નાણા મંત્રાલય

નાણાં સચિવ ડૉ. ટી.વી. સોમનાથને માલ-સામાન અને બિન-પરામર્શ સેવાઓ માટે આદર્શ નિવિદા દસ્તાવેજો (MTD) બહાર પાડ્યાં


MTD વિશેષ રીતે ઇ-પ્રાપ્તિ, જાહેર ખરીદીની પ્રક્રિયાની ડિજિટાઇઝેશન પ્રક્રિયા સરળ બનાવવાની જરૂરિયાતો સંતોષશે અને ડિજિટલ ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે

Posted On: 29 OCT 2021 4:27PM by PIB Ahmedabad

નાણાં સચિવ અને ખર્ચ વિભાગના સચિવ ડૉ. ટી.વી. સોમનાથને આજે પ્રવર્તમાન નિયમો અને પ્રક્રિયાની સમીક્ષાની સતત ચાલી રહેલી પ્રક્રિયાના ભાગરૂપે માલ-સામાન અને બિન-પરામર્શ સેવાઓની ખરીદી માટે આદર્શ નિવિદા દસ્તાવેજો (MTD) બહાર પાડ્યાં છે. ચાલુ વર્ષે સ્વતંત્રતા દિને માનનીય પ્રધાનમંત્રી દ્વારા આ વાત પર ભાર મૂક્યો હતો.

MTD ખાસ કરીને ઇ-પ્રાપ્તિ સંબંધિત જરૂરિયાતો સંતોષે છે, જેનાથી ઇ-પ્રાપ્તિની સ્વીકૃતિ માટેની પ્રક્રિયામાં સરળતા આવે છે અને સરકારના સુગમ અને કાર્યક્ષમ ઇ-ગવર્નન્સની આકાંક્ષાઓ પરિપૂર્ણ થાય છે. આ પ્રકારની પહેલો જાહેર ખરીદીની ડિજિટાઇઝેશન પ્રક્રિયાને સરળ અને નિયત બનાવીને ડિજિટલ ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે.

નિવિદા દસ્તાવેજો ઉદ્યોગો સાથે સરકારના મહત્ત્વપૂર્ણ સંપર્ક બિંદુઓ છે અને આથી જમીની સ્તર ઉપર નીતિગત પહેલોના અમલીકરણ માટે મહત્ત્વપૂર્ણ વાહક છે. નિવિદા દસ્તાવેજોના એકસમાન સમૂહો સરકારને તેની નીતિઓ અસરકારક રીતે, સાતત્યપૂર્ણ રીતે અને એકીકૃત રીતે વ્યક્ત કરવા સક્ષમ બનાવે છે. જાહેર ખરીદ નીતિઓ અને પહેલોના અર્થઘટન અને અમલીકરણમાં એકીકૃતતા તેના અમલમાં સ્પષ્ટતા દર્શાવે છે, જેનાથી અનુપાલન વધે છે અને ખરીદ પ્રક્રિયામાં જાહેર વિશ્વાસમાં વધારો થાય છે. વધુમાં શ્રેષ્ઠ ખરીદ પ્રણાલીઓ રજૂ કરવા ઉપરાંત, એકીકૃત નિવિદા દસ્તાવેજો નીતિગત પહેલોના સકારાત્મક પ્રભાવમાં વધારો કરે છે અને તેનાથી કરકસર થાય છે અને સ્પર્ધામાં વધારો થાય છે. તે કરદાતાઓના નાણાંના શ્રેષ્ઠ ઉપયોગ માટે વધારે કાર્યક્ષમ બજાર પરિસ્થિતિઓનું સર્જન કરે છે. આવેદનકર્તા તેમની ચીજ-વસ્તુઓ માટે વધારે વિસ્તૃત બજાર પ્રાપ્ત કરી શકે છે.

 

તે અનુસાર, આદર્શ નિવિદા દસ્તાવેજો (MTD) હવે ચીજ-વસ્તુઓ અને બિન-પરામર્શ સેવાઓની ખરીદી માટે વિકસાવવામાં આવ્યાં છે. આ MTD નિવિદા દસ્તાવેજોના સ્વરૂપને તર્કસંગત અને સરળ બનાવે છે. સુક્ષ્મ અને લઘુ સાહસો સંબંધિત નીતિઓ જેવી સરકારની વિવિધ ખરીદ નીતિઓની જોગવાઇઓ સાથે અનુરૂપ થવા ઉપરાંત તે મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ-અપના લાભો મેળવવામાં પ્રાથમિકતા આપે છે તથા MTDsની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રણાલીઓનો સમાવેશ કરે છે. MTD મંત્રાલયો/ વિભાગો/ કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો, અન્ય સંગઠનો અને વ્યક્તિગત નિષ્ણાતો સાથે વિસ્તૃત પરામર્શ કરીને બે તબક્કામાં વિકસાવવામાં આવ્યાં છે.

નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા બહાર પડાયેલા MTD માર્ગદર્શક નમૂનાઓ હશે. સરકારની ડિજિટલ ભારતની પહેલને ઉત્તેજન આપવા માટે MTDના વપરાશકર્તા વિભાગો પોતાની જરૂરિયાત અનુસાર તેમાં સરળતાથી ફેરફારો હાથ ધરી શકે અને તે માટે તેને ડિજિટલ સ્વરૂપમાં નમૂનાઓ સાથે બહાર પાડવામાં આવી રહ્યાં છે. મંત્રાલયો/ વિભાગો તેમની સ્થાનિક/ વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ આ દસ્તાવેજોમાં યોગ્ય સુધારો કરવા માટે સક્ષમ ગણાશે. દરેક MTDના ઉપયોગમાં ખરીદકર્તા અધિકારીઓને મદદ કરવા માટે દરેક MTDના ઉપયોગ માટે માર્ગદર્શન તરીકે એક અલગ વિગતવાર માર્ગદર્શક નોંધ પણ તૈયાર કરવામાં આવી છે. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આદર્શ નિવિદા દસ્તાવેજો માર્ગદર્શક નમૂનાઓ બની રહેશે.

સરકારી સંગઠનો તેમની ફરજો અને જવાબદારીઓનું પાલન કરવા માટે વિવિધ માલ-સામાન અને બિન-પરામર્શ સેવાઓની ખરીદી કરે છે. સુશાસન, પારદર્શિતા, વ્યાજબીપણું અને સ્પર્ધાત્મકતા વધારવા અને જાહેર ખરીદીમાં નાણાંનું શ્રેષ્ઠ વળતર પ્રાપ્ત કરવામાં વૃદ્ધી કરવા માટે ભારત સરકારે તાજેતરના ભૂતકાળમાં જાહેર ખરીદીમાં સંખ્યાબંધ નોંધપાત્ર નીતિગત પહેલો હાથ ધરી છે. સામાન્ય વિત્તીય નિયમો માર્ચ, 2017માં સર્વગ્રાહી મૂલ્યાંકન બાદ બહાર પાડવામાં આવ્યાં હતાં. વધુમાં ત્રણ ખરીદી માર્ગદર્શક પુસ્તિકાઓ, માલ-સામાનની ખરીદી માટે માર્ગદર્શક પુસ્તિકા, 2017, પરામર્શ અને અન્ય સેવાઓ માટે ખરીદી પુસ્તિકા, 2017 અને કાર્ય ખરીદી માટે માર્ગદર્શક પુસ્તિકા પણ વિકસાવવામાં આવી છે.

આ આદર્શ નિવિદા દસ્તાવોજોની રચના અને તેની પ્રસિદ્ધી પ્રવર્તમાન નિયમો અને પ્રક્રિયાઓની સમીક્ષાની સતત ચાલી રહેલી પ્રક્રિયાનો ભાગ છે અને 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2021 દરમિયાન વિશેષ અભિયાન તરીકે કેબિનેટ સચિવ દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

દસ્તાવેજોની લિંક્સ:

https://doe.gov.in/sites/default/files/Model%20Tender%20Document%20for%20Procurement%20of%20Goods_0.pdf

https://doe.gov.in/sites/default/files/Model%20Tender%20Document%20for%20Procurement%20of%20Non%20Consultancy%20Services.pdf

 



(Release ID: 1767521) Visitor Counter : 379