આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક પગલું લઇને, ખાંડની મોસમ 2022-23 માટે શેરડીના ખેડૂતોને સુગર મિલ્સ દ્વારા ચુકવવામાં આવતા શેરડીના વાજબી અને લાભકારી ભાવોને મંજૂરી આપી

શેરડીના ખેડૂતો (ગન્નાકિસાન) માટે મંજૂર કરવામાં આવલો રૂ. 305/ક્વિન્ટલનો ભાવ અત્યાર સુધીનો સૌથી વધુ વાજબી અને લાભકારી ભાવ છે

ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકારે છેલ્લાં 8 વર્ષમાં FRPમાં 34%થી વધુની વૃદ્ધિ કરી છે

ભારત સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે પ્રતિબદ્ધ છે

આ નિર્ણયથી શેરડીનું વાવેતર કરતા 5 કરોડ ખેડૂતો (ગન્નાકિસાન) અને તેમના આશ્રિતો તેમજ સુગર મિલોમાં કામ કરી રહેલા 5 લાખ કામદારો અને તેમની સાથે જોડાયેલી આનુષંગિક પ્રવૃત્તિઓને ફાયદો થશે

Posted On: 03 AUG 2022 6:19PM by PIB Ahmedabad

શેરડીનું વાવેતર કરતા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ખાંડની મોસમ 2022-23 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) માટે 10.25 ટકાના મૂળભૂત રિકવરી દર માટે શેરડીના વાજબી અને લાભકારી ભાવ (FRP) 305 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવાની મંજૂરી આપી છે. આનાથી 10.25 ટકા કરતાં વધારેની રિકવરીમાં પ્રત્યેક 0.1 ટકાની વૃદ્ધિ માટે 3.05 રૂપિયા/ક્વિન્ટલનું પ્રિમિયમ મળશે અને રિકવરીમાં પ્રત્યેક 0.1 ટકાની ઘટાડા માટે 3.05 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વાજબી અને લાભકારી ભાવ (FRP)માં ઘટાડો થશે. જો કે, સરકારે શેરડીનું વાવેતર કરતા ખેડૂતોના હિતનું રક્ષણ કરવા માટે, એવો પણ નિર્ણય લીધો છે કે સુગર મિલોના કિસ્સામાં જ્યાં રિકવરી 9.5 ટકાથી ઓછી છે ત્યાં કોઇ કપાત કરવામાં આવશે નહીં. આવા ખેડૂતોને વર્તમાન ખાંડની મોસમ 2021-22માં 275.50 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળે છે તેની સામે આગામી ખાંડની મોસમ 2022-23માં શેરડી માટે 282.125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળશે.

ખાંડની મોસમ 2022-23 માટે શેરડીના ઉત્પાદનનો A2+FL ખર્ચ (એટલે ​​​​કે પારિવારિક મજૂરીનું મૂલ્ય વત્તા વાસ્તવિક ચુકવણી કિંમત) પ્રતિ ક્વિન્ટલ રૂ. 162 છે. 10.25 ટકાના વળતર દરે 305 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો આ FRP ઉત્પાદન ખર્ચ કરતાં 88.3 ટકા વધુ છે. આનાથી ખેડૂતોને તેમના પડતર ખર્ચ પર 50 ટકાથી વધુ નફો આપવાનું વચન સુનિશ્ચિત થાય છે. ખાંડની મોસમ 2022-23 માટે FRP વર્તમાન ખાંડની મોસમ 2021-22 કરતાં 2.6 ટકા વધારે છે.

કેન્દ્ર સરકારની સક્રિય નીતિઓના પરિણામ સ્વરૂપે છેલ્લા 8 વર્ષમાં શેરડીની ખેતી અને ખાંડ ઉદ્યોગ ઘણો આગળ આવ્યો છે અને હવે આત્મનિર્ભરતાના સ્તરે પહોંચી ગયો છે. સમયસર કરવામાં આવતા સરકારી હસ્તક્ષેપો, ખાંડ ઉદ્યોગ, રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની સાથે સાથે ખેડૂતો સાથે સહકાર સાધવાનું આ પરિણામ છે. તાજેતરના વર્ષોમાં ખાંડ ક્ષેત્ર માટે સરકાર દ્વારા લેવામાં આવેલા મુખ્ય પગલાં:

  • શેરડીના ઉત્પાદકોને ખાતરીપૂર્વકના ભાવ મળે તે માટે શેરડીનો FRP નક્કી કરવામાં આવ્યો છે.
  • છેલ્લાં 8 વર્ષમાં સરકારે FRPમાં 34 ટકાથી વધુનો વધારો કર્યો છે.
  • સરકારે ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ (MSP)નો ખ્યાલ પણ રજૂ કર્યો છે (MSP શરૂઆતમાં 07-06-2018 થી 29/કિલો નક્કી કરવામાં આવી હતી; સુધારીને 14-02-2019 થી 31/કિલો કરવામાં આવી હતી) જેથી ખાંડના એક્સ-મિલ ભાવમાં ઘટાડો અને શેરડીના બાકીના સંચયને રોકી શકાય.
  • સુગર મિલોની નિકાસને સુવિધાજનક બનાવવા માટે, બફર સ્ટોક જાળવી રાખવા માટે, ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની બાકી રકમ ચુકવવા માટે સુગર મિલોને રૂ. 18,000 કરોડથી વધુની નાણાકીય સહાય આપવમાં આવી છે.
  • વધારાની ખાંડને ઇથેનોલ ઉત્પાદનમાં રૂપાંતરિત કરીને સુગર મિલોની નાણાકીય સ્થિતિમાં સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે, તેઓ ઝડપથી શેરડીની બાકી રકમ ચુકવવા માટે સમર્થ બન્યા છે.
  • ખાંડની નિકાસ અને ઇથેનોલ તરફ વળવાના કારણે, ખાંડ ક્ષેત્ર આત્મનિર્ભર બની રહ્યું છે અને મિલોની લિક્વિડિટી સુધારવા માટે નિકાસ અને બફર માટે બજેટરી સહાય કરવાની જરૂર નથી.

આ ઉપરાંત, છેલ્લી કેટલીક ખાંડની મોસમ દરમિયાન ખાંડ ક્ષેત્ર માટે લેવામાં આવેલા અન્ય વિવિધ પગલાંના કારણે, શેરડીના વાવેતર હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે, શેરડીનું ઉત્પાદન, શેરડીને ક્રશ કરવાનું, ખાંડનું ઉત્પાદન અને તેની રિકવરીની ટકાવારી તેમજ ખેડૂતોને કરવામાં આવતી ચુકવણીમાં ઘણી વૃદ્ધિ વગેરે થયા છે. આ દિશામાં લેવામાં આવેલા પગલાંઓમાં અન્ય બાબતોની સાથે સાથે, શેરડીની ઘણી વધારે ઉપજ આપતી શેરડીની જાતો લાવવામાં આવી છે, ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવવામાં આવી છે, સુગર પ્લાન્ટનું આધુનિકીકરણ અને અન્ય સંશોધન તેમજ વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે વગેરે સામેલ છે.

ખેડૂતોની આવક વધારવા સરકાર પ્રતિબદ્ધ છે:

આ નિર્ણયથી શેરડીનું વાવેતર કરતા 5 કરોડ ખેડૂતો અને તેમના આશ્રિતો તેમજ સુગર મિલો અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં કામ કરી રહેલા 5 લાખ કામદારોને ફાયદો થશે. 9 વર્ષ પહેલાં, 2013-14ની ખાંડની મોસમમાં FRP માત્ર 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી અને સુગર મિલોએ માત્ર 2397 LMT શેરડીની ખરીદી કરી હતી. ખેડૂતોને સુગર મિલોને શેરડી વેચીને તેમની પાસેથી માત્ર 51,000 કરોડ મળ્યા હતા. જો કે, છેલ્લા 8 વર્ષ દરમિયાન સરકારે FRPમાં 34 ટકાથી વધુનો વધારો કર્યો છે. વર્તમાન ખાંડની મોસમ 2021-22માં, સુગર મિલોએ રૂ. 1,15,196 કરોડની કિંમતની આશરે 3,530 લાખ ટન શેરડીની ખરીદી કરી હતી, જે અત્યાર સુધીમાં થયેલી સૌથી વધારે ખરીદી છે.

આગામી ખાંડની મોસમ 2022-23 દરમિયાન શેરડીના વાવેતરના વિસ્તાર અને અપેક્ષિત ઉત્પાદનને ધ્યાનમાં રાખીને, સુગર મિલો દ્વારા 3,600 લાખ ટનથી વધુ શેરડીની ખરીદી કરવામાં આવે તેવી શક્યતા છે, જેના માટે શેરડીના ખેડૂતોને ચુકવવાની કુલ રકમ રૂપિયા 1,20,000 કરોડ કરતાં વધુ થવાનું અનુમાન છે. સરકાર દ્વારા ખેડૂતોને સહકાર મળે તેવા ઉપાયો લાવીને સુનિશ્ચિત કરવામાં આવશે કે, શેરડીના ખેડૂતોને તેમની બાકી નીકળતી ચુકવણી સમયસર પ્રાપ્ત થઇ જાય.

પાછલી ખાંડની મોસમ 2020-21માં, લગભગ રૂ. 92,938 કરોડની શેરડીની ચુકવણી કરવાની બાકી હતી, જેમાંથી રૂ. 92,710 કરોડ ચુકવવામાં આવ્યા છે અને માત્ર રૂ. 228 કરોડ બાકી છે. ચાલુ ખાંડની મોસમ 2021-22માં ખેડૂતોને રૂપિયા 1,15,196 કરોડમાંથી રૂપિયા 1,05,322 કરોડની શેરડીની બાકી ચુકવણી 01 ઑગસ્ટ, 2022 સુધીમાં આપી દેવામાં આવી હતી; આમ 91.42 ટકા શેરડીની બાકી રકમની ચુકવણી કરવામાં આવી છે જે અગાઉની ખાંડની મોસમ કરતાં વધુ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001GQMI.jpg

 

ભારત સમગ્ર દુનિયામાં ખાંડનો સૌથી મોટો ઉત્પાદક અને બીજો સૌથી મોટો નિકાસકાર દેશ:

ભારતે ચાલુ ખાંડની મોસમમાં ખાંડના ઉત્પાદન મામલે બ્રાઝિલને પાછળ છોડી દીધું છે. છેલ્લા 8 વર્ષમાં ખાંડના ઉત્પાદનમાં વધારો થવાથી, ભારત સ્થાનિક વપરાશ માટે તેની જરૂરિયાતને પહોંચી વળવાની સાથે સાથે સતત ખાંડની નિકાસ પણ કરી રહ્યું છે, જેના કારણે આપણી રાજકોષીય ખાધ ઘટાડવામાં મદદ મળી છે. છેલ્લી 4 ખાંડની મોસમ; 2017-18, 2018-19, 2019-20 અને 2020-21 દરમિયાન અનુક્રમે 6 લાખ મેટ્રિક ટન (LMT), 38 LMT, 59.60 LMT અને 70 LMT ખાંડની નિકાસ કરવામાં આવી છે. ચાલુ ખાંડની મોસમ 2021-22માં 01 ઑગસ્ટ, 2022 સુધીમાં લગભગ 100 LMT ખાંડની નિકાસ કરવામાં આવી છે અને કુલ નિકાસ લગભગ 112 LMT થવાની સંભાવના છે.

શેરડીના ખેડૂતો અને ખાંડ ઉદ્યોગ હવે ર્જા ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે:

ભારતની લગભગ 85 ટકા ક્રૂડ ઓઇલની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરવામં આવે છે. પરંતુ ક્રૂડ ઓઇલ પરના આયાત બિલમાં ઘટાડો કરવા, પ્રદૂષણમાં ઘટાડો કરવા અને દેશને પેટ્રોલિયમ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે સરકાર પેટ્રોલ સાથે ઇથોનોલનું મિશ્રણ કરવાના કાર્યક્રમ અંતર્ગત ઇથેનોલના ઉત્પાદનમાં વધારો કરવા અને પેટ્રોલ સાથે ઇથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપવાના માર્ગ પર સક્રિય રૂપે આગળ વધી રહી છે. સરકાર સુગર મિલોને વધારાની શેરડીને ઇથેનોલમાં રૂપાંતરિત કરવા પ્રોત્સાહિત કરી રહી છે, જેથી તેને પેટ્રોલ સાથે મિશ્રણ શકાય, જે ગ્રીન ઇંધણ તરીકે કામ કરવાની સાથે સાથે, ક્રૂડ ઓઇલની આયાત પર ખર્ચવામાં આવતી રકમ ઘટાડવામાં પણ મદદ કરે છે. આનાથી વિદેશી હૂંડિયામણની પણ બચત થશે. ખાંડની મોસમ 2018-19, 2019-20 અને 2020-21 દરમિયાન અનુક્રમે લગભગ 3.37 LMT, 9.26 LMT અને 22 LMT ખાંડનું ઇથેનોલમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. વર્તમાન ખાંડની મોસમ 2021-22માં, આશરે 35 LMT ખાંડને ઇથેનોલમાં રૂપાંતરિત કરવાનું અનુમાન છે અને 2025-26 સુધીમાં 60 LMT કરતાં વધુ ખાંડને ઇથેનોલમાં રૂપાંતરિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેના કારણે વધારાની શેરડીની સમસ્યાના ઉકેલની સાથે સાથે ચુકવણીમાં થતા વિલંબનો ઉકેલ પણ આવી શકશે કારણ કે શેરડીના ખેડૂતોને આના કારણે સમયસર ચુકવણી પ્રાપ્ત થશે.

સરકારે 2022 સુધીમાં પેટ્રોલ સાથે 10 ટકા ઇંધણ ગ્રેડ ઇથેનોલ અને 2025 સુધીમાં 20 ટકા મિશ્રણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

વર્ષ 2014 સુધીમાં, મોલાસીસ આધારિત ડિસ્ટિલરીઓમાં માત્ર 215 કરોડ લીટર ઇથેનોલનું ડિસ્ટિલેશન કરવાની ક્ષમતા હતી. જો કે, છેલ્લા આઠ વર્ષમાં સરકાર દ્વારા કરવામાં આવેલા નીતિગત ફેરફારોને કારણે, મોલાસીસ આધારિત ડિસ્ટિલરીઓની આ ક્ષમતા વધીને 595 કરોડ લીટર થઇ ગઇ છે. અનાજ આધારિત ડિસ્ટિલરીઓ ક્ષમતા, વર્ષ 2014માં લગભગ 206 કરોડ લીટર હતી, તે હવે વધીને 298 કરોડ લીટર થઇ ગઇ છે. આમ, છેલ્લા આઠ વર્ષમાં કુલ ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા 2014માં 421 કરોડ લીટરથી બમણી થઇને જુલાઇ 2022માં 893 કરોડ લીટર થઇ ગઇ છે. સરકાર ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા વધારવાના હેતુસર બેંકો પાસેથી લીધેલી લોન માટે ખાંડની મિલો/ડિસ્ટિલરીઓને લોન માટે વ્યાજમાં સબસિડી પણ આપી રહી છે. ઇથેનોલ ક્ષેત્રમાં લગભગ 41,000 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે જે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઉભી કરશે.

ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2013-14માં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ને માત્ર 1.53 ટકાના મિશ્રણ સ્તર સાથે ઇથેનોલનો માત્ર 38 કરોડ લીટરનો પુરવઠો કરવામાં આવ્યો હતો. ઇંધણ ગ્રેડ ઇથેનોલનું ઉત્પાદન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ને તેનો પુરવઠો વર્ષ 2013-14ની સરખામણીમાં આઠ ગણો વધ્યો છે. ઇથેનોલ સપ્લાય વર્ષ 2020-21 (ડિસેમ્બર-નવેમ્બર)માં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) ને લગભગ 302.30 કરોડ લીટર ઇથેનોલનો પુરવઠો કરવામાં આવ્યો છે, જે 8.1 ટકાનું સંમિશ્રણ સ્તર પ્રાપ્ત કરે છે. વર્તમાન ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2021-22માં, આપણે 10.17 ટકાનું મિશ્રણનું સ્તર પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છીએ. વર્તમાન ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2021-22 માં, ખાંડની મિલો/ડિસ્ટિલરીઓ પેટ્રોલ સાથે મિશ્રણ કરવા માટે 400 કરોડ લીટરથી વધુ ઇથેનોલનો સપ્લાય કરે તેવી અપેક્ષા છે, જે વર્ષ 2013-14માં કરવામાં આવેલા સપ્લાય કરતાં 10 ગણી વધારે હશે.

ખાંડ ઉદ્યોગ આત્મનિર્ભર બની રહ્યો છે:

અગાઉના થોડા સમય પહેલાંની સ્થિતિ સુધી, સુગર મિલોની આવક મુખ્યત્વે ખાંડના વેચાણ પર નિર્ભર રહેતી હતી. કોઇપણ મોસમમાં વધારાનું ઉત્પાદન તેમની ચુકવણી ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરે છે, જેના કારણે શેરડીના ઉત્પાદકો ખેડૂતોને રકમની ચુકવણી કરવાની બાકી રહી જાય છે. તેમની ચુકવણી કરવાની ક્ષમતામાં સુધારો કરવા માટે સમયાંતરે સરકારી હસ્તક્ષેપ કરવામાં આવ્યા છે. જો કે, વધારાની ખાંડની નિકાસને પ્રોત્સાહન આપવાથી અને ખાંડને ઇથેનોલમાં રૂપાંતરિત કરવા સહિત છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારની સક્રિય નીતિઓને કારણે, ખાંડ ઉદ્યોગ હવે આત્મનિર્ભર બન્યો છે.

સુગર મિલોને 2013-14થી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC)ને કરેલા ઇથેનોલના વેચાણથી આશરે રૂ. 49,000 કરોડ મળ્યા છે. વર્તમાન ખાંડની મોસમ 2021-22માં, સુગર મિલો દ્વારા OMCને આશરે રૂ. 20,000 કરોડના મૂલ્યનું ઇથેનોલ વેચવામાં આવ્યું છે, જેનાથી સુગર મિલોની ચુકવણીની ક્ષમતામાં સુધારો થશે અને તેઓ ખેડૂતોને શેરડીની બાકી રહેલી ચુકવણી કરવામાં સમર્થ બનશે. ખાંડ અને તેની ઉપનીપજોનું વેચાણ, OMCને ઇથેનોલનો પુરવઠો, બેગેસ આધારિત સહ-ઉત્પાદન પ્લાન્ટ્સમાંથી વીજ ઉત્પાદન અને દબાણમાં રાખેલા મડ (ભીની માટી)માંથી ઉત્પાદિત પોટાશના વેચાણથી થતી આવકના કારણે સુગર મિલોની નાણાકીય સ્થિતિ ઘણી રીતે સુધરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં અને FRPમાં વૃદ્ધિથી ખેડૂતોને શેરડીની ખેતી કરવા માટે પ્રોત્સાહન મળે છે અને ખાંડના સ્થાનિક ઉત્પાદન માટે સુગર મિલોની કામગીરીને એકધારી જળવાઇ રહે તેની સુવિધા પ્રાપ્ત થઇ છે. ખાંડ ઉદ્યોગ માટે સરકાર દ્વારા ઘડવામાં આવેલી સકારાત્મક નીતિઓના પરિણામે ભારત હવે ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા જઇ રહ્યું છે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1848224) Visitor Counter : 549