પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી અફઘાનિસ્તાન શિખ-હિંદુ પ્રતિનિધિમંડળને મળ્યા


પ્રતિનિધિઓએ સંકટના સમયે તેમને ટેકો આપવા માટે અને અફઘાનિસ્તાનથી સુરક્ષિત રીતે ભારત લાવવાની વ્યવસ્થા કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો

તમે મહેમાન નથી પણ તમારાં જ ઘરમાં છો, ભારત તમારું ઘર છે: પ્રધાનમંત્રી

પ્રતિનિધિઓએ સીએએ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો; તેમને વિશ્વના પ્રધાનમંત્રી ગણાવ્યા

પ્રતિનિધિઓ કહે છે કે જ્યારે તેઓએ તેમને અફઘાનિસ્તાનમાંથી ગુરુ ગ્રંથ સાહેબનાં સ્વરૂપને યોગ્ય આદર સાથે ભારતમાં પાછાં લાવવાં માટે વિશેષ વ્યવસ્થા કરવાની વાત કરતા સાંભળ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા.

પ્રધાનમંત્રીએ આ સમુદાયને ભવિષ્યમાં તમામ મુદ્દાઓ અને મુશ્કેલીઓનાં નિરાકરણ માટે સતત સમર્થનની ખાતરી આપી

Posted On: 19 FEB 2022 2:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ​​ સવારે 7 લોક કલ્યાણ માર્ગ ખાતે અફઘાનિસ્તાનનાં શિખ-હિંદુ પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા હતા. તેઓએ પ્રધાનમંત્રીનું સન્માન કર્યું અને અફઘાનિસ્તાનમાંથી શિખ અને હિન્દુઓને સુરક્ષિત રીતે ભારતમાં લાવવા બદલ તેમનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું અને કહ્યું કે તેઓ મહેમાનો નથી પરંતુ તેમનાં પોતાનાં ઘરમાં છે, અને ઉમેર્યું હતું કે ભારત તેમનું ઘર છે. તેમણે અફઘાનિસ્તાનમાં તેમને પડેલી ભારે મુશ્કેલીઓ અને તેમને સુરક્ષિત રીતે ભારત લાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી મદદ વિશે વાત કરી હતી. આ સંદર્ભમાં, તેમણે નાગરિકતા સુધારા અધિનિયમ (સીએએ)નાં મહત્વ અને સમુદાય માટે તેના ફાયદા વિશે પણ વાત કરી હતી. તેમણે ભવિષ્યમાં પણ તેઓને પડતી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓનાં નિરાકરણ માટે સતત સહયોગની ખાતરી આપી હતી.

પ્રધાનમંત્રીએ ગુરુ ગ્રંથ સાહિબનાં સન્માનની પરંપરાનાં મહત્વ વિશે પણ વાત કરી હતી  જેના કારણે અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબનાં સ્વરૂપને પરત લાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે વર્ષોથી અફઘાન લોકો તરફથી મળેલા અપાર પ્રેમ વિશે વાત કરી અને કાબુલની તેમની મુલાકાતને પ્રેમપૂર્વક યાદ કરી હતી.

શ્રી મંજિન્દર સિંહ સિરસાએ સમુદાયને સુરક્ષિત રીતે પાછા લાવવા માટે ભારત તરફથી મદદ મોકલવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને કહ્યું કે જ્યારે તેમની સાથે કોઈ ઊભું ન હતું, ત્યારે પ્રધાનમંત્રીએ સતત સમર્થન અને સમયસર મદદ સુનિશ્ચિત કરી આપી હતી. પ્રતિનિધિમંડળના અન્ય સભ્યોએ પણ સંકટના સમયે તેમના માટે ઊભા રહેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે જ્યારે તેઓએ તેમને અફઘાનિસ્તાનમાંથી ગુરુ ગ્રંથ સાહિબનાં સ્વરૂપને યોગ્ય આદર સાથે ભારતમાં પાછા લાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવાની વાત કરતા સાંભળ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓએ સીએએ લાવવા બદલ તેમનો આભાર પણ માન્યો હતો, જે તેમના સમુદાયના સભ્યો માટે ખૂબ મદદરૂપ થશે. તેઓએ કહ્યું કે તેઓ માત્ર ભારતના પ્રધાનમંત્રી નથી, પરંતુ વિશ્વના પ્રધાનમંત્રી છે કારણ કે તેઓ સમગ્ર વિશ્વમાં ખાસ કરીને હિન્દુઓ અને શીખો દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓને સમજે છે અને આવા તમામ કિસ્સામાં તાત્કાલિક મદદ પૂરી પાડવાના તમામ પ્રયાસો કરે છે. કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી સુશ્રી મીનાક્ષી લેખી પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1799618) Visitor Counter : 233