પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતનાં અંબાજીમાં રૂ. 7200 કરોડથી વધારેનાં મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા


પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત 45,000થી વધારે આવાસોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ તારંગા હિલ – અંબાજી – આબુ રોડ ન્યૂ બ્રોડ ગેજ લાઇનનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ પ્રસાદ યોજના અંતર્ગત અંબાજી મંદિરમાં યાત્રાધામ સુવિધાઓના વિકાસ માટે શિલારોપણ કર્યું

પ્રધાનમંત્રીએ વેસ્ટર્ન ફ્રેટ ડેડિકેટેડ કૉરિડોરનાં 62 કિલોમીટર લાંબા નવા પાલનપુર-નવા મહેસાણા સેક્શન અને 13 કિલોમીટરની લંબાઈ ધરાવતા નવા પાલનપુર-નવા ચટોદર સેક્શનનું લોકાર્પણ કર્યું

"મા અંબાનાં આશીર્વાદથી, આપણને આપણા તમામ સંકલ્પોની પૂર્તિ માટે શક્તિ મળશે"

"આપણે આપણા દેશ ભારતને એક માતા તરીકે જોઈએ છીએ અને આપણી જાતને ભારતમાતાનાં સંતાનો માનીએ છીએ"

"સરકાર દેશના 80 કરોડથી વધુ લોકોને મફત રાશન યોજના આપવા માટે લગભગ 4 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે"

"તહેવારોની મોસમમાં બહેનો અને માતાઓને રસોડું ચલાવવામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે પીએમજીકેએવાય લંબાવવામાં આવી છે"

આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષમાં આપણે આ રેલવે લાઈનને અંબા માતાનાં ચરણોમાં સમર્પિત

Posted On: 30 SEP 2022 8:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અંબાજીમાં રૂ. 7200 કરોડથી વધારે મૂલ્યના વિવિધ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત 45,000થી વધારે આવાસોનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ તારંગા હિલ- અંબાજી- આબુ રોડ ન્યૂ બ્રોડ ગેજ લાઇન અને પ્રસાદ યોજના અંતર્ગત અંબાજી મંદિરમાં યાત્રાધામ સુવિધાઓ વિકસાવવાનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વેસ્ટર્ન ફ્રેટ ડેડિકેટેડ કૉરિડોરનાં 62 કિલોમીટર લાંબા નવા પાલનપુર-નવા મહેસાણા સેક્શન અને 13 કિલોમીટરની લંબાઈ ધરાવતા નવા પાલનપુર-નવા ચટોદર સેક્શન (પાલનપુર બાયપાસ લાઇન)નું લોકાર્પણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મીઠા - થરાદ - ડીસા રોડને પહોળો કરવા સહિત વિવિધ માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ વિવિધ આવાસ યોજનાઓના સાત લાભાર્થીઓને ચાવી સોંપી હતી અને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ગૌશાળાઓને ચેક અર્પણ કર્યા હતા. પ્રધાનમંત્રીએ વીડિયો લિન્ક મારફતે કેટલાક આવાસ લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નવરાત્રીના પાંચમા દિવસે મા અંબાનાં દર્શનની તક મળવાં બદલ ખુશી વ્યક્ત કરી હતી.  પ્રધાનમંત્રીએ એવી ટકોર કરી હતી કે, તેઓ અંબાજીમાં એવા સમયે આવ્યા છે જ્યારે દેશે વિકસિત ભારતનો મહાન સંકલ્પ લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે, "મા અંબાનાં આશીર્વાદથી આપણને આપણા તમામ સંકલ્પો પૂર્ણ કરવાની શક્તિ મળશે."

પ્રધાનમંત્રીએ આવાસ યોજનાઓના 61,000 લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને નોંધ્યું હતું કે, વધુ સારી દિવાળી તેમની રાહ જોઈ રહી છે. પ્રધાનમંત્રીએ ભારતમાં મહિલાઓ માટે સન્માનની સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કહ્યું, "જ્યારે આપણે મહિલાઓ માટે આદરની વાત કરીએ છીએ, ત્યારે તે આપણા માટે સ્વાભાવિક રીતે આવે છે. પરંતુ જ્યારે આપણે તેના વિશે ગંભીરતાથી વિચારીએ છીએ, ત્યારે આપણે જોઈએ છીએ કે મહિલાઓ માટે કેટલું સન્માન આપણા સંસ્કારમાં જડિત છે." તેમણે કહ્યું હતું કે, અન્ય દેશોથી વિપરિત, શક્તિ આપણી સંસ્કૃતિમાં નારી જાતિ સાથે સંકળાયેલી છે અને બહાદુર યોદ્ધાઓ સાથે માતાનું નામ જોડવાની પરંપરા છે. તેમણે આ અંગે અર્જુન, શ્રી કૃષ્ણ અને હનુમાનજીનાં ઉદાહરણ આપ્યાં હતાં. "આ આપણાં સંસ્કાર છે." પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, આપણે આપણા દેશ ભારતને એક માતા તરીકે જોઈએ છીએ અને આપણી જાતને ભારતમાતાનાં સંતાનો માનીએ છીએ. આમ હોવા છતાં, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે નાણાંકીય બાબતોમાં મહિલાઓને ફક્ત મર્યાદિત અધિકારો છે અને અવાજ છે. વિવિધ આવાસ યોજના હેઠળનાં મોટાંભાગનાં આવાસોમાં મકાનો કાં તો ઘરની મહિલાઓની માલિકીના હોય અથવા સહમાલિકી ધરાવતા હોય તે સુનિશ્ચિત કરીને આ સુધારી લેવામાં આવ્યું છે. દેશમાં 3 કરોડથી વધુ ઘર ગરીબ પરિવારોને સોંપી દેવામાં આવ્યાં છે.

આ તહેવારોની મોસમમાં, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, કેન્દ્ર સરકાર દેશમાં 80 કરોડથી વધુ લોકોને રાહત આપતી મફત રાશન યોજનાને લંબાવવા પાછળ આશરે ₹4 લાખ કરોડનો ખર્ચ કરી રહી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ગરીબ પરિવારોની બહેનો અને માતાઓને મુશ્કેલ સમયમાં રસોડું ચલાવવામાં કોઈ સમસ્યા ન આવે તે માટે આ યોજનાને લંબાવવામાં આવી છે. પ્રધાનમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી કે, તેમને છેલ્લા બે દાયકાથી આપણી માતાઓ અને બહેનોનાં સશક્તીકરણ માટે કામ કરવાની તક મળી છે અને બનાસકાંઠા, બદલાતી સ્થિતિનું સાક્ષી છે. તેમણે આ વિસ્તારની મહિલાઓને કરેલી વિનંતીને યાદ કરીને પ્રધાનમંત્રીએ તેમની વિનંતીને માન આપવા બદલ આભાર માન્યો હતો અને નોંધ્યું હતું કે, નર્મદાનું પાણી આ વિસ્તારમાં ખુશીનો સંચાર કરી રહ્યું છે અને કન્યાઓ અતિ ઉત્સાહ સાથે શાળા-કૉલેજોમાં જઈ રહી છે. તેમણે કુપોષણ સામેનાં યુદ્ધમાં તેમના સહકારની પણ નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014 પછી ભારતમાં મહિલાઓનાં જીવનનાં દરેક પાસાની કાળજી લેવામાં આવી રહી છે અને તેઓ ભારતની વિકાસ યાત્રાનાં ચાલક બળ બની રહ્યાં છે. દેશની નારી શક્તિ કેન્દ્ર સરકારની દરેક મોટી યોજનાનાં કેન્દ્રમાં છે એ બાબતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ શૌચાલયો, ગેસ કનેક્શન, હર ઘર જલ, જન ધન ખાતાઓ અથવા મુદ્રા યોજના હેઠળ ગૅરન્ટી વિના લોનની દ્રષ્ટિએ થયેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. "જ્યારે માતા ખુશ હોય છે, પરિવાર ખુશ હોય છે, જ્યારે પરિવાર ખુશ હોય છે, ત્યારે સમાજ ખુશ હોય છે અને જ્યારે સમાજ ખુશ હોય છે, ત્યારે રાષ્ટ્ર ખુશ હોય છે. આ યોગ્ય પ્રકારનો વિકાસ છે, જેના માટે અમે સતત કામ કરી રહ્યા છીએ, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, તારંગા હિલ – અંબાજી – અબુ રોડ લાઇનની કલ્પના વર્ષ 1930માં બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી. આની જરૂરિયાતને 100 વર્ષ પહેલા સ્વીકારી લેવામાં આવી હતી, પરંતુ કમનસીબે, આટલા લાંબા ગાળાથી આ કરવામાં આવ્યું ન હતું. "કદાચ, મા અંબાની ઇચ્છા હશે કે તે મારા દ્વારા કરવામાં આવે. આ અમારું સૌભાગ્ય છે કે આઝાદીના અમૃત મહોત્સવનાં વર્ષમાં અમને અંબા માતાનાં ચરણોમાં આ સમર્પિત કરવાની આ તક મળી રહી છે,” એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે આ રેલવે લાઇન અને બાય-પાસથી આ વિસ્તાર ટ્રાફિક જામથી મુક્ત થશે અને માર્બલ ઉદ્યોગને પણ મદદ મળશે. તેમણે કહ્યું હતું કે, ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરથી આ વિસ્તારમાં ઘણી મદદ મળશે. ખેડૂતોને ફાયદો થશે કારણ કે હવે શક્ય છે કે કિસાન રેલ અહીંથી શરૂ થઈ શકે છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે ગબ્બર તીર્થના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમનો ઉદ્દેશ મંદિરની આસપાસના વિસ્તારોમાં એટલાં બધાં આકર્ષણો ઊભા કરવાનો છે કે લોકોને તેને આવરી લેવા માટે 2-3 દિવસનો કાર્યક્રમ બનાવવો પડશે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક તરફ અંબાજી આસ્થા અને પૂજાનું ઘર છે, તો બીજી તરફ આપણી પાસે ભારતની સરહદો છે, જ્યાં આપણા જવાનો તૈનાત છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારે તાજેતરમાં સુઇગામ તાલુકામાં સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ ભારતના લોકોને સીમા સુરક્ષા દળોના જવાનોની જીવનશૈલી વિશે શિક્ષિત કરવાનો પ્રયાસ કરે છે અને પ્રવાસીઓને સમાન અનુભવ પણ પ્રદાન કરે છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય એકતાને વધારે શક્તિ પ્રદાન કરશે, જે પંચ પ્રણ (પાંચ પ્રતિજ્ઞાઓ)માંનું એક છે અને સાથે-સાથે આ વિસ્તારમાં પર્યટન પર સકારાત્મક અસર ઊભી કરશે. શ્રી મોદીએ એવી માહિતી પણ આપી હતી કે, ડીસા એરફોર્સ સ્ટેશનનો આગામી રન વે અને અન્ય વિકાસ આ વિસ્તારમાં આપણી વાયુ સેનાની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. તેમણે જણાવ્યું હતું કે, "તેનાથી આ વિસ્તારમાં આર્થિક પ્રવૃત્તિઓને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન મળશે."

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં સરકારનાં પ્રયાસોથી બનાસકાંઠાનો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. પ્રધાનમંત્રીએ જમીની સ્તરે સ્થિતિ બદલવાનો શ્રેય બનાસકાંઠાની મહિલાઓને આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "નર્મદાનાં નીર, સુજલામ-સુફલામ અને ટપક સિંચાઈએ પરિસ્થિતિની કાયાપલટ કરવામાં મોટી ભૂમિકા ભજવી છે." શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે, આજે શરૂ થયેલા વિવિધ પ્રોજેક્ટ્સથી ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને સૌથી વધુ લાભ થશે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ, સંસદ સભ્યો શ્રી સી આર પાટીલ, શ્રી પરબતભાઈ પટેલ, શ્રી ભારાસિંહ ધાબી અને શ્રી દિનેશભાઈ અનાવૈદ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીએ અંબાજીમાં રૂ.૭૨૦૦ કરોડથી વધુનાં મૂલ્યના વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત 45,000થી વધારે મકાનોનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પ્રસાદ યોજના અંતર્ગત તારંગા હિલ- અંબાજી- આબુ રોડ ન્યૂ બ્રોડ ગેજ લાઇન અને અંબાજી મંદિરમાં યાત્રાધામ સુવિધાઓ વિકસાવવાનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ નવી રેલવે લાઈનથી 51 શક્તિપીઠોમાંના એક અંબાજીનાં દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓને લાભ થશે અને આ તમામ યાત્રાધામોમાં ભક્તોની પૂજાનો અનુભવ સમૃદ્ધ થશે. અન્ય પ્રોજેક્ટ્સ કે જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો તેમાં ડીસાના એરફોર્સ સ્ટેશન ખાતે રન વેનું નિર્માણ અને તેની સાથે સંકળાયેલી માળખાગત સુવિધાઓ; અંબાજી બાયપાસ રોડ સહિત અન્યોનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ વેસ્ટર્ન ફ્રેટ ડેડિકેટેડ કૉરિડોરનાં 62 કિલોમીટર લાંબા નવા પાલનપુર-નવા મહેસાણા સેક્શન અને 13 કિલોમીટરની લંબાઈ ધરાવતા નવા પાલનપુર-નવા ચટોદર સેક્શન (પાલનપુર બાયપાસ લાઇન)નું લોકાર્પણ પણ કર્યું હતું. એનાથી પીપાવાવ, દીનદયાળ પોર્ટ ઑથોરિટી (કંડલા), મુન્દ્રા અને ગુજરાતનાં અન્ય બંદરો સાથેની કનેક્ટિવિટી વધશે. આ વિભાગો ખુલવાની સાથે જ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોરનો 734 કિમીનો કૉરિડોર કાર્યરત થઈ જશે. આ પટ્ટાને ખુલ્લો મૂકવાથી ગુજરાતમાં મહેસાણા-પાલનપુર; રાજસ્થાનમાં સ્વરૂપગંજ, કેશવગંજ, કિશનગઢ; હરિયાણાના રેવાડી-માનેસર અને નારનૌલના ઉદ્યોગોને લાભ થશે. પ્રધાનમંત્રીએ મીઠા - થરાદ - ડીસા રોડને પહોળો કરવા સહિત વિવિધ માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ પણ કર્યું હતું.

આ વિસ્તૃત અને વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રીની વૈશ્વિક કક્ષાની માળખાગત સુવિધા વિકસાવવા, શહેરી ગતિશીલતા વધારવા અને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી સુધારવાની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તે સામાન્ય માણસનાં જીવન જીવવાની સરળતા- ઈઝ ઑફ લિવિંગને વધારવા પર તેમની સરકાર સતત ધ્યાન કેન્દ્રિત કરે છે તે પણ દર્શાવે છે.

YP/GP/JD

 


(Release ID: 1863951) Visitor Counter : 298