નાણા મંત્રાલય

પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) અને અટલ પેન્શન યોજના (APY)એ સામાજિક સુરક્ષાનું માળખું પ્રદાન કરવાના 7 વર્ષ પૂરાં કર્યા


કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમને કહ્યું હતું કે, જન સુરક્ષા સુનિશ્ચિત કરતી ઓછા ખર્ચની વીમા યોજનાઓ અને નિશ્ચિત પેન્શન યોજના હવે સમાજના છેવાડાની વ્યક્તિને પણ આવરી લે છે

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડે બેંકો અને વીમા કંપનીઓને ભારપૂર્વક કહ્યું હતું કે, તેઓ પૂરા ઉત્સાહ અને સમર્પણ સાથે આ યોજનાઓના કવરેજનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે

Posted On: 09 MAY 2022 11:11AM by PIB Ahmedabad
  • PMJJBY: કુલ 12.76 કરોડ કરતાં વધારે નોંધણી થઇ
  • PMSBY: કુલ 28.37 કરોડ કરતાં વધારે નોંધણી થઇ
  • APY: 4 કરોડ કરતાં વધારે સબ્સ્ક્રાઇબર

આપણે ત્રણ સામાજિક સુરક્ષા (જન સુરક્ષા) ની યોજનાઓ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY)ની 7મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો કેવી રીતે આ યોજનાઓએ લોકોને પરવડે તેવા દરે વીમા અને સુરક્ષા (જન સુરક્ષા) પૂરી પાડી અને તેની સિદ્ધિઓ શું છે તેમજ તેની ખાસિયતો શું છે તેના પર એક નજર કરીએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 મે 2015ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતેથી PMJJBY, PMSBY અને APYનો પ્રારંભ કર્યો હતો.

આ ત્રણેય સામાજિક સુરક્ષા યોજનાઓ નાગરિકોના કલ્યાણ માટે સમર્પિત છે, તેમાં અણધાર્યા જોખમો/નુકસાન તેમજ આર્થિક અનિશ્ચિતતાઓના કારણે લોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે તેમને સુરક્ષિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે. દેશમાં અસંગઠિત ક્ષેત્રના દરેક નાગરિક આર્થિક સુરક્ષા મેળવે તે સુનિશ્ચિત કરવા માટે, સરકારે બે વીમા યોજના એટલે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY)નો પ્રારંભ કર્યો છે જ્યારે, પાછલી ઉંમર લોકોની આર્થિક આવશ્યકતાઓને આવરી લેવા માટે અટલ પેન્શન યોજના (APY)નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

PMJJBY અને PMSBY અંતર્ગત લોકોને ઓછા ખર્ચે જીવન/અકસ્માત વીમા કવચ મેળવવાની સુલભતા આપવામાં આવે છે જ્યારે, APY અંતર્ગત લોકોને હાલમાં બચત કરવાનો અવસર આપવામાં આવે છે જેથી તેઓ પોતાની પાછલી ઉંમર એક નિશ્ચિત રકમનું પેન્શન મેળવી શકે.

યોજનાની 7મી વર્ષગાંઠની ઉજવણી કરતા કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતરમને કહ્યું હતું કે, “આદરણીય પ્રધાનમંત્રી દ્વારા 15 ઑગસ્ટ 2014ના રોજ જાહેર કરવામાં આવેલા આર્થિક સમાવેશીતા માટેના રાષ્ટ્રીય મિશન હેઠળ મુખ્ય હેતુઓ પૈકી એક હેતુ વીમા અને પેન્શનના કવરેજનું વિસ્તરણ કરવાનો પણ હતો જેથી સમાજના ગરીબ અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગને પણ તેમાં સમાવી શકાય કારણ કે વર્ગોને પરવડે તેવી પ્રોડક્ટ્સ દ્વારા આર્થિક સુરક્ષા પૂરી પાડવાની ખૂબ જરૂર છે.”

નાણાં મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “ત્રણ જન સુરક્ષા યોજનાઓથી વીમા અને પેશનની સગવડ હવે સામાન્ય વ્યક્તિની પહોંચ સુધી આવી ગઇ છે. છેલ્લા સાત વર્ષ દરમિયાન યોજનામાં નોંધણી કરાવનારા અને તેનો લાભ લેનારા લોકોની સંખ્યા યોજનાની સફળતાનો પૂરાવો છે. આ ઓછા ખર્ચની વીમા યોજનાઓ અને નિશ્ચિત પેન્શન યોજનાથી આર્થિક સુરક્ષા સુનિશ્ચિત થાય છે, જે અગાઉ માત્ર અમુક લોકોને ઉપલબ્ધ થતી હતી, પણ હવે સમાજની છેલ્લી વ્યક્તિ સુધી તેનો લાભ પહોંચી રહ્યો છે.”

નાણાં મંત્રીએ ગરીબોને આપવામાં આવતી સુવિધાઓનું વિહંગાવલોકન કરાવતા જણાવ્યું હતું કે, “આજે, ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ PMJJBY હેઠળ દૈનિક માત્ર 1 રૂપિયા કરતાં ઓછા ખર્ચમાં રૂ. 2 લાખનો જીવન વીમો ધરાવી શકે છે અને PMSBY હેઠળ મહિને માત્ર 1 રૂપિયા કરતાં ઓછા ખર્ચમાં રૂપિયા 2 લાખનો અકસ્માત વીમો ધરાવી શકે છે. દેશમાં 18 થી 40 વર્ષના વય જૂથમાં આવતા તમામ નાગરિકો દર મહિને ઓછામાં ઓછા માત્ર રૂ. 42 ચુકવીને તેમની 60 વર્ષની ઉંમર પછી પેન્શન મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરી શકે છે.”

ખાસ કરીને કોવિડ-19 મહામારી સહિતના દરેક સમયગાળામાં દેશના નાગરિકોને PMJJBY હેઠળ સગવડ સાથે સુરક્ષા આપવા અંગે શ્રીમતી સીતારમને કહ્યું હતું કે, “PMJJBY હેઠળ, યોજનાની શરૂઆત થઇ ત્યારથી આજદિન સુધીમાં 12.76 કરોડ લોકોએ નોંધણી કરાવી છે અને 5,76,121 પરિવારોને યોજના હેઠળ કરવામાં આવેલા દાવાઓ અંતર્ગત રૂપિયા 11,522 કરોડ પ્રાપ્ત થયા છે. નાણાકીય વર્ષ 2021માં મહામારી દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારો માટે યોજના અત્યંત ઉપયોગી સાબિત થઇ હતી, જેમાં કરવામાં આવેલા લગભગ 50% દાવાઓ કોવિડ-19ના કારણે થયેલા મૃત્યુ સંબંધિત હતા. દાવાની પતાવટની પ્રક્રિયામાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જેથી મહામારીના સમય દરમિયાન દાવાઓની પતાવટ ઝડપથી અને સરળતાથી થઇ શકે. મહામારીની શરૂઆત થઇ ત્યારથી એટલે કે, 1 એપ્રિલ 2020થી 23 ફેબ્રુઆરી 2022 સુધીમાં કુલ 2.10 લાખ દાવાઓ માટે રૂપિયા 4,194.28 કરોડની ચુકવણી કરવામાં આવી છે અને 99.72% દાવાઓની પતાવટ થઇ ગઇ છે.”

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે આવી લાગણી સાથે, “PMSBYની શરૂઆત થઇ ત્યારથી આજદિન સુધીમાં 28.37 કરોડ લોકોએ અકસ્માત કવચ માટે નોંધણી કરાવી છે અને કુલ 97,227 દાવાઓમાં રૂ. 1,930 કરોડની ચુકવણી કરવામાં આવી છે. APY યોજના હેઠળ અત્યાર સુધીમાં 4 કરોડ કરતાં વધારે લોકોએ પહેલાંથી સબ્સ્ક્રાઇબ કરાવ્યું છે.”

પ્રસંગે, કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી (MoS) ડૉ. ભાગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, “આ યોજનાઓની 7મી વર્ષગાંઠ નિમિત્તે, હું તમામ બેંકો અને વીમા કંપનીઓને યોજનાઓના સફળ અમલીકરણ બદલ અભિનંદન પાઠવું છુ અને તેમને અનુરોધ કરુ છુ કે, છેવાડાની વ્યક્તિને પણ આવરી લેવા માટે તેઓ આવા જુસ્સા અને સમર્પણની ભાવના સાથે યોજના પર કામ કરવાનું ચાલુ રાખે.”

ડૉ. કરાડે જણાવ્યું હતું કે, “ગઇ વખતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રીએ આપેલા સંબોધન વખતે સંદર્ભે કરેલી જાહેરાત અનુસાર આગળ વધીને, અમારો એવો પ્રયાસ રહેશે કે દેશમાં પાત્રતા ધરાવતી દરેક વ્યક્તિને વીમા અને પેન્શન માટેની સામાજિક સુરક્ષાની યોજનાઓ હેઠળ આવરી લેવાનું અમે સુનિશ્ચિત કરીએ.”

આપણે PMJJBY, PMSBY અને APYની સાતમી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે, ચાલો યોજનાની વિશેષતાઓ અને તેમાં અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ પર એક નજર કરીએ.

  1. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY)

યોજના: PMJJBY એક વર્ષની જીવન વીમા યોજના છે જેને દર વર્ષે રીન્યૂ કરી શકાય છે. આ યોજના હેઠળ વીમા ધારકને કોઇપણ કારણોસર થતા મૃત્યુના કેસમાં વીમા કવચ મળે છે.

પાત્રતા: 18-50 વર્ષના વય જૂથની કોઇપણ વ્યક્તિ, જે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતી હોય તે આ યોજના હેઠળ નોંધણી કરાવવા માટે પાત્રતા ધરાવે છે. જે લોકો 50 વર્ષની ઉંમર પહેલાં આ યોજનામાં જોડાય છે તેઓ, પ્રીમિયમની ચુકવણી કરીને 55 વર્ષની ઉંમર સુધી જીવનના જોખમ સામે વીમા કવચ મેળવવાનું ચાલુ રાખી શકે છે.

લાભો: રૂપિયા 330/- પ્રતિ વર્ષના દરે પ્રીમિયમની ચુકવણી પર, કોઇપણ કારણોસર મૃત્યુના કિસ્સામાં રૂપિયા 2 લાખનું જીવન વીમા કવચ.

નોંધણી: આ યોજના હેઠળ નોંધણી શાખા/BC પોઇન્ટની મુલાકાત લઇને થઇ શકે છે અથવા ખાતાધારકની બેંકની વેબસાઇટ પરથી અથવા જો પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ધરાવતા હોય તો પોસ્ટ ઓફિસે જઇને પણ નોંધણી કરાવી શકાય છે. આ યોજના હેઠળ સબ્સ્ક્રાઇબરના બેંક ખાતામાંથી દર વર્ષે આપમેળે પ્રીમિયમની રકમ કપાઇ જાય છે જેના માટે ખાતાધારકે એક વખત મેન્ડેટ આપવાનું રહે છે. આ યોજના વિશેની વિગતવાર માહિતી અને ફોર્મ (હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષામાં) https://jansuraksha.gov.in પર ઉપલબ્ધ છે.

સિદ્ધિઓ:તારીખ 27.04.2022 સુધીમાં, યોજના હેઠળ કુલ 12.76 કરોડ કરતાં વધારે લોકોએ નોંધણી કરાવી છે અને કુલ 5,76,121 દાવાઓ માટે રૂપિયા 11,552 કરોડની રકમ ચૂકવવામાં આવી છે.

  1. પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY)

યોજના: PMSBY એક વર્ષની મુદતની અકસ્માત વીમા યોજના છે જે દર વર્ષે રીન્યૂ થઇ શકે છે. આ યોજના હેઠળ વીમાધારકને અકસ્માતના કારણે મૃત્યુ અથવા વિકલાંગતા સામે વીમા કવચ મળે છે.

પાત્રતા: 18-70 વર્ષના વય જૂથની કોઇપણ વ્યક્તિ, જે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતી હોય તે આ યોજના હેઠળ નોંધણી કરાવવા માટે પાત્રતા ધરાવે છે.

લાભો: અકસ્માતના કારણે મૃત્યુ અથવા વિકલાંગતા સામે રૂપિયા 2 લાખનું અકસ્માત મૃત્યુ અથવા વિકલાંગતા કવચ (જો આંશિક વિકલાંગતા હોય તો રૂ. 1 લાખનું કવચ)

નોંધણી: આ યોજના હેઠળ નોંધણી શાખા/BC પોઇન્ટની મુલાકાત લઇને થઇ શકે છે અથવા ખાતાધારકની બેંકની વેબસાઇટ પરથી અથવા જો પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ધરાવતા હોય તો પોસ્ટ ઓફિસે જઇને પણ નોંધણી કરાવી શકાય છે. આ યોજના હેઠળ સબ્સ્ક્રાઇબરના બેંક ખાતામાંથી દર વર્ષે આપમેળે પ્રીમિયમની રકમ કપાઇ જાય છે જેના માટે ખાતાધારકે એક વખત મેન્ડેટ આપવાનું રહે છે. આ યોજના વિશેની વિગતવાર માહિતી અને ફોર્મ (હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષામાં) https://jansuraksha.gov.in પર ઉપલબ્ધ છે.

સિદ્ધિઓ: તારીખ 27.04.2022 સુધીમાં, આ યોજના હેઠળ કુલ 28.37 કરોડ કરતાં વધારે લોકોએ નોંધણી કરાવી છે અને 97,227 દાવાઓ માટે રૂપિયા 1,930 કરોડની રકમ ચુકવવામાં આવી છે.

અટલ પેન્શન યોજના (APY)

પૃષ્ઠભૂમિ: અટલ પેન્શન યોજના (APY)નો પ્રારંભ તમામ ભારતીયો જેમાં ખાસ કરીને ગરીબ, વંચિત અને બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે સાર્વત્રિક સામાજિક સુરક્ષા પ્રણાલીનું સર્જન કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા લેવામાં આવેલી આ પહેલ અંતર્ગત બિનસંગઠિત ક્ષેત્રના લોકોને ભવિષ્યમાં આવનારી આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આર્થિક સુરક્ષા અને કવચ પૂરું પાડવા માટે છે. APYનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી અને વિકાસ સત્તામંડળ (PFRDA) દ્વારા એકંદરે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી (NPS)ના પ્રશાસનિક અને સંસ્થાકીય માળખા હેઠળ કરવામાં આવે છે.

પાત્રતા: 18 થી 40 વર્ષની વય જૂથના તમામ બેંક ખાતાધારકો માટે APY ઉપલબ્ધ છે અને તેમણે પસંદ કરેલી પેન્શનની રકમના આધારે તેમનું યોગદાન અલગ અલગ હોય છે.

લાભો: સબ્સ્ક્રાઇબરે યોજનામાં જોડાયા પછી આપેલા યોગદાનના આધારે તેમને દર મહિને ઓછામાં ઓછું રૂ.1000 અથવા રૂ.2000 અથવા રૂ.3000 અથવા રૂ.4000 અથવા રૂ.5000 ગેરેન્ટીડ પેન્શન 60 વર્ષની ઉંમરથી મળવાનું શરૂ થશે.

યોજનાના લાભોની ચુકવણી: સબ્સ્ક્રાઇબરને માસિક પેન્શન પેટે નિશ્ચિત રકમ આપવામાં આવે છે અને તેમના મૃત્યુ પછી તેમની બિન-હયાતીમાં તેમના જીવનસાથીને આ રકમ પેન્શન પેટે મળે છે અને તેમનું પણ મૃત્યુ થયા પછી, સબ્સ્ક્રાઇબરની 60 વર્ષની ઉંમરે જે સિલક પેન્શન એકઠું થયું હોય તે રકમ નામાંકિત વ્યક્તિને પરત કરવામાં આવે છે.

જો સબ્સ્ક્રાઇબરનું વહેલું મૃત્યુ થાય (60 વર્ષની ઉંમર પહેલાં) તો સબ્સ્ક્રાઇબરના જીવનસાથી બાકી રહેલા પેન્શન પાત્રતાના સમય સુધી એટલે કે મૂળ સબ્ક્રાઇબર હયાત હોત તો તેમની 60 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી, સબ્સ્ક્રાઇબરના APY ખાતામાં યોગદાન આપવાનું ચાલુ રાખી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા યોગદાન: સરકાર દ્વારા લઘુતમ પેન્શન નિશ્ચિતરૂપે આપવામાં આવશે એટલે કે, જો યોગદાનના આધારે એકત્ર થયેલી સિલક દ્વારા, રોકાણ પર અનુમાનિત કરતાં ઓછું વળતર મળે તો અને તે લઘુતમ નિશ્ચિત પેન્શન પૂરું પાડવા માટે અપૂરતી રકમ હોય તો પણ, કેન્દ્ર સરકાર દ્વારા આ ખૂટતી રકમ પૂરી કરવામાં આવશે. વૈકલ્પિક રીતે, જો રોકાણ પર વળતર વધારે હોય તો, સબ્ક્રાઇબરના પેન્શનના લાભોમાં વધારો થશે.

ચુકવણીનું આવર્તન: સબ્સ્ક્રાઇબરો માસિક/ ત્રિમાસિક/ અર્ધવાર્ષિક ધોરણે APYમાં યોગદાન આપી શકે છે.

યોજનામાંથી બહાર નીકળી જવું: સબ્સ્ક્રાઇબરો સ્વેચ્છાએ APYમાંથી બહાર નીકળી શકે છે જે અમુક શરતોને આધીન છે, અને આવી સ્થિતિમાં સરકારના સહ-યોગદાન અને તેના પર મળેલા વળતર/વ્યાજની રકમ કાપી લેવામાં આવશે.

સિદ્ધિઓ: 27.04.2022 સુધીમાં આ યોજના હેઠળ 4 કરોડ કરતાં વધારે વ્યક્તિએ નોંધણી કરાવી છે.

****

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1823757) Visitor Counter : 4211