પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના કરાહલમાં મહિલા સ્વસહાય જૂથ સંમેલનને સંબોધન કર્યું
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત ખાસ કરીને નબળાં આદિવાસી જૂથોનાં ચાર કૌશલ્ય કેન્દ્રોનું ઉદઘાટન કર્યું
'ભારતની બેટીઓ અને માતાઓ મારું 'રક્ષા કવચ' છે’
"આજના નવા ભારતમાં પંચાયત ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી નારી શક્તિનો ઝંડો ફરકી રહ્યો છે"
"મને વિશ્વાસ છે કે તમે બધી મુશ્કેલીઓનો સામનો કરશો પરંતુ ચિત્તાઓને કોઈ નુકસાન થવાં દેશો નહીં"
"પાછલી સદીના ભારત અને આ સદીના નવા ભારત વચ્ચે નારી શક્તિ એક વ્યાવર્તક પરિબળ બની ગઈ છે"
"સમય જતાં, 'સ્વસહાય જૂથો' 'રાષ્ટ્રસહાય જૂથો'માં ફેરવાઈ જાય છે"
"સરકાર ગ્રામીણ અર્થતંત્રમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે નવી સંભાવનાઓ ઊભી કરવા સતત કામ કરી રહી છે"
"મુલાકાતી વિદેશી મહાનુભાવોનાં મેન્યૂમાં હંમેશાં બરછટ અનાજમાંથી બનેલી કેટલીક વસ્તુઓ હશે"
"દેશભરમાં પોલીસ દળમાં મહિલાઓની સંખ્યા 1 લાખથી બમણી થઈને 2 લાખથી વધુ થઈ ગઈ છે"
प्रविष्टि तिथि:
17 SEP 2022 2:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના શિયોપુર સ્થિત કરાહલમાં આયોજિત સ્વસહાય જૂથ સંમેલનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી)નાં ચાર કૌશલ્ય કેન્દ્રોનું ઉદઘાટન પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ એસએચજીનાં સભ્યોને બૅન્ક લોન મંજૂરીના પત્રો પણ સુપરત કર્યા હતા અને જલ જીવન મિશન હેઠળની કિટ્સ પણ તેમણે આપી હતી. આ પ્રસંગે એસએચજીની સભ્ય એવી આશરે એક લાખ મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને આશરે 43 લાખ મહિલાઓને વિવિધ કેન્દ્રોથી જોડવામાં આવી હતી.
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો સમય મળે, તો તેઓ તેમના જન્મદિને તેમનાં માતા પાસેથી આશીર્વાદ લેવાનો પ્રયાસ કરે છે. આજે ભલે તેઓ તેમનાં માતાને મળવા જઈ શક્યા ન હતા, પરંતુ તેમણે કહ્યું હતું કે, તેમનાં માતા ખુશ થશે કે મને લાખો આદિવાસી માતાઓના આશીર્વાદ મળી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે 'ભારતની બેટીઓ અને માતાઓ મારું 'રક્ષા કવચ' છે.' તેમણે જણાવ્યું હતું કે, વિશ્વકર્મા જયંતી પર સ્વસહાય જૂથોનું આટલું મોટું સંમેલન સ્વયંમાં ખૂબ જ વિશેષ છે અને વિશ્વકર્મા પૂજાના પ્રસંગે શુભેચ્છા પણ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ પંચોતેર વર્ષ પછી ચિત્તાઓ ભારત પરત ફરવાં બદલ ગર્વ અને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે યાદ કર્યું, "અહીં આવતા પહેલા, મને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચિત્તાઓને મુક્ત કરવાનો લહાવો મળ્યો હતો." તેમણે ચિત્તાઓને આદરણીય મહેમાન કહ્યાં હતાં અને કાર્યક્રમનાં સ્થળે હાજર રહેલા દરેક વ્યક્તિ તરફથી આ ચિત્તાને તાળીઓના ગડગડાટથી વધાવી લેવાં વિનંતી કરી હતી અને ઉપસ્થિત સૌએ ઊભા થઈને તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધાં હતાં. "ચિત્તાને તમારી સંભાળમાં એટલા માટે આપવામાં આવ્યાં છે કારણ કે તમારામાં વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે તમે બધી મુશ્કેલીઓનો સામનો કરશો પરંતુ ચિત્તાઓને કોઈ નુકસાન થવાં દેશો નહીં. એટલા માટે જ આજે હું આ આઠ ચિત્તાની જવાબદારી તમને સોંપવા આવ્યો છું." એમ તેમણે આ પ્રદેશના લોકોને કહ્યું હતું. આજે એસએચજી દ્વારા 10 લાખ છોડનાં વાવેતરની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેનાથી ભારતના પર્યાવરણ સુરક્ષાના પ્રયાસોને નવી ઊર્જા મળશે.
ભારતમાં મહિલાઓનાં વધતાં જતાં પ્રતિનિધિત્વનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નારી શક્તિ પાછલી સદીના ભારત અને આ સદીના નવા ભારત વચ્ચે એક વ્યાવર્તક પરિબળ બની ગઈ છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "આજના નવા ભારતમાં પંચાયત ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી નારી શક્તિનો ઝંડો ફરકી રહ્યો છે." તેમણે નોંધ્યું હતું કે, તાજેતરની પંચાયતની ચૂંટણીમાં 17,000 મહિલાઓ પંચાયત સંસ્થાઓમાં ચૂંટાઈ આવી હતી. તેમણે કહ્યું કે, આ એક મોટાં પરિવર્તનની નિશાની છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ દેશની આઝાદીની લડત અને દેશની સુરક્ષામાં મહિલાઓનાં યોગદાનને યાદ કર્યું હતું. તેમણે તાજેતરમાં થયેલાં હર ઘર તિરંગા અભિયાનમાં મહિલાઓ અને એસએચજીની ભૂમિકા અને કોરોનાકાળ દરમિયાન તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમય જતાં 'સ્વસહાય જૂથો' 'રાષ્ટ્રસહાય જૂથો'માં ફેરવાઈ જાય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કોઈ પણ ક્ષેત્રની સફળતાનો સીધો સંબંધ મહિલાઓનાં પ્રતિનિધિત્વમાં વધારા સાથે છે. આ મૉડલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મહિલાઓની આગેવાની હેઠળની પહેલ સ્વચ્છ ભારત અભિયાનની સફળતા છે. એ જ રીતે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ભારતમાં 7 કરોડ કુટુંબોને પાઇપ દ્વારા પાણીનાં જોડાણો મળ્યાં છે, જેમાંથી 40 લાખ પરિવારો મધ્યપ્રદેશના છે. પ્રધાનમંત્રીએ આ સફળતાનો શ્રેય ભારતની મહિલાઓને આપ્યો હતો.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષમાં સરકારે સ્વસહાય જૂથોને સશક્ત બનાવવા માટે અનેક પગલાં લીધાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે દેશભરમાં 8 કરોડથી વધુ બહેનો આ અભિયાન સાથે જોડાયેલી છે. અમારું લક્ષ્ય એ છે કે દરેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછી એક બહેન આ અભિયાનમાં સામેલ થવી જોઈએ", એમ શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી.
'એક જિલ્લો, એક ઉત્પાદન' પહેલ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક જિલ્લામાંથી સ્થાનિક ઉત્પાદનોને મોટાં બજારોમાં લઈ જવાનો આ એક પ્રયાસ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સરકાર ગ્રામીણ અર્થતંત્રમાં મહિલા ઉદ્યોગસાહસિકો માટે નવી સંભાવનાઓનું સર્જન કરવા સતત કામ કરી રહી છે. તેમણે માહિતી આપી કે એસએચજીએ ખાસ તેમનાં ઉત્પાદનો માટે બનાવેલાં બજારોમાં ૫૦૦ કરોડનાં ઉત્પાદનો વેચ્યાં છે. પીએમ વન ધન યોજના અને પીએમ કૌશલ વિકાસ યોજનાનો લાભ પણ મહિલાઓ સુધી પહોંચી રહ્યો છે. તેમણે જીઇએમ પોર્ટલ પર એસએચજીનાં ઉત્પાદન માટે 'સરસ' સ્પેસ વિશે પણ માહિતી આપી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચવા માટે પ્રચૂર પ્રયાસો કર્યા છે અને એ રીતે વર્ષ 2023ને બરછટ અનાજનું વર્ષ જાહેર કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી થવાની છે. પ્રધાનમંત્રીએ એ વાત પણ યાદ કરી હતી કે, સપ્ટેમ્બર મહિનો દેશમાં પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, તેઓ એ સુનિશ્ચિત કરે છે કે બરછટ અનાજમાંથી તૈયાર કરવામાં આવેલી ઓછામાં ઓછી એક વસ્તુ મુલાકાતી વિદેશી મહાનુભાવોનાં મેન્યૂનો ભાગ હોય.
વર્ષ 2014થી અત્યાર સુધી સરકારના પ્રયાસોને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશે મહિલાઓનું ગૌરવ વધારવા અને તેમની સામેના પડકારોનું દૈનિક ધોરણે સમાધાન કરવા સતત કામ કર્યું છે. શ્રી મોદીએ યાદ કર્યું હતું કે, શૌચાલયો વિના અને રસોડામાં લાકડામાંથી નીકળતા ધુમાડાને કારણે થતી હાડમારી સાથે સંબંધિત સમસ્યાઓમાં મહિલાઓને કેવી રીતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રધાનમંત્રીએ દેશમાં 11 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ થવાથી, 9 કરોડથી વધારે કુટુંબોને ગેસનાં જોડાણો પ્રદાન કરવાથી અને ભારતનાં અંતરિયાળ વિસ્તારોમાં કરોડો કુટુંબોને નળમાંથી પાણી પ્રદાન કરવાથી તેમનાં જીવનને વધુ સરળ બનાવવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, માતૃવંદના યોજના અંતર્ગત અપેક્ષિત માતાઓનાં ખાતામાં 11,000 કરોડ રૂપિયા સીધા હસ્તાંતરિત કરવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશની માતાઓને પણ આ યોજના હેઠળ 1300 કરોડ રૂપિયા મળ્યા હતા. તેમણે ઘરોમાં નાણાંકીય નિર્ણયો લેવામાં મહિલાઓની વધતી ભૂમિકાની પણ નોંધ લીધી હતી.
જન ધન બૅન્ક ખાતાઓ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તે દેશમાં મહિલા સશક્તીકરણનું એક મોટું માધ્યમ બની ગયું છે. પ્રધાનમંત્રીએ તરત જ યાદ અપાવ્યું કે કોરોના સમયગાળા દરમિયાન, એ જન ધન બૅન્ક ખાતાઓની શક્તિ જ હતી જેણે સરકારને મહિલાઓનાં બૅન્ક ખાતાઓમાં સુરક્ષિત અને સીધા પૈસા ટ્રાન્સફર કરવા માટે સક્ષમ બનાવી હતી. "આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રાપ્ત થયેલાં ઘરોમાં મહિલાઓનાં નામ જોડવામાં આવ્યાં છે. અમારી સરકારે દેશમાં ૨ કરોડથી વધુ મહિલાઓને મકાન માલિક બનવા માટે સમર્થ બનાવી છે. મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધી દેશભરમાં નાના ઉદ્યોગો અને વેપાર-ધંધાને 19 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ નાણાંમાંથી લગભગ ૭૦ ટકા રકમ મહિલા ઉદ્યોગસાહસિકોને મળી છે. મને ખુશી છે કે સરકારના આવા પ્રયાસોને કારણે આજે ઘરના આર્થિક નિર્ણયોમાં મહિલાઓની ભૂમિકા વધી રહી છે", એમ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, "મહિલાઓનું આર્થિક સશક્તીકરણ તેમને સમાજમાં સમાન રીતે સશક્ત બનાવે છે." ભારતની દીકરીઓ હવે કેવી રીતે સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવી રહી છે, પોલીસ કમાન્ડો બની રહી છે અને સેનામાં જોડાઈ રહી છે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ સરકારને બંધ બારણાં ખોલવાનો અને તેમનાં માટે નવી તકો ઊભી કરવાનો શ્રેય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લાં 8 વર્ષમાં દરેક ક્ષેત્રમાં થયેલાં નોંધપાત્ર પરિવર્તનો પર દરેકનું ધ્યાન દોરતાં અપાર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી અને દરેકને એ બાબત પર જાણકારી આપી હતી કે, દેશભરમાં પોલીસ દળમાં મહિલાઓની સંખ્યા 1 લાખથી બમણી થઈને 2 લાખથી વધારે થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, આપણી 35,000થી વધારે દીકરીઓ અત્યારે કેન્દ્રીય દળોનો હિસ્સો બની ગઈ છે અને દેશના દુશ્મનો સામે લડી રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "આ સંખ્યા 8 વર્ષ અગાઉની સરખામણીએ લગભગ બમણી છે." પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "મને તમારી તાકાતમાં સંપૂર્ણ વિશ્વાસ છે. સબકા પ્રયાસ સાથે, અમે ચોક્કસપણે વધુ સારા સમાજ અને એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવામાં સફળ થઈશું."
આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી નરેન્દ્ર સિંહ તોમર, શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ડો.વિરેન્દ્રકુમાર તથા રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ શ્રી ફગ્ગનસિંહ કુલસ્તે અને શ્રી પ્રહલાદ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચાદભૂમિકા
આ સંમેલન દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (ડીએવાય-એનઆરએલએમ) હેઠળ પ્રોત્સાહન આપવામાં આવી રહેલાં હજારો મહિલા સ્વસહાય જૂથ (એસએચજી)નાં સભ્યો/સામુદાયિક સંસાધન વ્યક્તિઓની હાજરીનું સાક્ષી છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી)નાં ચાર કૌશલ્ય કેન્દ્રોનું ઉદઘાટન પણ કર્યું હતું.
ડીએવાય-એનઆરએલએમનો ઉદ્દેશ ગ્રામીણ ગરીબ કુટુંબોને તબક્કાવાર રીતે એસએચજીમાં સંગઠિત કરવાનો અને તેમની આજીવિકામાં વિવિધતા લાવવા તથા તેમની આવક અને જીવનની ગુણવત્તા સુધારવા લાંબા ગાળાનો ટેકો પ્રદાન કરવાનો છે. આ મિશન ઘરેલુ હિંસા, મહિલા શિક્ષણ અને લિંગ સંબંધિત અન્ય ચિંતાઓ, પોષણ, સ્વચ્છતા, સ્વાસ્થ્ય વગેરે જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવવા અને વર્તનમાં પરિવર્તન સંચાર દ્વારા મહિલા એસએચજી સભ્યોને સશક્ત બનાવવાની દિશામાં પણ કામ કરી રહ્યું છે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1860168)
आगंतुक पटल : 301
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam