પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઉત્તર પ્રદેશમાં કાનપુર નજીક પરૌંખ ગામમાં યોજાયેલા જાહેર સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 03 JUN 2022 9:39PM by PIB Ahmedabad

નમસ્કાર!

ગામના સંતાન અને પરૌંખ ગામની માટીમાં જન્મ લેનારા દેશના રાષ્ટ્રપતિ આદરણિય રામનાથ કોવિન્દજી, આદરણિય શ્રીમતિ સવિતા કોવિન્દજી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથજી, મંચ ઉપર બિરાજેલા મંત્રી પરિષદના મારા સાથી, ઉત્તર પ્રદેશ મંત્રી પરિષદના મંત્રીગણ અને સભ્યો, ધારાસભ્યો તથા મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

રાષ્ટ્રપતિજીએ જ્યારે મને કહ્યું હતું કે મારે અહિંયા આવવાનું છે ત્યારથી હું તમારી નજીક આવીને ગામ લોકોને મળવા માટેની પ્રતિક્ષા કરી રહ્યો હતો. આજે અહિંયા આવીને મને ઘણો સંતોષ થયો છે અને આનંદ થયો છે. ગામે રાષ્ટ્રપતિજીનું બાળપણ પણ જોયું છે અને મોટા થઈને તેમને દરેક ભારતીયનું ગૌરવ બનતા પણ જોયા છે.

અહીં આવતા પહેલાં રાષ્ટ્રપતિજીએ મારી સાથે ગામની તેમની અનેક યાદો જણાવી હતી. મને જાણવા મળ્યું કે ધોરણ-5 પછી તેમનો પ્રવેશ 5 થી 6 માઈલ દૂર આવેલા ગામની શાળામાં કરાવવામાં આવ્યો હતો અને ત્યારે તે ખૂલ્લા પગે દોડતા શાળામાં જતા હતા. દોડ આરોગ્ય માટે નથી હોતી, દોડ એટલા માટે હોય છે કે ગરમીથી તપેલા રસ્તા ઉપર પગ ઓછા બળે.

તમે વિચાર કરો, આવી બળતી બપોરે ધોરણ-5માં ભણનાર કોઈ બાળક પોતાની શાળામાં જવા માટે ખૂલ્લા પગે દોડી રહ્યો હોય. જીવનમાં આવો સંઘર્ષ, આવી તપસ્યા વ્યક્તિને માણસ બનવામાં ખૂબ મદદ કરતી હોય છે. આજે રાષ્ટ્રપતિજીના ગામમાં આવવાનો અનુભવ મારા જીવન માટે એક સુખદ સ્મૃતિ જેવો છે.

ભાઈઓ અને બહેનો,

જ્યારે હું રાષ્ટ્રપતિજી સાથે વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહ્યો હતો ત્યારે મેં  પરૌંખમાં ભારતીય ગામડાંની અનેક આદર્શ છબીઓનો અનુભવ કર્યો. અહિંયા મને સૌથી પહેલાં પથરી માતાના આશીર્વાદ લેવાની તક મળી. ગામમાં મંદિર, વિસ્તારની આધ્યાત્મિક આભાની સાથે સાથે એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિક બની રહ્યું છે. અને હું કહી શકું એમ છું કે એવું મંદિર છે કે જ્યાં દેવ ભક્તિ પણ છે અને દેશ ભક્તિ પણ છે. અને હું દેશભક્તિ એટલા માટે કહી રહ્યો છું કે રાષ્ટ્રપતિજીના પિતાજીના વિચારોને હું પ્રણામ કરૂં છું. તેમની કલ્પના શક્તિને હું પ્રણામ કરૂં છું. તે પોતાના જીવનમાં તિર્થ યાત્રા કરવી, અલગ અલગ યાત્રા સ્થળોએ જવું, ભગવાનના આશીર્વાદ લેવા માટે ઘણી વખત ઘરેથી નિકળી જતા હતા અને ક્યારેક તે બદ્રીનાથ ગયા હોય, ક્યારેક કેદારનાથ ગયા કે ક્યારેક અયોધ્યા ગયા અને ક્યારેક કાશી ગયા હોય તો, ક્યારેક મથુરા સહિતના અલગ અલગ સ્થળોએ ગયા હોય તેવું બનતું હતું.

તે સમયે તેમની આર્થિક સ્થિતિ એવી હતી કે ગામના તમામ લોકો માટે તે ત્યાંથી પ્રસાદ લઈને આવે અને સમગ્ર ગામમાં તેને વહેંચી શકે. તેમની કલ્પના શક્તિ એવી મજાની હતી કે તે જે તે યાત્રાધામમાંથી, મંદિરના પરિસરમાંથી એકાદ પત્થર લાવતા હતા અને તે પત્થરને અહિંયા વૃક્ષ નીચે રાખતા હતા. અહિંયા ભારતના ખૂણે ખૂણેથી પત્થરો લાવવામાં આવ્યા હતા અને તેના તરફ એવો ભાવ પેદા થતો હતો કે ગામના લોકો તેની મંદિર સ્વરૂપે પૂજા કરતા હતા અને કહેતા હતા કે અમુક વિસ્તારનો પત્થર છે, અન્ય યાત્રાધામનો પત્થર છે, અમુક નદી પાસેનો પત્થર છે. કારણે હું કહીશ કે તેમાં દેવભક્તિ હતી અને દેશભક્તિ પણ હતી.

રાષ્ટ્રપતિજીના પિતાજી મંદિરમાં પૂજા કરતા હતા. પવિત્ર મંદિરના દર્શન કરીને સ્વાભાવિક છે કે મારા મનમાં અનેક પ્રકારના વિચારો ઘૂમરાઈ રહ્યા છે અને હું મારી જાતને ધન્ય અનુભવું છું કે મને મંદિરના દર્શન કરવાની તક મળી છે.

સાથીઓ,

પરૌંખની માટીમાંથી રાષ્ટ્રપતિજીને જે સંસ્કારો મળ્યા છે તેનું સાક્ષી સમગ્ર દુનિયા બની રહી છે અને આજે હું જોઈ રહ્યો છું કે એક તરફ બંધારણ છે, તો બીજી તરફ સંસ્કાર. અને આજે ગામમાં રાષ્ટ્રપતિજીના પદને કારણે પ્રાપ્ત થયેલી તમામ મર્યાદાઓમાંથી બહાર નિકળીને તેમણે મને આજે પરેશાન કરી દીધો છે. તે ખુદ હેલિપેડ ઉપર મારૂં સ્વાગત કરવા આવ્યા હતા ત્યારે હું ખૂબ શરમ અનુભવી રહ્યો હતો કે જેમના માર્ગદર્શન હેઠળ આપણે કામ કરી રહ્યા છીએ તેમના પદની એક ગરિમા છે, એક વરિષ્ઠતા છે.

મેં કહ્યું કે રાષ્ટ્રપતિજી તમે મારી સાથે અન્યાય કર્યો છે. આજે તો તેમણે સહજ ભાવે કહ્યું કે બંધારણની મર્યાદાઓનું પાલન તો હું કરતો હોઉં છું, પણ ક્યારેક ક્યારેક સંસ્કારોની પણ પોતાની એક તાકાત હોય છે. આજે તમે મારા ગામમાં આવ્યા છો અને હું અહિંયા અતિથિનો સત્કાર કરવા માટે આવ્યો છું. હું રાષ્ટ્રપતિ તરીકે આવ્યો નથી. હું ગામમાં એક બાળક તરીકે એટલે કે જ્યાંથી મારી જીંદગી શરૂ થઈ હતી તે ગામના એક નાગરિક તરીકે હું તમારૂં સ્વાગત કરી રહ્યો છું. અતિથિ દેવો ભવના સંસ્કારઃ જે રીતે આપણી રગ રગમાં પહોંચ્યા છે તેનું ઉત્તમ ઉદાહરણ રાષ્ટ્રપતિજીએ રજૂ કર્યું છે. હું રાષ્ટ્રપતિજીને આદરપૂર્વક પ્રણામ કરૂં છું.

રાષ્ટ્રપતિજીએ પોતાના પૈતૃક ઘરને મિલન કેન્દ્ર તરીકે વિકસીત કરવા માટે આપ્યું હતું. આજે તે પરામર્શ અને તાલિમ કેન્દ્ર તરીકે મહિલા સશક્તિકરણને એક નવી તાકાત પૂરી પાડી રહ્યું છે. તેમના પ્રયાસોથી અહિંયા આંબેડકર ભવન સ્વરૂપે બાબા સાહેબના આદર્શોનું પ્રેરણા કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પરૌંખ પોતાના સામુહિક પ્રયાસોના કારણે વિકાસના માર્ગે ઝડપભેર આગળ વધશે અને દેશ સમક્ષ ગ્રામીણ વિકાસનું એક મોડલ રજૂ કરશે.

સાથીઓ,

આપણે ક્યાંય પણ પહોંચીએ, મોટા મોટા શહેરો અથવા તો દુનિયાના કોઈપણ ખૂણામાં વસતા હોઈએ અને પોતાના ગામમાં જીવ્યા હોય તો આપણું ગામ આપણાં અંદરથી ક્યારેકને ક્યારેક તો બહાર આવે છે. તે આપણી રગ રગમાં વસતું હોય છે અને આપણાં વિચારોમાં હંમેશા રહેતું હોય છે. આવું આપણે એટલા માટે કહીએ છીએ કે ભારતની આત્મા ગામડાંઓમાં વસે છે અને ગામ આપણાં આત્મામાં વસતું હોય છે.

આજે આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે ગ્રામીણ ભારત માટે, આપણા ગામડાઓ માટે આપણા સપનાં ખૂબ મહત્વના બની રહે છે. આપણી આઝાદીની લડત દરમિયાન મહાત્મા ગાંધી, ભારતની આઝાદીને ભારતના ગામડા સાથે જોડીને જોતા હતા. ભારતનું ગામ એટલે ત્યાં આધ્યાત્મ પણ હોય, આદર્શ પણ હોય. ભારતનું ગામ એટલે જ્યાં પરંપરાઓ પણ હોય અને પ્રગતિશીલતા પણ હોય. ભારતનું ગામ એટલે જ્યાં સંસ્કાર પણ હોય અને સહકાર પણ હોય. જ્યાં સમતા પણ હોય અને મમતા પણ હોય!

આજે આઝાદીના અમૃતકાળમાં આવા ગામડાઓનું પુનઃગઠન કરવું અને તેમનું પુનઃજાગરણ કરવું તે આપણું કર્તવ્ય બની રહે છે. આજે એવા સંકલ્પ સાથે દેશ ગામ-ગરીબ, કૃષિ-કિસાન અને પંચાયતી લોકતંત્રના વિવિધ પાસાંઓ ઉપર કામ કરી રહ્યો છે. આજે ભારતના ગામડાઓમાં સૌથી ઝડપી ગતિથી સડકો બની રહી છે. આજે ભારતના ગામડામાં ઝડપી ગતિથી ઓપ્ટિકલ ફાયબર બિછાવવામાં આવી રહ્યા છે. આજે ભારતના ગામડામાં ઝડપી ગતિથી ઘર બની રહ્યા છે. એલઈડી સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી રહી છે. શહેરોની સાથે સાથે આપણા ગામડા પણ વિકાસના દરેક માર્ગ પર કદમથી કદમ મિલાવીને આગળ વધી રહ્યા છે, તે નવા ભારતની સોચ છે અને નવા ભારતનો સંકલ્પ પણ છે.

જરા વિચાર કરોશું કોઈએ કલ્પના પણ કરી હતી કે એક દિવસ ખેતી સાથે જોડાયેલ મુશ્કેલમાં મુશ્કેલ કામ હવે ડ્રોન મારફતે કરવાનું શરૂ થઈ જશે, પરંતુ આજે દેશ દિશામાં આગળ ધપી રહ્યો છે. મને કહેવામાં આવ્યું છે કે ગામમાં 300થી વધુ લોકોને સ્વામિત્વ યોજના હેઠળ ઘરના દસ્તાવેજ આપવામાં આવ્યા છે, મિલકતના દસ્તાવેજ આપવામાં આવ્યા છે. ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતની સુવિધા અને આવક કેવી રીતે વધી શકે તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

આપણે ત્યાં ગામડા પાસે સૌથી વધુ સામર્થ્ય છે. સૌથી વધુ શ્રમ શક્તિ છે અને સૌથી વધુ સમર્પણ ભાવ પણ છે. આથી ભારતના ગામડાઓનું સશક્તિકરણ અમારી સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતામાંનું એક કાર્ય છે. જનધન યોજના હોય, આવાસ યોજના હોય, ઉજ્જવલા યોજના હેઠળ મળેલું ગેસનું જોડાણ હોય, હર ઘર જલ અભિયાન હોય, આયુષમાન યોજના હોય, અને તમામ યોજનાઓનો લાભ કરોડો ગ્રામવાસીઓને મળ્યો છે. ગરીબ કલ્યાણ માટે દેશ જે ગતિથી કામ કરી રહ્યો છે તે અભૂતપૂર્વ છે.

હવે દેશનું એક લક્ષ્ય છે અને તે દરેક યોજનાનો 100 ટકા લાભ, 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચે. એટલે કે 100 ટકા સશક્તિકણ થાય, કોઈ ભેદભાવ રહે કે ના કોઈ તફાવત વર્તાય. આને સામાજીક ન્યાય કહેવામાં આવે છે. સમરસતા અને સમાનતાનું બાબા સાહેબનું તો સપનું હતું, જેને આધાર બનાવીને તેમણે આપણને બંધારણ આપ્યું હતું. બાબા સાહેબનું તે સપનું આજે સાકાર થઈ રહ્યું છે અને દેશ તે દિશામાં આગળ ધપી રહ્યો છે.

સાથીઓ,

આજનો અવસર એક રીતે કહીએ તો ખૂબ ઐતિહાસિક છે અને તમામ લોકો માટે બાબત નોંધવા લાયક છે, કારણ કે દેશની લોકશાહીની તાકાત, દેશના ગામડાઓની તાકાત અહિંયા એક સાથે જોવા મળે છે. અહિંયા એક મંચ ઉપર આદરણિય રાષ્ટ્રપતિજી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલજી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી હાજર છે. મને પણ તમે, આપ સૌ દેશવાસીઓએ દેશની સેવા માટે આટલી મોટી જવાબદારી સોંપી છે. અમે ચારેય વ્યક્તિ દેશના કોઈ નાના ગામમાંથી બહાર નિકળીને અહિંયા સુધી પહોંચ્યા છીએ.

મારો જન્મ પણ ગુજરાતના એક નાના ગામમાં થયો હતો. ગામની સંસ્કૃતિ, સંસ્કાર અને અમારે ત્યાં જોડાયેલા સંઘર્ષોએ મારા જેવા ઘણાં લોકોને ઘડ્યા છે. અમારા સંસ્કારોને મજબૂત બનાવ્યા છે. તો લોકશાહીની તાકાત છે. ભારતના ગામડામાં જન્મેલી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ કે મુખ્યમંત્રીના પદ સુધી પહોંચી શકે છે.

પરંતુ ભાઈઓ અને બહેનો,

આજે આપણે લોકશાહીની તાકાતની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે તેની સામે પરિવારવાદ જેવા પડકારો ઉભેલા છે અને આવા પડકારોથી સાવધાન રહેવાની જરૂર છે. પરિવારવાદ છે કે જે માત્ર રાજકારણ નહીં, પણ દરેક ક્ષેત્રમાં પ્રતિભાઓનું ગળું ભીંસી રહ્યો છે અને તેમને આગળ ધપતા રોકે છે.

એક રીતે કહું તો, સાથીઓ હું જ્યારે પરિવારવાદ વિરૂધ્ધ વાત કરી રહ્યો હોઉં ત્યારે કેટલાક લોકોને લાગે છે કે   રાજકીય નિવેદન છે અને હું કોઈ રાજકીય પક્ષ વિરૂધ્ધ વાત કરી રહ્યો છું તેવો પ્રચાર કરવામાં આવે છે. હું જોઈ રહ્યો છું કે જે લોકો પરિવારવાદની મારી વ્યાખ્યામાં બંધ બેસે છે તે લોકો મારાથી ભડકેલા છે, મારી સામે ગુસ્સામાં છે. દેશના ખૂણે ખૂણેથી પરિવારવાદી લોકો મારા વિરૂધ્ધ સંગઠીત થઈ રહ્યા છે. તે લોકો બાબતથી નારાજ છે કે દેશના યુવાનો પરિવારવાદ વિરૂધ્ધની મોદીની વાતોને ગંભીરતાથી લઈ રહ્યા છે.

સાથીઓ,

હું લોકોને કહેવા માગુ છું કે મારી વાતનો ખોટો અર્થ કાઢે નહીં. મારી કોઈ રાજકીય પક્ષ કે કોઈ વ્યક્તિ સાથે સીધી નારાજગી નથી. હું તો ઈચ્છું છું કે દેશને મજબૂત વિપક્ષ મળે અને લોકતંત્રને સમર્પિત રાજકીય પક્ષો હોય. હું ઈચ્છા રાખું છું કે પરિવારવાદની પક્કડમાં ફસાયેલા પક્ષ પોતાને બિમારીમાંથી મુક્ત કરે, ખુદ પોતાનો ઈલાજ કરશે તો ભારતનું લોકતંત્ર મજબૂત થશે. દેશના યુવાનોને રાજકારણમાં આવવાની વધુને વધુ તકો પ્રાપ્ત થશે.

ખેર, પરિવારવાદી પાર્ટીઓ પાસેથી હું થોડી વધારે આશા રાખી રહ્યો છું અને એટલા માટે સમાજ વચ્ચે પણ કહું છું કે આપણી જવાબદારી બની રહે છે કે આપણે પરિવારવાદ જેવી ખરાબ પ્રણાલિઓને વિસ્તરવા ના દઈએ. ગામડાના ગરીબનો દિકરો અને ગામડાના ગરીબની દિકરી- રાષ્ટ્રપતિ- પ્રધાનમંત્રી બની શકે તે માટે પરિવારવાદી પાર્ટીઓને રોકવામાં આવે તે ખૂબ જરૂરી છે.

સાથીઓ,

રાષ્ટ્રપતિજીના ગામમાં આજે અહિંયા આવીને હું ભેટ તરીકે કશુંક માગવા માટે આવ્યો છું. હું કશુંક મેગવા માગુ છું, તમને એવું થશે કે કેવા પ્રધાનમંત્રી છે કે જે આપણા ગામમાં આવ્યા ત્યારે કશું લાવ્યા નથી અને  આપણી પાસેથી કશુંક માગી રહ્યા છે. શું તમે આપશોને? ગામ પાસે માગુ તે મને મળશે ને. અહિંયા જે જે ગામથી લોકો આવ્યા છે તે પણ જુએ અને ખ્યાલ રાખે કે તમે તમારા ગામમાં આટલો વિકાસ કર્યો છે.

આજે દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે આપણે આપણા પ્રયાસોને આગળ ધપાવવા પડશે. અમૃત કાળમાં દેશે સંકલ્પ કર્યો છે કે દેશના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવામાં આવશે  અને હમણાં યોગીજી જણાવી રહ્યા હતા કે પરૌંખમાં પણ બે અમૃત સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે. તમારે અમૃત સરોવરના નિર્માણમાં મદદ પણ કરવાની છે, કાર સેવા પણ કરવાની છે અને તેની ભવ્યતા જાળવી રાખવાની છે.

હું તમારી પાસે વધુ એક માગણી કરવા માગુ છું અને મને વિશ્વાસ છે કે મારી માગણી તમે પૂરી કરશો. મારી માગણી છે પ્રાકૃતિક ખેતી- નેચરલ ફાર્મિંગની છે. પરૌંખ ગામમાં વધુને વધુ ખેડૂતો નેચરલ ફાર્મિંગ અપનાવે, પ્રાકૃતિક ખેતી અપનાવે તો તે દેશ માટે એક ખૂબ  મોટું ઉદાહરણ બની રહેશે.

સાથીઓ,

ભારતની સફળતાનો એક માર્ગ  છે- સબ કા પ્રયાસ. સૌના પ્રયાસથી આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થશે અને આત્મનિર્ભર ભારતનો અર્થ છે આત્મનિર્ભર ગામ, આત્મનિર્ભર યુવાનો. આપણા ગામડા ગતિ પકડશે તો દેશ ગતિ પકડશે. આપણા ગામડા વિકાસ કરશે તો દેશ વિકાસ કરશે.

આદરણિય કોવિંદજી સ્વરૂપે દેશને રાષ્ટ્રપતિ આપનારા પરૌંખ ગામે સાબિત કરી બતાવ્યું છે કે ગામડાની ધરતીમાં કેટલું સામર્થ્ય હોય છે. આપણે સામર્થ્યનો, પ્રતિભાનો સાચો ઉપયોગ કરવાનો છે. આપણે સૌ સાથે મળીને કામ કરીશું તો દેશના સપનાં પૂરા કરી શકીશું.

સંકલ્પની સાથે હું ફરી એક વખત આદરણિય રાષ્ટ્રપતિજી પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂં છું કે તેમણે મને અહિંયા તમને મળવાની તક પૂરી પાડી. હું આપ સૌને પણ ફરી એક વખત હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું કે ગામની દરેક ગલીમાં હું જ્યાં જ્યાં ગયો ત્યાં જે ઉમંગ અને ઉત્સાહથી તમે મારું અભિવાદન કર્યું, પુષ્પવર્ષા કરી અને સ્નેહવર્ષા કરી. તમારા પ્રેમથી અભિભૂત થયો છું. હું તમારા સૌના પ્રેમને ક્યારેય પણ ભૂલી નહીં શકું. તમારા સ્વાગતને ક્યારેય ભૂલી નહીં શકું. અને ગામની અંદર જેટલો પણ સમય વિતાવવાની મને તક મળી છે તેનાથી હું મારા  બાળપણ સાથે પણ જોડાઈ ગયો છું. એટલા માટે હું આપ સૌ ગામવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને મારી વાણીને અહિંયા વિરામ આપું છે.

ખૂબ ખૂબ ધન્યવાદ!

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1831083) Visitor Counter : 257