પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો


ગંગા એક્સપ્રેસ-વે મેરઠ, હાપુર, બુંદલશહર, અમરોહા, સંભલ, બુદૌન, શાહજહાંપુર, હરદોઇ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજમાંથી પસાર થશે

આવતીકાલે પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાક ઉલ્લાહ ખાન, ઠાકુર રોશનસિંહનો શહીદ દિવસ હોવાથી તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી

“ગંગા એક્સપ્રેસ-વે ઉત્તરપ્રદેશની પ્રગતિના નવા દ્વાર ખોલશે”

“જ્યારે આખું ઉત્તરપ્રદેશ સાથે મળીને વિકાસ પામે છે ત્યારે, દેશ પ્રગતિ કરે છે. આથી, ડબલ એન્જિનની સરકારનું ધ્યાન ઉત્તરપ્રદેશના વિકાસ પર કેન્દ્રિત છે”

“સરકારની પ્રાથમિકતા સમાજમાં જેઓ પણ પાછળ રહી ગયા છે અને પછાત છે તેમના સુધી વિકાસના લાભો પહોંચાડવાની છે. આવી જ લાગણી અમારી કૃષિ નીતિ અને ખેડૂતો સંબંધિત નીતિમાં પ્રતિબિંબિત થાય છે”

“ઉત્તરપ્રદેશના લોકો કહી રહ્યા છે - UP વત્તા યોગી, બહુતૈઉપયોગી - U.P.Y.O.G.I.”

Posted On: 18 DEC 2021 2:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી બી.એલ. વર્મા તેમજ અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોને સંબોધન કરતા પહેલાં પ્રધાનમંત્રીએ કારોરી ઘટનાના ક્રાંતિકારીઓ રામ પ્રસાદ બિસ્મિલ, અશ્ફાક ઉલ્લાહ ખાન અને રોશનસિંહને શ્રદ્ધાંજલી આપીને પોતાની વાત શરૂ કરી હતી. સ્થાનિક બોલીમાં પ્રધાનમંત્રીએ સ્વતંત્રતાના સંગ્રામના કવિઓ, દામોદર સ્વરૂપ ‘વિદ્રોહી’, રાજ બહાદુર વિકલ અને અગ્નિવેશ શુક્લાને શ્રદ્ધાંજલી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આવતીકાલે શાહજહાંપુરના ત્રણ સપૂતનો શહીદ દિવસ છે જેમણે બ્રિટિશ રાજને પડકાર્યું હતું અને તેમને 19 ડિસેમ્બરના રોજ ફાંસીએ લટકાવી લેવામાં આવ્યા હતા. ભારતની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા આવા નાયકોના આપણે ખૂબ જ ઋણી છીએ.”

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, માં ગંગા તમામ પ્રકારની પવિત્રતા અને તમામ પ્રકારે પ્રગતિનો સ્રોત છે. માં ગંગા આપણને ખુશીઓ આપે છે અને આપણને પીડાથી મુક્ત કરે છે. એવી જ રીતે, ગંગા એક્સપ્રેસ-વે પણ ઉત્તરપ્રદેશ માટે પ્રગતિના નવા દ્વાર ખોલી નાખશે. પ્રધાનમંત્રીએ એક્સપ્રેસ-વે, નવા હવાઇમથકો, અને રેલવે માર્ગોના નેટવર્કનો સંદર્ભ ટાંકીને જણાવ્યું હતું કે, તે રાજ્ય માટે પાંચ પ્રકારે વરદાનરૂપ સાબિત થશે. સૌથી પહેલું, લોકોનો સમય બચી જશે. બીજું વરદાન – સુવિધા અને સગવડમાં વધારો થશે અને લોકોનું જીવન સરળ બનશે. ત્રીજું વરદાન – ઉત્તરપ્રદેશના સંસાધનોનો યોગ્ય ઉપયોગ થશે. ચોથું વરદાન – ઉત્તરપ્રદેશની ક્ષમતાઓમાં વૃદ્ધિ થશે. પાંચમું વરદાન – ઉત્તરપ્રદેશમાં સર્વાંગી સમૃદ્ધિ આવશે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આજે ઉત્તરપ્રદેશમાં આધુનિક માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે સંસાધનોનો કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે તે બતાવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “તમે સ્પષ્ટ રીતે જોયું છે કે, લોકોના પૈસાનો અગાઉના સમયમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આજે ઉત્તરપ્રદેશ દ્વારા રાજ્યના વિકાસના કાર્યો માટે રોકાણ કરવામાં આવી રહ્યું છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે આખુ ઉત્તરપ્રદેશ સાથે મળીને વૃદ્ધિ પામે છે ત્યારે દેશની પ્રગતિ થાય છે. આથી ડબલ એન્જિનની સરકાર ઉત્તરપ્રદેશના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે, અમે ઉત્તરપ્રદેશના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરી રહ્યા છીએ.” પ્રધાનમંત્રીએ પાંચ વર્ષ પહેલાંની સ્થિતિ પર સૌનું ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્યના કેટલાક વિસ્તારોને બાદ કરતાં અન્ય શહેરો અને ગામડાઓમાં વીજળી ઉપલબ્ધ નહોતી. ડબલ એન્જિનની સરકારે માત્ર ઉત્તરપ્રદેશમાં મફત વીજળીના લગભગ 80 લાખ જોડાણો જ આપ્યા નથી, પરંતુ દરેક જિલ્લામાં પહેલા કરતાં અનેકગણી વધુ વીજળી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, 30 લાખ કરતાં વધારે ગરીબ લોકોને પાકા મકાનો મળ્યા છે અને જ્યાં સુધી બાકી રહેલા તમામ લાભાર્થીઓને આવરી લેવામાં ના આવે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રાખવામાં આવશે. શાહજહાંપુરમાં 50 હજાર પાકા મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, પ્રથમ વખત દલિતો, વંચિતો અને પછાતોના વિકાસ માટે તેમના સ્તરે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સરકારની પ્રાથમિકતા સમાજમાં પાછળ રહી ગયેલા અને પછાત લોકો સુધી વિકાસના લાભો પહોંચાડવાની છે. આવી જ ભાવના અમારી કૃષિ નીતિમાં તેમજ ખેડૂતો સંબંધિત નીતિમાં પ્રતિબિંબિત થાય છે.”

