પ્રધાનમંત્રીનું કાર્યાલય

હલ્દવાનીમાં વિવિધ યોજનાઓના પ્રારંભ અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 30 DEC 2021 6:31PM by PIB Ahmedabad

ભારત માતા કી જય! ભારત માતા કી જય!

ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, અહીંના યુવાન અને કર્મઠ લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામેજી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી મદન કૌશિકજી, કેન્દ્રના મંત્રીશ્રી અજય ભટ્ટજી, મારા સાથી રમેશ પોખરિયાલ નિશંકજી, શ્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, તિરથ સિંહ રાવતજી, શ્રી વિજય બહુગુણાજી, ઉત્તરાખંડ સરકારમાં મંત્રી શ્રી સતપાલ મહારાજજી, શ્રી હરક સિંહ રાવતજી, શ્રી સુબોધ ઉનિયાલજી, શ્રી વંશીધર ભગતજી, સંસદમાં અમારા સાથી શ્રીમતી માલા રાજ્યલક્ષ્મીજી, શ્રી અજય ટમટાજી, અન્ય સાંસદ, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

અહીંયા જે ઉપર છે તે સબ સલામત છે ને. તમને સંભળાતું હશે, ત્યાં તમે સૌ આટલા મોટા પ્રમાણમાં આવ્યા છો તો ક્યારેક ડર લાગે છે. તમે સૌ આગળ ના વધશો ભાઈ. ચારે તરફ અને મકાનો પર તમારો આ પ્રેમ અને આશીર્વાદ દેખાઈ રહ્યા છે તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. ગોલજ્યુકી યો પવિત્ર ધર્તી કુમાઉં મેં, આપૂ સબૈ, ભાઈ બૈણિન કો મ્યાર નમસ્કાર, વ સબૈ નાનાતિનાકૈ મ્યોર પ્યાર વ આશીષ! જાગેશ્વર, બાગેશ્વર, સોમેશ્વર, રામેશ્વર આ તીર્થ સ્થળોની આ શિવ ભૂમિને મારા શત શત પ્રણામ. દેશની આઝાદીમાં પણ કુમાઉએ ખૂબ ખૂબ યોગદાન આપ્યું છે. અહીંયા બદ્રીદત્ત પાંડેજી, તેમના નેતૃત્વમાં ઉત્તરાયણી મેળામાં કુલી બેગાર પ્રથાનો અંત આવ્યો હતો.

સાથીઓ,

આજે કુમાઉ આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે સ્વાભાવિક છે કે આપ સૌ લોકો સાથે મારો જે જૂનો સંબંધ છે, જે ગૂઢ સંબંધ છે તેની જૂની યાદો તાજી થાય તે સ્વાભાવિક છે. અને તમે આટલી આત્મિયતા સાથે મને આજે ઉત્તરાખંડની ટોપી પહેરાવી છે તે મારા માટે તેનાથી મોટો ગર્વ શું હોઈ શકે છે. હું તેને નાનું સન્માન માનતો નથી. ઉત્તરાખંડના ગર્વની સાથે મારી ભાવનાઓ જોડાયેલી રહે છે. આજે અહીંયા 17 હજાર કરોડ રૂપિયાથી વધારે રકમના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટસ કુમાઉના તમામ સાથીઓને બહેતર કનેક્ટિવિટી અને બહેતર આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના છે. હું તમને વધુ એક ખુશ ખબર આપવા માંગુ છું. હલ્દવાનીના લોકો માટે હું નવા વર્ષની એક ભેટ લઈને આવ્યો છું. હલ્દવાની શહેરની એકંદર માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે અમે આશરે રૂ.2000 કરોડની યોજનાઓ લઈને આવી રહ્યા છીએ. હવે હલ્દવાનીમાં પાણી, ગટર, સડક, પાર્કિંગ, સ્ટ્રીટ લાઈટ જેવી તમામ બાબતોમાં અભૂતપૂર્વ સુધારો થશે.

સાથીઓ,

આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવવા માટે ઝડપી ગતિથી આવા જ વિકાસ કાર્યો માટે અનેક કામ કરવાની જરૂરિયાત ઉપર અમે ભાર મૂક્યો છે. અને હું જ્યારે કહું છે કે આ ઉત્તરાખંડનો દાયકો છે તો તે એમ જ નથી કહેતો. હું આ બધુ જે કહી રહ્યો છું તેના અનેક કારણો છે. ઉત્તરાખંડના લોકોનું સામર્થ્ય આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે તેનો મને પૂરો વિશ્વાસ છે. દોસ્તો, હું આ માટીની તાકાતને જાણું છું. ઉત્તરાખંડમાં વધી રહેલી આધુનિક માળખાકીય સુવિધાઓ, ચાર ધામ યોજના, નવા બની રહેલા રેલવેથી રેલવેના તમામ રૂટ આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવે છે. ઉત્તરાખંડમાં બની રહેલા નવા હાઈડ્રો પ્રોજેક્ટસ, ઉત્તરાખંડમાં વધી રહેલી ઔદ્યોગિક ક્ષમતા આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે. ઉત્તરાખંડમાં બની રહેલા હાઈડ્રો પ્રોજેક્ટસ, ઉત્તરાખંડની વધી રહેલી ઔદ્યોગિક ક્ષમતા આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે. ઉત્તરાખંડમાં પ્રવાસન ક્ષેત્રનો થઈ રહેલો વિકાસ પૂરી દુનિયામાં યોગ પ્રવૃત્તિ વધારીને લોકોને ઉત્તરાખંડની ધરતી તરફ ખેંચી લાવનારો બની રહેશે. પ્રવાસીઓ માટે વધી રહેલી  સુવિધાઓ, હોમ સ્ટે અભિયાન, આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવીને રહેશે. ઉત્તરાખંડમાં વધી રહેલી પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગ, અહીંના હર્બલ ઉત્પાદન કૃષિ ક્ષેત્રમાં પણ આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે. ઉત્તરાખંડનો દાયકો ગૌરવપૂર્ણ બની રહેવાનો છે. આજની યોજનાઓ આ તમામ બાબતો સાથે જોડાયેલી છે. હું ઉત્તરાખંડના લોકોને હલ્દવાનીની આ ધરતી પરથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

આપણે તો હિમાલયની તાકાત જાણીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે ઉત્તરાખંડમાંથી કેટલી બધી નદીઓ નીકળે છે. આઝાદી પછી અહીંના લોકોએ બે પ્રવાહો જોયા છે. એક પ્રવાહ છે- પહાડોને વિકાસથી વંચિત રાખો અને બીજો પ્રવાહ છે- પહાડોના વિકાસ માટે દિવસ- રાત એક રાત કરો. પ્રથમ પ્રવાહવાળા લોકો તમને હંમેશા વિકાસથી વંચિત રાખવા માંગતા હતા. પહાડો પર સડક, વિજળી અને પાણી પહોંચાડવા માટે જે મહેનત કરવી પડતી હતી તેનાથી તે હંમેશા દૂર ભાગતા હતા. અહીંના સેંકડો ગામોની કેટલી પેઢીઓ સારી સડકોના અભાવે, સારી સુવિધાઓના અભાવે આપણાં આ વ્હાલા ઉત્તરાખંડને છોડીને કોઈ બીજી જગાએ વસી ગઈ છે. આજે મને સંતોષ છે કે ઉત્તરાખંડના લોકો આ લોકોનું સત્ય જાણી ચૂક્યા છે. આજે અમારી સરકાર સબ કા સાથ, સબ કા વિકાસના મંત્ર સાથે ઝડપી ગતિથી દેશને નવી ઉંચાઈ પર લઈ જવામાં જોડાયેલી છે. આજે ઉધમસિંહ નગર જિલ્લામાં એઈમ્સ, ઋષિકેશના સેટેલાઈટ કેન્દ્ર અને પિથૌરાગઢમાં જગજીવનરામ સરકારી મેડિકલ કોલેજની આધારશિલા મૂકવામાં આવી છે. આ બંને હોસ્પિટલોથી કુમાઉ અને તરાઈ વિસ્તારોના લોકોને ખૂબ મોટી મદદ થશે. અલમોડા મેડિકલ કોલેજ શરૂ કરવા અંગે પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. ઉત્તરાખંડમાં કનેક્ટિવિટીનો જે ખૂબ મોટો પડકાર રહ્યો છે તેને પણ દૂર કરવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. આજે આ કાર્યક્રમમાં પણ આશરે 9000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ તો સડક નિર્માણ સાથે જોડાયેલા છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 1200 કિ.મી.ની ગ્રામીણ સડકો બનાવવા માટેનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ સડકો ઉપરાંત 151 પૂલ બનાવવાનું કામ પણ કરવામાં આવશે.

ભાઈઓ અને બહેનો,

તમને સુખ સુવિધાથી વંચિત રાખનારા લોકોના કારણે માનસ ખંડ કે જે માનસરોવરનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે તે સડકોથી વંચિત રહી ગયું છે. અમે માત્ર ટનકપુર પિથૌરાગઢ બારમાસી રોડ અંગે કામ કર્યું છે એટલું જ નહીં, પણ લીપુલેક સુધી પણ સડક બનાવી છે અને તેથી આગળ પણ વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. એક રીતે કહીએ તો જનતા જનાર્દન જ્યારે આ લોકોની સચ્ચાઈ જાણી ચૂકી છે ત્યારે આ લોકોએ એક નવી દુકાન ખોલી નાંખી છે અને આ દુકાન છે- અફવાઓ ફેલાવવાની. અફવાઓ મેન્યુફેક્ચર કરો, પછી અફવાઓને પ્રવાહિત કરો અને તે અફવાને સાચી માનીને દિવસ-રાત બૂમો પાડતા રહો. મને કહેવામાં આવ્યું છે કે અહીં ટનકપુર- બાગેશ્વર રેલવે લાઈન બાબતે પણ ઉત્તરાખંડ વિરોધી લોકો નવો ભ્રમ ફેલાવી રહ્યા છે.

સાથીઓ,

ટનકપુર- બાગેશ્વર રેલવે લાઈનનો આખરી લોકેશન સર્વે આ પ્રોજેક્ટનો ખૂબ મોટો આધાર છે અને એટલા માટે આ થઈ રહ્યું છે કે જેથી રેલવે લાઈનનું કામ જલ્દીથી શરૂ કરી શકાય અને હું આજે અહીં આપ લોકોને વિશ્વાસ આપવા આવ્યો છું કે આજે ઋષિકેશ- કર્ણપ્રયાગ રેલવે રૂટ બની રહ્યો છે તો કાલે ટનકપુર- બાગેશ્વર રૂટ પણ એવી જ રીતે બની જશે. મારા ઉત્તરાખંડના ભાઈઓ અને બહેનો આ શિલાન્યાસ એ માત્ર પથ્થર નથી. તે પથ્થર નથી પણ સંકલ્પ શીલાઓ છે, જે ડબલ એન્જિનની સરકાર સિધ્ધ કરીને જ બતાવશે.

સાથીઓ,

ઉત્તરાખંડની સ્થાપનાને આજે બે દશક એટલે કે 20 વર્ષ  પૂરાં થઈ ચૂક્યા છે. આ વિતેલા વર્ષોમાં તમે એવા પણ સરકાર ચલાવનારા લોકો જોયા છે કે જે કહેતા હતા કે ઉત્તરાખંડને લૂંટી લો, પણ મારી સરકાર બચાવી લો. આ લોકોએ બંને હાથથી ઉત્તરાખંડની સરકારને લૂંટી હતી. જેમને ઉત્તરાખંડ માટે પ્રેમ હતો તે લોકો આવું વિચારી પણ શકે નહીં. જે લોકોને કુમાઉથી પ્રેમ હોય તે લોકો કુમાઉ છોડીને જાય નહીં. આ તો દેવભૂમિ છે, અહીંના લોકોની સેવા કરવી, ઉત્તરાખંડની સેવા કરવી તે દેવી-દેવતાઓની સેવા કરવા સમાન છે. અને આવી ભાવના સાથે જ અમારી સરકાર કામ કરી રહી છે. હું પોતે પણ આ કામ માટે તન-મનથી લાગી ગયો છું. અગાઉની અસુવિધા અને અભાવને હવે સદ્દભાવમાં બદલવામાં આવી રહી છે. તેમણે તમને મૂળ સુવિધાઓનો અભાવ આપ્યો. અમે દરેક વર્ગને, દરેક વિસ્તાર સુધી 100 ટકા પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છીએ. 

ભાઈઓ અને બહેનો,

લોકોને અભાવમાં રાખવાની રાજનીતિથી સૌથી વધુ નુકસાન જો કોઈએ ભોગવવું પડ્યું હોય તો તે આપણી માતાઓ, આપણી બહેનો અને આપણી દિકરીઓએ ભોગવ્યું છે. રસોઈમાં ધૂમાડો માતાઓ અને બહેનોની સમસ્યા હતી. શૌચાલય નહી હોવાથી તેની સૌથી વધુ તકલીફ આપણી બહેન- દિકરીઓને પડતી હતી. કાચી છતમાંથી પાણી ટપકે ત્યારે તેની સૌથી વધુ પરેશાની માતાને થતી હતી. બાળકો બિમાર હોય અને ઈલાજ માટે પૈસા ના હોય, સગવડ ના હોય ત્યારે માતાનું દિલ દુભાતુ હતું. સૌથી વધુ પરિશ્રમ પાણી માટે કરવો પડતો હતો અને એમાં આપણી માતાઓ અને બહેનોનો ઘણો સમય જતો હતો. આપણી માતાઓ અને બહેનોને વિતેલા સાત વર્ષમાં માતૃ શક્તિની આ સમસ્યાઓને અમે મૂળમાંથી જ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. જલ-જીવન મિશન, દરેક ઘરને પાણી, દરેક ઘરે નળથી જળ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બે વર્ષમાં આ મિશન હેઠળ દેશના પાંચ કરોડથી વધુ પરિવારોને પાણી આપવામાં આવી ચૂક્યું છે. આજે પણ જે 70થી વધુ યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે તેનાથી 13 જિલ્લાની બહેનોનું જીવન આસાન થવાનું છે અને એટલું જ નહીં, હલ્દવાની અને જગજીતપુરની આસપાસના વિસ્તારોને પણ પૂરતું પીવાનું પાણી મળે તેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત થવાની છે.

સાથીઓ,

જ્યારે આપણે કોઈ ઐતિહાસિક સ્થળના પ્રવાસે જઈ છીએ તો કહેવામાં આવે છે આ સ્થળનું નિર્માણ આટલા વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. આ ઈમારત આટલી જૂની છે, પરંતુ દાયકાઓ સુધી દેશની હાલત એવી થઈ રહી છે કે મોટી યોજનાઓની વાત કરતાં જ આપણે ત્યાં કહેવામાં આવે છે કે આ યોજના આટલા વર્ષથી અટકી પડી છે. આ પ્રોજેક્ટ આટલા વર્ષથી અધૂરો છે. અગાઉ જે લોકો સરકારમાં રહ્યા છે તેમનો આ કાયમી ટ્રેડમાર્ક થઈ ગયો છે. આજે અહીં ઉત્તરાખંડમાં જે લખવાડ પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે તેનો પણ આવો જ ઈતિહાસ છે. તમે વિચારો કે સાથીઓ, ઉત્તરાખંડમાં આજે અહીંયા જે લોકો બેઠા છે તે લોકો ચાર દાયકાથી એવી વાત સાંભળતા આવ્યા છે કે તમે કદાચ જાણીને પણ ભૂલી જશો કે બાબત શું છે. આ યોજના અંગે પ્રથમ વખત 1976માં વિચારણા કરવામાં આવી હતી તેને આજે આશરે 50 વર્ષ થઈ ગયા છે. આ યોજનાને 46 વર્ષ પછી અમારી સરકારે તેના કામનો શિલાન્યાસ કર્યો છે. હું જરા ઉત્તરાખંડના ભાઈઓ અને બહેનોને પૂછવા માંગુ છું કે જે કામ અંગે 1974માં વિચારવામાં આવ્યું હતું તેને 46 વર્ષ વિતી ગયા તે ગુનો છે કે નહીં? એવું નહીં લાગવું જોઈએ કે આ ગુનેગારોનો ગુનો છે. આ ગુનો છે કે નહીં? અને આવો ગુનો કરનારને સજા મળવી જોઈએ કે નહીં મળવી જોઈએ? આ પ્રકારનો વિલંબ કરવાથી તમને નુકસાન થયું છે, નથી થયું? ઉત્તરાખંડને નુકસાન થયું છે કે નથી થયું? બે- બે પેઢીઓને નુકસાન થયું છે કે નહીં? શુ તમે આવું પાપ કરનાર લોકોને ભૂલી જશો? આવો ગુનો કરનાર લોકોને ભૂલી જશો? શું તમે આવા લોકોની મોટી મોટી વાતોના ભ્રમમાં આવી જશો? કોઈ દેશ એવું વિચારી શકે નહીં કે કોઈ યોજના પાંચ દાયકા સુધી ફાઈલોમાં અહીંથી તહીં સુધી લટકતી રહે. દરેક ચૂંટણીમાં વાયદા કરવામાં આવે છે.

ભાઈઓ અને બહેનો મારો સાત વર્ષનો રેકોર્ડ શોધી લેજો. સાત તમને શોધી શોધીને પણ આવો રેકર્ડ નહીં મળે. આવી જૂની બાબતોને ઠીક કરવામાં જ મારો સમય વિતી રહ્યો છે. હું જ્યારે આવી બાબતો ઠીક કરી રહ્યો છે ત્યારે તમે એ લોકોને ઠીક કરી દેજો. જે લોકો અગાઉ સરકારમાં હતા તેમને તમારી ચિંતા હોત તો શું આ યોજના ચાર દાયકા સુધી લટકતી રહી હોત? શું આ લોકોને તમારી તરફ પ્રેમ હોત તો આ કામની દુર્દશા આવી થઈ હોત? સચ્ચાઈ એ છે કે જે લોકો અગાઉ સરકારમાં હતા તેમણે ઉત્તરાખંડના સામર્થ્યની ક્યારેય પરવાહ કરી ન હતી. એનું પરિણામ એ આવ્યું કે ના તો આપણને પૂરતી વિજળી મળી કે ના તો ખેડૂતોને સિંચાઈ મળી અને દેશની મોટાભાગની ગ્રામીણ વસતિને પાઈપથી શુધ્ધ પાણીના અભાવમાં જિંદગી પસાર કરવી પડી.

સાથીઓ,

વિતેલા સાત વર્ષમાં ભારત પોતાના પર્યાવરણનું રક્ષણ પણ કરી  રહયું છે અને પોતાના પ્રાકૃતિક સામર્થ્યનો સાચો ઉપયોગ કરવામાં પણ જોડાયેલું રહ્યું છે. આજે જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે તે ઉત્તરાખંડની ઓળખ પાવર સરપ્લસ સ્ટેટ તરીકે તો સશક્ત બનાવશે જ, પણ સાથે સાથે અહીંના ખેડૂતોને સિંચાઈની પૂરતી સુવિધાઓ પણ આપશે. આ વિજળી આપણાં ઉદ્યોગોને મળશે. આ વિજળી આપણી શાળાઓ અને કોલેજોને મળશે. આ વિજળી આપણી હોસ્પિટલોને મળશે. આ વિજળી આપણાં દરેક પરિવારને મળશે.

સાથીઓ,

ઉત્તરાખંડમાં ગંગા- યમુનાનું સ્વાસ્થ્ય, અહીંના લોકોની સાથે સાથે દેશની ખૂબ મોટી વસતિના આરોગ્ય અને સમૃધ્ધિ ઉપર પ્રભાવ પાડે છે. એટલા માટે ગંગોત્રીથી માંડીને ગંગાસાગર સુધી અમે એક મિશનમાં જોડાયેલા છીએ. શૌચાલયના નિર્માણથી માંડીને બહેતર ગટર વ્યવસ્થા અને પાણીના શુધ્ધિકરણની આધુનિક સુવિધાઓ ઉભી કરીને ગંગાજીમાં પડતા ગંદા નાળાની સંખ્યા ઝડપથી ઓછી કરવામાં આવી રહી છે. આજે પણ ત્યાં નમામિ ગંગા યોજના હેઠળ ઉધમસિંહનગર, રામનગર, નૈનિતાલ, સ્યુએઝ લાઈન અને સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. નૈનિતાલના જે ખૂબસુરત સરોવર તરફ અગાઉ કોઈએ ધ્યાન આપ્યું ન હતું તેના સંરક્ષણ માટે પણ  હવે કામ કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

