પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ વિશેષ સંબોધન કર્યું

“કોરોનાના સમય દરમિયાન ભારતે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ની દૂરંદેશીને અનુસરીને આવશ્યક દવાઓ તેમજ રસી પૂરી પાડીને સંખ્યાબંધ લોકોના જીવ બચાવ્યા છે”

“ભારત વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં વિશ્વનું ભરોસાપાત્ર ભાગીદાર બનવા માટે કટિબદ્ધ છે”

“ભારતમાં રોકાણ કરવા માટે અત્યારે શ્રેષ્ઠ સમય છે”

“ભારત માત્ર આત્મનિર્ભરતા માટે પ્રક્રિયાઓના સરળીકરણ પર ધ્યાન નથી આપી રહ્યું પરંતુ રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન પણ આપી રહ્યું છે”

“ભારત આગામી 25 વર્ષનાં લક્ષ્યોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડી રહ્યું છે. આ સમયગાળામાં, દેશે કલ્યાણ અને સુખાકારીના ઉચ્ચ વિકાસ અને સંતૃપ્તિના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે. વિકાસનો આ સમયગાળો હરિયાળો, સ્વચ્છ, ટકાઉ તેમજ ભરોસાપાત્ર હશે”

“‘ફેંકી દો’ની સંસ્કૃતિ અને ઉપભોક્તાવાદે આબોહવા પરિવર્તનના સંકટને વધુ ઘેરું બનાવ્યું છે. આજના સમયના ટેક-મેક-યુઝ-ડિસ્પોઝ અર્થતંત્રમાંથી ચક્રિય અર્થતંત્ર પર ઝડપથી સ્થાનંતર કરવું હિતાવહ છે”

“L.I.F.E.ને વિરાટ જન આંદોલનમાં રૂપાંતરિત કરવાથી P-3 એટલે કે ‘પ્રો પ્લેનેટ પીપલ’નો મજબૂત પાયો બની શકે છે”

“દરેક લોકશાહી રાષ્ટ્રએ બહુપક્ષીય સંસ્થાઓના સુધારાને વેગ આપવો આવશ્યક છે જેથી તેઓ વર્તમાન અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે કામ કરી શકે”

Posted On: 17 JAN 2022 10:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ એજન્ડામાં સ્ટેટ ઓફ ધ વર્લ્ડવિશેષ સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, ભારત તકેદારી અને વિશ્વાસ સાથે મહામારીની વધુ એક લહેરનો સામનો કરી રહ્યું છે અને આર્થિક ક્ષેત્રમાં ઘણા આશાસ્પદ પરિણામો સાથે આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે એક મજબૂત લોકશાહી તરીકે સમગ્ર માનવજાતને આશાનો પૂંજ આપ્યો છે જેમાં ભારતીયોની લોકશાહીમાં રહેલી અતૂટ શ્રદ્ધા, 21મી સદીને સશક્ત બનાવતી ટેકનોલોજી અને ભારતીયોના કૌશલ્ય તેમજ સ્વભાવનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમય દરમિયાન ભારતે એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની દૂરંદેશીને અનુસરીને આવશ્યક દવાઓ તેમજ રસીની નિકાસ કરીને સંખ્યાબંધ લોકોના જીવ બચાવ્યા. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સમગ્ર દુનિયામાં ત્રીજો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ ઉત્પાદક દેશ છે અને તેને ફાર્મસી ઓફ વર્લ્ડ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ભારત સંખ્યાબંધ સોફ્ટવેર એન્જિનિયરો પૂરા પાડી રહ્યું છે. ભારતમાં 50 લાખ કરતાં વધારે સોફ્ટવેર ડેવલપરો કામ કરી રહ્યાં છે. તેમણે માહિતી આપી હતી કે, આજે ભારત યુનિકોર્નની સૌથી વધુ સંખ્યામાં ત્રીજા ક્રમે આવે છે. 10 હજાર કરતાં વધારે સ્ટાર્ટઅપની નોંધણી છેલ્લા છ મહિના દરમિયાન કરવામાં આવી છે. તેમણે ભારતના વિશાળ, સલામત અને સફળ ડિજિટલ ચુકવણી પ્લેટફોર્મ વિશે પણ વાત કરી હતી અને માહિતી આપી હતી કે, છેલ્લા મહિનામાં જ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા 4.4 બિલિયન કરતાં વધારે વ્યવહારો થયા છે. પ્રધાનમંત્રીએ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે તેમજ સરકારનો હસ્તક્ષેપ ઓછો કરવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાં વિશે પણ વાત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, કોર્પોરેટ કરવેરાના દરોનું સરળીકરણ કરવામાં આવ્યું છે અને તેમને દુનિયામાં સૌથી વધુ સ્પર્ધાત્મક બનાવવામાં આવ્યા છે. ભારતે ડ્રોન, અવકાશ, જીઓ-સ્પેટિયલ મેપિંગ જેવા ક્ષેત્રોને નિયંત્રણ મુક્ત કર્યાં છે અને આઈટી તેમજ બીપીઓ ક્ષેત્રો સાથે સંબંધિત જૂના ટેલિકોમ નિયમનમાં સુધારા કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે,અમે ગયા વર્ષમાં 25 હજાર કરતાં વધારે અનુપાલનની આવશ્યકતા દૂર કરી છે.

ભાગીદાર તરીકે ભારત પ્રત્યે વધી રહેલા આકર્ષણનો સંકેત આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં વિશ્વનું ભરોસાપાત્ર ભાગીદાર બનવા માટે કટિબદ્ધ છે અને સંખ્યાબંધ દેશો સાથે મુક્ત વેપારના કરારો કરવા માટે માર્ગ મોકળો કરી રહ્યું છે. ભારતની આવિષ્કારની ક્ષમતાઓ, ટેકનોલોજી સાથે અનુકૂલન અને ઉદ્યમશીલતાની ભાવના ભારતને એક આદર્શ વૈશ્વિક ભાગીદાર બનાવે છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારે અત્યારે ભારતમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારતના યુવાનો ઉદ્યમશીલતાની નવી ઊંચાઇઓ સર કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, 2014માં ભારતમાં માત્ર 100 સ્ટાર્ટ-અપ્સ હતા તેની સરખામણીએ આજે 60 હજાર કરતાં વધારે સ્ટાર્ટ-અપ્સ છે. આમાંથી 80 યુનિકોર્ન છે અને 40 કરતાં વધારે યુનિકોર્ન તો 2021માં જ ઉદયમાન થયા છે.

ભારતના આત્મવિશ્વાસ સાથેના અભિગમને રેખાંકિત કરતા પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, જ્યારે આખી દુનિયા કોરોનાના સમયગાળા દરમિયાન જથ્થાત્મક સરળતા જેવા હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી હતી ત્યારે ભારત સુધારાઓના મજબૂતીકરણ પર ધ્યાન આપી રહ્યું હતું. તેમણે 6 લાખ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઇબર દ્વારા કનેક્ટિવિટી જેવા ભૌતિક અને ડિજિટલ માળખાકીય સુવિધા, કનેક્ટિવિટી સંબંધિત માળકાકીય સુવિધામાં 1.3 ટ્રિલિયન ડૉલરનું રોકાણ, અસ્કયામતોના મુદ્રીકરણ દ્વારા 80 બિલિયન ડૉલર ઉભા કરવાનું લક્ષ્ય અને માલસામન, લોકો તેમજ સેવાઓની સળંગ કનેક્ટિવિટીમાં નવી ગતિશીલતા લાવવા માટે તમામ હિતધારકોને એક પ્લેટફોર્મ પર લાવવા માટેના ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન વગેરે ગણાવ્યા હતા. શ્રી મોદીએ ફોરમને જણાવ્યું હતું કે, ભારત માત્ર આત્મનિર્ભરતા માટે પ્રક્રિયાઓના સરળીકરણ પર ધ્યાન નથી આપી રહ્યું પરંતુ રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન પણ આપી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, 14 ક્ષેત્રોમાં 26 અબજ ડૉલરના મૂલ્યની ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાઓ તેની સૌથી સ્પષ્ટ અભિવ્યક્તિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત આગામી 25 વર્ષનાં લક્ષ્યોને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે, આ સમયગાળામાં, દેશે કલ્યાણ અને સુખાકારીના ઉચ્ચ વિકાસ અને સંતૃપ્તિના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે. વિકાસનો આ સમયગાળો હરિયાળો, સ્વચ્છ, ટકાઉ તેમજ ભરોસાપાત્ર હશે.

પ્રધાનમંત્રીએ પર્યાવરણના ભોગે આજની જીવનશૈલી અને નીતિઓ પર ધ્યાન આપ્યું હતું. તેમણે આપણી જીવનશૈલીના કારણે આબોહવા સામે ઊભા થઇ રહેલા પડકારો તરફ સૌનું ધ્યાન દોર્યું હતું. ફેંકી દોની સંસ્કૃતિ અને ઉપભોક્તાવાદે આબોહવા પરિવર્તનના સંકટને વધુ ઘેરું બનાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના સમયના ટેક-મેક-યુઝ-ડિસ્પોઝ (લેવું-બનાવવું-વાપરવું-ફેંકી દેવું) અર્થતંત્રમાંથી ચક્રિય અર્થતંત્ર પર ઝડપથી સ્થાનંતર કરવું હિતાવહ છે. પ્રધાનમંત્રીએ CoP26 પરિષદ ખાતે તેમણે આપેલા મિશન LIFEનો સંદર્ભ ટાંકતા કહ્યું હતું કે, L.I.F.E.ને વિરાટ જન આંદોલનમાં રૂપાંતરિત કરવાથી P-3 એટલે કે પ્રો પ્લેનેટ પીપલનો મજબૂત પાયો બની શકે છે. LIFE એટલે કે પર્યાવરણ માટે જીવનશૈલી એવી લવચિક અને ટકાઉક્ષમ જીવનશૈલીની દૂરંદેશી છે જે આબોહવાની કટોકટીનો સામનો કરવા માટે અને ભવિષ્યમાં આવનારા અન્ય અણધાર્યા પડકારોનો સામનો કરવા માટે હાથવગો ઉપાય હશે. શ્રી મોદીએ નિર્ધારિત સમય પહેલાં જ આબોહવાનું લક્ષ્‍ય પ્રાપ્ત કરવામાં ભારતના પ્રભાવશાળી રેકોર્ડ વિશે પણ ફોરમને જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ વૈશ્વિક વ્યવસ્થામાં બદલાતી વાસ્તવિકતાઓ અનુસાર અનુકૂલન સાધવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક પરિવાર બદલાતા વૈશ્વિક વ્યવસ્થામાં નવા પડકારોનો સામનો કરી રહ્યો છે અને તેમણે દરેક દેશ પાસેથી અને વૈશ્વિક એજન્સીઓ પાસેથી સહિયારા અને તાલમેલપૂર્ણ પગલાં લેવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે પુરવઠા વિક્ષેપ, ફુગાવો, આબોહવા પરિવર્તન જેવા મુખ્ય ઉદાહરણો પણ ટાંક્યા હતા. તેમણે ક્રિપ્ટોકરન્સીના ઉદાહરણનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં એવી ટેકનોલોજીઓ અને પડકારો સંકળાયેલા છે કે, કોઇપણ એક દેશ દ્વારા લેવામાં આવતા નિર્ણયો તેનો સામનો કરવા માટે અપૂરતા છે. તેમણે આના માટે સૌને એકજૂથ થવા માટે કહ્યું હતું. તેમણે પૂછ્યું હતું કે, બદલાતી પરિસ્થિતીમાં શું બહુપક્ષીય સંગઠનો દુનિયાની વ્યવસ્થામાં ઉભા થયેલા પડકારોનો સામનો કરવાની સ્થિતિમાં છે કે નહીં, કારણ કે આ સંગઠનો જ્યારે અસ્તિત્વમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં દુનિયામાં પરિવર્તન આવી રહ્યા છે. તેમણે પોતાની વાતના સમાપનમાં કહ્યું હતું કે, આથી જ, દરેક લોકશાહી રાષ્ટ્રએ બહુપક્ષીય સંસ્થાઓના સુધારાને વેગ આપવો આવશ્યક છે જેથી તેઓ વર્તમાન અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે કામ કરી શકે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1790661) Visitor Counter : 230