પ્રધાનમંત્રીએ દેશના વારસા અને વિકાસના કાર્યોમાં ઉદાસિનતા દાખવવાની માનસિકતાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવા સંગઠનો ગરીબો અને સામાન્ય લોકોને પોતાના પર નિર્ભર રાખવા માંગતા હોય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આવા લોકોને કાશીમાં બાબા વિશ્વનાથના ભવ્ય ધામના નિર્માણ સામે પણ વાંધો છે. આ લોકોને અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ અંગે પણ સમસ્યા છે. આ લોકોને ગંગાજીના સ્વચ્છતા અભિયાન સામે પણ સમસ્યા છે. આ લોકો જ આતંકવાદીઓ સામે સૈન્ય દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર સવાલો કરે છે. આ એ લોકો છે જેમણે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલી મેડ ઇન ઇન્ડિયા કોરોના રસીને પ્રશ્નોના કઠેડામાં લાવીને મૂકી છે.” તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાપની કથળી ગયેલી સ્થિતિને યાદ કરી હતી, જેમાં તાજેતરના સમયમાં બહેતર સુધારો આવ્યો છે. પ્રધાનમંત્રીએ U.P.Y.O.G.I નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, UP વત્તા યોગી બહુતૈઉપયોગી (ખૂબ જ ઉપયોગી છે).  

સમગ્ર દેશમાં ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવાની પ્રધાનમંત્રીની દૂરંદેશી આ એક્સપ્રેસ-વે પરિયોજના પાછળની મૂળ પ્રેરણા છે. આ પરિયોજના અંતર્ગત રૂપિયા 36,200 કરોડથી વધુના ખર્ચે 594 કિલોમીટર લાંબો છ લેનનો એક્સપ્રેસ વે બાંધવામાં આવશે. મેરઠના બિજૌલી ગામની નજીકથી શરૂ થતો આ એક્સપ્રેસ-વે પ્રયાગરાજના જુડાપુર દાંડુ ગામ સુધી લંબાશે. આ એક્સપ્રેસ-વે મેરઠ, હાપુર, બુલંદશહર, અમરોહા, સંભલ, બુદૌન, શાહજહાંપુર, હરદોઇ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજમાંથી પસાર થાય છે. આનું કામ પૂર્ણ થયા પછી, તે ઉત્તરપ્રદેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે બનશે, જે રાજ્યના પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારોને જોડશે. શાહજહાંપુરમાં એક્સપ્રેસ વે પર વાયુસેનાના વિમાનોના ઇમરજન્સી ટેકઓફ અને લેન્ડિંગમાં મદદરૂપ થઇ શકે તેવી 3.5 કિમી લાંબી એર સ્ટ્રીપ પણ તૈયાર કરવાં આવશે. એક્સપ્રેસ વેની સાથે ઔદ્યોગિક કોરિડોરનું નિર્માણ કરવાનો પણ પ્રસ્તાવ છે.

આ એક્સપ્રેસ-વે ઔદ્યોગિક વિકાસ, વેપાર, કૃષિ, પર્યટન વગેરે સહિત બહુવિધ ક્ષેત્રોને વેગ આપશે. તે આ પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને ખૂબ જ મોટો વેગ પ્રદાન કરશે.

SD/GP/JD

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1783016) Visitor Counter : 272