પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુકેના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ બેઠકમાં આપેલા સંબોધનનો મૂળપાઠ
Posted On:
22 APR 2022 3:40PM by PIB Ahmedabad
મહામહિમ, પ્રધાનમંત્રી બોરીસ જ્હોન્સન,
પ્રતિનિધિમંડળના મહાનુભાવો,
આપણા મીડિયાના મિત્રો,
નમસ્કાર!
સૌથી પહેલા તો હું, પ્રધાનમંત્રી બોરીસ જ્હોન્સન અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરું છું.
પ્રધાનમંત્રી તરીકે ભલે આ તેમની પ્રથમ ભારત યાત્રા હોય, પરંતુ એક જૂના મિત્ર તરીકે, તેઓ ભારતને ખૂબ જ સારી રીતે જાણે છે, સમજે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને યુકેના સંબંધો મજબૂત કરવામાં પ્રધાનમંત્રી જ્હોન્સનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે.
ભારત ત્યારે પોતાની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે તેવા સમયે, પ્રધાનમંત્રી બોરીસ જ્હોન્સનું અહીં આગમન, પોતાની રીતે એક ઐતિહાસિક પળ છે. અને ગઇકાલે તો આખા ભારતે જોયું કે, તેમણે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કરીને પોતાની ભારત યાત્રાની શરૂઆત કરી છે.
મિત્રો,
ગયા વર્ષે, આપણે બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના કરી હતી. અને આ દાયકામાં આપણે સંબંધોને દિશા આપવા માટે એક મહત્વાકાંક્ષી “રોડમેપ 2030” પણ લોન્ચ કર્યો છે. આજે જ અમારી વાતચીત દરમિયાન અમે એ રોડમેપમાં પ્રગતિની સમીક્ષા કરી રહી અને આવનારા સમય માટે કેટલાક લક્ષ્યો પણ નિર્ધારિત કર્યા છે.
મુક્ત વેપાર સમજૂતીના વિષય પર બંને દેશોની ટીમો કામ કરી રહી છે. વાતચીતમાં સારી એવી પ્રગતિ થઇ રહી છે. અને અમે આ વર્ષના અંત સુધીમાં મુક્ત વેપાર સમજૂતીના સમાપનની દિશામાં પૂરેપૂરા પ્રયાસો કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક મહિનામાં ભારતે UAE અને ઑસ્ટ્રેલિયા સાથે મુક્ત વેપાર સમજૂતીનું સમાપન કર્યું છે. એ ગતિએ જ, એ કટિબદ્ધતા સાથે જ, અમે યુકે સાથે પણ મુક્ત વેપાર સમજૂતી પર આગળ વધવા માંગીએ છીએ.
અમે સંરક્ષણ ક્ષેત્રમાં પણ સહયોગ વધારવા માટે સહમતી વ્યક્ત કરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં વિનિર્માણ, ટેકનોલોજી, ડિઝાઇન અને વિકાસ આ તમામ ક્ષેત્રોમાં યુકે દ્વારા “આત્મનિર્ભર ભારત”ના સમર્થનને અમે આવકારીએ છીએ.
મિત્રો,
ભારતમાં ચાલી રહેલા વ્યાપક સુધારા, આપણા માળખાકીય સુવિધાઓમાં આધુનિકીકરણની યોજના અને રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન અંગ પણ અમે ચર્ચા કરી છે. અમે યુકેની કંપનીઓ દ્વારા ભારતમાં વધી રહેલા રોકાણને આવકારીએ છીએ. તેમજ તેનું એક ઉત્તમ દૃશ્ટાંત આપણે કાલે જ ગુજરાતના હાલોલમાં જોયું.
યુકેમાં વસી રહેલા 1.6 મિલિયન ભારતીય મૂળના લોકોનો સમાજ અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં સકારાત્મક યોગદાન આપી રહ્યો છે. અમને તેમની સિદ્ધિઓ પર ઘણું ગૌરવ છે. અને આ જીવંત સેતુને અમે હજુ વધારે મજબૂત કરવા માંગીએ છીએ. આ દિશામાં પ્રધાનમંત્રી જ્હોન્સને અંગતરૂપે ખૂબ જ સારું યોગદાન આપ્યું છે. આના માટે હું તેમને ખૂબ જ અભિનંદન પાઠવું છું.
મિત્રો,
અમે ગ્લાસગોમાં યોજાયેલા COP-26 માટે લેવામાં આવેલા સંકલ્પો પૂરા કરવા માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. આજે અમે આપણી ક્લાઇમેટ અને ઉર્જા ભાગીદારીને હજુ પણ વધારે ઘનિષ્ઠ બનાવવાનો નિર્ણય લીધો છે. અમે યુકેને ભારતના રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવીએ છીએ. તેમજ આપણી વચ્ચે વ્યૂહાત્મક ટેક સંવાદ સ્થાપિત કરવામાં આવ્યો તેનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.
મિત્રો,
આજે આપણી વચ્ચે ગ્લોબલ ઇનોવેશન પાર્ટનરશીપના અમલીકરણ સમજૂતી કરાર કરવામાં આવ્યો તે ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે. આના કારણે અન્ય દેશો સાથે અમારી વિકાસ ભાગીદારી વધારે મજબૂત થશે. તે અંતર્ગત ત્રીજા દેશમાં “મેડ ઇન ઇન્ડિયા” આવિષ્કારોના ટ્રાન્સફર અને વ્યાપકતા માટે ભારત અને યુકે 100 મિલિયન ડૉલર સુધીનું સહ-ફાઇનાન્સ કરશે. તેનાથી દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અને આબોહવા પરિવર્તનનો સામનો કરવાના પ્રયાસોમાં મદદ મળી રહેશે. આ આપણા સ્ટાર્ટઅપ અને MSME ક્ષેત્રને નવા બજારો શોધવા અને પોતાના આવિષ્કારોને દુનિયા સુધી પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
મિત્રો,
અમે ક્ષેત્રીય અને વૈશ્વિક સ્તરે થઇ રહેલા અને વિકાસ અંગે પણ ચર્ચા કરી છે. એક મુક્ત, ખુલ્લી, સર્વસમાવેશી અને નિયમો આધારિત વ્યવસ્થા પર આધારિત હિન્દ-પ્રશાંત ક્ષેત્ર બનાવી રાખવા પર અમે વિશેષ ભાર મૂક્યો છે. હિન્દ-પ્રશાંત મહાસાગર પહેલ સાથે જોડાવાના યુકેના નિર્ણયને ભારત આવકારે છે.
અમે યુક્રેનમાં યુદ્ધ વિરામ અને સમસ્યાના ઉકેલ માટે સંવાદ અને રાજદ્વારી માર્ગે આગળ વધાર ભાર મૂક્યો છે. અમે તમામ દેશોની પ્રાદેશિક અખંડિતા અને સાર્વભૌમત્વને સન્માન આપવાના મહત્વનો પણ પુનરુચ્ચાર કર્યો છે.
અમે એક શાંતિપૂર્ણ, સ્થિર અને સુરક્ષિત અફઘાનિસ્તાન તેમજ એક સર્વસમાવેશી અને પ્રતિનિધિત્વ વાળી સરકાર માટે અમારા સમર્થનનો પણ પુનરુચ્ચાર કર્યો છે. અફઘાનની ભૂમિનો ઉપયોગ અન્ય દેશોમાં આતંકવાદ ફેલાવવા માટે ના થવો જોઇએ તે ખૂબ જ મહત્વનું છે.
મહામહિમ,
આપે હંમેશા ભારત અને યુકેના સંબંધોને વધારે મજબૂત કરવા માટે વિશેષ પ્રયાસો કર્યા છે. આના માટે હું આપને ખૂબ જ અભિનંદન પાઠવું છું.
ફરી એકવાર, આપનું અને આપના પ્રતિનિધિમંડળનું ભારતમાં હાર્દિક સ્વાગત છે.
ખૂબ ખૂબ ધન્યવાદ!
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1819274)
Visitor Counter : 213
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam