પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગોવામાં યોજાયેલી ગોવા મુક્તિ દિવસની ઉજવણીમાં ભાગ લીધો
પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા સેનાનીઓ અને ‘ઓપરેશન વિજય’ના સેવા નિવૃત્ત સૈનિકોનું સન્માન કર્યું
“ગોવાના લોકોએ મુક્તિ અને સ્વરાજની ચળવળને ઢીલી પડવા દીધી નહોતી. તેમણે ભારતના ઇતિહાસમાં સ્વતંત્રતાની જ્યોત ઘણા લાંબા સમય સુધી પ્રજ્વલ્લિત રાખી”
“ભારત એવી ભાવના છે જ્યાં રાષ્ટ્રને ‘સ્વ’ કરતાં ઉપર માનવામાં આવે છે અને તે સર્વોપરી છે. જ્યાં ‘સૌથી પહેલા રાષ્ટ્ર’નો એકમાત્ર મંત્ર છે. જ્યાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો એકમાત્ર સંકલ્પ છે”
“જો સરદાર પટેલ થોડા વધુ વર્ષ જીવ્યા હોત તો ગોવાએ પોતાની મુક્તિ માટે બહુ લાંબી પ્રતિક્ષા ના કરવી પડી હોત”
“રાજ્યની નવી ઓળખ એ છે કે, સુશાસનના તમામ કાર્યોમાં સૌથી અગ્રેસર રહે છે. બીજી બધી જગ્યાએ જ્યારે કામની શરૂઆત થાય અથવા કામ આગળ વધે ત્યારે ગોવા તેને પૂરું કરી નાંખે છે”
પ્રધાનમંત્રીએ પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત અને ભારતની વિવિધતા તેમજ વાઇબ્રન્ટ લોકશાહીના કારણે ભારત પ્રત્યેની તેમની લાગણીના સ્મરણો તાજા કર્યા
“મનોહર પારિકરમાં રાષ્ટ્રએ પ્રામાણિકતા, કૌશલ્ય અને ખંતના ગોવાવાસીઓના લક્ષણો જોયા છે”
Posted On:
19 DEC 2021 5:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં યોજવામાં આવેલા ગોવા મુક્તિ દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ સ્વતંત્રતાના સેનાનીઓ અને ‘ઓપરેશન વિજય’ના સેવા નિવૃત્તિ સૈનિકોનું સન્માન કર્યું હતું. તેમણે કાયાકલ્પ કરવામાં આવેલા ફોર્ટ અગુઆડા જેલ સંગ્રહાલય અને ગોવા મેડિકલ કોલેજ ખાતે સુપર સ્પેશિયાલિટી બ્લૉક, ગોવા જિલ્લા હોસ્પિટલમાં નવો સાઉથ બ્લૉક, મોપા હવાઇમથક ખાતે ઉડ્ડયન કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને મરગાવના ડેબોલિમ-નવેલિમ ખાતે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન સહિત વિકાસની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગોવા ખાતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટ્રસ્ટની ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’નો શિલાન્યાસ પણ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ગોવાની ભૂમિ, ગોવાની હવા, ગોવાનો દરિયો પ્રકૃતિએ આપેલી અદભૂત ભેટથી આશીર્વાદ પ્રાપ્ત છે. અને આજે આપ સૌનો આ ઉત્સાહ, ગોવાની મુક્તિના ગૌરવમાં વધારો કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આઝાદ મેદાન ખાતે આવેલા શહીદ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું તેમને સૌભાગ્ય મળ્યું છે. શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કર્યા પછી તેમણે મીરામારમાં સેલ પરેડ અને ફ્લાય પાસ્ટ પણ નિહાળ્યા હતા. તેમણે દેશ વતી ‘ઓપરેશન વિજય’ના નાયકો અને નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવા બદલ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ આટલી બધી તકો પૂરી પાડવા માટે વાઇબ્રન્ટ ગોવાની ભાવનાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ગોવામાં આજે આટલા બધા અદભૂત અનુભવો એકસાથે લઇને આવ્યું છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જ્યારે ભારતનો બાકીનો હિસ્સો મુઘલોના શાસન હેઠળ હતો, લગભગ તે સમયમાં જ ગોવા પોર્ટુગિઝોના શાસન હેઠળ આવ્યું હતું. ભારતે ત્યારપછી સમયમાં સંખ્યાબંધ ચડાવઉતાર જોયા છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સદીઓનો સમય વીતી ગયો અને સત્તામાં ઉથલપાથલ થઇ ગઇ તે પછી પણ, નથી ગોવા ક્યારેય પોતાની ભારતીયતા ભૂલ્યું, કે નથી ભારતનો બાકીનો હિસ્સો ક્યારેય ગોવાને ભૂલ્યો. આ એવો સંબંધ છે જેમાં, જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ માત્ર મજબૂતી આવી છે. ગોવાના લોકોએ પણ મુક્તિ અને સ્વરાજની ચળવળોને ક્યારેય ઢીલી પડવા દીધી નહોતી. તેમણે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી આઝાદીની જ્યોતને પ્રજ્વલ્લિત રાખી છે. આનું કારણ એ છે કે, ભારત માત્ર એક રાજકીય તાકાત નથી. ભારત સમગ્ર માનવજાતના હિતોનું રક્ષણ કરવા માટેનો એક વિચાર અને પરિવાર છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારત એક એવી ભાવના છે જ્યાં રાષ્ટ્ર 'સ્વ'થી ઉપર છે અને સર્વોપરી છે. જ્યાં ‘સૌથી પહેલા રાષ્ટ્ર’નો એકમાત્ર મંત્ર છે. જ્યાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો એકમાત્ર સંકલ્પ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતના લોકોના દિલમાં એક હલચલ મચેલી હતી કે, દેશો જ એક હિસ્સો હજુ પણ આઝાદ થઇ શક્યો નહોતો અને અમુક દેશવાસીઓને આઝાદી પ્રાપ્ત થઇ નહોતી. તેમણે ટિપ્પણી કરી હતી કે, જો સરદાર પટેલ વધુ થોડા વર્ષ માટે જીવ્યા હોત તો, ગોવાને પોતાની મુક્તિ માટે આટલી બદલી પ્રતિક્ષા કરવાની જરૂર પડી ના હોત. પ્રધાનમંત્રીએ આઝાદી માટેના સંઘર્ષના નાયકોને વંદન કર્યા હતા. ગોવા મુક્તિ વિમોચન સમિતિના સત્યાગ્રહમાં 31 સત્યાગ્રહીઓને જીવ ગુમાવવો પડ્યો હતો. તેમણે દરેકને આ બલિદાન વિશે અને પંજાબના વીર કરનૈલ સિંહ બેનિપાલ જેવા નાયકો વિશે વિચારવા માટે અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ગોવાની સ્વતંત્રતાના સંગ્રામનો ઇતિહાસ માત્ર ભારતના મક્કમ સંકલ્પનું માત્ર પ્રતીક નથી પરંતુ ભારતની એકતા અને અખંડિતતાનો જીવંત દસ્તાવેજ છે”.
તેમણે એ વાત યાદ કરી હતી કે, થોડા સમય પહેલાં જ્યારે તેઓ ઇટાલી ગયા અને વેટિકન સિટીની મુલાકાત લીધી ત્યારે તેમને પોપ ફ્રાન્સિસને મળવાની પણ તક પ્રાપ્ત થઇ હતી. ભારત પ્રત્યે પોપ ફ્રાન્સિસનો અભિગમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રીએ પોપને ભારત આવવા માટે તેમણે આપેલા આમંત્રણ વિશે પણ વાત કરી હતી. શ્રી મોદીએ પોપને આમંત્રણ આપ્યું ત્યારે તેમણે આપેલી પ્રતિક્રિયા પણ યાદ કરતા કહ્યું હતું કે, પોપનો જવાબ હતો કે, “તમે મને આપેલી આ ખૂબ જ શ્રેષ્ઠ ભેટ છે.” પ્રધાનમંત્રીએ પોપની આ પ્રતિક્રિયાને ભારતની વિવિધતા, આપણી વાઇબ્રન્ટ લોકશાહી પ્રત્યે પોપના પ્રેમ તરીકે ગણાવી હતી. પ્રધાનમંત્રીએ સેન્ટ ક્વિન કેટેવેનના પવિત્ર અવશેષો જ્યોર્જિયાની સરકારને સોંપવામાં આવ્યા તે વિશે વાત પણ કરી હતી.
સુશાસન પ્રત્યે ગોવાની પ્રગતિની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગોવાનું કુદરતી સૌંદર્ય તો હંમેશા તેનો હોલમાર્ક રહ્યું છે પરંતુ હવે અહીંની સરકાર ગોવાની અન્ય એક ઓળખ પ્રસ્થાપિત કરીને તેને વધુ મજબૂત બનાવી રહી છે. આ નવી ઓળખ એ છે કે, આ રાજ્ય સુશાસનને લગતા તમામ કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે. બાકીના સ્થળોએ જ્યારે, કોઇપણ કાર્યોની શરૂઆત થાય અથવા કામમાં પ્રગતિ આવે ત્યાં સુધીમાં તો ગોવાએ તે કામ કરી પણ નાંખ્યું હોય છે. પ્રધાનમંત્રીએ ગોવા રાજ્યને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવા, રસીકરણ, ‘હર ઘર જલ’, જન્મ અને મૃત્યુની નોંધણી તેમજ ઇઝ ઓફ લિવિંગ એટલે કે લોકોનું જીવન સરળ બનાવવા માટે રાજ્ય સરકારના પ્રયાસોથી થયેલી પ્રગતિના ઉદાહરણો ટાંક્યા હતા. તેમણે સ્વયંપૂર્ણ ગોવા અભિયાનની કામગીરીને બિરદાવી હતી. તેમણે મુખ્યમંત્રી અને તેમની ટીમે રાજ્યમાં સુશાસન મામલે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ બદલ તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા વિવિધ પગલાંઓ વિશે પણ વાત કરી હતી. તેમણે તાજેતરમાં ગોવામાં સફળતાપૂર્વક સંપન્ન થયેલા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના આયોજન બદલ રાજ્યની કામગીરીની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ દિવંગત શ્રી મનોહર પારિકરને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું જ્યારે ગોવાની આ સિદ્ધિઓ જોઉ છુ, ત્યારે આ નવી ઓળખ વધારે મજબૂત બને છે, મને મારા મિત્ર મનોહર પારિકરજી પણ યાદ છે. તેઓ ગોવાને માત્ર વિકાસના નવા શિખરો પર નહોતા લઇ ગયા પરંતુ તેમણે ગોવાની સંભાવનાઓમાં પણ વિસ્તરણ કર્યું હતું. કોઇ વ્યક્તિ કેવી રીતે પોતાના અંતકાળ સુધી પોતાના રાજ્ય અને પોતાના લોકો પ્રત્યે આટલી સમર્પિત રહી શકે? અમે તેમના જીવનમાં આ વાત જોઇ હતી.” તેમણે પોતાની વાતના સમાપનમાં કહ્યું હતું કે, મનોહર પારિકરમાં રાષ્ટ્રએ પ્રામાણિકતા, કૌશલ્ય અને ખંતના ગોવાવાસીઓના લક્ષણો જોયા છે.
(Release ID: 1783275)
Visitor Counter : 306
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam