પ્રધાનમંત્રીનું કાર્યાલય

સ્વામી આત્મસ્થાનંદના જન્મ શતાબ્દીની ઉજવણીમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 10 JUL 2022 11:33AM by PIB Ahmedabad

સાત્વિક ચેતનાથી ભરપૂર આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પૂજ્ય સંતગણ, શારદા મઠના તમામ સાધ્વી માતાઓ, વિશિષ્ટ અતિથિગણ અને તમામ શ્રદ્ધાળુ સાથીઓ! આપ સૌના મારા વંદન!

આજે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સ્વામી આત્મસ્થાનંદજીની જન્મ શતાબ્દીના કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. આ આયોજન મારા માટે વ્યક્તિગત રીતે પણ ખૂબ જ લાગણીઓ અને યાદોથી ભરેલો છે, તેમાં કેટલીય વાતો સમાયેલી છે. સ્વામીજીએ તેમના શતાબ્દી જીવનની ખૂબ જ નજીકના સમયમાં દેહ ત્યાગ કર્યો હતો. મને હંમેશા તેમના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, તેમની સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે ઘણા સદભાગ્યની વાત છે કે, છેલ્લી ઘડી સુધી હું તેમની સાથે સંપર્કમાં રહ્યો હતો. એક બાળક પર જેવી રીતે પ્રેમનો વરસાદ થાય છે તેવી રીતે તેઓ મારા પર પ્રેમ વરસાવતા રહ્યા હતા. તેમના આશીર્વાદ છેલ્લી ઘડી સુધી મારા પર રહ્યા હતા. અને મને એવો અનુભવ થાય છે કે, સ્વામીજી મહારાજ તેમના ચેતન સ્વરૂપમાં આજે પણ આપણને તેમના આશીર્વાદ આપી રહ્યા છે. મને એ વાતનો આનંદ છે કે, તેમના જીવન અને મિશનને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે આજે બે સ્મૃતિ આવૃત્તિઓ, એક જીવનચરિત્ર અને એક ડોક્યુમેન્ટરી પણ બહાર પાડવામાં આવી રહી છે. આ કાર્ય બદલ હું, રામકૃષ્ણ મિશનના પ્રમુખ પૂજ્ય સ્વામી સ્મરણાનંદજી મહારાજજીને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

સ્વામી આત્મસ્થાનંદજીને શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય પૂજ્ય સ્વામી વિજ્ઞાનાનંદજીએ દીક્ષા આપી હતી. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જેવા સંતની જાગૃત અનુભૂતિ, તે આધ્યાત્મિક ઊર્જા તેમનામાં સ્પષ્ટપણે દેખાતી હતી. આપ સૌ ખૂબ જ સારી રીતે જાણો છો કે, આપણા દેશમાં સંન્યાસની મોટી પરંપરા છે. સંન્યાસના પણ કેટલાય સ્વરૂપો હોય છે. વાનપ્રસ્થ આશ્રમને પણ સંન્યાસની દિશામાં એક ડગલું માનવામાં આવે છે.

સંન્યાસનો અર્થ જ એવો છે કે પોતાનાથી ઉપર ઊઠવું, જનસમૂહ માટે કામ કરવું, જનસમૂહ માટે જીવવું. પોતાની જાતનું જનસમૂહ સુધી વિસ્તરણ કરવું. સંન્યાસી માટે, જીવની સેવામાં પ્રભૂની સેવા જોવી, જીવમાં શિવનું દર્શન કરવું એ સર્વોપરી બાબત છે. આ મહાન સંત પરંપરાને સ્વામી વિવેકાનંદજીએ, સન્યસ્થ પરંપરાને તેના આધુનિક સ્વરૂપમાં ઘડી હતી. સ્વામી આત્મસ્થાનંદજી તેમના જીવનમાં સંન્યાસનું આ સ્વરૂપ જીવ્યા હતા, અને તેને સાકાર કર્યું હતું. તેમના દિશાસૂચન હેઠળ બેલુર મઠ અને શ્રી રામકૃષ્ણ મિશન દ્વારા માત્ર ભારતમાં જ નહીં પણ નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશોમાં પણ અદ્ભુત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમણે નિરંતર ગ્રામીણ વિસ્તારોમાં લોકોના કલ્યાણ માટે કામ કર્યું હતું, આ માટે તેમણે સંસ્થાઓ તૈયાર કરી હતી. આજે આ સંસ્થાઓ ગરીબોને રોજગારી અને આજીવિકા મેળવવામાં મદદ કરી રહી છે. સ્વામીજી ગરીબોની સેવાને, જ્ઞાનના પ્રસારને, તેને લગતા કાર્યોને પૂજા માનતા હતા. આ માટે મિશન મોડમાં કામ કરવું, નવી સંસ્થાઓનું નિર્માણ કરવું, સંસ્થાઓને મજબૂત કરવી, તેમના માટે આ બધી બાબતો રામકૃષ્ણ મિશનના આદર્શો હતા. જેમ આપણે અહીં કહીએ છીએ કે જ્યાં ઇશ્વરીય ભાવના છે ત્યાં તીર્થ છે. તેવી જ રીતે જ્યાં પણ આવા સંતો હોય ત્યાં માનવતા, સેવા વગેરે બાબતો કેન્દ્રમાં રહે છે. સ્વામીજીએ પોતાના સંન્યાસી જીવન દ્વારા આ સાબિત કરી બતાવ્યું હતું.

સાથીઓ,

સેંકડો વર્ષ પહેલાંના આદિ શંકરાચાર્ય હોય કે પછી આધુનિક સમયમાં સ્વામી વિવેકાનંદ હોય, આપણી સંત પરંપરા હંમેશા એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના જાહેર કરતી રહી છે. રામકૃષ્ણ મિશનની સ્થાપના એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિચાર સાથે સંકળાયેલી છે. સ્વામી વિવેકાનંદ આ સંકલ્પને એક મિશનના સ્વરૂપમાં જીવ્યા હતા. તેમનો જન્મ બંગાળમાં થયો હતો. પરંતુ તમે દેશના કોઇપણ હિસ્સામાં જાઓ, ત્યાં તમને ભાગ્યે જ કોઇ એવો વિસ્તાર મળશે જ્યાં વિવેકાનંદ ના રહ્યા હોય, અથવા તે વિસ્તાર તેમનાથી પ્રભાવિત ના હોય. તેમની યાત્રાઓએ ગુલામીના તે યુગમાં દેશને તેની પ્રાચીન રાષ્ટ્રીય ચેતનાનો અહેસાસ કરાવ્યો હતો, તેનામાં નવા આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો. રામકૃષ્ણ મિશનની આ પરંપરાને સ્વામી આત્મસ્થાનંદજીએ જીવનભર આગળ ધપાવી હતી. તેમણે પોતાનું જીવન દેશના જુદા જુદા ભાગોમાં વિતાવ્યું હતું, કેટલાય કાર્યો કર્યા હતા અને જ્યાં પણ તેઓ રહેતા હતા, ત્યાં તેઓ સંપૂર્ણ રીતે સ્થાયી થયા હતા. ગુજરાતમાં રહીને તેઓ ખૂબ સારી રીતે ગુજરાતી બોલતા હતા. અને મારું તો સૌભાગ્ય હતું કે, તેમના જીવનના અંતિમ તબક્કામાં પણ જ્યારે હું તેની સાથે વાત કરતો ત્યારે તેઓ ગુજરાતીમાં જ બોલતા હતા. મને પણ તેમનું ગુજરાતી સાંભળવું ખૂબ ગમતું હતું. અને હું આજે યાદ કરવા માંગુ છું કે, કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે તેમણે એક ક્ષણ પણ જવા દીધી નહોતી, અને ત્યારે તો હું રાજનીતિમાં કોઇ હોદ્દા પર પણ નહોતો, હું એક કાર્યકર તરીકે કામ કરતો હતો. તે સમયે તેમણે મારી સાથે સમગ્ર પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી, વાત કરી કે, રામકૃષ્ણ મિશન કચ્છમાં કયા કામ કરી શકે છે. સંપૂર્ણ વિગતવાર, સમગ્ર સમય દરમિયાન તેમના માર્ગદર્શન હેઠળ તે સમયે કચ્છમાં ભૂકંપ પીડિતોને રાહત આપવા માટે ઘણું કામ થયું. તેથી જ, સૌ કોઇ રામકૃષ્ણ મિશનના સંતોને દેશમાં રાષ્ટ્રીય એકતાના વાહક તરીકે ઓળખે છે. અને, જ્યારે તેઓ વિદેશ જાય છે, ત્યારે તે ત્યાં ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરે છે.

સાથીઓ,

રામકૃષ્ણ મિશનની આ જાગૃત પરંપરા રામકૃષ્ણ પરમહંસ જેવી જેવી દૈવી વ્યક્તિના આધ્યાત્મિક અભ્યાસ દ્વારા પ્રગટ થઇ છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ, એવા જ એક સંત હતા જેમને માં કાલીનું સ્પષ્ટ દર્શન થયું હતું, જેમણે પોતાનું સર્વસ્વ માં કાલીનાં ચરણોમાં સમર્પિત કર્યું હતું.

તે કહેતા હતા કે - આ આખું જગત, આ ચર-અચર, બધું જ માતાની ચેતનાથી વ્યાપ્ત છે. આ ચેતના બંગાળની કાલી પૂજામાં જોવા મળે છે. આ જ ચેતના બંગાળ અને આખા ભારતની આસ્થામાં જોવા મળે છે. આ ચેતના અને શક્તિનો પૂંજ સ્વામી વિવેકાનંદ જેવા યુગપુરુષોના રૂપમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ દ્વારા પ્રદિપ્ત કરવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદને માતા કાલીની જે અનુભૂતિ થઇ, તેમના જે આધ્યાત્મિક દર્શન થયા, તેનાથી તેમની અંદર અસાધારણ ઊર્જા અને શક્તિનો સંચાર થયો હતો. સ્વામી વિવેકાનંદ જેવું ઓજસ્વી વ્યક્તિત્વ, એટલું વિરાટ ચરિત્ર, પરંતુ જગનમાતા કાલીનું સ્મરણ કરીને તેઓ તેમની ભક્તિમાં નાના બાળકની જેમ ઝુમી ઉઠતા હતા. ભક્તિની આવી જ નિશ્ચલતા અને શક્તિ સાધનાનું આવું જ સમાર્થ્ય મને સ્વામી આત્મસ્થાનંદજીની અંદર જોવા મળતું હતું. અને તેમની વાતોમાં પણ માતા કાલીની ચર્ચા થતી હતી. અને મને યાદ છે, જ્યારે મારે બેલુર મઠ જવાનું હોય, ગંગાના કિનારે બેઠા હોઇએ અને દૂર ક્યાંય માતા કાલીનું મંદિર દેખાતું હોય, તો સ્વાભાવિક છે કે, એક લાગણી બંધાઇ જતી હતી. જ્યારે શ્રદ્ધા આટલી પવિત્ર હોય છે, ત્યારે શક્તિ સાક્ષાતરૂપે આપણને માર્ગદર્શન આપે છે. આથી જ, માં કાલીના તે અસિમિત- અસીમ આશીર્વાદ હંમેશા ભારતની સાથે છે. આ આધ્યાત્મિક ઉર્જા સાથે જ આજે ભારત સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના સાથે આગળ વધી રહ્યું છે.

સાથીઓ,

આપણા સંતોએ આપણને બતાવ્યું છે કે, જ્યારે આપણામાં વિચારોની વ્યાપકતા હોય છે, ત્યારે આપણા પ્રયાસોમાં પણ ક્યારેય આપણે એકલા નથી પડતા! ભારતવર્ષની ભૂમિ પર તમને આવા કેટલાય સંતોની જીવનયાત્રા જોવા મળશે જેમણે શૂન્ય સંસાધન સાથે શિખર જેવા સંકલ્પોને પૂરા કર્યા છે. આ જ વિશ્વાસ, આ સમર્પણ, મેં પૂજ્ય આત્મસ્થાનંદજીના જીવનમાં પણ જોયું હતું. તેમની સાથે મારો ગુરુ ભાવનો સંબંધ પણ રહ્યો છે. મને તેમના જેવા સંતો પાસેથી નિઃસ્વાર્થ રહીને અને 100 ટકા સમર્પણ સાથે મારી જાત ખર્ચી દેવાનું શીખવા મળ્યું છે. આથી જ, હું કહું છું કે જ્યારે ભારતની એક વ્યક્તિ, એક ઋષિ આટલું બધું કરી શકે છે, તો 130 કરોડ દેશવાસીઓના સામૂહિક સંકલ્પથી કયું લક્ષ્ય સિદ્ધ ન થઇ શકે? સ્વચ્છ ભારત મિશનમાં પણ આપણે સંકલ્પની આ શક્તિ જોઇ શકીએ છીએ. લોકોને વિશ્વાસ ન હતો બેસતો કે ભારતમાં આવું કોઇ મિશન સફળ થઇ શકે છે. પરંતુ, દેશવાસીઓએ સંકલ્પ લીધો અને તેનું પરિણામ આખી દુનિયા જોઇ રહી છે. ડિજિટલ ઇન્ડિયાનું ઉદાહરણ પણ આપણી સામે જ છે. ડિજીટલ પેમેન્ટની શરૂઆતના સમયમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ ટેકનોલોજી ભારત જેવા દેશ માટે નથી. પરંતુ આજે એ જ ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ભારત વૈશ્વિક અગ્રણી તરીકે ઉદયમાન થયું છે. એવી જ રીતે, કોરોના મહામારી સામે રસીકરણનું સૌથી તાજેતરનું ઉદાહરણ પણ આપણી સમક્ષ છે. બે વર્ષ પહેલા ઘણા લોકો ગણતરી કરતા હતા કે ભારતમાં દરેક વ્યક્તિને રસી મેળવવામાં કેટલો સમય લાગશે, કોઇ એમ કહેતા હતા 5 વર્ષ, કોઇ કહેતા હતા કે 10 વર્ષ, કેટલાક તો એમ કહેતા હતા 15 વર્ષ લાગશે! આજે આપણે દોઢ વર્ષમાં 200 કરોડ રસીના ડોઝની નજીક પહોંચી ગયા છીએ. આ ઉદાહરણો એ હકીકતનું પ્રતિક છે કે જ્યારે સંકલ્પ શુદ્ધ હોય છે, ત્યારે પ્રયાસો પૂરા થવામાં લાંબો વિલંબ નથી તો, અવરોધોમાંથી પણ રસ્તો મળી જાય છે.

મને વિશ્વાસ છે કે, આપણા સંતોના આશીર્વાદ અને તેમની પ્રેરણા દેશને આવી જ રીતે મળતા રહેશે. આવનારા સમયમાં આપણે એ જ ભવ્ય ભારતનું નિર્માણ કરીશું, જેનો આત્મવિશ્વાસ આપણને સ્વામી વિવેકાનંદજીએ આપ્યો હતો અને જેના માટે સ્વામી આત્મસ્થાનંદ જેવા સંતોએ પ્રયાસ કર્યા હતા. અને હું આજે તમામ પૂજ્ય સંત ગણની સમક્ષ આવ્યો છું, ત્યારે એવું લાગે છે જાણે હું મારા પરિવારમાં આવ્યો છું, આ ભાવનાથી હું વાત કરું છું. આપ સૌને મને હંમેશા તમારા પરિવારનો સભ્ય માન્યો છે. આઝાદીનું અમૃત પર્વ ચાલી રહ્યું છે. આ અમૃત મહોત્સવમાં દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તમે જ્યાં પણ કામ કરી રહ્યા છો, તમે પણ લોકોને પ્રેરિત કરો, તમે પણ તેમની સાથે જોડાઓ અને આઝાદીના અમૃત મહોત્સવમાં માનવ સેવાનું એક ઉત્તમ કામ કરવામાં તમારી સક્રિયતા ઘણું મોટું પરિવર્તન લાવી શકે છે. તમે હંમેશા સમાજના સુખ-દુઃખના સાથી રહ્યા છો. શતાબ્દી વર્ષ નવી ઉર્જા અને નવી પ્રેરણાનું વર્ષ બની રહ્યું છે. આઝાદીનો અમૃત ઉત્સવ દેશમાં કર્તવ્યની ભાવના જાગૃત કરવામાં સફળ થાય તેના માટે આપણા સૌનું સામૂહિક યોગદાન ઘણું મોટું પરિવર્તન લાવી શકે. આ ભાવના સાથે ફરી એકવાર આપ સૌ સંતોને મારા વંદન.

ખૂબ ખૂબ આભાર!

SD/GP/JD



(Release ID: 1840584) Visitor Counter : 273