પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં 216 ફિટ ઊંચી ‘સ્ટેચ્યુ ઑફ ઈક્વાલિટી’ રાષ્ટ્રને સમર્પિત કરી
“જગદગુરુ શ્રી રામાનુજાચાર્યની આ ભવ્ય પ્રતિમા દ્વારા ભારત તેની માનવ ઊર્જા અને પ્રેરણાઓને નક્કર આકાર આપી રહ્યું છે”
“જ્યારે આપણે રામાનુજાચાર્યજીને જોઈએ છીએ, ત્યારે આપણને સમજાય છે કે પ્રગતિશીલતા અને પ્રાચીનતા વચ્ચે કોઈ સંઘર્ષ નથી”
“સુધારા માટે તમારાં મૂળથી દૂર જવું જરૂરી નથી. તેના બદલે જરૂરી છે કે આપણે આપણાં વાસ્તવિક મૂળ સાથે જોડાઈએ, આપણી વાસ્તવિક શક્તિથી પરિચિત થઈએ”
“શ્રી રામાનુજાચાર્યના સંદેશ સાથે આગળ વધીને, આજે દેશ 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ના મંત્ર સાથે તેનાં નવાં ભવિષ્યનો પાયો નાંખી રહ્યો છે”
“ભારતીય સ્વતંત્રતા સંગ્રામ સમાનતા, માનવતા અને આધ્યાત્મિકતાની ઊર્જાથી ધન્ય થયો હતો જે તેને સંતો પાસેથી પ્રાપ્ત થઈ હતી”
“સરદાર સાહેબની 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' દેશમાં એકતાના શપથનું પુનરાવર્તન કરી રહી છે તો રામાનુજાચાર્યની 'સ્ટેચ્યુ ઑફ ઈક્વાલિટી' સમાનતાનો સંદેશ આપી રહી છે. એક રાષ્ટ્ર તરીકે ભારતની આ વિશેષતા છે.”
“તેલુગુ સંસ્કૃતિએ ભારતની વિવિધતાને સમૃદ્ધ બનાવી છે”
“તેલુગુ ફિલ્મ ઉદ્યોગ તેલુગુ સંસ્કૃતિની ભવ્ય પરંપરાને યોગ્ય રીતે આગ
Posted On:
05 FEB 2022 8:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદમાં 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' રાષ્ટ્રને સમર્પિત કરી હતી. સમાનતાની 216 ફૂટ ઊંચી આ પ્રતિમા 11મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યનું સ્મરણ કરે છે, જેમણે આસ્થા, જાતિ અને સંપ્રદાય સહિત જીવનનાં તમામ પાસાઓમાં સમાનતાના વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. તેલંગાણાનાં રાજ્યપાલ શ્રીમતી તમિલિસાઈ સૌંદરરાજન, કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ વસંત પંચમીના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી અને આવા પવિત્ર અવસર પર પ્રતિમાનાં સમર્પણ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “ભારત જગદગુરુ શ્રી રામાનુજાચાર્યની આ ભવ્ય પ્રતિમા દ્વારા ભારતની માનવ શક્તિ અને પ્રેરણાઓને નક્કર આકાર આપી રહ્યું છે. શ્રી રામાનુજાચાર્યની આ પ્રતિમા તેમનાં જ્ઞાન, વૈરાગ્ય અને આદર્શોનું પ્રતીક છે."
પ્રધાનમંત્રીએ 'વિશ્વસેના ઈષ્ટિ યજ્ઞ'ની 'પૂર્ણાહુતિ'માં ભાગ લીધો હતો. આ યજ્ઞ સંકલ્પો અને લક્ષ્યોની પરિપૂર્ણતા માટે છે. પ્રધાનમંત્રીએ દેશના 'અમૃત' સંકલ્પ માટે યજ્ઞનો 'સંકલ્પ' અર્પણ કર્યો અને 130 કરોડ દેશવાસીઓને યજ્ઞ સમર્પિત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ તેના વિદ્વાનોની ભારતીય પરંપરાને યાદ કરી જે જ્ઞાનને ખંડન અને સ્વીકૃતિ-અસ્વીકારથી ઉપર ઊઠીને જુએ છે. "જો આપણી પાસે 'અદ્વૈત' છે તો આપણી પાસે 'દ્વૈત' પણ છે અને આપણી પાસે શ્રી રામાનુજાચાર્યનું 'વિશિષ્ટાદ્વૈત' પણ છે જે 'દ્વૈત-અદ્વૈત' બંનેને સમાવે છે", એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. તેમણે નોંધ્યું કે શ્રી રામાનુજાચાર્યમાં જ્ઞાનનાં શિખર સાથે, તેઓ ભક્તિ માર્ગના સ્થાપક પણ છે. એક તરફ તેઓ સમૃદ્ધ 'સન્યાસ' પરંપરાના સંત છે, તો બીજી તરફ તેઓ ગીતાભાષ્યમાં કર્મનાં મહત્વને રજૂ કરે છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું, “આજના વિશ્વમાં, જ્યારે સામાજિક સુધારણા, પ્રગતિશીલતાની વાત આવે છે, ત્યારે એવું માનવામાં આવે છે કે સુધારા મૂળથી દૂર જવાથી થશે. પરંતુ, જ્યારે આપણે રામાનુજાચાર્યજીને જોઈએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે પ્રગતિશીલતા અને પ્રાચીનતા વચ્ચે કોઈ સંઘર્ષ નથી. સુધારા માટે તમારાં મૂળથી દૂર જવું જરૂરી નથી. તેના બદલે એ જરૂરી છે કે આપણે આપણાં વાસ્તવિક મૂળ સાથે જોડાઈએ, આપણી વાસ્તવિક શક્તિથી વાકેફ થઈએ.”
પ્રધાનમંત્રીએ વર્તમાન પહેલ અને આપણા સંતોનાં જ્ઞાન વચ્ચેની કડી વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. શ્રી રામાનુજાચાર્યે દેશને સામાજીક સુધારાના વાસ્તવિક ખ્યાલથી પરિચિત કરાવ્યો અને દલિતો અને પછાત લોકો માટે કામ કર્યું. તેમણે કહ્યું કે, આજે શ્રી રામાનુજાચાર્ય આપણને સમાનતાની ભવ્ય પ્રતિમાના રૂપમાં સમાનતાનો સંદેશ આપી રહ્યા છે. આ સંદેશ સાથે આગળ વધીને, આજે દેશ 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ' ના મંત્ર સાથે તેનાં નવાં ભવિષ્યનો પાયો નાંખી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત, આજે ભેદભાવ વિના સૌના વિકાસ માટે સામૂહિક રીતે કામ કરી રહ્યું છે; તમામ માટે સામાજિક ન્યાય જેથી સદીઓથી દમન કરાયેલાં તમામ લોકો દેશના વિકાસમાં પૂર્ણ ગરિમા સાથે ભાગીદાર બને. પાકું મકાન, ઉજ્જવલા જોડાણ, 5 લાખ સુધીની મફત તબીબી સારવાર કે મફત વીજળી જોડાણ, જન ધન ખાતા, સ્વચ્છ ભારત અભિયાન જેવી યોજનાઓએ દલિતો, પછાત અને વંચિતોને મજબૂત કર્યા છે.
પ્રધાનમંત્રીએ શ્રી રામાનુજાચાર્યને 'ભારતની એકતા અને અખંડિતતા માટે પ્રદિપ્ત પ્રેરણા' ગણાવ્યા હતા. "તેમનો જન્મ દક્ષિણમાં થયો હતો, પરંતુ તેમનો પ્રભાવ દક્ષિણથી ઉત્તર અને પૂર્વથી પશ્ચિમ સુધી સમગ્ર ભારત પર છે", એમ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની સ્વતંત્રતાની લડાઈ માત્ર તેની સત્તા અને તેના અધિકારોની લડાઈ ન હતી. આ લડાઈમાં એક તરફ 'વસાહતી માનસિકતા' હતી અને બીજી તરફ 'જીવો અને જીવવા દો'નો વિચાર હતો. એક તરફ, તે વંશીય શ્રેષ્ઠતા અને ભૌતિકવાદનો ઉન્માદ હતો, તો બીજી તરફ તે માનવતા અને આધ્યાત્મિકતામાં શ્રદ્ધા હતી. અને આ યુદ્ધમાં ભારત અને તેની પરંપરાનો વિજય થયો હતો, એમ તેમણે જણાવ્યું હતું. "ભારતીય સ્વતંત્રતા સંગ્રામ સમાનતા, માનવતા અને આધ્યાત્મિકતાની ઊર્જાથી ધન્ય થયો હતો જે ઊર્જા તેને સંતો પાસેથી મળી હતી", એમ તેમણે ઉમેર્યું હતું.
સરદાર પટેલના હૈદરાબાદ સાથેના સંબંધનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “જો સરદાર સાહેબની 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' દેશમાં એકતાના શપથનું પુનરાવર્તન કરી રહી છે તો રામાનુજાચાર્યની 'સ્ટેચ્યુ ઑફ ઈક્વાલિટી' સમાનતાનો સંદેશ આપી રહી છે. આ એક રાષ્ટ્ર તરીકે ભારતની વિશેષતા છે."
પ્રધાનમંત્રીએ તેલુગુ સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેણે ભારતની વિવિધતાને કેવી રીતે સમૃદ્ધ બનાવી છે તેના પર વિગતવાર વર્ણન કર્યું હતું. તેમણે રાજાઓ અને રાણીઓની લાંબી પરંપરાઓને યાદ કરી જેઓ આ સમૃદ્ધ પરંપરાના મશાલધારક હતાં. ભારતનાં આસ્થાનાં સ્થળોનાં કાયાકલ્પ અને માન્યતાના સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ 13મી સદીના કાકટિયા રુદ્રેશ્વર રામપ્પા મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું અને પોચમપલ્લીને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા ભારતનાં શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે માન્યતા આપવામાં આવી એ વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગનાં ગૌરવપૂર્ણ યોગદાનની નોંધ લીધી જે તેની હાજરીનો અનુભવ વૈશ્વિક સ્તરે અને તેલુગુ બોલતા વિસ્તારોથી પણ આગળ કરાવે છે. “આ સર્જનાત્મકતા સિલ્વર સ્ક્રીન અને ઓટીટી પ્લેટફોર્મ પર રાજ કરી રહી છે. ભારતની બહાર પણ તેની પ્રશંસા થઈ રહી છે. તેલુગુ ભાષી લોકોનું તેમની કલા અને સંસ્કૃતિ પ્રત્યેનું આ સમર્પણ બધા માટે પ્રેરણારૂપ છે,” એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રતિમા 'પંચલોહા'થી બનેલી છે, જે પાંચ ધાતુઓનું મિશ્રણ છે: સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને ઝીંક અને તે બેઠેલી સ્થિતિમાં વિશ્વની સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે. તે 'ભદ્ર વેદી' નામની 54-ફૂટ ઊંચી પાયાની ઇમારત પર સ્થાપિત થયેલ છે, તેમાં વૈદિક ડિજિટલ લાઇબ્રેરી અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, થિયેટર, શ્રી રામાનુજાચાર્યનાં ઘણાં કાર્યોની વિગતો આપતી શૈક્ષણિક ગેલેરી માટે સમર્પિત માળ છે. આ પ્રતિમાની કલ્પના શ્રી રામાનુજાચાર્ય આશ્રમના શ્રી ચિન્ના જીયર સ્વામી દ્વારા કરવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન, શ્રી રામાનુજાચાર્યની જીવનયાત્રા અને ઉપદેશો પર 3D પ્રેઝન્ટેશન મેપિંગ દર્શાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ સમાનતાની પ્રતિમાની ચારે તરફ એકસમાન રીતે બનેલાં 108 દિવ્ય દેશમ (સુશોભિત રીતે નક્શીદાર મંદિરો)ની મુલાકાત લીધી હતી.
શ્રી રામાનુજાચાર્યએ રાષ્ટ્રીયતા, લિંગ, જાતિ, જ્ઞાતિ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેક માનવ સમાનની ભાવના સાથે લોકોનાં ઉત્થાન માટે અથાક રીતે કામ કર્યું હતું. સમાનતાની આ પ્રતિમાનું ઉદ્ઘાટન એ હાલ ચાલી રહેલી શ્રી રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતિની ઉજવણીના 12-દિવસીય શ્રી રામાનુજ સહસ્રાબ્દી સમારોહનો એક ભાગ છે.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1795910)
Visitor Counter : 282
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam