પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લીધો


21,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો

પીએમ આવાસ યોજના હેઠળ 1.4 લાખથી વધુ ઘરોનું ઉદઘાટન અને શિલાન્યાસ

રૂ. 16,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ દ્વારા પ્રદેશમાં રેલવે કનેક્ટિવિટીમાં મોટો વધારો

રૂ. 800 કરોડના ખર્ચ સાથે 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' શરૂ કરી

"21મી સદીના ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓનો ઝડપી વિકાસ અને તેમનું સશક્તીકરણ એટલું જ મહત્વપૂર્ણ છે"

"આજે ભારત મહિલાઓની આવશ્યકતાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી રહ્યું છે અને નિર્ણયો લઈ રહ્યું છે"

“વડોદરા સંસ્કારની નગરી છે. આ શહેર અહીં આવનારાં લોકોની દરેક રીતે સંભાળ રાખે છે.”

"અમે નિર્ણય લેવાની જગ્યામાં વધુ તકો આપવા અને ગુજરાતમાં મહિલાઓને દરેક સ્તરે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે"

Posted On: 18 JUN 2022 3:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લીધો હતો. તેમણે રૂ. 21,000 કરોડની વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે લાભાર્થીઓ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શરૂઆતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનો દિવસ તેમના માટે માતૃ વંદનાનો દિવસ છે. તેમણે તેમના દિવસની શરૂઆત તેમનાં માતા પાસેથી આશીર્વાદ માગીને કરી હતી જેમણે આજે તેમનાં 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તે પછી, તેમણે પાવાગઢ ટેકરી પર શ્રી કાલિકા માતાનાં પુનઃવિકાસિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં તેમણે દેશ માટે પ્રાર્થના કરી હતી અને દેવી પાસે દેશની સેવા કરવા અને અમૃત કાળમાં દેશના સંકલ્પોને સાકાર કરવા માટે શક્તિ માગી હતી. ત્યારબાદ તેમણે આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ ‘માતૃ શક્તિ’ને નમન કર્યા હતા.

આજના કાર્યક્રમના 21000 કરોડ રૂપિયાના મૂલ્યના પ્રોજેક્ટ્સની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રોજેક્ટ્સ ગુજરાતના વિકાસ દ્વારા ભારતના વિકાસની કલ્પનાને બળ આપશે. તેમણે કહ્યું કે, માતૃ આરોગ્ય, ગરીબો માટે ઘર, કનેક્ટિવિટી અને ઉચ્ચ શિક્ષણમાં આ જંગી રોકાણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. તેમણે કહ્યું કે આમાંના ઘણા પ્રોજેક્ટ્સ મહિલાઓનાં સ્વાસ્થ્ય, પોષણ અને સશક્તીકરણ સાથે સંબંધિત છે. તેમણે આજે જણાવ્યું હતું કે, મહિલા સશક્તીકરણને વિકાસનો પાયો બનાવવાના ડબલ એન્જિન સરકારના પ્રયાસોને મા કાલિકાનાં આશીર્વાદથી નવો વેગ મળ્યો છે. 21મી સદીના ભારતના ઝડપી વિકાસ માટે મહિલાઓનો ઝડપી વિકાસ, તેમનું સશક્તીકરણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આજે ભારત મહિલાઓની આવશ્યક્તાઓ અને આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી રહ્યું છે અને નિર્ણયો લઈ રહ્યું છે”, તેમણે સભામાં ઘણા પરિચિત ચહેરાઓને ઓળખતા કહ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓ માટે તમામ ક્ષેત્રોમાં તકો ખુલ્લી મૂકવામાં આવી છે અને સરકારે તેમનાં જીવન ચક્રના દરેક તબક્કાને ધ્યાનમાં રાખીને મહિલાઓનાં સશક્તીકરણ માટે યોજનાઓ બનાવી છે. “વડોદરા માતૃ શક્તિની ઉજવણી માટે યોગ્ય શહેર છે કારણ કે તે માતા જેવાં સંસ્કારો આપતું શહેર છે. વડોદરા સંસ્કારની નગરી છે. આ શહેર અહીં આવનારાં લોકોની દરેક રીતે કાળજી રાખે છે, સુખ-દુઃખમાં સાથ આપે છે અને આગળ વધવાની તક આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ શહેરે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને બાબાસાહેબ આંબેડકર જેવી હસ્તીઓને પ્રેરણા આપી છે. શ્રી મોદીએ તેમની અંગત યાત્રામાં આ શહેરે ભજવેલી ભૂમિકાને પણ યાદ કરી. તેમણે એમ પણ કહ્યું કે 2014માં તેમને વડોદરા અને કાશી વિશ્વનાથ બંનેનાં આશીર્વાદ મળ્યાં હતાં. તેમણે માતૃત્વ અને મહિલા સ્વાસ્થ્યનાં મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો. માતાનું સ્વાસ્થ્ય માત્ર તેના માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે, ખાસ કરીને બાળક માટે મહત્વપૂર્ણ છે. “બે દાયકા પહેલા જ્યારે ગુજરાતે મને સેવા કરવાની તક આપી ત્યારે કુપોષણ એક મોટો પડકાર હતો. ત્યારથી અમે એક પછી એક આ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું, જેનાં ફળદાયી પરિણામો આજે જોવાં મળી રહ્યાં છે”, એમ તેમણે ઉમેર્યું. પ્રધાનમંત્રીએ આદિવાસી વિસ્તારોમાં સિકલ-સેલ સમસ્યાનો સામનો કરવા માટેનાં પગલાં વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સપ્ટેમ્બરને પોષણ માહ તરીકે ઉજવવાનો નિર્ણય ગુજરાતની મહિલાઓને મદદરૂપ થશે. પોષણ ઉપરાંત, સરકારે સ્વચ્છ ભારત અને ઉજ્જવલા જેવી યોજનાઓ દ્વારા મહિલાઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાનું કામ કર્યું છે.

અમે ગુજરાતમાં મહિલાઓને દરેક સ્તરે પ્રોત્સાહિત કરવા, નિર્ણય લેવાની જગ્યામાં વધુ તકો આપવાનો પ્રયાસ કર્યો છે. મહિલાઓની વ્યવસ્થાપન ક્ષમતાને સમજીને, બહેનોને ગામ સાથે સંબંધિત ઘણા પ્રોજેક્ટ્સમાં નેતૃત્વની ભૂમિકાઓ આપવામાં આવી છે”, એમ પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું. તેમણે પરિવારના નાણાકીય નિર્ણય લેવામાં મહિલાઓ માટે કેન્દ્રિય ભૂમિકા સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. જન ધન ખાતા, મુદ્રા યોજના અને સ્વરોજગાર યોજના આ હેતુ માટે યોગદાન આપી રહી છે. શ્રી મોદીએ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગનાં કલ્યાણ માટેનાં પગલાં પણ સૂચિબદ્ધ કર્યાં હતાં. શહેરી ગરીબ પરિવારોને 7.5 લાખ મકાનો મળી ચૂક્યાં છે. 4.5 લાખ મધ્યમ વર્ગના પરિવારોને મકાનોનાં નિર્માણમાં મદદ મળી છે, એમ તેમણે જણાવ્યું હતું. વાજબી ભાડાં માટેની યોજનાઓ અને સ્વનિધિ યોજના પણ ગ્રામીણ ગરીબ અને મધ્યમ વર્ગના વર્ગને મદદ કરી રહી છે, એમ પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. કલ્યાણકારી પગલાંની સાથે રાજ્યના ઔદ્યોગિક અને માળખાકીય વિકાસ માટે કામ ચાલી રહ્યું છે, એમ તેમણે ધ્યાન દોર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં પ્રવાસન વિકાસ માટેનાં પગલાંથી વડોદરાને ઘણો ફાયદો થશે. પાવાગઢ, કેવડિયાને પ્રવાસન હબ્સ તરીકે વિકસાવવામાં આવ્યા છે. વડોદરામાં રેલવે અને એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે સુધારો જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે, કેન્દ્રીય યુનિવર્સિટી, રેલ યુનિવર્સિટી, બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી સાથે શિક્ષણ ક્ષેત્રમાં નવી ઊર્જા લાવી રહી છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

કાર્યક્રમોની વિગતો:

પ્રધાનમંત્રીએ 16,000 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ રેલવે પરિયોજનાઓને સમર્પિત અને શિલાન્યાસ કર્યો. તેમાં સમર્પિત ફ્રેટ કોરિડોરના 357 કિલોમીટર લાંબા ન્યુ પાલનપુર - મદાર વિભાગ રાષ્ટ્રને સમર્પિત કરવાનો સમાવેશ થાય છે; 166 કિમી લાંબા અમદાવાદ-બોટાદ વિભાગનું ગેજ રૂપાંતર; 81 કિમી લાંબા પાલનપુર - મીઠા સેક્શનનું વિદ્યુતીકરણ અને અન્યનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ સુરત, ઉધના, સોમનાથ અનેસાબરમતી સ્ટેશનોના પુનઃવિકાસનો શિલાન્યાસ સાથે રેલવે ક્ષેત્રની અન્ય પહેલનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે અને પ્રદેશમાં ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તે પ્રદેશમાં કનેક્ટિવિટી પણ સુધારશે અને મુસાફરોની સુવિધાઓ વધારશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ, કુલ 1.38 લાખ મકાનો પ્રધાનમંત્રી દ્વારા સમર્પિત કરવામાં આવ્યાં, જેમાં શહેરી વિસ્તારોમાં આશરે રૂ. 1,800 કરોડનાં મકાનો અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. 1,530 કરોડથી વધુની કિંમતના મકાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 310 કરોડથી વધુની કિંમતના લગભગ 3000 ઘરોનું ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને પંચમહાલ ખાતે રૂ. 680 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં રહેવાની સરળતા-ઈઝ ઑફ લિવિંગ વધારવાનો છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના ડભોઈ તાલુકાના કુંધેલા ગામમાં ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કર્યો હતો. વડોદરા શહેરથી લગભગ 20 કિમીના અંતરે આવેલી આ યુનિવર્સિટીનું નિર્માણ આશરે રૂ. 425 કરોડના ખર્ચે કરવામાં આવશે અને તે 2500થી વધુ વિદ્યાર્થીઓની ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતો પૂરી કરશે.

માતા અને બાળકનાં સ્વાસ્થ્યમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, પ્રધાનમંત્રીએ 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' શરૂ કરી, જેનો ખર્ચ 800 કરોડ રૂપિયા હશે. આ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને દર મહિને આંગણવાડી કેન્દ્રોમાંથી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 કિલો ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ ‘પોષણ સુધા યોજના’ માટે લગભગ રૂ. 120 કરોડનું વિતરણ પણ કર્યું હતું, જે હવે રાજ્યના તમામ આદિવાસી લાભાર્થીઓ સુધી વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આદિવાસી જિલ્લાઓની સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ અને પોષણ અંગેનું શિક્ષણ આપવાના પ્રયોગની સફળતા બાદ આ પગલું ભરવામાં આવી રહ્યું છે.


(Release ID: 1835084) Visitor Counter : 306