દુનિયાની કોઈપણ જગા હોય, ત્યાં પ્રવાસન પ્રવૃત્તિ, પ્રવાસીઓ માટેની સગવડો ના હોય તો વિકસી શકતી નથી. એ લોકોએ આ દિશમાં વિચાર જ કર્યો ન હતો. આજે  ઉત્તરાખંડમાં જે નવી સડકો બની રહી છે, જે સડકો પહોળી કરવામાં આવી રહી છે, નવા રેલવે રૂટ બની રહ્યા છે તે પોતાની સાથે પ્રવાસીઓને પણ લઈને આવશે. આજે ઉત્તરાખંડના મુખ્ય સ્થળોએ રોપવે બની રહયા છે તે પણ પોતાની સાથે નવા પ્રવાસીઓને લઈને આવશે. આજે ઉત્તરાખંડમાં જે મોબાઈલ કનેક્ટિવિટી વધી રહી છે, અનેક સ્થળે નવા ટાવર બનાવવામાં આવી રહ્યા છે તે પણ પોતાની સાથે પ્રવાસીઓને લઈને આવશે. આજે ઉત્તરાખંડમાં જે તબીબી સુવિધાઓ વિકસિત થઈ રહી છે તે અહીં આવનારા પ્રવાસીઓના ભરોસામાં વધારો કરશે અને આ બધાનો સૌથી વધુ  લાભ કોને થવાનો છે? તેનો સૌથી મોટો લાભ ઉત્તરાખંડના યુવાનોને થવાનો છે. આપણાં પહાડોના નવયુવાનોને થવાનો છે. ઉત્તરાખંડના લોકો એ બાબતના સાક્ષી છે કે કેદારનાથજીના દર્શન કરવાની સુવિધા વધી તેનાથી અહીંયા આવનારા અને જનારા શ્રધ્ધાળુઓની સંખ્યા પણ વધી રહી છે અને તેણે તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. આવી જ રીતે આજે દેશ જોઈ રહ્યો છે કે કાશી વિશ્વનાથ ધામ  બન્યું તે પછી અહીં પણ શ્રધ્ધાળુઓની સંખ્યા દિવસ દિવસે વધી રહી છે. અહીં કુમાઉમાં પણ જાગેશ્વર ધામ, બાગેશ્વર જેવા પવિત્ર સ્થળો છે. આ વિસ્તારોનો વિકાસ આ ક્ષેત્રમાં વિકાસની નવી સંભાવનાઓ ઉભી કરશે. કેન્દ્ર સરકારે નૈનિતાલના દેવ સ્થળો પર ભારતની સૌથી મોટું ઓપ્ટિકલ ટેલિસ્કોપ પણ સ્થાપિત કર્યું છે. તેનાથી દેશ-વિદેશના વૈજ્ઞાનિકો માટે નવી સુવિધા મળી રહી છે, સાથે સાથે આ વિસ્તારને નવી ઓળખ પણ પ્રાપ્ત થઈ છે.

સાથીઓ,

આજે વિકાસની આ યોજનાઓમાં ડબલ એન્જિનની સરકાર જે ખર્ચ કરી રહી છે તેટલો ખર્ચ અગાઉ ક્યારેય કરવામાં આવ્યો નથી. જ્યારે આ સડકો બને છે, નવી ઈમારતો બને છે, પીએમ આવાસ યોજના હેઠળ ઘર બને છે, નવા રેલવે રૂટ બને છે ત્યારે તેનાથી આપણાં ઉત્તરાખંડના સ્થાનિક ઉદ્યોગો માટે, આપણાં ઉત્તરાખંડના સ્થાનિક ઉદ્યોગકારો માટે નવી સંભાવનાઓ ઉભી થાય છે. ઉત્તરાખંડનો જ કોઈ વેપારી તેમાં સિમેન્ટ સપ્લાય કરે છે, ઉત્તરાખંડનો કોઈ વેપારી તેમાં લોખંડ વગેરેનો પુરવઠો આપતો હોય છે. ઉત્તરાખંડનો કોઈ એન્જિનિયર જ તેની ડિઝાઈન સાથે જોડાયેલા કામોને આગળ ધપાવતો હોય છે. વિકાસની આ યોજનાઓ રોજગારી માટેની અનેક તકો ઉભી કરી રહી છે. ઉત્તરાખંડના જે યુવાનો પોતાના જોર ઉપર પોતાનો રોજગાર ઉભો કરવા માંગે છે તેમની સાથે પણ આ ડબલ એન્જિનની સરકાર પૂરી તાકાત સાથે ઉભેલી છે. મુદ્રા યોજના હેઠળ નવયુવાનોને બેંક ગેરંટી વગર સસ્તા ધિરાણો આપવામાં આવી રહ્યા છે. જે યુવાનો ખેતી સાથે જોડાયેલા હોય તેમને કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી સહાય આપવામાં આવી રહી છે. અહીંયા નાની દુકાનો ચલાવનારા ભાઈઓ અને બહેનોને સ્વનિધિય યોજનાના માધ્યમથી મદદ આપવામાં આવી રહી છે. ઉત્તરાખંડના ગરીબો માટે, મધ્યમ વર્ગના યુવાનો માટે અમારી સરકારે બેંકોના દરવાજા ખોલી દીધા છે. તે પોતાના સપનાં પૂરા કરી શકે અને તેમના માર્ગમાં કોઈ અવરોધ નડે નહીં તે માટે અમે તનમનથી લાગી ગયા છીએ, દિવસ- રાત કામ કરી રહ્યા છીએ. અહીં  ઉત્તરાખંડમાં આયુષ અને સુગંધિત ઉત્પાદનો સાથે જોડાયેલા ઉદ્યોગો માટે પણ અનેક સંભાવનાઓ છે. દેશ અને દુનિયામાં તેના માટે ખૂબ મોટું બજાર છે. કાશીપુરાનું અરોમા પાર્ક ઉત્તરાખંડની આ તાકાતને બળ પૂરૂં પાડશે. ખેડૂતોને પણ બળ પૂરૂં પાડશે. સેંકડો યુવાનોને રોજગારીની તક પૂરી પાડશે. આવી જ રીતે પ્લાસ્ટિક ઔદ્યોગિક પાર્ક પણ રોજગારીની અનેક તકોનું સર્જન કરશે.

ભાઈઓ અને બહેનો,

આજે દિલ્હી અને દહેરાદૂનમાં સત્તાભાવથી નહીં, પણ સેવાભાવથી ચાલતી સરકારો છે. અગાઉની સરકારોએ પણ સરહદી રાજ્ય હોવા છતાં આ વિસ્તાર તરફ બેદરકારી દાખવી છે. રાષ્ટ્રના રક્ષણ માટે પોતાના સંતાનોને સમર્પિત કરનારી કુમાઉની વીર માતાઓ આ બધું ભૂલી શકતી નથી. કનેક્ટિવિટીની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષાના દરેક પાસાં તરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આપણી સેના અને આપણાં સૈનિકોને માત્રને માત્ર પ્રતિક્ષા કરવી પડી રહી હતી. વન રેન્ક, વન પેન્શન માટે પ્રતિક્ષા, આધુનિક શસ્ત્રો માટે પ્રતિક્ષા, બુલેટપ્રુફ જેકેટ જેવા જરૂરી સુરક્ષા કવચ માટે પણ પ્રતિક્ષા કરવી પડે. આતંકીઓને આકરો જવાબ આપવા માટે પણ રાહ જોવી પડે. પરંતુ આ લોકો સેના અને આપણાં વીર સૈનિકોનું અપમાન કરવામાં હંમેશા આગળ રહ્યા હતા, તત્પર રહ્યાં હતાં. સેનાને કુમાઉ રેજિમેન્ટ આપનારા ઉત્તરાખંડના વીર લોકો આ વાતને ક્યારેય પણ ભૂલી શકે તેમ નથી.

ઉત્તરાખંડ ઝડપી વિકાસની ગતિને વધુ તેજ કરવા માંગે છે. તમારા સપનાં એ અમારા સંકલ્પ છે. તમારી ઈચ્છા એ અમારી પ્રેરણા છે અને તમારી તમામ આવશ્યકતા પૂરી કરવી તે અમારી જવાબદારી છે. ડબલ એન્જિનની સરકાર પર તમારા આવા જ આશીર્વાદ આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે. એકવાર ફરીથી વિકાસ યોજનાઓ માટે, આપ સૌને, સમગ્ર ઉત્તરાખંડને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હૃદયપૂર્વક તમને અભિનંદન પાઠવું છું.

પોરું બટી સાલ 2022 ઉનેર છૂ, આપ સબ ઉત્તરાખંડીન કે, નઈ સાલૈકી બધૈ, તથા દગાડ મેં ઉણી ઘુઘુતિ ત્યારેકિ લૈ બધૈ!!

ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!

ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1786451) Visitor Counter : 282