પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉત્તર પ્રદેશમાં બલરામપુર ખાતે સરયુ નહેર રાષ્ટ્રિય પ્રોજેક્ટના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
11 DEC 2021 6:09PM by PIB Ahmedabad
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
ભારત માતા કી જય!
હું અહીંની પવિત્ર ધરતીને વારંવાર પ્રણામ કરૂં છું. આજે મને આદિશક્તિ મા પાટેશ્વરીની પાવન ધરતી અને નાની કાશીના નામથી પ્રખ્યાત બલરામપુરની ધરતી પર ફરીથી આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. અમને તમારા ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થયા છે.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન, ઉત્તર પ્રદેશના કર્મઠ, લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપમુખ્ય મંત્રી શ્રીમાન કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રના મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કૌશલ કિશોરજી, રાજ્ય સરકારમાં મંત્રી મહેન્દ્ર સિંહજી, રમાપતિ શાસ્ત્રીજી, મુકુટ બિહારી વર્માજી, વ્રજેશ પાઠકજી, આશુતોષ ટંડનજી, બળદેવ ઓલાખજી, શ્રી પલટુ રામજી, મંચ પર ઉપસ્થિત તમામ સાંસદો, મારા સાથી સભ્યો, તમામ આદરણીય ધારાસભ્યો, જીલ્લા પંચાયતના સભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. ક્રાંતકારીઓની આ ધરતીએ દેશના આઝાદીના સંગ્રામમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. રાજા દેવી બક્ષ સિંહ, રાજા કૃષ્ણ દત્તરામ અને પૃથ્વી પાલ સિંહ જેવા પરાક્રમીઓએ અંગ્રેજી શાસન સામે લડત આપવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રી રામના ભવ્ય મંદિરની જ્યારે જ્યારે વાત થશે ત્યારે બલરામપુર, રજવાડાના મહારાજા પાટેશ્વરી પ્રસાદ સિંહના યોગદાનનો ઉલ્લેખ અવશ્ય થશે. બલરામપુરના લોકો પણ એટલા પારખુ છે કે તેમણે નાનાજી દેશમુખ અને અટલ બિહારી વાજપેયી સ્વરૂપે બે- બે ભારત રત્નોનું ઘડતર કર્યું છે અને સંવર્ધન પણ કર્યું છે.
સાથીઓ,
રાષ્ટ્ર નિર્માતા અને રાષ્ટ્ર રક્ષકોની આ ધરતી પરથી હું આજે દેશના એ તમામ યોધ્ધાઓને પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છું કે જેમનું તા.8 ડિસેમ્બરના રોજ થયેલા હેલિકોપ્ટર અકસ્માતમાં નિધન થયું છે. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપીન રાવતજીના અવસાનથી દરેક ભારતપ્રેમી માટે, દરેક રાષ્ટ્ર ભક્ત માટે ખૂબ મોટી ઊણપ ઉભી થઈ છે. જનરલ બિપીન રાવતજી જેટલા બહાદુર હતા, દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટે તે જે મહેનત કરતા હતા, સમગ્ર દેશ તેનો સાક્ષી રહ્યો છે. એક સૈનિક જેટલા દિવસ તે સેનામાં રહ્યો હોય માત્ર એ સમય પૂરત જ સૈનિક રહેતો નથી. તેનું સમગ્ર જીવન એક યોધ્ધા જેવું હોય છે. શિસ્ત, દેશના આન- બાન અને શાન માટે તે દરેક પળ માટે સમર્પિત હોય છે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે- નૈનમ છિદન્તી શસ્ત્રાણિ, નૈનમ દહતિ પાવકહઃ. ના તો, શસ્ત્ર તેને છિન્નભિન્ન કરી શકે છે કે અગ્નિ પણ તેને સળગાવી શકતો નથી. જનરલ બિપીન રાવત આવનારા દિવસો પોતાના દેશ ભારતને નવા સંકલ્પો સાથે તે જ્યાં હશે ત્યાંથી, આગળ ધપતો જોઈ શકશે. દેશની સરહદોની સુરક્ષા આગળ ધપાવવાનું કામ, સરહદ પર માળખાકીય સુવિધાઓ મજબૂત કરવાનું કામ, દેશની સેનાઓને આત્મનિર્ભર બનાવવા માટેનુ અભિયાન, ત્રણેય સેનાઓમાં તાલમેળ મજબૂત કરવાનું અભિયાન જેવા અનેક કામ ઝડપથી આગળ ધપતા રહેશે. ભારત દુઃખી છે, પણ દર્દ સહન કરતાં કરતાં પણ આપણે પોતાની ગતિ કે પ્રગતિ રોકીશું નહીં. ભારત રોકાશે નહીં, ભારત અટકશે નહીં. આપણે ભારતીયો સાથે મળીને વધુ મહેનત કરીશું. દેશની અંદર અને દેશની બહાર ઉભેલા દરેક પડકારોનો સામનો કરીશું. ભારતને ખૂબ જ શક્તિશાળી અને સમૃધ્ધ બનાવીશું.
સાથીઓ,
ઉત્તર પ્રદેશના સપૂત, દેવરિયામાં નિવાસ કરનારા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહજીનું જીવન બચાવવા માટે ડોક્ટરો તનમનથી લાગી ગયા છે. હું મા પાટેશ્વરીને તેમના જીવનનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરૂં છું. દેશ આજે વરૂણ સિંહજીના પરિવારની સાથે છે. આપણે જે વીરોને ગૂમાવ્યા છે તેમના પરિવારોની સાથે છીએ.
ભાઈઓ અને બહેનો,
રાષ્ટ્ર પ્રથમની ભાવનાને સર્વોપરી રાખીને દેશ આજે એવું દરેક કામ કરી રહ્યો છે કે જે આપણને 21મી સદીમાં નવી ઉંચાઈઓ પર લઈ જશે. દેશના વિકાસ માટે એ પણ ખૂબ જ જરૂરી છે કે ક્યારેય પાણીની અછત ક્યારેય અવરોધ બને નહીં. એટલા માટે દેશની નદીઓના પાણીનો સદુપયોગ થાય, ખેડૂતોના ખેતર સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે તે બાબત સરકારની સર્વોચ્ચ અગ્રતાઓમાંની એક છે. સરયુ નહેર રાષ્ટ્રિય પરિયોજના પૂરી થવી તે એ બાબતનો પૂરાવો છે કે જ્યારે વિચારણા પ્રમાણિક હોય છે ત્યારે દરેક કામ દમદાર બની રહેતું હોય છે. દાયકાઓથી તમે આ કામ પૂરૂ થવાની પ્રતિક્ષા કરી રહ્યા હતા. ઘાઘરા, સરયૂ, રાપ્તી, બાણગંગા અને રોહિણીની જળ શક્તિ હવે આ વિસ્તારમાં સમૃધ્ધિનો નવો તબક્કો લઈને આવવાની છે. બલરામપુરની સાથે સાથે બહરાઈચ, ગોંડા, શ્રીવસ્તી, સિધ્ધાર્થનગર, બસ્તી, ગોરખપુર, મહારાજગંજ અને કુશીનગરના તમામ સાથીઓને, મારા લાખો ખેડૂત ભાઈઓ અને બહેનોને આજે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વરસાદની મોસમમાં આ વિસ્તારમાં જે તકલીફો ઊભી થતી હતી તેનો ઉપાય શોધી કાઢવામાં સહાય થશે. અને હું જાણું છું કે મારા ભાઈઓ અને બહેનો, આપણે ત્યાં ઈતિહાસ પણ સાક્ષી છે કે જો કોઈ તરસ્યાને એક ગ્લાસ પાણી પણ આપવામાં આવે તો તે વ્યક્તિ જીવનભર તે ઋણ ભૂલી શકતો નથી. જીવનભર તે વ્યક્તિને ભૂલતો નથી. અને આજે લાખો ખેડૂતોના તરસ્યા ખેતરોમાં જ્યારે પાણી ઉપલબ્ધ થશે ત્યારે મને પૂરો ભરોસો છે કે તમારા આશીર્વાદ અમને સમગ્ર જીવનપર્યંત કામ કરવાની તાકાત પૂરી પાડશે. તમારા આશીર્વાદ અમને નવી ઊર્જા પૂરી પાડશે.
ભાઈઓ અને બહેનો,
આજે હું એ કહેવા માંગુ છું કે એવા ખેડૂતો કે જેમની પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે તેમના માટે સિંચાઈની આ વ્યવસ્થા જીવનને બદલી નાંખનારી બને છે. જે રીતે કોઈ વ્યક્તિ મૃત્યુશૈયા પર પડેલો હોય અને તેને લોહીની જરૂર હોય, રક્તની જરૂરિયાત હોય એવા જ સમયે ડોકટર લોહી લાવીને તેને ચડાવે તો તેનું જીવન બચી જતું હોય છે. આ સમગ્ર વિસ્તારના ખેતરોને પણ નવી જિંદગી પ્રાપ્ત થવાની છે.
સાથીઓ,
બલરામપુરની મસૂરદાળનો સ્વાદ તો વિતેલા વર્ષોમાં સમગ્ર દેશમાં ફેલાયેલો જ છે. હવે પરંપરાગત ખેતીની સાથે સાથે આ વિસ્તારના ખેડૂતો વધુ ભાવ મળે તેવી, વધુ આવક પ્રાપ્ત થાય તેવા અન્ય પાકની ખેતી પણ વ્યાપક રીતે કરી શકશે.
સાથીઓ,
જાહેર જીવનમાં મને એક લાંબા સમયથી કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મેં અગાઉ પણ ઘણી સરકારો જોઈ છે, તેમનું કામકાજ પણ જોયું છે. આ લાંબા સમયગાળા દરમ્યાન જે વાત મને સૌથી વધુ નડતરરૂપ લાગી છે, જેનાથી સૌથી વધુ મને દુઃખ થયું છે તે છે- દેશનું ધન, દેશનો સમય, દેશના સાધનોનો દુરૂપયોગ અને તેનું અપમાન. સરકારી પૈસો છે તો મારે શું, આ તો સરકારી છે, એવો વિચાર દેશના સમતોલ અને સંપૂર્ણ વિકાસ માટે સૌથી મોટો અવરોધરૂપ બની છે. આવા વિચારોના કારણે સરયુ નહેર યોજનાને લટકાવી પણ અને ભટકાવી પણ છે. આજથી આશરે 50 વર્ષ પહેલાં આ યોજના માટે કામ શરૂ થયું હતું. તમે વિચાર કરો, 50 વર્ષ પછી આજે તેનું કામ પૂરૂ થઈ રહ્યું છે. જ્યારે આ યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે માત્ર અહીંના નાગરિકો જ નહીં, દેશના નાગરિકો આ બાબત સમજ્યા હતા. ઉજ્જવળ ભવિષ્યની ઈચ્છા રાખનારા મારા દેશના નવયુવાનો પણ સમજ્યા.
સાથીઓ,
આ યોજના પર જ્યારે કામ શરૂ થયું ત્યારે તેનો ખર્ચ રૂ.100 કરોડ કરતાં પણ ઓછો થતો હતો. તમે પણ બોલી ઉઠશો કે જ્યારે આ યોજના શરૂ થવાની હતી ત્યારે ખર્ચ કેટલો ઓછો હતો? તે સમયે કેટલા હતા 100 કરોડ. અને આજે કેટલે પહોંચ્યા છે, ખબર છે ? આજે તે લગભગ રૂ.10 હજાર કરોડનો ખર્ચ કર્યા પછી પૂરી થઈ છે. રૂપિયા 10 હજાર કરોડ, કેટલા રૂ.10 હજાર કરોડ? અગાઉ જે યોજના રૂ.100 કરોડમાં પૂરી થવાની હતી તે આજે રૂ.10 હજાર કરોડમાં પૂરી થઈ છે. આ પૈસા કોના હતા? ભાઈઓ આ પૈસા કોના હતા? આ ધન કોનું હતું? તમારૂ હતું કે નહીં? તેના માલિક તમે પણ હતા કે નહીં? તમારી મહેનતનો એક એક રૂપિયો યોગ્ય સમયે, યોગ્ય કામ માટે ઉપયોગમાં લેવાવો જોઈતો હતો. આવુ થવું જોઈતું હતું કે નહીં? જેમણે આ નથી કર્યું તે તમારા ગૂનેગાર છે કે નહી? આવા લોકોને તમે સજા આપશો કે નહીં? ચોક્કસ આપશો?
મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,
અગાઉની સરકારોએ બેદરકારી દાખવી તેની 100 ગણાથી વધુ કિંમત આ દેશે ચૂકવવી પડી છે. તમે કલ્પના કરી શકો છો કે આપણાં આ વિસ્તારમાં લાખો ખેડૂતોને પણ જો સિંચાઈનું આ પાણી 20 વર્ષ કે 30 વર્ષ પહેલાં મળ્યું હોત તો, જો ખેડૂતની પાસે પાણી હોત, વિતેલા 25 થી 30 વર્ષમાં પાણી તેમની પાસે પહોંચ્યું હોત તો તે સોનુ પેદા કરી શક્યા હોત. પેદા કરી શક્યા હોત કે નહીં? દેશનો ખજાનો ભરી દીધો હોત કે નહીં? પોતાના બાળકોને શિક્ષણ સારી રીતે આપી શક્યા હોત.
ભાઈઓ અને બહેનો,
દાયકાઓના વિલંબને કારણે આપણે ત્યાં ખેડૂત ભાઈઓ અને બહેનોને અનેક અબજો રૂપિયાનું નુકશાન થયું છે.
આમ તો સાથીઓ,
હું જ્યારે દિલ્હીથી નિકળ્યો ત્યારે પ્રતિક્ષા કરી રહ્યો હતો કે ક્યારેક કોઈ આવશે અને જણાવશે કે મોદીજી આ યોજનાની શરૂઆત તો અમે કરી હતી. આ યોજનાની રિબન અમે કાપી હતી. એવા કેટલાક લોકો છે કે જેમને આવું કહેવાની ટેવ પડી છે. શક્ય છે કે બાળપણમાં આ યોજનાની રિબન તેમણે જ કાપી હોય.
સાથીઓ,
કેટલાક લોકોની અગ્રતા માત્ર રિબન કાપવાની જ છે. અમારા લોકોની અગ્રતા યોજનાઓને સમયસર પૂરી કરવાની છે. વર્ષ 2014માં હું જ્યારે સરકારમાં આવ્યો હતો ત્યારે એ જોઈને પરેશાન થયો હતો કે દેશમાં સિંચાઈની 99 મોટી યોજનાઓ છે કે જે દેશના અલગ અલગ ખૂણે દાયકાઓથી અધૂરી પડેલી છે. અમે જોયું કે સરયૂ નહેર યોજનામાં ઘણી જગ્યાએ નહેરો એકબીજા સાથે જોડાયેલી ન હતી. પાણીને અંતિમ છેડા સુધી પહોંચાડવાની કોઈ વ્યવસ્થા ન હતી. સરયૂ નહેર યોજના કે જેનું કામ પાંચ દાયકામાં જેટલું થયું હતું તેના કરતાં પણ વધુ કામ અમે પાંચ વર્ષ પૂરાં થાય તે પહેલા કરી બતાવ્યું છે. સાથીઓ આ તો ડબલ એન્જિનની સરકાર છે. આ તો, ડબલ એન્જિનની સરકારની કામ કરવાની ઝડપ છે. અને તમે યાદ રાખો કે યોગીજીના આગમન પછી અમે બાણસાગર યોજનાનું લોકાર્પણ કર્યું. થોડાંક દિવસ પહેલાં અર્જુન સહાયક નહેર પરિયોજનાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. આ અઠવાડિયે ગોરખપુરમાં ફર્ટિલાઈઝરના કારખાના અને એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું તેની પણ વર્ષોથી પ્રતિક્ષા થઈ રહી હતી. કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટની ફાઈલો પણ વર્ષોથી ચાલી રહી હતી, પણ આ એરપોર્ટને શરૂ કરવાનું કામ ડબલ એન્જિનની સરકારે જ કર્યું છે.
