ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામી


Posted On: 05 JAN 2022 3:02PM by PIB Ahmedabad

આજે સવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભટિંડા પહોંચ્યા જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા ખાતેના રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે પ્રધાનમંત્રીએ લગભગ 20 મિનિટ સુધી હવામાન સાફ થવાની રાહ જોઈ હતી.

જ્યારે હવામાનમાં સુધારો થયો ન હોવાથી નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોડ દ્વારા રાષ્ટ્રીય શહીદ સ્મારકની મુલાકાત લેશે, જેમાં બે કલાકથી વધુ સમય લાગે તેમ હતું.. ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની ખાતરી અપાયા બાદ તેઓ સડક માર્ગે મુસાફરી કરવા માટે આગળ વધ્યા હતા.

હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિલોમીટર દૂર, જ્યારે પ્રધાનમંત્રી શ્રીનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે કેટલાક દેખાવકારો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પ્રધાનમંત્રી શ્રીની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી.

પ્રધાનમંત્રીના સમયપત્રક અને પ્રવાસ યોજનાની પંજાબ સરકારને અગાઉથી જ જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, તેઓએ લોજિસ્ટિક્સ, સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની હોય છે. આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલ સામે સુરક્ષા વ્યવસ્થા માટે વધારાનો સુરક્ષા બંદોબસ્ત કરવો પડે પરંતુ સ્પષ્ટપણે ત્યાં સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરાઈ નહોતી.

આ સુરક્ષા ક્ષતિ પછી, ભટિંડા એરપોર્ટ પર પાછા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ગૃહ મંત્રાલય (MHA) એ આ ગંભીર સુરક્ષા ક્ષતિની નોંધ લેતા રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ક્ષતિ માટે જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1787657) Visitor Counter : 409