પ્રધાનમંત્રીનું કાર્યાલય

ત્રિપુરાના પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણના લાભાર્થીઓને પ્રથમ તબક્કાનાં મકાનોની વહેચણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 14 NOV 2021 5:00PM by PIB Ahmedabad

નમસ્કાર! ખૂલમાખા!

જય મા ત્રિપુર સુંદરી

કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રીમાન વિપ્લવ દેવજી, કેન્દ્રના મંત્રી મંડળના મારા સહયોગી શ્રી ગિરીરાજ સિંહજી, શ્રીમતિ પ્રતિમા ભૌમિકજી, ત્રિપુરાના નાયબ મુખ્યમંત્રી શ્રી જીષ્ણુ દેવ વર્માજી, તમામ સંસદસભ્યો, ધારાસભ્યો અને સ્થાનિક એકમોની સાથે સાથે પંચાયતોના સભ્યો અને ત્રિપુરાના મારા ઉત્સાહી, પરિશ્રમી તમામ મારા વ્હાલા ભાઈ- બહેનો તથા મારા નવયુવાન સાથીઓ,

ત્રિપુરાના સાથીઓ સાથે વાત કરતાં મારો વિશ્વાસ અનેક ઘણો વધી ગયો છે. આજે જે લોકો સાથે મને વાત કરવાની તક મળી છે તેનાથી સારૂં લાગ્યું છે. વિકાસની આ ચમક, પોતાનું ઘર અને સન્માનપૂર્ણ જીવનનો આ આત્મવિશ્વાસ ત્રિપુરાને અને સમગ્ર પૂર્વોત્તરને ગણી ઉંચાઈ સુધી લઈ જશે. નવા વિચારો સાથે આગળ ધપતું ત્રિપુરા આગામી દિવસોમાં કેવું હશે તેનો અંદાજ પણ આપણે સૌ લગાવી શકીએ તેમ છીએ.

સાથીઓ,

આપણાં જીવનમાં ઘણાં પરિવર્તન આવ્યા. કોઈ મોટી સફળતા મળે તેમાં આપણને સ્વાભાવિક રીતે ઉત્સાહ, ઉમંગ અને એક નવી ઊર્જા પ્રાપ્ત થતી હોય છે, પરંતુ આ સફળતા આશાનું નવું કિરણ, જો લાંબી પ્રતિક્ષા પછી દેખાતું હોય તો જિંદગીભર અંધારૂ જ અંધારૂ હોય અને અંધારામાંથી એક કિરણ નજરે પડે તો તેની ચમક અનેક ગણી વધી જતી હોય છે. જ્યારથી અહીં વિપ્લવ દેવજીની સરકાર બની છે ત્યારથી દિલ્હીમાં અમને અને વિપ્લવ દેવજીને સાથે કામ કરવાની તક મળી છે. આ ચમક સતત વધતી જઈ રહી છે. આજે આપણું ત્રિપુરા અને સમગ્ર પૂર્વોત્તર આવા જ પરિવર્તનનું સાક્ષી બની રહ્યું છે.

આજે પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત આપવામાં આવેલા પ્રથમ હપ્તાનાં મકાનોથી ત્રિપુરાના સપનાંને પણ નવો ઉત્સાહ પ્રાપ્ત થયો છે. પ્રથમ વખત લાભ મેળવનારા આશરે દોઢ લાખ પરિવારોને, તમામ ત્રિપુરાવાસીઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું, મુખ્યમંત્રી વિપ્લવ દેવજી અને તેમની સરકારને અભિનંદન આપું છું કે તેમણે આટલા ઓછા સમયમાં તેમણે સરકારી સંસ્કૃતિને, કામ કરવાની જૂની પધ્ધતિને, જૂની વિચારધારાને બદલી નાખી છે, જે યુવા જોશ સાથે વિપ્લવ દેવજી કામ કરી રહ્યા છે તે યુવા જોશ, તે ઊર્જા સમગ્ર ત્રિપુરામાં જોવા મળી રહી છે.

સાથીઓ,

મને યાદ છે કે ચાર- પાંચ વર્ષ પહેલાં લોકો કહેતા હતા કે ત્રિપુરામાં દાયકાઓથી એક જ પધ્ધતિ ચાલી રહી છે, અહિંયા પરિવર્તનની કોઈ શક્યતા જ નથી, પરંતુ જ્યારે ત્રિપુરાએ પરિવર્તન કરવાનો નિર્ધાર કર્યો તો ત્રિપુરાના વિકાસને રોકનારી જૂની વિચારધારાને સંપૂર્ણપણે બદલી નાંખી. હવે ત્રિપુરાને ગરીબ બનાવી રાખનારી, ત્રિપુરાના લોકોને સુખ- સુવિધાથી દૂર રાખનારી વિચારોને ત્રિપુરામાં કોઈ જગા નથી.

હવે અહિંયા ડબલ એન્જિનની સરકાર સંપૂર્ણ તાકાતથી, સંપૂર્ણ ઈમાનદારીથી રાજ્યના વિકાસમાં જોડાઈ ગઈ છે. હવે અગરતલા અને દિલ્હી બંને એક સાથે મળીને ત્રિપુરાના વિકાસ માટે નીતિઓ બનાવી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે અને પરિણામ લઈને આવે છે. તમે જુઓ, વિતેલા ચાર વર્ષમાં ત્રિપુરાના ગામડાંના આશરે 50 હજાર પરિવારોને પીએમ આવાસ યોજના હેઠળ પાકા ઘર બનાવીને આપવામાં આવી ચૂક્યા છે. હવે આશરે 1 લાખ, 60 હજાર નવા ઘરને સ્વિકૃતિ આપવામાં આવી છે. એક સાથે, એક જ વખતે જે ઘર સ્વિકારવામાં આવ્યા તેમાંથી આશરે દોઢ લાખ પરિવારોને પ્રથમ હપ્તામાં મકાનો આપવામાં આવ્યા છે અને તે પણ એક સાથે એક જ વખતમાં માત્ર એક બટન દબાવીને.

ત્રિપુરાનો આ મિજાજ અને ત્રિપુરાની કોરોના વિરૂધ્ધની લડત સામે આ ઝડપ પણ મને જોવા મળી છે. 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોમાં 100 ટકા રસીકરણ કરવાનો વિક્રમ પણ સૌથી પહેલાં ત્રિપુરાએ હાંસલ કર્યો છે અને હવે ત્રિપુરા 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી તમામ વસતિનું 100 ટકા રસીકરણ કરવાની નજીક છે.

સાથીઓ,

અગાઉ દેશના ઉત્તર અને પશ્ચિમ વિભાગમાંથી આપણી નદીઓ પૂર્વ તરફ આવતી હતી, પરંતુ વિકાસની ગંગા અહિંયા પહોંચે તે પહેલાં જ સમેટાઈ જતી હતી. દેશના સમગ્ર વિકાસને ટૂકડાઓમાં જોવામાં આવતો હતો. રાજકિય ચશ્માથી જોવામાં આવતો હતો. એટલા માટે આપણું પૂર્વોત્તર પોતાને ઉપેક્ષિત રાખવાનો ભાવ  અનુભવી રહ્યું હતું, પરંતુ આજે દેશના વિકાસને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાથી જોવામાં આવી રહ્યું છે. વિકાસને હવે દેશની એકતા અને અખંડિતતાનો પર્યાય માનવામાં આવે છે.

અગાઉ નીતિઓ દિલ્હીના બંધ ખંડોમાં નક્કી થતી હતી અને પૂર્વોત્તરને તેમાં ફીટ કરવાના નકામા પ્રયત્નો થતા હતા. જમીનથી દૂર રાખવાની ભાવના અલગતાને જન્મ આપતી હતી. એટલા માટે વિતેલા 7 વર્ષમાં દેશે એક નવો વિચાર, નવો અભિગમ નક્કી કર્યો છે. હવે દિલ્હીના ધોરણે નહીં, પણ અહીંની જરૂરિયાતોને આધારે નીતિઓ ઘડવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાની જ વાત કરીએ તો, પાકા મકાન બનાવવા માટે કેટલાક નિયમો ત્રિપુરાના લાખો પરિવારો માટે અવરોધરૂપ બની રહ્યા હતા, પરંતુ સરકારે ત્રિપુરાની ભૌગોલિક પરિસ્થિતિઓને સમજીને તેના આધારે નિયમો બદલ્યા, આવશ્યક નીતિઓ ઘડવામાં આવી અને તેના કારણે આજે હજારો નવા પરિવારોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. વિકાસ માટે આવી સંવેદનશીલતા ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, અમે એ બાબતે પણ ધ્યાન આપ્યું કે અહીંના વાતાવરણ અને રહેણીકરણીના આધારે ઘર કેવા હોવા જોઈએ. અમે ઘરનું કદ પણ વધાર્યું અને તેમને નવી સુવિધાઓ સાથે જોડી પણ દીધા.

સાથીઓ,

પીએમ આવાસ યોજનાની જે એક ખૂબ મોટી તાકાત છે, તે બાબતે હું દેશને વારંવાર જણાવી રહ્યો છું અને જે સ્થળને ત્રિપુર સુંદરીના વિશેષ આશીર્વાદ મળેલા છે ત્યાં હું આ બાબતે ઉલ્લેખ જરૂર કરીશ. સદીઓ સુધી આપણે ત્યાં એવી વિચારધારા ચાલતી રહી છે કે મહિલાઓના નામે ઘર નથી હોતા, મહિલાઓના નામે સંપત્તિ નથી હોતી. પીએમ આવાસ યોજનાએ આ વિચારને પણ બદલવાનું કામ કર્યું છે. આ યોજના હેઠળ જે ઘર બને છે તેનો માલિકી હક્ક વધુને વધુ આપણી બહેનો- દીકરીઓને મળી રહ્યો છે. હવે ઘરના કાગળ ઉપર પણ ઘરના માલિકનું નામ લખાય છે. એટલું જ નહીં, પીએમ આવાસ યોજના મારફતે મળેલા ઘરમાં ગેસના જે જોડાણ મળી રહ્યા છે, વિજળીના જોડાણ મળી રહ્યા છે, પાણીનાં જોડાણ મળી રહ્યા છે તે બધાંનો લાભ પણ આપણી બહેન- દીકરીઓને સૌથી વધુ થવાનો છે.

સાથીઓ,

ભારતના વિકાસમાં આત્મવિશ્વાસથી ભરેલી ભારતની મહિલા શક્તિનું, ભારતને આગળ ધપાવવામાં એક ખૂબ મોટુ યોગદાન છે. આ મહિલા શક્તિનું ખૂબ મોટુ પ્રતિક પણ આપણું મહિલા સ્વ સહાય જૂથ છે. અમે સ્વ સહાય જૂથમાં કામ કરનારી બહેનોને જન-ધન ખાતાના માધ્યમથી બેંકની સિસ્ટમ સાથે જોડી છે. તેમને ગેરંટી વગર મળતા ધિરાણમાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. દરેક સ્વ સહાય જૂથને અગાઉ જ્યાં રૂ.10 લાખ સુધી ગેરંટી વગર ધિરાણ મળતું હતું તે રકમ હવે વધારીને બે ગણી એટલે કે રૂ. 20 લાખ કરવામાં આવી છે.

મને આનંદ છે કે ત્રિપુરાની સરકાર પણ મહિલાઓને સશક્ત બનાવવામાં, સંપૂર્ણ શક્તિથી કામ કરવાની તેમની નીતિઓનો અમલ કરી રહી છે. અહિંયા વિપ્લવ દેવજીના આગમન પહેલાં જે સરકાર હતી તેની હું વાત કરૂં તો તેમના પાંચ વર્ષમાં ત્રિપુરામાં માત્ર ચાર હજાર મહિલા સ્વ સહાય જૂથ બન્યા હતા અને જ્યારથી અહિંયા એટલે કે વર્ષ 2018થી ડબલ એન્જીનની સરકાર બની તે પછી 26 હજારથી વધુ નવા મહિલા સ્વ સહાય જૂથ બન્યા છે. તેની સાથે જે મહિલાઓ જોડાયેલી છે, કૃષિ ઉત્પાદનો બનાવી રહી છે, વાંસ સાથે જોડાયેલી પ્રોડ્કટસ બનાવી રહી છે, હાથ વણાટના કામમાં જોડાયેલી છે તેમને ત્રિપુરા સરકાર આર્થિક મદદ પૂરી પાડીને સતત સશક્ત બનાવી રહી છે.

સાથીઓ,

ઓછા સમયમાં કેવા પરિવર્તનો હાંસલ કરી શકાય છે, મર્યાદિત સમયમાં કેવી નવી વ્યવસ્થાઓ ઉભી કરી શકાય છે. આજે હું ત્રિપુરાને અભિનંદન આપું છું કે ત્રિપુરાએ આવું કામ કરી બતાવ્યું છે. અગાઉ અહિંયા કમિશન અને ભ્રષ્ટાચાર સિવાય  વાત જ થતી ન હતી, પરંતુ આજે સરકારી યોજનાઓનો લાભ ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર મારફતે સીધો તમારા ખાતામાં પહોંચી રહ્યો છે. અગાઉ પોતાના દરેક કામ કરવા માટે લોકોએ સરકારી કચેરીઓના આંટા મારવા પડતા હતા, પરંતુ હવે તમામ સેવા અને સુવિધાઓ આપવા માટે સરકાર ખુદ તમારી પાસે આવે છે.

અગાઉ સરકારી કર્મચારીઓને સમયસર પગાર મળી રહે તેમાં મુશ્કેલી પડતી હતી, હવે તેમને સાતમા પગાર પંચનો લાભ મળી રહ્યો છે. અગાઉ અહિંયા ખેડૂતોએ પોતાનો પાક વેચવા માટે તકલીફો વેઠવી પડતી હતી, પરંતુ હવે ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ત્રિપુરામાં અહિંના લોકો, તેમનું સામર્થ્ય હતું પણ હડતાળની સંસ્કૃતિના કારણે ઉદ્યોગો અહીં આવવાથી ડરતા હતા. હવે ત્રિપુરામાંથી નિકાસ આશરે પાંચ ગણી વધી છે.

સાથીઓ,

ત્રિપુરામાં ડબલ એન્જીનની સરકારથી જેમને લાભ થઈ રહ્યો છે તેમાં મહદ્દ અંશે ગરીબ, દલિત, પછાત અને ખાસ કરીને આપણાં આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો છે. આપણું પૂર્વોત્તર તો દેશની સૌથી જૂની અને સમૃધ્ધ આદિવાસી સંસ્કૃતિઓનું પણ કેન્દ્ર છે. આઝાદીના ઈતિહાસમાં આપણાં પૂર્વોત્તરના આદિવાસી સેનાનીઓનુ મોટુ યોગદાન છે અને દેશના પણ આપણાં આદિવાસી સેનાનીઓએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. આ પરંપરાને સન્માન આપવાની સાથે આ વારસાને આગળ ધપાવવા માટે દેશ સતત કામ કરી રહ્યો છે.

આ જ કડીમાં આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન દેશે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. દેશ હવે 15 નવેમ્બરને, દર વર્ષે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિ ગૌરવ દિવસ તરીકે મનાવશે.  એટલે કે આવતીકાલે જે 15 નવેમ્બર છે, કાલના દિવસને સંપૂર્ણ ભારતના દરેક ખૂણે જનજાતિ ગૌરવ દિવસ મનાવવામાં આવશે. અને હંમેશ માટે આ દિવસ જનજાતિ ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવશે. આ દિવસ માત્ર આપણા આદિવાસી વારસાને નમન કરવાનો દિવસ તો બનશે જ, પણ સાથે સાથે એક સમરસ સમાજ માટેના દેશના સંકલ્પનું પ્રતિક પણ બની રહેશે. અને હું જ્યારે જનજાતિ ગૌરવની વાત કરૂં છું ત્યારે આઝાદીના સમગ્ર આંદોલનમાં 15 ઓગષ્ટનું જે એક વિશેષ મૂલ્ય છે. જે રીતે આપણી સાંસ્કૃતિક પરંપરાઓમાં રામ નવમીનું મહત્વ છે, જે રીતે આપણાં જીવનમાં કૃષ્ણ અષ્ઠમીનું મહત્વ છે તે જ રીતે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મ જયંતી અહિંસા દિવસ તરીકે સ્થાન પામી છે એ જ રીતે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી દેશની એકતાના સંદેશ સાથે જોડાયેલી છે તેવી જ રીતે 15 નવેમ્બર આપણાં દેશમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે મનાવવામાં આવશે. દેશની જનજાતિઓએ દેશના વિકાસ માટે, દેશની સમૃધ્ધિ માટે જે પણ કામ કર્યું છે અને કામ કરવા માંગે છે તેને ઉમંગ સાથે આગળ ધપાવવામાં આવશે.

સાથીઓ,

આઝાદીનો અમૃત મહોત્સવ, દેશનો આ મહોત્સવ પૂર્વોત્તરના રંગો અને અહીંની સંસ્કૃતિ વગર પૂરો થઈ શકે તેમ નથી. એટલા માટે વર્ષ 2047માં જ્યારે દેશની આઝાદીને 100 વર્ષ પૂરાં થશે ત્યારે દેશ જે ઉંચાઈ હાંસલ કરશે, તેના નેતૃત્વમાં ખૂબ મોટું યોગદાન આ મારા પૂર્વોત્તરે પણ આપવાનું છે.

આજે પૂર્વોત્તરમાં વિકાસને દરેક દિશામાં, દરેક પાસાંને ગતિ આપવામાં આવી રહી છે. અહિંયા પ્રકૃતિ અને પર્યટન સાથે જોડાયેલી ઘણી અપાર સંભાવનાઓ છે. દક્ષિણ એશિયા સાથે ભારતને જોડવાનો આ રસ્તો છે. વેપાર માટે અપાર તકો છે. આ તમામ શક્યતાઓ સાકાર થશે ત્યારે અહિંયા આધુનિક માળખાકીય સુવિધાઓ ઉભી થશે અને બહેતર કનેક્ટિવિટી પણ મળશે.

વિતેલા દાયકાઓમાં આ દિશામાં જે ઊણપ રહી ગઈ હતી તેને આજે ઝડપથી પૂરી કરવામાં આવી રહી છે. આજે પૂર્વોત્તરમાં રેલવે કનેક્ટિવિટી પણ પ્રાપ્ત થઈ રહી છે. નવા રેલવે માર્ગો પણ બની રહ્યા છે, તેવી જ રીતે જે વિસ્તારોને અગાઉ દૂર્ગમ સમજીને છોડી દેવામાં આવતા હતા ત્યાં આજે નવા નવા ધોરી માર્ગો બની રહ્યા છે. પહોળી સડકો બની રહી છે. પૂલ બનાવવામાં આવી રહ્યા છે. અહિંયા ત્રિપુરામાં પણ નવી રેલવે લાઈનો માટે, નવા રાષ્ટ્રીય ધોરી માર્ગો માટે ઘણું કામ થયું છે. આ આધુનિક માળખાકીય સુવિધાઓ આવનારા સમયમાં પૂર્વોત્તરની ઓળખને, અહિંની પ્રગતિનું નવેસરથી ઘડતર કરશે.

મને પૂરો ભરોંસો છે કે આપણો આ સંકલ્પ, પૂર્વોત્તરમાં આવી રહેલું પરિવર્તન નજીકના ભવિષ્યમાં દેશને એક નવી ઉંચાઈ પર લઈ જશે.

ફરી એકવાર આટલું મોટું મહત્વપૂર્ણ કામ, નાના સરખા રાજ્યમાં આટલી મોટી મહત્વપૂર્ણ છલાંગ મને પણ ગર્વ આપી રહી છે, આનંદ આપી રહી છે. આપ સૌ લાભાર્થીઓને, ત્રિપુરાના નાગરિકોને પૂર્વોત્તરના મારા તમામ ભાઈ-બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપ સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/JD

 



(Release ID: 1771721) Visitor Counter : 238