પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કાનપુરના પરૌંખ ગામમાં જાહેર કાર્યક્રમમાં જનસભા સંબોધી


રાષ્ટ્રપતિની સાથે તેમના પૈતૃક ગામની મુલાકાત લીધી

“પરૌંખ ગામ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ દ્રષ્ટાંત છે”

“રાષ્ટ્રપતિ ‘સંવિધાન’ અને ‘સંસ્કાર’ બંનેનું પ્રતીક છે”

“ભારતમાં, ગામડામાં જન્મેલી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ, મુખ્યમંત્રીના હોદ્દા સુધી પહોંચી શકે છે”

“ભારતમાં ગામડાઓનું સશક્તીકરણ અમારી સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંથી એક છે”

“દેશે ગરીબોના કલ્યાણ માટે અભૂતપૂર્વ ગતિએ કામ કર્યું છે”

“મારી ઇચ્છા છે કે વંશવાદની ચુંગાલમાં ફસાયેલા પક્ષો પોતાને આ બીમારીથી મુક્ત કરે અને પોતાની જાતનો ઇલાજ કરાવે. માત્ર તે પછી જ ભારતની લોકશાહી મજબૂત બનશે અને દેશના યુવાનોને રાજનીતિમાં જોડાવાની મહત્તમ તકો પ્રાપ્ત થશે”

Posted On: 03 JUN 2022 5:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના આદરણીય રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સાથે કાનપુરના પરૌંખ જિલ્લામાં પથરી માતાના મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે ડૉ. બી.આર. આંબેડકર ભવનની મુલાકાત લીધી હતી અને પછી મિલન કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા. આ કેન્દ્ર આદરણીય રાષ્ટ્રપતિનું પૈતૃક ઘર છે જે જાહેર ઉપયોગ માટે દાનમાં આપવામાં આવ્યું છે અને બાદમાં તેને સામુદાયિક કેન્દ્ર (મિલન કેન્દ્ર)માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. બંને મહાનુભાવોએ પરૌંખ ગામમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી. દેશના પ્રથમ મહિલા શ્રીમતી સવિતા કોવિંદ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, લોકો પ્રતિનિધિઓ તેમજ અન્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જનસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિના બાળપણનું સાક્ષી બન્યું છે તેવા આ ગામની મુલાકાત લઇને તેઓ ખૂબ જ ખુશ છે. આ ગામે તેમને મોટા થતા જોયા છે અને દેશના સર્વોચ્ચ હોદ્દા સુધી તેઓ પહોંચ્યા તેનું સાક્ષી બન્યું છે. તેમણે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ તેમની સાથે તાજી કરેલી કેટલીક યાદોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાષ્ટ્રપતિના જીવનની સફરની તાકાતની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને પરૌંખમાં ભારતના આદર્શ ગામડાઓની શક્તિનો અનુભવ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, આ ગામ એક ભારત શ્રેષ્ઠ ભારતનું શ્રેષ્ઠ દૃશ્ટાંત છે. પાથરી માતા મંદિર દેવ ભક્તિ અને દેશ ભક્તિ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે રાષ્ટ્રપતિના પિતાની વિચાર પ્રક્રિયા અને કલ્પનાને વંદન કર્યા હતા અને તીર્થયાત્રા માટે તેમજ સમગ્ર દેશમાંથી આસ્થાના સ્થળોએથી આસ્થાના પથ્થરો અને વસ્તુઓ લાવવાની તેમની ઇચ્છાને પ્રણામ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પરૌંખ ગામની માટીમાંથી રાષ્ટ્રપતિને મળેલા સંસ્કારોની આજે આખી દુનિયા સાક્ષી છે. રાષ્ટ્રપતિસંવિધાનઅને સંસ્કારબંનેનું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે પ્રોટોકોલ તોડીને અને હેલિપેડ પર આવીને પ્રધાનમંત્રીનું સ્વાગત કરીને તેમને અચંબામાં મૂકી દીધા હતા. પ્રધાનમંત્રીએ યાદ કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ મહેમાનનું સ્વાગત કરવા માટેના તેમના 'સંસ્કારો'નું પાલન કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના આવા ઉદાર વર્તન બદલ તેમનો આભાર માન્યો હતો.

શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, રાષ્ટ્રપતિએ પોતાનું પૈતૃક મકાન મિલન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે આપી દીધું છે. આજે, આ જગ્યા મહિલાઓને સલાહ-માર્ગદર્શન અને તાલીમ કેન્દ્રના રૂપમાં તેમના સશક્તીકરણ માટે નવી તાકાત આપી રહ્યું છે. એવી જ રીતે. ડૉ. બી.આર. આંબેડકર ભવન બાબાસાહેબ આંબેડકરના આદર્શોને પ્રોત્સાહન આપી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગામડાના લોકોના સામૂહિક પ્રયાસોથી પરૌંખ આગળ વધતું રહેશે અને દેશ સમક્ષ એક સંપૂર્ણ ગામનું મોડેલ રજૂ કરશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, કોઇપણ વ્યક્તિ ભલે ગમે ત્યાં જાય, પરંતુ તેમનું ગામ ક્યારેય તેમને છોડતું નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી ભારતની આઝાદીને ગામડાં સાથે જોડીને જોતા હતા. ભારતના ગામડાઓને અર્થ છે, જ્યાં આધ્યાત્મિકતા છે, જ્યાં આદર્શો પણ હોવા જોઇએ. ભારતના ગામડાઓનો અર્થ છે, જ્યાં પરંપરા હોય અને જ્યાં પ્રગતિ પણ હોય. ભારતના ગામડાઓનો અર્થ છે, જ્યાં સંસ્કૃતિ છે ત્યાં સહકાર પણ હોવો જોઇએ. જ્યાં પ્રેમ હોય અને સમાનતા હોય. આ અમૃતકાળ દરમિયાન, આવા ગામડાઓને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશ અત્યારે ગામડાઓ, ખેડૂતો, ગરીબો અને પંચાયતી લોકશાહી માટે કામ કરવાના આ સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, આપણા ગામડાઓમાં સૌથી વધુ ક્ષમતા અને શ્રમશક્તિ છે, અને સર્વોચ્ચ સમર્પણ છે. તેથી જ ભારતના ગામડાઓનું સશક્તીકરણ એ અમારી સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં વસતા કરોડો લોકોને જન ધન યોજના, PMAY, ઉજ્જવલા અને હર ઘર જલ જેવી યોજનાઓથી લાભ મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, ગરીબોના કલ્યાણ માટે દેશે અભૂતપૂર્વ ગતિએ કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશ હવે તેની તમામ યોજનાઓના 100 ટકા લાભો 100 ટકા લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરી રહ્યો છે. યોજનાઓનું સંતૃપ્તિકરણ હવે તેમની ખૂબ જ મોટી પ્રાથમિકતા છે. આનાથી કોઇપણ પ્રકારના ભેદભાવ વગર સશક્તીકરણ થશે.

ભારતની લોકશાહીની તાકાતનો સંદર્ભ ટાંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મંચ પર બિરાજમાન તમામ ચારેય મહાનુભાવો એટલે કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ગામડાઓમાંથી અથવા નાના શહેરોમાંથી આવીને આ હોદ્દે પહોંચ્યા છે. આપણા સંઘર્ષ અને ગરીબી અને ગ્રામ્ય જીવન સાથેના સીધા સંપર્કે આપણા સંસ્કારોને મજબૂત બનાવ્યા છે, આ આપણી લોકશાહીની તાકાત છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં એક ગામમાં જન્મેલી ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હોદ્દા સુધી પહોંચી શકે છે.

લોકશાહીની શક્તિના સંદર્ભમાં પ્રધાનમંત્રીએ વંશવાદની રાજનીતિ સામે સૌને ચેતવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ વંશવાદની રાજનીતિ એવી ખરાબી છે જે માત્ર રાજનીતિમાં જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં પ્રતિભાવાન લોકોને રૂંધી નાંખે છે અને નવા પ્રતિભાવાન લોકોને આગળ વધતા અટકાવે છે. તેમણે કહ્યું હતું કે, મારે કોઇ રાજકીય પક્ષ કે કોઇ વ્યક્તિ સામે કોઇ જ અંગત દ્વેષ નથી. મારી ઇચ્છા છે કે દેશમાં વિપક્ષ મજબૂત હોવો જોઇએ અને લોકશાહીને સમર્પિત રાજકીય પક્ષો હોવા જોઇએ.તેમણે આગળ કહ્યું હતું કે, “હું ઇચ્છું છું કે વંશવાદની ચુંગાલમાં ફસાયેલા પક્ષો પોતાને આ રોગમાંથી મુક્ત કરે અને પોતાનો ઇલાજ કરાવે. આમ કરવાથી જ ભારતની લોકશાહી મજબૂત બનશે, દેશના યુવાનોને રાજનીતિમાં જોડાવાની મહત્તમ તકો પ્રાપ્ત થશે.

પ્રધાનંમત્રીએ ગામવાસીઓને અનુરોધ કર્યો હોય કે તેઓ ગામમાં અમૃત સરોવરના નિર્માણમાં મદદ કરે અને તેમને પ્રાકૃતિક ખેતી અપનાવવાની પણ વિનંતી કરી હતી. તેમણે પોતાના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની ચાવી સબકા પ્રયાસ છે અને આત્મનિર્ભર ગામડાઓ એ આત્મનિર્ભર ભારતની ચાવી છે.

ભારતના આદરણીય રાષ્ટ્રપતિએ પણ જનસભાને સંબોધન કર્યું હતું.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1830924) Visitor Counter : 121