પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ભારત-ઇટલી વચ્ચે ઊર્જાના માધ્યમોમાં પરિવર્તનને વેગ આપવા થયેલી વ્યૂહાત્મક ભાગીદારી પર સંયુક્ત નિવેદન

Posted On: 30 OCT 2021 2:24PM by PIB Ahmedabad

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક ઇટલીના મંત્રીમંડળના પ્રમુખ મહામહિમ મારિયો દ્રાધીએ 30-31 ઓક્ટોબર, 2021ના રોજ રોમમાં ઇટલી દ્વારા આયોજિત જી20 લીડર્સના શિખર સંમેલનની સાથે-સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

બંને નેતાઓએ 6 નવેમ્બર, 2020ના રોજ ભારત અને ઇટલી વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવાની કાર્યયોજના (2020-2024)નો સ્વીકાર કર્યા પછી આ દિશામાં થયેલી નોંધપાત્ર પ્રગતિને બિરદાવી હતી. તેમણે કાર્યયોજના દ્વારા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સાથસહકારને વધારવાનાં તેમના સંકલ્પને વ્યક્ત કર્યો હતો, જેમાં આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા સ્વચ્છ ઊર્જા તરફ અગ્રેસર થવા વિવિધ સમસ્યાઓનું ઝડપથી સમાધાન કરવાની બાબત સામેલ છે, જે રોમમાં જી20 લીડર્સના શિખર સંમેલન અને ગ્લાસગૉમાં સીઓપી 26નું હાર્દ છે.

તેમણે 8 મે, 2021ના રોજ પોર્ટોમાં યોજાયેલી ભારતીય-યુરોપિયન યુનિયન (ઇયુ) નેતાઓની બેઠકને પણ યાદ કરી હતી, જેમાં યુરોપિયન યુનિયન અને ભારતના પ્રતિનિધિઓએ આબોહવામાં પરિવર્તન, જૈવવિવિધતાને નુકસાન અને પ્રદૂષણના આંતરનિર્ભર પડકારોનું સમાધાન ઝડપથી કરવા પર ભાર મૂક્યો હતો તથા પુનઃપ્રાપ્ય ઊર્જાની સ્થાપનાને વેગ આપવા માટે સાથસહકારને ગાઢ બનાવવા સંમત થયા હતા, જેમાં ઓફશોર પવન ઊર્જા જેવી પુનઃપ્રાપ્ય ઊર્જાની નવીન ટેકનોલોજીઓની સ્થાપના તેમજ ગ્રીન હાઇડ્રોજનની સંભાવનાની ચકાસમી, ઊર્જા અસરકારકતાને પ્રોત્સાહન, સ્માર્ટ ગ્રિડ્સ અને ઊર્જાના સંગ્રહ માટેની ટેકનોલોજીઓની સ્થાપના, ઇલેક્ટ્રિસિટી બજારનું આધુનિકીકરણ સામેલ છે.

આ ઉપરાંત બંને દેશો પર્યાવરણને અનુકૂળ ઊર્જાના માધ્યમોને મુખ્ય અસ્કયામત ગણીને તેમની વીજ વ્યવસ્થાઓમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના વધતા હિસ્સાનું વાજબી ખર્ચે સંકલન કરવાની પ્રક્રિયાને સર્વોચ્ચ મહત્વ આપવા સંમત થયા હતા, જેનાથી રોજગારીનું સર્જન થશે, જીડીપીમાં વૃદ્ધિ થશે, તમામને ઊર્જા ઉપલબ્ધ થશે તેમજ ઊર્જાની ખેંચ દૂર થશે.

આ સંબંધમાં બંને પ્રધાનમંત્રીઓએ ભારતના વર્ષ 2030 સુધીમાં 450 ગિગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનના લક્ષ્યાંકની પ્રશંસા કરી હતી તેમજ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનને ઇટલીના ત્વરિત સાથસહકાર અને મંજૂરી તથા ઊર્જાના માધ્યમોમાં પરિવર્તનમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરવા સંમતિને બિરદાવી હતી.

આ જોડાણ હાલ દ્વિપક્ષીય વ્યવસ્થા પર આધારિત હોઈ શકે છે, જેમાં ઇટલીના ઇકોલોજિકલ વ્યવસ્થામાં પરિવર્તન મંત્રાલય અને ભારતના નવી અને પુનઃપ્રાપ્તિ ઊર્જા મંત્રાલય, વીજ મંત્રાલય અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયો વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જા અને પર્યાવરણને અનુકૂળ વિકાસ પર સાથસહકારને નવો વેગ આપવાની બાબતો સામેલ છે.

ભારત અને ઇટલી તેમના ઊર્જાના માધ્યમોમાં પરિવર્તનના ક્ષેત્રમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે નીચેની કામગીરીઓ કરશેઃ

  • 30 ઓક્ટોબર, 2017ના રોજ દિલ્હીમાં ઊર્જાના ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા સમજૂતીકરાર (એમઓયુ) થયા હતા, જે અંતર્ગત સંયુક્ત કાર્યકારી જૂથ સ્થાપિત કરવાનું છે, જે આ ક્ષેત્રોમાં સાથસહકારની સંભાવનાઓ ચકાસશેઃ સ્માર્ટ સિટીઝ, મોબિલિટી, સ્માર્ટ-ગ્રિડ, વીજળીનું વિતરણ અને સંગ્રહ કરવાના સમાધાનો, ગેસનું પરિવહન અને ઇંધણની જરૂરિયાતો પર્યાવરણને અનુકૂળ રીતે વધુ પૂરી કરવા કુદરતી ગેસને પ્રોત્સાહન, કચરાનું સંકલિત વ્યવસ્થાપન (કચરામાંથી સંપત્તિ) અને ગ્રીન ઊર્જાઓ (ગ્રીન હાઇડ્રોજન, સીએનજી અને એલએનજી, બાયોમિથેન, બાયોરિફાઇનરી, બીજી પેઢીના બાયોઇથેનોલ, કેસ્ટર ઓઇલ, બાયો-ઓઇલ-કચરામાંથી ઇંધણ).
  • ભારતમાં ગ્રીન હાઇડ્રોજન અને એની સાથે સંબંધિત ટેકનોલોજીઓના વિકાસ અને એની સ્થાપનાને ટેકો આપવા સંવાદ કે ચર્ચાવિચારણા શરૂ કરવી.
  • ભારતે વર્ષ 2030 સુધીમાં કુલ 450 ગિગાવોટની પુનઃપ્રાપ્ય ઊર્જાનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેનો લાભ લેવા ભારતમાં મોટા કદના ગ્રીન કોરિડોર પ્રોજેક્ટને ટેકો આપવા સંયુક્તપણે કામ કરવા વિચારો કરવો.
  • કુદરતી ગેસના ક્ષેત્ર, કાર્બનના ઉત્સર્જનમાંથી મુક્તિ માટે ટેકનોલોજીકલ નવીનતા, સ્માર્ટ સિટીઝ અને અન્ય ચોક્કસ ક્ષેત્રો (એટલે કે શહેરી સરકારી પરિવહનનું ઇલેક્ટ્રિફિકેશન)માં સંયુક્તપણે વિવિધ પ્રોજેક્ટ વિકસાવવા ભારતીય અને ઇટાલિયન કંપનીઓને પ્રોત્સાહન આપવું.
  • ઊર્જાના માધ્યમમાં પરિવર્તન સાથે સંબંધિત ક્ષેત્રોમાં ભારતીય અને ઇટાલિયન કંપનીઓના સંયુક્ત રોકાણને પ્રોત્સાહન આપવું.
  • ઉપયોગી માહિતી અને અનુભવોની વહેંચણી, ખાસ કરીને નીતિનિયમો અને નિયમનકારી માળખાના ક્ષેત્રમાં, જેમાં પર્યાવરણને અનુકૂળ કે સ્વચ્છ અને વાણિજ્યિક રીતે વ્યવહારિક ઇંધણો/ટેકનોલોજીને વેગ આપવા શક્ય માધ્યમો, લાંબા ગાળાનું ગ્રિડ આયોજન, પુનઃપ્રાપ્ય ઊર્જા માટે પ્રોત્સાહનકારક યોજનાઓ અને અસરકારક પગલાં તેમજ પર્યાવરણને અનુકૂળ ઊર્જાના ઉત્પાદનમાં ઝડપથી અગ્રેસર થવા માટે નાણાકીય માધ્યમો સાથે સંબંધિત બાબતો સામેલ છે.

 


(Release ID: 1767892) Visitor Counter : 335