સાથીઓ,
અમારી સરકાર જે રીતે વર્ષો જૂના સપનાં સાકાર કરી રહી છે તેનું વધુ એક ઉદાહરણ કેન-બેતબા લીંક પરિયોજના પણ છે. વર્ષોથી આ યોજનાની માંગ થઈ રહી હતી. હમણાં બે- ત્રણ દિવસ પહેલાં જ કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના માટે રૂ.45 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉત્તર પ્રદેશને આટલી મોટી ભેટ મળી રહી છે, રૂ.45 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ યોજના બુંદેલખંડને પાણીના સંકટમાંથી મુક્ત કરવામાં ખૂબ મોટી ભૂમિકા બજાવશે.
ભાઈઓ અને બહેનો,
આજે દેશમાં આઝાદી પછીની પ્રથમ એવી સરકાર છે કે જે નાના ખેડૂતોની સંભાળ લઈ રહી છે. પ્રથમ વખત 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતોને સરકારી લાભ સાથે, સરકારી સુવિધા સાથે જોડવામાં આવ્યા છે. બીજથી માંડીને બજાર સુધી, ખેતરથી માંડીને ખળા સુધી તેમને દરેક પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. આ નાના ખેડૂતોના બેંકના ખાતામાં પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિમાંથી હજારો કરોડ રૂપિયા સીધા મોકલવામાં આવી રહ્યા છે. તેમની આવક વધારવા માટે, તેમને ખેતી સાથે જોડવા માટે અન્ય વિકલ્પો માટે પણ પ્રેરણા આપવામાં આવી રહી છે. એવા વિકલ્પો કે જેમાં ઘણી મોટી જમીનની તેમને જરૂર પડતી નથી તેવા રસ્તા તેમને બતાવવામાં આવ્યા છે. આવા વિચારની સાથે સાથે પશુપાલન હોય, મધમાખી ઉછેર હોય કે પછી મત્સ્ય ઉછેર તેમના માટે, રાષ્ટ્રીય સ્તરે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આજે ભારત દૂધના ઉત્પાદનની બાબતે મોખરે છે જ, પરંતુ તમને એ જાણીને આનંદ થશે કે આજે આપણે મધ, મધની નિકાસ બાબતે પણ વિશ્વમાં પોતાનું સ્થાન ઊભું કરી રહ્યા છીએ. અમારી સરકારના પ્રયાસોના કારણે વિતેલા 7 વર્ષમાં મધની નિકાસ વધીને લગભગ આશરે બે ગણી થઈ ગઈ છે અને તેનાથી ખેડૂતોને રૂ.700 કરોડથી વધુ રકમની કમાણી થઈ છે.
ભાઈઓ અને બહેનો,
ખેડૂતોની આવકમાં વધારો કરવા માટેનો વધ એક વિકલ્પ બાયોફ્યુઅલ પણ છે. આપણે અખાતી દેશોના તેલથી ચલાવી રહ્યા હતા. હવે આપણે વનસ્પતિનું તેલ લઈને આવી રહ્યા છીએ. બાયોફ્યુઅલની અનેક ફેક્ટરીઓ ઉત્તર પ્રદેશમાં સ્થપાઈ રહી છે. બદાયુ અને ગોરખપુરમાં બાયોફ્યુઅલના મોટા સંકુલો બનાવવામાં આવી રહ્યા છે. અહીંયા નજીકમાં જણ ગોંડામાં ઈથેનોલનો એક મોટો પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે અને તેનો લાભ આ વિસ્તારના ઘણાં ખેડૂતોને થશે. શેરડીમાંથી ઈથેનોલ બનાવવાના અભિયાનમાં પણ ઉત્તર પ્રદેશ અગ્રણી ભૂમિકા બજાવવા તરફ આગળ વધી રહ્યું છે. વિતેલા સાડા ચાર વર્ષમાં આશરે 12 હજાર કરોડ રૂપિયાનું ઈથેનોલ ઉત્તર પ્રદેશમાંથી ખરીદવામાં આવ્યું છે. યોગીજીની સરકાર જ્યારથી આવી છે ત્યારથી શેરડીની ચૂકવણીમાં પણ ખૂબ મોટી ઝડપ આવી છે. વર્ષ 2017ની પહેલાનો પણ એક સમય હતો કે જ્યારે શેરડીના ખેડૂતોને દર વર્ષે બાકી રકમની ચૂકવણી થવાની પ્રતિક્ષા કરવી પડતી હતી. પાછલી સરકારોના સમય દરમ્યાન જ્યાં 20 થી વધુ ખાંડની મિલોને તાળાં લાગી ગયા હતા ત્યાં યોગીજીની સરકારે એટલી જ ખાંડની મિલોનું વિસ્તણ અને આધુનિકીકરણ કર્યું છે. હું આજે બલરામપુરથી સમગ્ર દેશના ખેડૂતોને એક ખાસ આમંત્રણ પણ આપવા માંગુ છું. અને મારી ઈચ્છા છે કે માત્ર ઉત્તર પ્રદેશના જ નહીં, સમગ્ર દેશના ખેડૂતો મારા આ નિમંત્રણનો સ્વિકાર કરે અને મારી સાથે જોડાય. મારૂ નિમંત્રણ કઈ બાબતે છે? આ મહિને પાંચ દિવસ પછી 16 તારીખે, 16 ડિસેમ્બરે સરકાર કુદરતી ખેતી અંગે, નેચરલ ફાર્મીંગ અંગે એક ખૂબ મોટું આયોજન કરવા તરફ આગળ વધી રહી છે. આપણાં પદ્મ પુરસ્કાર વિજેતા સુભાષજી કરી રહ્યા છે- મહારાષ્ટ્રમાં તેમણે જીરો બજેટ ખેતીનો એક વિચાર વિકસીત કર્યો છે. આ એ કુદરતી ખેતીનો વિષય છે કે જેમાં આપણી ધરતી માતા બચે છે અને આપણું પાણી પણ બચે છે અને પાક પણ સારો અને અગાઉની તુલનામાં વધુ ઉપજે છે. મારો આપ સૌ ખેડૂત સાથીઓને, સમગ્ર ખેડૂત સાથીઓને આગ્રહ છે કે આપ સૌ 16 ડિસેમ્બરે ટીવીના માધ્યમથી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમ સાથે ચોક્કસ જોડાયેલા રહેશો અને તમે સમગ્ર બાબત સમજશો. અને મને પૂરો વિશ્વાસ છે કે તમે પોતાના ખેતરમાં તે લાગુ કરશો. તમારા માટે તે ખૂબ જ લાભદાયી પૂરવાર થવાનો છે.
સાથીઓ,
તમારી તમામ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમારૂં જીવન આસાન બનાવવા માટે અમે દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ. તેની છાપ તમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલા પાકા ઘરમાં પણ જોવા મળશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળી રહેલા ઘરમાં ઈજ્જત ઘર એટલે કે શૌચાલય છે. ઉજ્જવલા યોજનાનો ગેસ પણ છે. સૌભાગ્ય યોજનાનું વિજળીનું જોડાણ પણ છે. ઉજાલાનો એલઈડી બલ્બ પણ છે. દરેક ઘરે જળ યોજના હેઠળ મળી રહેલું પાણીનું જોડાણ પણ છે. અને મને એ સમયે આનંદ થાય છે કે જ્યારે આ ક્ષેત્રનો હું પ્રવાસ કરી શક્યો છું. મને ખબર છે કે જ્યારે અહીંયા થારૂ જનજાતિના મારા ભાઈઓ અને બહેનોને પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આથી આનંદ પણ ઘણો થાય છે અને અમને આશીર્વાદ પણ ઘણાં મળે છે.
સાથીઓ,
આપણે ત્યાં સદીઓથી એક પધ્ધતિ ચાલી આવી રહી છે કે ઘર થશે, મારા માતાઓ અને બહેનો જરૂરથી એ બાબત સમજે અને મારા પુરૂષ ભાઈઓ પણ પોતાના ઘરમાં જણાવે. આપણે ત્યાં એક માન્યતા ચાલી આવી રહી છે, પરંપરા ચાલી રહી છે, વ્યવસ્થા ચાલી રહી છે કે ઘર હોય તો પુરૂષના નામે, દુકાન હોય તો પુરૂષના નામે, ગાડી હોય તો પુરૂષના નામે, ખેતર હોય તો પુરૂષના નામે. મહિલાઓના નામે કશુ જ હોતું નથી. મહિલાઓના નામે કેમ હોતું નથી? હું તેમનું સાચુ દુઃખ સમજું છું. માતાઓ અને બહેનો માટે અમે શું કર્યું? મને એ વાતનો આનંદ છે કે પ્રધાનમંત્રી યોજના હેઠળ જે ઘર બની રહ્યા છે તેમાં વધુમાં વધુ ઘરનો માલિકી હક્ક અમે માતાઓ અને બહેન- દીકરીઓને આપ્યો છે. આ કારણે દેશમાં એવી બહેનોની સંખ્યામાં ઘણો વધારો થયો છે કે જેમના નામે ઓછામાં ઓછી એક મિલકત તો છે. ડબલ એન્જિનની સરકારની પ્રયાસોથી ઉત્તર પ્રદેશના 30 લાખ કરતાં વધુ ગરીબ પરિવારોને પાકા ઘર મળી ચૂક્યા છે. આવનારા દિવસોમાં આનાથી પણ વધુ ઘર બનાવવા માટે અમારી સરકાર રૂ.2 લાખ કરોડથી વધુ રકમની જોગવાઈ કરી છે. આનો અર્થ એ કે જેમને હજુ સુધી પાકા ઘર મળ્યા નથી તેમને આવનારા સમયમાં જરૂર મળશે.
સાથીઓ,
જ્યારે સરકાર સંવેદનશીલ હોય, ગરીબોને સાંભળતી હોય, તેમના દુઃખ- દર્દ સમજતી હોય ત્યારે ફર્ક જરૂર પડે છે. ફર્ક પડે છે કે નથી પડતો? પડે છે. 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી સામે દેશ હમણાં લડી રહયો છે. કોરોના આવ્યા પછી દરેક વ્યક્તિ એવુ વિચારી રહી હતી કે હવે શું થશે. કેવી રીતે થશે. દરેક વ્યક્તિને ઓછા- વત્તા અંશે કોરોનાના કારણે દુઃખ વેઠવું પડ્યું છે.
પરંતુ સાથીઓ,
આ કોરોના કાળમાં પણ અમે પ્રમાણિકતા સાથે પ્રયાસ કર્યો છે કે કોઈ ગરીબ ભૂખે સૂએ નહીં. હમણાં એટલા માટે જ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળી રહેલા મફત રાશન અભિયાનને હોળીથી આગળ સુધી લંબાવવામાં આવી છે. ગરીબોને મફત રાશન મળે તે માટે સરકાર રૂ.2 લાખ 60 હજાર કરોડ કરતાં પણ વધુ રકમનો ખર્ચ કરી રહી છે.
ભાઈઓ અને બહેનો,
પહેલાં જે લોકો સરકારમાં હતા, તમે જાણો છો કે, સારી રીતે જાણો છો કે અગાઉ જે લોકો સરકારમાં હતા તે માફિયાઓને રક્ષણ પૂરૂ પાડતા હતા. આજે યોગીજીની સરકાર માફિયાઓનો સફાયો કરવામાં લાગી ગઈ છે. આ કારણે તો ઉત્તર પ્રદેશના લોકો કહી રહ્યા છે કે તફાવત સ્પષ્ટ છે. અગાઉ જે લોકો સરકારમાં હતા તે લોકો બાહુબલી લોકોને આગળ ધપાવી રહ્યા હતા. આજે યોગીજીની સરકાર ગરીબ, દલિત, પછાત અને આદિવાસી સહિત તમામ લોકોને સશક્ત બનાવવામાં જોડાઈ ગઈ છે. આ કારણે તો ઉત્તર પ્રદેશના લોકો કહે છે ફર્ક સ્પષ્ટ છે. અગાઉ જે લોકો સરકારમાં હતા તે લોકો જમીનો પર ગેરકાયદે કબજો કરાવતા હતા. આજે આવા માફિયાઓ ઉપર દંડ લાગી રહ્યો છે, બુલડોઝર ચાલી રહ્યા છે. આ કારણે જ ઉત્તર પ્રદેશના લોકો કહે છે કે ફર્ક સ્પષ્ટ છે. અગાઉ ઉત્તર પ્રદેશની દીકરીઓ ઘરેથી બહાર નિકળતાં પહેલાં 100 વખત વિચાર કરવા મજબૂર બનતી હતી. આજે અપરાધી ખોટુ કામ કરતાં પહેલાં 100 વખત વિચારે છે. આથી તો ઉત્તર પ્રદેશના લોકો કહે છે કે ફર્ક સ્પષ્ટ છે. અગાઉ દીકરીઓ ઘરમાં દબાઈને રહેવા માટે મજબૂર હતી, હવે ઉત્તર પ્રદેશના અપરાધી જેલમાં સડે છે. આથી જ કહેવામાં આવે છે કે ફર્ક સ્પષ્ટ છે.
સાથીઓ,
આજે હું એક યોજના અંગે તમને ચોક્કસ કહેવા માંગુ છું- આ યોજનાથી ઉત્તર પ્રદેશના લોકોને ઘણી મદદ મળવાની છે અને તે યોજના છે- સ્વામિત્વ યોજના. સ્વામિત્વ યોજના હેઠળ આજે ગામોમાં મિલકતોનું મેપીંગ કરાવીને ઘરના, ખેતરોના, માલિકી હક્કના કાગળો લોકોને આપવામાં આવી રહ્યા છે. આ અભિયાન થોડાક જ સમયમાં ઉત્તર પ્રદેશના દરેક ગામ સુધી પહોંચવાનું છે અને તેનાથી તમને ગેરકાયદે કબજાના ડર સામે મુક્તિ મળશે અને બેંકોની મદદ લેવાનું પણ તમારા માટે આસાન બની જશે. હવે ગામના યુવકોને બેંકમાંથી પોતાના કામ માટે પૈસા મેળવવામાં અવરોધ પણ નડશે નહીં.
સાથીઓ,
આપણે સૌએ સાથે મળીને ઉત્તર પ્રદેશને નવી ઉંચાઈએ લઈ જવાનો છે. ઉત્તર પ્રદેશને નવી ઓળખ આપવાની છે. ઉત્તર પ્રદેશને દાયકાઓ પાછળ લઈ જનારા લોકોથી તમારે સતત સતર્ક રહેવાનું છે. ભાઈઓ અને બહેનો, ફરી એક વખત આપ સૌને સરયુ નહેર યોજના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારી સાથે બે હાથ ઉંચા કરીને પૂરી તાકાત સાથે બોલો ભારત માતા કી જય- ભારત માતા કી જય- ભારત માતા કી જય.
ખૂબ ખૂબ ધન્યવાદ!
(Release ID: 1780556)
Visitor Counter : 272
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam