પ્રધાનમંત્રીનું કાર્યાલય
થોમસ કપ 2022 વિજેતા ટીમને પ્રધાનમંત્રીએ કહ્યું, ‘આ ભારતનો રમતગમત ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ વિજય છે’
ટીમ અને કોચને તેમના સ્વદેશાગમન પર પ્રધાનમંત્રી આવાસમાં આવવાનું આમંત્રણ આપ્યું
“કોચ અને માતાપિતા, બધા જ પ્રશંસાને પાત્ર છે”
“તમે બધાએ આવી મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, આખી ટીમ અભિનંદનને પાત્ર છે”
પ્રધાનમંત્રીએ લક્ષ્ય સેનને કહ્યું, ‘તમારે હવે મને અલમોરાની બાલ મીઠાઇ ખવડાવવી પડશે’
ભારતમાં હવે રમતગમત માટે ઉત્કૃષ્ટ સહકાર આપવામાં આવે છે. જો આમ ચાલુ રહેશે તો, અમને લાગે છે કે, ભારત સંખ્યાબંધ ચેમ્પિયનો મેળવી શકશે: ટીમે પ્રધાનમંત્રીને કહ્યું
વિજેતા ટીમે નાના બાળકોને કહ્યું, “જો તમે 100 ટકા સમર્પણ સાથે કામ કરી શકો તો, તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરી શકશો”
Posted On:
15 MAY 2022 8:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થોમસ કપમાં ઐતિહાસિક વિજય મેળવનારી ભારતીય બેડમિંટનની ટીમને ફોન પર અભિનંદન પાઠવીને તેમની સાથે સંવાદ કર્યો હતો.
પ્રધાનમંત્રી ટીમને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, રમતના સમીક્ષકોએ હવે આ જીતને ભારતની રમતજગતની સૌથી શ્રેષ્ઠ જીત તરીકે ગણવી પડશે. તેમણે કહ્યું હતું કે, તેમને ખાસ એ વાતની ખુશી છે કે, એકપણ રાઉન્ડમાં ભારતની ટીમનો પરાજય થયો નથી.
પ્રધાનમંત્રીએ ખેલાડીઓને પૂછ્યું હતું કે, તેમને કયા તબક્કે લાગ્યું હતું કે, તેઓ વિજય તરફ આગળ વધી રહ્યા છે. કિદાંબી શ્રીકાંતે તેમને માહિતી આપી હતી કે, ક્વાર્ટર ફાઇનલમાં વિજય મેળવ્યા પછી આ વિજય યાત્રા છેવટ સુધી ચાલુ રાખવાની ટીમની મક્કમતા વધુ મજબૂત બની હતી. તેમણે પ્રધાનમંત્રીને એવું પણ કહ્યું હતું કે, ટીમના જુસ્સાએ ઘણી મદદ કરી અને દરેક ખેલાડીએ પોતાનું 100 ટકા પરફોર્મન્સ આપ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બધા કોચ પણ તમામ પ્રશંસાને પાત્ર છે.
પ્રધાનમંત્રીએ લક્ષ્ય સેનને કહ્યું હતુ કે, તેમણે હવે અલમોરાની ‘બાલ મીઠાઇ’ ખવડાવવી પડશે. આ ટોચનો શટલર દેવભૂમિ ઉત્તરાખંડનો વતની છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, લક્ષ્ય ત્રીજી પેઢીનો ખેલાડી છે. લક્ષ્ય સેને માહિતી આપી હતી કે, તેના પિતા ટુર્નામેન્ટ વખતે ઉપસ્થિત હતા. તેમણે શ્રીકાંતનો પણ જુસ્સો વધાર્યો હતો અને કહ્યું હતું કે, ક્વાર્ટર ફાઇનલ પછી જીતનો વિશ્વાસ વધારે મક્કમ બન્યો હતો. એચ.એસ. પ્રણોયે પણ એવું જણાવ્યું હતું કે, ક્વાર્ટર ફાઇનલમાં વિજય મેળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં જીતી ગયા પછી, તે સ્પષ્ટ થઇ ગયું હતું કે ભારતીય ટીમ કોઇપણ ટીમને ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ટીમના સહકારના કારણે મલેશિયા જેવી મજબૂત ટીમને હરાવવાનું શક્ય બન્યું હતું. પ્રધાનમંત્રીએ સાત્વિક સાઇરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને પણ વિજય પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ ચિરાગ શેટ્ટી સાથે મરાઠી ભાષામાં વાત કરી હતી, જેમણે તેમને માહિતી આપી હતી કે, વિશ્વ ચેમ્પિયન બનવા કરતાં ટોચનું બીજું કંઇ જ નથી, તે પણ ભારતમાંથી. “તમે બધાએ આવી મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આખી ટીમ અભિનંદનને પાત્ર છે.” પ્રધાનમંત્રીએ તેમની સાથે વધુ વાત કરવા અને તેમના અનુભવો સાંભળવા માંગતા હોવાથી ટીમ ભારત પરત ફરે તે પછી ખેલાડીઓને તેમના કોચ સાથે પોતાના નિવાસસ્થાને આવવા માટે આમંત્રણ આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ બેડમિંટન, ટેબલ ટેનિસ અથવા સ્વિમિંગ જેવી રમતોમાં ભાગ લેવા માટે ઉભરતા ખેલાડીઓ અને નાના બાળકો માટે વિજયી ટીમને કોઇ સંદેશ આપવા માટે કહ્યું હતું. શ્રીકાંતે ટીમ અંગે વાત કરતા કહ્યું હતું કે, આજે ભારતમાં રમતગમત ક્ષેત્ર માટે ઉત્કૃષ્ટ સહકાર આપવામાં આવે છે. ભારતીય રમતગમત સત્તામંડળ, સરકાર, રમતગમત સંઘો અને ચુનંદા સ્તરે- ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ TOPSના પ્રયાસોને કારણે ખેલાડીઓ ખૂબ જ સારી રીતે સહકાર મળી રહ્યો હોવાનું અનુભવી રહ્યા છે. જો આ રીતે સહકાર મળવાનું ચાલુ રહેશે, તો અમને લાગે છે કે, ભારતને ઘણા વધુ ચેમ્પિયન મળશે. તેમણે પોતાની પસંદગીની રમત રમતા નાના બાળકોને કહ્યું હતું કે, જો રમતગમત ક્ષેત્રે તેઓ પોતાના તરફથી 100 ટકા પરફોર્મન્સ આપી શકે તો ભારતમાં તેમના માટે ખૂબ જ મોટાપાયે સહકાર ઉપલબ્ધ છે. સારા કોચ અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે, જો તેઓ રમત માટે કટિબદ્ધ હોય તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ સારું પરફોર્મન્સ આપી શકે છે. કિદાંબી શ્રીકાંતે જણાવ્યું હતું કે, “જો તેઓ 100 ટકા સમર્પણ સાથે કામ કરી શકે, તો તેઓ ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરશે”.
પ્રધાનમંત્રીએ ખેલાડીઓના માતા-પિતા માટે પણ તેમના તરફથી સાદર અને પ્રશંસાની લાગણી વ્યક્ત કરી હતી કારણ કે બાળકોને રમતગમત ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવું અને છેવટ સુધી તેમની સાથે રહેવું એ પણ એક પડકારજનક કામ છે. પ્રધાનમંત્રી તેમની સાથે તેમની આનંદની ઉજવણીમાં જોડાયા હતા અને કૉલના અંતે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1825640)
Visitor Counter : 272
Read this release in:
Malayalam
,
English
,
Odia
,
Kannada
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu