું આગળ વધી રહ્યો છે. આઝાદીના અમૃતકાળમાં દેશે આ જુસ્સા સાથે નવા ભારતના નિર્માણની શરૂઆત કરી દીધી છે. એક એવો સમય હતો, જ્યારે વિશ્વ ઓલિમ્પિક જેવા વૈશ્વિક ખેલ મહાકુંભ માટે દિવાનગી રહેતી હતી. પરંતુ આપણે ત્યાં તો તે રમતો વર્ષો સુધી માત્ર સામાન્ય જ્ઞાનના વિષય સુધી જ સમેટી લેવામાં આવતો હતો. પરંતુ હવે મિજાજ બદલાઇ ગયો છે, નવો મૂડ આવ્યો છે, માહોલ પણ નવો છે. 2014થી દેશમાં 'ફર્સ્ટ એન્ડ બેસ્ટ'ની પ્રક્રિયાની જે શરૂઆત થઇ છે, તેમાં આપણા યુવાનોએ રમતગમતમાં પણ એ દબદબો જાળવી રાખ્યો છે.
તમે જ જુઓ, આઠ વર્ષ પહેલાં સુધી, ભારતના ખેલાડીઓ સો કરતાં ઓછી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. હવે ભારતના ખેલાડીઓ ત્રણસોથી વધુ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સામેલ થઇ રહ્યા છે. આઠ વર્ષ પહેલા ભારતના ખેલાડીઓ 20-25 રમતો જ રમવા માટે જતા હતા. હવે ભારતના ખેલાડીઓ લગભગ 40 જેટલી વિવિધ રમતોમાં ભાગ લેવા માટે જાય છે. આજે ભારતના ખેલાડીઓએ જીતેલા મેડલની સંખ્યા પણ વધી રહી છે અને ભારતનો દબદબો પણ વધી રહ્યો છે. કોરોનાના મુશ્કેલ સમયમાં પણ દેશે પોતાના ખેલાડીઓનું મનોબળ નીચું થવા દીધું નથી. આપણે આપણા યુવાનોને જરૂરી હોય તેવા તમામ સંસાધનો પૂરા પાડ્યા છે, તાલીમ લેવા માટે તમને વિદેશ મોકલ્યા છે. અમે રમતગમની ભાવના સાથે રમતો માટે ઘણું કામ કર્યું છે. TOPS જેવી યોજનાઓ દ્વારા વર્ષો સુધી મિશન મોડમાં તૈયારી કરી છે. આજે, મોટા ખેલાડીઓની સફળતાથી લઇને નવા ખેલાડીઓના ભાવિના નિર્માણ સુધી, TOPS ઘણી મોટી ભૂમિકા નિભાવી રહ્યું છે. આજે આપણા યુવાનો દરેક રમતમાં નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યા છે, અને તેમના પોતાના વિક્રમો તોડીને સતત આગળ વધી રહ્યા છે. આ વખતે ટોક્યોમાં ભારતે ઓલિમ્પિકમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ વખત યુવાનોએ આટલા બધા મેડલ દેશને નામે કર્યા હતા. તે પછી આપણે થોમસ કપમાં આપણી બેડમિન્ટન ટીમની જીતની ઉજવણી કરી. યુગાન્ડામાં પેરા-બેડમિન્ટન ટીમે પણ 47 મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. આ સફળતાનું સૌથી શક્તિશાળી પાસું એ છે કે, આપણી દીકરીઓ પણ આમાં સમાન ભાગીદાર છે. આજે આપણી દીકરીઓ તિરંગાનું ગૌરવ વધારવમાં અગ્રેસર કરી રહી છે.
સાથીઓ,
રમતગમતની દુનિયામાં આ સામર્થ્ય બતાવવાની ક્ષમતા પહેલાનાં સમયમાં પણ દેશમાં હતી જ. આ વિજય અગાઉ પણ શરૂ થઇ શક્યું હોત. પરંતુ, રમતગમતમાં જે વ્યાવસાયીકરણ હોવું જોઇતું હતું તેના બદલે પરિવારવાદ અને ભ્રષ્ટાચારે સ્થાન જમાવી લીધું હતું. અમે સમગ્ર તંત્રમાં પણ સફાઇ કરી દીધી અને યુવાનોમાં તેમના સપનાં માટે તેમની અંદર વિશ્વાસ જગાડ્યો. દેશ હવે માત્ર યોજનાઓ બનાવતો નથી, પરંતુ તેના યુવાનો સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધે છે. તેથી જ, આજે ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા જેવા પ્રયાસો એક જન આંદોલનનું સ્વરૂપ લઇ શક્યા છે. તેથી જ, આજે ખેલાડીઓને વધુને વધુ સંસાધનો આપવામાં આવી રહ્યા છે અને વધુને વધુ તકો પણ આપવામાં આવી રહી છે. છેલ્લા 8 વર્ષ દરમિયાન દેશના રમતગમતના બજેટમાં લગભગ 70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજે, દેશમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીઓ બનાવવામાં આવી રહી છે, દરેક ખૂણે-ખૂણે આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, નિવૃત્તિ લીધા પછી પણ ખેલાડીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. નિવૃત્ત થનારા ખેલાડીઓના અનુભવોનો લાભ નવી પેઢીના ખેલાડીઓને મળી શકે તે માટે પણ આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.
સાથીઓ,
રમતગમતો હજારો વર્ષોથી ભારતની સભ્યતા અને સંસ્કૃતિનો એક હિસ્સો રહી છે. રમતગમત એ આપણો વારસો છે અને આપણી વિકાસ યાત્રાનો એક હિસ્સો છે. આઝાદીના અમૃતકાળમાં, દેશ પોતાના વારસાના ગૌરવ સાથે આ પરંપરાને ફરી સજીવન કરી રહ્યો છે. હવે દેશના પ્રયાસો અને ઉત્સાહ માત્ર એક રમત પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ 'કલારીપયટ્ટુ' અને યોગાસન જેવી ભારતીય રમતોને પણ મહત્વ મળી રહ્યું છે. મને એ વાતની ખુશી છે કે આ રમતોને રાષ્ટ્રીય રમતોત્સવ જેવા મોટા કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવી છે. જે ખેલાડીઓ અહીં આ રમતોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમને હું એક વાત ખાસ કહેવા માંગુ છું. એક તરફ તમે હજારો વર્ષ જૂની પરંપરાને આગળ ધપાવી રહ્યા છો, તો સાથે સાથે તમે રમત જગતના ભવિષ્યને પણ નેતૃત્વ આપી રહ્યા છો. આવનારા સમયમાં જ્યારે આ રમતોને વૈશ્વિક ઓળખ મળશે, ત્યારે આ ક્ષેત્રોમાં તમારું નામ લિજેન્ડ્સ તરીકે લેવામાં આવશે.
સાથીઓ,
અંતે, હું આપ સૌ ખેલાડીઓને એક મંત્ર આપવા માંગુ છું. જો તમારે સ્પર્ધા જીતવી હોય, તો તમારે પ્રતિબદ્ધતા અને સાતત્ય સાથે જીવતા શીખવું પડશે. રમતગમતમાં થતી હાર અને જીતને ક્યારેય આપણે છેલ્લું પરિણામ ન ગણવી જોઇએ. રમતગમતનો આ જુસ્સો તમારા જીવનનો એક હિસ્સો બની જવો જોઇએ, તો જ ભારત જેવા યુવા અને ભારત જેવો યુવાન દેશ, તેના સપનાઓને તમે નેતૃત્વ આપશો, અપાર સંભાવનાઓ સાકાર કરશો. અને તમારે યાદ રાખવું પડશે કે જ્યાં ગતિ છે ત્યાં જ પ્રગતિ છે. આથી, તમારે મેદાનની બહાર પણ આ ગતિ જાળવી રાખવી પડશે. આ ગતિ તમારા જીવનનું મિશન હોવું જોઇએ. મને વિશ્વાસ છે કે, રાષ્ટ્રીય રમતોત્સવમાં તમારો વિજય રાષ્ટ્રને પણ ઉજવણી કરવાની તક આપશે અને ભવિષ્ય માટે નવો આત્મવિશ્વાસ પણ જગાવશે. આ જ વિશ્વાસ સાથે, હું છત્રીસમા રાષ્ટ્રીય રમતોત્સવના પ્રારંભ માટે આહ્વાન કરું છું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1864005)
Visitor Counter : 343
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam