પ્રધાનમંત્રીનું કાર્યાલય

મધ્ય પ્રદેશમાં શ્યોપુર ખાતે મહિલા સ્વયં સહાયતા સમૂહ પરિષદને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 17 SEP 2022 5:47PM by PIB Ahmedabad

ભારત માતા કી જય,
ભારત માતા કી જય,
ભારત માતા કી જય,

મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજ સિંહજી ચૌહાણ, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સાથીગણ, મધ્ય પ્રદેશ સરકારના મંત્રીગણ, સાંસદ અને વિધાયક સાથી, વિશાળ સંખ્યામાં પધારેલા અન્ય તમામ મહાનુભાવો તથા આજે આ કાર્યક્રમના કેન્દ્ર બિન્દુ છે, જેમના માટે આ કાર્યક્રમ છે એવી ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વયં સહાયતા સમૂહ સાથે સંકળાયેલી માતાઓ તથા બહેનોને પ્રણામ.
આપ સૌનું સ્વયં સહાયતા સમૂહ સંમેલનમાં ખૂબ ખૂબ સ્વાગત છે. હજી હમણાં જ આપણા મુખ્યમંત્રીજીએ આપણા નરેન્દ્ર સિંહજી તોમરે મારા જન્મદિવસને યાદ કર્યો. મને ખાસ યાદ રહેતું નથી પરંતુ જો સવલત રહી, કોઈ કાર્યક્રમની જવાબદારી નથી તો સામાન્યપણે મારો પ્રયાસ રહે છે કે મારી માતા પાસે જાઉં, તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઉં. પરંતુ આજે હું માતા પાસે જઇ શક્યો નહીં. પરંતુ મધ્ય પ્રદેશના આદિવાસી આંચળના અન્ય સમાજના ગામડાં ગામડાંમાં મહેનત કરનારી આ લાખો માતાઓ આજે મને અહીં આશીર્વાદ આપી રહી છે. આ દૃશ્ય આજે જ્યારે મારી માતા નિહાળશે તો તેને જરૂર સંતોષ થયો હશે કે ભલે દિકરો આજે તેમની પાસે તો ન આવ્યો પરંતુ લાખો માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે. મારી માતાને આજે સૌથી વધારે પ્રસન્નતા થશે. આપ આટલી મોટી સંખ્યામાં માતાઓ, બહેનો, દિકરીઓ આ તમારો આશીર્વાદ અમારા સૌ માટે ઘણી મોટી તાકાત છે. એક ઘણી મોટી ઊર્જા છે, પ્રેરણા છે. અને મારા માટે દેશની માતાઓ, બહેનો, દેશની દિકરીઓ તે મારું સૌથી મોટું રક્ષાકવચ છે. શક્તિનો સ્રોત છે, મારી પ્રેરણા છે.
આટલી મોટી વિશાળ સંખ્યામાં આવેલા ભાઈઓ અને બહેનો આજે એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે વિશ્વકર્મા પૂજા પણ થઈ રહી છે. વિશ્વકર્મા જયંતીના અવસરે સ્વયં સહાયતા સમૂહોનું આટલું મોટું સંમેલન પોતાનામાં એક મોટી વિશેષતાના રૂપમાં હું જોઈ રહ્યો છું. હું આપ સૌને, તમામ દેશવાસીઓને વિશ્વકર્મા પૂજાની પણ અનેક અનેક શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું. મને આજે એ વાતની ખુશી છે કે ભારતની ઘરતી પર હવે 75 વર્ષ બાદ ચિત્તાનું પુનરાગમન થયું છે. અત્યારથી થોડી વાર અગાઉ મને કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડવાનું સૌભાગ્ય મળ્યું છે. હું આપ સૌને આગ્રહ કરું છું..કરું આગ્રહ ? આપ જવાબ આપો તો આગ્રહ કરું ? આગ્રહ કરું ? આગ્રહ કરું સૌને ? આ મંચ પર બેઠેલાઓને પણ આગ્રહ કરું ? સૌનું કહેવું છે કે હું આગ્રહ કરું. આજે આ મેદાન પરથી આપણે સમગ્ર વિશ્વને એક સંદેશ આપવા માગીએ છીએ. આજે જ્યારે આઠ ચિત્તા લગભગ 75 વર્ષ બાદ આપણા દેશની ધરતી પર પરત ફર્યા છે. દૂર આફ્રિકાથી આવ્યા છે. લાંબી યાત્રા ખેડીને આવ્યા છે. આપણા ઘણા મોટા મહેમાન આવ્યા છે. આ મહેમાનોના સન્માનમાં હું એક કામ કહું છું, કરશો ?  આ મહેમાનોના સન્માનમાં આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈને બંને હાથ ઉપર કરીને તાળી બજાવીને આપણા મહેમાનોનું સ્વાગત કરીએ. જોરથી તાળીઓ વગાડો અને જેમણે આપણને આ ચિત્તા આપ્યા છે. તે દેશવાસીઓનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. જેમણે લાંબા અરસા બાદ આપણી આ મનોકામના પૂરી કરી છે. જોરથી તાળીઓ વગાડો સાથીઓ. આ ચિત્તાના સન્માનમાં તાળી બજાવો. હું આપનો ખૂબ ખૂબ આભારી છું.
હું દેશના લોકોને, મધ્ય પ્રદેશના લોકોને આ ઐતિહાસિક અવસર પર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પરંતુ તેના કરતાં પણ વધારે હું આપ સૌને, આ પ્રાંતના નાગરિકોને એક ખાસ અભિનંદન પાઠવું છું. હિન્દુસ્તાન તો ઘણો મોટો દેશ છે. જંગલો પણ ઘણા છે. વન્ય પ્રાણીઓ પણ ઘણા સ્થાનો પર છે. પરંતુ આ ચિત્તા આપને ત્યાં લાવવાનો ભારત સરકારે નિર્ણય કેમ કર્યો ? શું ક્યારેય આપે વિચાર્યું છે ? આ જ તો સૌથી મોટી વાત છે. આ ચિત્તા આપને સુપરત એટલા માટે કરવામાં આવ્યા છે કે આપ પર અમારો ભરોસો છે. આપ મુસિબતનો સામનો કરી લેશો પરંતુ ચિત્તા પર મુસિબત આવવા દેશો નહીં. આ મારો વિશ્વાસ છે. આ જ કારણસર આજે હું આપ સૌને આ આઠ ચિત્તાની જવાબદારી સોંપવા માટે આવ્યો છું. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ દેશના લોકોએ ક્યારેય મારો ભરોસો તોડ્યો નથી. મધ્ય પ્રદેશના લોકોએ ક્યારેય મારા ભરોસાને આંચ આવવા દીધી નથી અને આ શ્યોપુર પ્રાંતના લોકો પર પણ મને સંપૂર્ણ ભરોસો છે કે તેઓ મારા ભરોસા પર આંચ આવવા દેશે નહીં. આજે મધ્ય પ્રદેશ સ્વયં સહાયતા સમૂહો દ્વારા રાજ્યમાં 10 લાખ છોડનું રોપણ પણ કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણના રક્ષણ માટે આપ સૌનો આ સંગઠીત પ્રયાસ, ભારતનો પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ, છોડમાં પણ પરમાત્મા નિહાળનારો મારો દેશ આજે આપના આ પ્રયાસોથી ભારતને એક નવી ઊર્જા મળનારી છે.

સાથીઓ,
ગઈ શતાબ્દિના ભારત અને આ શતાબ્દિના ભારતમાં એક મોટો ફરક આપણી નારિ શક્તિના પ્રતિનિધિત્વના રૂપમાં સામે આવ્યો છે. આજના નવા ભારતમાં પંચાયત રાજ ભવનથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી નારિશક્તિનો પરચમ લહેરાઈ રહ્યો છેમને કહેવામાં આવ્યું છે અહીં શ્યોપુર જિલ્લામાં એક મારી આદિવાસી બહેન, જિલ્લા પંચાયતની અધ્યક્ષના રૂપમાં કામ કરી રહી છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી પંચાયત ચૂંટણીઓમાં સમગ્ર મધ્ય પ્રદેશમાં લગભગ 17 હજાર બહેનો જનપ્રતિનિધિના રૂપમાં ચુંટાઈ આવી છે. આ મોટા પરિવર્તનનો સંકેત છે. મોટા પરિવર્તનનું આહવાન છે.

સાથીઓ,
આઝાદીની લડાઇમાં સશસ્ત્ર સંઘર્ષથી લઇને સત્યાગ્રહ સુધી, દેશની દિકરીઓ કોઇનાથી પાછળ રહી નથી. આજે જયારે ભારત પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, ત્યારે આપણે, આપણે બધાએ જોયું છે કેવી રીતે દરેક ઘરમાં તિરંગો ફરકાવ્યો તો તેમાં તમામ બહેનોએ, મહિલા સ્વયં સહાયતા સમૂહોએ કેટલું મોટું કામ કર્યું છે. તેમના બનાવેલા તિરંગાએ રાષ્ટ્રીય ગૌરવની આ ક્ષણને ચાર ચાંદ લગાવી દીધા, કોરોના કાળમાં, સંકટના આ સમયમાં માનવ માત્રની સેવા કરવાના ઇરાદાથી તમે ઘણી મોટી સંખ્યામાં માસ્ક બનાવ્યા, પીપીઇ કિટ્સ બનાવવાથી લઇને લાખોલાખો તિરંગા એટલે કે એક પછી એક દરેક કાર્યમાં દેશની નારી શક્તિએ દરેક સમયે દરેક પડકારોને પોતાની સાહસિક્તાને કારણે દેશમાં નવો વિશ્વાસ પેદા કર્યો અને નારીશક્તિની ઓળખ આપી દીધી છે. અને એટલા માટે આજે હું મોટી જવાબદારી સાથે એક નિવેદન કરવા માગું છું. મોટી જવાબદારી સાથે કરવા માગું છું છેલ્લા 20-22 વર્ષના શાસન વ્યવસ્થાના અનુભવના આધારે કહેવા માગું છું. તમારા સમૂહનો જયારે જન્મ થાય છે, 10-12 બહેનો એકત્રિત થઇને કોઇ કામ શરૂ કરે છે જયારે તમારો આ કાર્ય માટે જન્મ થાય છે ત્યારે ત્યારે તો તમે સ્વયં સહાય જૂથ હોય છે જયારે તમારા કાર્યની શરૂઆત થાય છે એક-એક પગલું ભરીને કામ શરૂ કરો છો, થોડા પૈસા અહીંથી થોડા ત્યાંથી ભેગા કરવાનો પ્રયાસ કરો છો ત્યાંસુધી તો તમે સ્વયં સહાય સમૂહ છો. પરંતુ હું જોઉં છું તમારા પુરુષાર્થને કારણે, તમારા સંકલ્પને કારણે જોત જોતામાં આ સ્વયં સહાય સમૂહ રાષ્ટ્રીય સહાયતા સમૂહ બની જાય છે. અને એટલા માટે કાલે તમે પોતે સહાયતા સમૂહ હશો, પરંતુ આજે તમે રાષ્ટ્ર સહાયતા સમૂહ બની ચૂક્યા છો. દેશની સહાયતા કરી રહ્યા છો. મહિલા સ્વયં સહાયતા સમૂહોની આજ તાકાત આઝાદીના અમૃતકાળમાં વિકસીત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ઘણી મહત્વની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે આજે પ્રતિબદ્ધ છે, કટિબદ્ધ છે.

સાથીઓ,
મારો એવો અનુભવ રહ્યો છે કે જે સેક્ટરમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે, તે ક્ષેત્રમાં, તે કાર્યમાં સફળતા પોતાની રીતે જ નક્કી થઇ જાય છે. સ્વચ્છ ભારત અભિયાનની સફળતા તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેને મહિલાઓએ નેતૃત્વ આપ્યું છે. આજે ગામડાંઓમાં ખેતી હોય, પશુપાલનનું કામ હોય, ડિજિટલ સેવાઓ હોય, શિક્ષણ હોય, બેંકિંગ સેવા હોય, વીમાથી સંકળાયેલી સેવાઓ હોય, માર્કેટિંગ હોય, ભંડોળ હોય, પોષણ હોય, વધુમાં વધુ ક્ષેત્રોમાં બહેનો અને દિકરીઓને સંચાલનથી જોડવામાં આવી રહી છે. મને સંતોષ છે કે તેમાં દીનદયાળ અંત્યોદય યોજના મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. આપણી આજે જે બહેનો છે, તેમનું પણ કામ જૂઓ, કેવી કેવી રીતે જુદા જુદા મોરચાઓ સંભાળે છે. કોઇ મહિલાઓ પશુસખીના રૂપમાં, કોઇ કૃષિ સખીના રૂપમાં, કોઇ બેંક સખીના રૂપમાં, કોઇ પોષણ સખીના રૂપમાં, આવી અનેક સેવાઓની તાલીમ લઇને જોરદાર કામ કરી રહી છે. તમારા સફળ નેતૃત્વ, સફળ ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ જળજીવન મિશન પણ છે. હમણાં જ મને એક બહેન સાથે થોડી વાતચીત કરવાની તક પણ મળી. દરેક ઘરે પાઇપથી પાણી પહોંચાડવાના આ અભિયાનમાં માત્ર ત્રણ વર્ષમાં સાત કરોડ નવા પાણીના કનેક્શન આપી દેવામાં આવ્યા છે. તેમાંથી મધ્યપ્રદેશમાં પણ 40 લાખ પરિવારોને નળથી જળ પહોંચાડવામાં આવ્યું છે અને જયાં જયાં નળથી જળ પહોંચી રહ્યું છે, ત્યાં માતાઓ-બહેનો ડબલ એન્જિનની સરકારને ઘણા આર્શીવાદ આપે છે. હું આ સફળ અભિયાનનો સૌથી વધુ યશ મારા દેશની માતાઓ-બહેનોને તમને આપું છું. મને જણાવવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશમાં ત્રણ હજારથી વધારે નળથી જળ પરિયોજનાઓનું સંચાલન આજે સ્વયં સહાયતા સમૂહોના હાથમાં છે. તેઓ રાષ્ટ્ર સહાયતા સમૂહ બની ચૂક્યા છે. પાણી સમિતિઓમાં બહેનોની ભાગીદારીઓ હોય, પાઇપલાઇનમાં સાર-સંભાળ હોય કે પાણીથી જોડાયેલી ટેસ્ટિંગ હોય, બહેનો-દિકરીઓ ખૂબ જ પ્રશંસનીય કામ કરી રહી છે. આ જે કિટ્સ આજે અહીં આપવામાં આવી છે, તે પાણીના સંચાલનમાં બહેન-દિકરીઓની ભૂમિકાઓને વધારવાનો જ પ્રયાસ છે.

સાથીઓ,
છેલ્લા આઠ વર્ષમાં સ્વયં સહાયતા સમૂહોને સશક્ત બનાવવામાં અમે દરેક પ્રકારની મદદ કરી છે. આજે આખા દેશમાં આઠ કરોડથી વધારે બહેનો આ અભિયાનથી જોડાઇ ચૂકી છે. એટલે કે એક પ્રકારે આઠ કરોડ પરિવાર આ કામથી જોડાઇ ચૂક્યા છે. અમારો લક્ષ્યાંક છે કે દરેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી એક મહિલા, એક બહેન હોય, દિકરી હોય, માતા હોય આ અભિયાનથી જોડાય. અહીં મધ્ય પ્રદેશની પણ 40 લાખથી વધારે બહેનો સ્વયં સહાયતા સમૂહોથી જોડાયેલી છે. રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ 2014થી પહેલાંપાંચ વર્ષમાં જેટલી મદદ આપવામાં આવી, પાછલા સાત વર્ષમાં તેમાં લગભગ 13 ગણો વધારો કરવામાં આવ્યો છે. દરેક સેલ્ફ હેલ્પ ગ્રૂપને અગાઉ જયાં 10 લાખ રૂપિયા સુધીની ગેરન્ટી વગરની લોન મળતી હતી, હવે આ મર્યાદા પણ બમણી એટલે કે 10 લાખથી વધારીને 20 લાખની કરવામાં આવી છે. ફૂડ પ્રોસેસિંગથી જોડાયેલા સેલ્ફ હેલ્પ ગ્રૂપને નવા એકમો લગાવવા માટે 10 લાખ રૂપિયાથી લઇને ત્રણ કરોડ રૂપિયા સુધીની મદદ આપવામાં આવી રહી છે. જૂઓ માતાઓ-બહેનો પર, તેમની ઇમાનદારી પર, તેમના પ્રયાસો પર, તેમની ક્ષમતા પર કેટલો ભરોસો છે સરકારનો કે આ સમૂહોને ત્રણ કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થઇ જાય છે.

સાથીઓ,
ગામડાંની અર્થ વ્યવસ્થામાં, મહિલા ઉદ્યોગ સાહસિકોને આગળ વધારવા માટે, તેમના માટે નવી તકો ઊભી કરવા માટે અમારી સરકાર સતત કામ કરી રહી છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (એક જિલ્લો એક પ્રોજેક્ટ) ના માધ્યમથી અમે દરેક જિલ્લાના સ્થાનિક ઉત્પાદનોને મોટા બજારો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેનો ઘણો મોટો ફાયદો મહિલા સ્વયં સહાય સમૂહને પણ થઇ રહ્યો છે. થોડા સમય અગાઉ અહીં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અભિયાનથી જોડાયેલી બહેનોની સાથે મને વાતચીત કરવાની તક મળી. કેટલાક ઉત્પાદનોને જોવાની તક મળી અને કેટલાક ઉત્પાદનો મને ભેટમાં પણ આપ્યા છે. ગ્રામીણ બહેનો દ્વારા બનાવવામાં આવેલા આ ઉત્પાદનો મારા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે અનમોલ છે. મને ખુશી છે કે અહીં મધ્ય પ્રદેશમાં આપણાં શિવરાજજીની સરકાર આવા ઉત્પાદનોને બજાર સુધી પહોંચાડવા માટે વિશેષ પ્રયાસ કરી રહી છેસરકારે અનેક ગ્રામીણ બજાર સ્વયં સહાયતા સમૂહથી જોડાયેલી બહેનો માટે બનાવ્યા છે. અને જણાવવામાં આવ્યું છે કે આ બજારોમાં સ્વયં સહાયતા સમૂહોએ 500 કરોડ રૂપિયાથી વધારેના ઉત્પાદનોનું વેચાણ કર્યું છે. 500 કરોડ, એટલે કે આટલા બધા પૈસા તમારી મહેનતથી ગામડાંની બહેનોની પાસે પહોંચ્યા છે.

સાથીઓ,
આદિવાસી વર્તુળોમાં જે વન ઉપજ છે, તેને સુંદર ઉત્પાદનોમાં બદલવા માટે આપણી આદિવાસી બહેનો પ્રશંસનીય કામ કરી રહી છે. મધ્ય પ્રદેશ સહિત દેશની લાખો આદિવાસી બહેનો પ્રધાનમંત્રી વનધન યોજનાનો લાભ ઉઠાવી રહી છે. મધ્ય પ્રદેશમાં આદિવાસી બહેનો દ્વારા બનાવવામાં આવેલા સુંદર ઉત્પાદનોના ખૂબ જ વખાણ પણ થયા છે. પીએમ કૌશલ વિકાસ યોજના હેઠળ આદિવાસી ક્ષેત્રોમાં નવા સ્કિલિંગ સેન્ટર્સથી આ પ્રકારના પ્રયાસોને વધુ બળ મળશે.

માતાઓ-બહેનો,
આજકાલ ઓનલાઇન ખરીદીનું ચલણ વધી રહ્યું છે. એટલા માટે સરકારનું જે GeMએટલે કે સરકારી ઇ-માર્કેટ પ્લેસ પોર્ટલ છે, તેની પર પણ તમારા ઉત્પાદનો માટે , ‘सरसનામથી વિશેષ એક સ્થાન રાખવામાં આવ્યું છે. તેના માધ્યમથી તમે તમારા ઉત્પાદનો સીધા સરકારને, સરકારી વિભાગોને વેચી શકો છે. જેમ કે, અહીં શ્યોપુરમાં લાકડા પર નક્શીનું એટલું સારું કામ થાય છે, તેની દેશમાં ઘણી મોટી માગ છે, મારો આગ્રહ છે કે તમે વધુમાં વધુ તેમાં પોતાને, પોતાના ઉત્પાદનોનેને GeMમાં રજિસ્ટર કરાવો.

સાથીઓ,
સપ્ટેમ્બરનો આ મહિનો દેશમાં પોષણ માસના રૂપમાં મનાવવામાં આવી રહ્યો છે. ભારતના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને આવતું વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તર પર મોટા અનાજના વર્ષના રૂપમાં મનાવવાની જાહેરાત કરી છે. મધ્ય પ્રદેશ તો પોષણથી ભરેલા આ મોટા અનાજના મામલામાં દેશના મુખ્ય રાજયોમાં છે. ખાસ કરીને આપણા આદિવાસી વર્તુળોમાં તેની એક સમૃદ્ધ પરિપાટી છે. અમારી સરકાર દ્વારા કોદો, કુટકી, જુવાર, બાજરા અને રાગી જેવા મોટા અનાજને સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, અને મેં તો નક્કી કર્યુ છે કે, જો ભારત સરકારમાં કોઇ વિદેશી મહેમાન માટે ભોજન આપવાનું છે તો  તેમાં કાંઇ ને કાંઇ તો મોટા અનાજનું હોવું જ જોઇએ. જેથી મારા જે નાના ખેડૂતો કામ કરે છે તે વિદેશી મહેમાનની થાળીમાં પણ તે પીરસાવવું જોઇએ. સ્વયં સહાયતા સમૂહો માટે તેમાં ઘણી વધારે તકો રહેલી છે.
 

સાથીઓ,
એક સમય હતો, જયારે ઘર-પરિવારની અંદર જ માતાઓ-બહેનોની અનેક સમસ્યાઓ હતી, ઘરના નિર્ણયોમાં ભૂમિકા ખૂબ જ મર્યાદિત રહેતી હતી. અનેક ઘરો એવા હતા કે જો બાપ અને દીકરો વેપારની વાત કરી રહ્યા હોય, કામની અને જો માતા ઘરના રસોડામાંથી બહાર આવી જાય તો તરત જ દીકરો કહી દેતો હતો કે બાપ કહી દેતો હતો કે, જા જા તું રસોડામાં કામ કર, અમને જરા વાત કરવા દે, આજે એવું નથી. આજે માતાઓ-બહેનોના વિચાર-સૂચન પરિવારોમાં પણ તેમનું મહત્વ વધવા લાગ્યું છે. પરંતુ તેની પાછળ યોજનાબદ્ધ રીતે અમારી સરકારે પ્રયાસ કર્યો છે. પહેલા આવો વિચારીને પ્રયાસ કરવામાં આવતો નહતો. 2014 પછી જ, દેશ, મહિલાઓની ગરિમાને વધારવા, મહિલાઓની સામે આવનારા પડકારોના સમાધાનમાં લાગ્યો છે. શૌચાલયના અભાવથી જે મુશ્કેલીઓ આવતી હતી, રસોડામાં લાકડાના ધુમાડાથી જે મુશ્કેલીઓ આવતી હતી, પાણી લાવવા માટે બે-બે, ચાર-ચાર કિલોમીટર જવું પડતું હતું. તમે આ બધી વાતો સારી રીતે જાણો છો. દેશમાં 11 કરોડથી વધારે શૌચાલય બનાવીને, નવ કરોડથી વધારે ઉજ્જવલાના ગેસ કનેક્શન આપીને અને કરોડો પરિવારોમાં નળથી જળ આપીને તેમનું જીવન સરળ બનાવ્યું છે.

માતાઓ-બહેનો,
ગર્ભાવસ્થા દરમિયાન કેટલી મુશ્કેલીઓ હતી, તે તમે સારી રીતે જાણો છે. સારી રીતે ખાવા-પીવાનું પણ થતું નહતું, ચેકઅપની સુવિધાઓનો પણ અભાવ હતો, એટલા માટે અમે માતૃવંદના યોજના શરૂ કરી, તેના અંતર્ગત 11 હજાર કરોડ રૂપિયાથી વધારે સીધા ગર્ભવતી મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશની બહેનોને પણ તે અંતર્ગત અંદાજે 1300 કરોડ રૂપિયા આવી ગર્ભવતી મહિલાઓના ખાતામાં પહોંચ્યા છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ મળી રહેલા પાંચ લાખ રૂપિયા સુધીની વિનામૂલ્યે સારવારે પણ ગરીબ પરિવારની બહેનોની ઘણી મોટી મદદ કરી છે.

માતાઓ-બહેનો,
બેટી બચાવો, બેટી પઠાવો અભિયાનના સારા પરિણામ આજે દેશ અનુભવ કરી રહ્યો છે. બેટીઓ સારી રીતે અભ્યાસ કરી શકે,તેમણે વચ્ચેથી સ્કૂલ છોડવી ના પડે, તેના માટે સ્કૂલોમાં દિકરીઓ માટે અલગથી શૌચાલય બનાવ્યા, સેનેટરી પેડ્સની વ્યવસ્થા કરવામાં આવી, સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લગભગ અઢી કરોડ બાળકીઓના એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.

સાથીઓ,
આજે જનધન બેંક ખાતાઓ દેશમાં મહિલા સશક્તિકરણનું ઘણું મોટું માધ્યમ બની ચૂક્યા છે. કોરોના કાળમાં સરકાર જો તમે બહેનોના બેંક ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરી શકી છે, તો તેની પાછળ જનધન એકાઉન્ટની તાકાત છે. આપણે ત્યાં સંપત્તિના મામલામાં વધુમાં વધુ નિયંત્રણ પુરુષોની પાસે જ રહે છે. જો ખેતર છે તો પુરુષના નામ પર, દુકાન છે તો પુરુષના નામ પર, ઘર છે તો પુરુષના નામ પર, ગાડી છે તો પુરુષના નામ પર, સ્કૂટર છે તો પુરુષના નામ પર, મહિલાઓના નામ પર કશું નહી અને પતિ ન રહે તો દિકરાના નામે થઇ જાય છે. અમે આ પરંપરાને ખતમ કરીને મારી માતાઓ-બહેનોને તાકાત આપી છે. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળનારું ઘર અમે સીધે સીધું મહિલાઓના નામ પર આપીએ છીએ. મહિલા તેની માલિક બની જાય છે. અમારી સરકારે દેશની બે કરોડથી વધુ મહિલાઓને પોતાના ઘરની માલિકણ બનાવી છે. આ ઘણું મોટુ કામ છે, માતાઓ-બહેનો. મુદ્રા યોજના હેઠળ પણ અત્યાર સુધી દેશભરમાં 19 લાખ કરોડ રૂપિયાની ગેરન્ટી વગરની લોન નાના વેપાર-કારોબાર માટે આપવામાં આવી છે. આ જે પૈસા છે તેમાં લગભગ 70 ટકા મારી માતાઓ-બહેનો જે ઉદ્યોગસાહસિક્તા કરે છે તેમને મળ્યા છે. મને ખુશી છે કે સરકારના આવા પ્રયાસોના કારણે આજે ઘરના આર્થિક નિર્ણયોમાં મહિલાઓની ભૂમિકા વધી રહી છે.

સાથીઓ,
મહિલાઓનું આર્થિક સશક્તિકરણ તેમને સમાજમાં પણ એટલું જ સશક્ત બનાવે છે. અમારી સરકારે દિકરીઓ માટે, જેટલા દરવાજા બંધ હતા ને, તમામ દરવાજા ખોલી નાખ્યા છે. હવે દિકરીઓ સૈનિક સ્કૂલોમાં પણ પ્રવેશ લઇ રહી છે, પોલીસ કમાન્ડોમાં જઇને દેશની સેવા કરી રહી છે. એટલું જ નહીં સરહદ પર ભારત માતાની દિકરી, ભારત માતાની રક્ષા કરવાનું કામ ફોજમાં જઇને કરી રહી છે. છેલ્લા આઠ વર્ષમાં દેશભરની પોલીસ ફોર્સમાં મહિલાઓની સંખ્યા એક લાખથી વધીને બમણી એટલે કે બે લાખથી પણ વધારે થઇ ચૂકી છે. કેન્દ્રીય દળોમાં પણ અલગ અલગ જે સુરક્ષા દળ છે, આજે અમારી 35 હજારથી વધારે દિકરીઓ દેશના દુશ્મનોથી, આતંકવાદીઓથી ટક્કર લઇ રહી છે. દોસ્તો, આતંકવાદીઓને ધૂળ ચટાવી રહી છે. આ સંખ્યા આઠ વર્ષ અગાઉની સરખામણીમાં લગભગ બમણી થઇ ચૂકી છે. એટલે કે પરિવર્તન આવી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં આવી રહ્યું છે. મને તમારી તાકાત પર સંપૂર્ણ વિશ્વાસ છે. તમામના પ્રયાસથી એક સુંદર સમાજ અને સશક્ત રાષ્ટ્ર બનવામાં આપણે જરૂર સફળ થઇશું. તમે બધાએ આટલી મોટી સંખ્યામાં આવીને અમને આર્શીવાદ આપ્યા છે તમારા માટે વધારે કામ કરવાની તમે મને પ્રેરણા આપી છે. તમે મને શક્તિ આપી છે. હું તમારો હ્વદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું.
મારી સાથે બંને હાથ ઉપર કરીને જોરથી બોલો,
ભારત માતા કી જય
ભારત માતા કી જય
ભારત માતા કી જય
ભારત માતા કી -- જય

ખૂબ ખૂબ આભાર.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1860325) Visitor Counter : 194